You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પેટાચૂંટણી: કડી પેટાચૂંટણીમાં નીતિન પટેલ અને જિજ્ઞેશ મેવાણીની ચર્ચા કેમ છે?
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની કડી અને વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
ગુજરાતની આ બંને બેઠકો માટે 19મી જૂનના રોજ મતદાન થશે અને 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે.
વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.
વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતાઈ આવ્યા હતા.
પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપના આ દિગ્ગજ નેતા નીતિન પટેલને ટિકિટ નહોતી આપવામાં આવી, જેને કારણે આ વખતે પેટાચૂંટણીમાં તેમની સક્રિયતા અંગે ચર્ચા થવા લાગી છે.
તો કડી બેઠકની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નામને લઈને પણ ચર્ચા છે, કારણ કે જિજ્ઞેશ મેવાણીએ કડીમાં કૉંગ્રેસના 'ચૂંટણીના ઇન્ચાર્જ બનવાની ના પાડી' હોવાનું જાણવા મળ્યું છે. કૉંગ્રેસ અને આપનું ગઠબંધન પણ તૂટી ગયું છે જેથી આ પેટાચૂંટણી ત્રિપાંખિયો જંગ બને તેવી શક્યતા છે.
ત્રણેય પક્ષો દાવો કરી રહ્યા છે કે આ બેઠક પરથી જીત તેમના પાર્ટીના ઉમેદવારની જીત થશે, પરંતુ હજુ એક પણ પક્ષે તેમના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.
ભાજપ, કૉંગ્રેસ કે આપના કોઈ પણ ઉમેદવારોના નામ કડી બેઠક માટે જાહેર ન થયા હોવા છતાં ભાજપના નીતિન પટેલ અને કૉંગ્રેસના જિજ્ઞેશ મેવાણીના નામની ચર્ચા કેમ છે તે વિશે અમે કેટલાક રાજકીય વિશ્લેષકો અને પાર્ટીના નેતાઓ સાથે વાત કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિજ્ઞેશ મેવાણીએ પેટાચૂંટણી માટે પ્રભારી બનવાની ના પાડી?
કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કડી વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રભારીની જાહેરાત કરવામાં આવી હતી.
કડીમાં દલિત મતદારોનું પ્રભુત્વ હોવાને કારણે કૉંગ્રેસે કડીની જવાબદારી બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકોર, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ તથા માલધારી સમાજમાંથી આવતા કૉંગ્રેસ નેતા રઘુ દેસાઈને સોંપી હતી. જોકે કૉંગ્રેસનાં સૂત્રો જણાવે છે કે જિજ્ઞેશ મેવાણીએ કડીની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના 'પ્રભારી બનવાની ના પાડી' દીધી છે.
જિજ્ઞેશ મેવાણીએ અમરેલીમાં એક દલિતની હત્યા મામલે કૉંગ્રેસની નેતાગીરી સામે સવાલો કર્યા હતા. તેમણે કેટલીક યૂટ્યૂબ ચૅનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે 'દલિતોના અત્યાચાર મામલે કૉંગ્રેસ અવાજ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે.'
કૉંગ્રેસનાં સૂત્રો કહે કે આ જ કારણોને લઈને તેમણે કડીની પેટાચૂંટણીમાં પ્રભારી બનવાની ના પાડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે આ બધાને લઈને મોવડીમંડળને ફરિયાદ પણ કરી છે. જોકે, આ વિશે કૉંગ્રેસના કોઈ પણ નેતા સ્પષ્ટ પણે બોલવા તૈયાર નથી.
જિજ્ઞેશ મેવાણીનો બીબીસીએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શક્યો નહોતો. પરંતુ તેમણે એક યૂટ્યૂબ ચૅનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે "અમરેલીમાં જ્યારે પાયલ ગોટીના માનવાધિકારનો ભંગ થયો ત્યારે કૉંગ્રેસી નેતાઓ મેદાનમાં આવી ગયા પણ જ્યારે એ જ અમરેલીમાં એક દલિતનું ખૂન થયું ત્યારે તેઓ ગાયબ છે."
"મારે ગંભીરપૂર્વક પૂછવું છે કે પાર્ટી ક્યાં છે? દલિત સાથે અત્યાચાર થાય કે અન્યાય થાય ત્યારે પાર્ટીએ સ્ટેન્ડ લેવું જ પડે. આ એકલા જિજ્ઞેશ મેવાણીની જ જવાબદારી નથી. જ્યાં સુધી આ ફૂટેલી કારતૂસોને અને ભાજપ સાથેના સેટિંગબાજોને કાઢી નહીં મૂકે ત્યાં સુધી આવું જ ચાલશે."
તેમણે રાહુલ ગાંધીએ અગાઉ ગુજરાતમાં આપેલા એક કટાક્ષભર્યા નિવેદનને પણ ટાક્યું. તેમણે કહ્યું, "ગુજરાતમાં જ્યાં સુધી લગ્નના ઘોડાને અલગ નહીં કરવામાં આવે ત્યાં સુધી બધું આવું જ ચાલશે."
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ અગાઉ ગુજરાતમાં એક સંમેલનમાં કહ્યું હતું કે ગુજરાત કૉંગ્રેસમાં દોડનારા ઘોડા જુદા છે અને લગ્નના ઘોડા જુદા છે.
કૉંગ્રેસ, ભાજપ અને આપે જિજ્ઞેશ મેવાણી મામલે શું કહ્યું?
આ મામલે બીબીસી ગુજરાતીએ કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ સાથે વાતચીત કરી હતી. હેમાંગ રાવલે આ વિવાદ મામલે વધારે ચોખવટ તો ન કરી, પરંતુ એટલું જરૂર કહ્યું કે તેમણે કેમ ના પાડી તે વિશે તેમને વધારે ખબર નથી.
હેમાંગ રાવલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "પેટાચૂંટણીમાં પ્રભારી તરીકેનું કામ સંપૂર્ણ સમય માગી લે છે. મારો અંદાજ છે કે તેમને અગાઉથી નિર્ધારિત કાર્યક્રમો હશે તેને કારણે તેઓ સમય ન આપી શકે તેવી સંભાવનાને ધ્યાને રાખીને તેમણે ના પાડી હશે. બાકી તેનો બીજો કોઈ અર્થ નથી."
જિજ્ઞેશના પ્રભારી બનવાના ઇનકારના વિવાદ બદલ ભાજપે પણ પ્રતિક્રિયા આપી છે.
ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે જણાવે છે, "વિવાદ ન થાય તો તેનું નામ કૉંગ્રેસ નહીં. જે જિજ્ઞેશ મેવાણી બધી જગ્યાએ એવો પ્રચાર કરતા હોય કે કૉંગ્રેસ ગુજરાતમાં બધે જીતવાની છે. તેમણે જ્યારે કડીની પેટાચૂંટણીમાં પ્રભારી બનવાની ના પાડી છે તે બતાડે છે કે કૉંગ્રેસે પહેલેથી જ હાર માની લીધી છે."
આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાની પેટાચૂંટણીના નિરીક્ષક જયદીપસિંહ ચૌહાણ બીબીસી ગુજરાતીને જણાવે છે કે "જિજ્ઞેશ મેવાણીએ દલિત સમાજની પીડાનો અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ કૉંગ્રેસને તેની પડી જ નથી. એનો અર્થ એ થાય છે કે કૉંગ્રેસ સામાન્ય લોકો માટે નથી. તેમને હારનો ડર સતાવી રહ્યો છે."
રાજકીય વિશ્લેષક હરેશ ઝાલા કહે છે જિજ્ઞેશ મેવાણીના આ વિવાદના ફેક્ટરની પેટાચૂંટણી પર કોઈ અસર થાય તેવું તેઓ માનતા નથી. તેઓ કહે છે કે "અનામત બેઠક હોવા છતાં કડીમાં સવર્ણો એટલે કે પાટીદારનું વર્ચસ્વ છે. ઓબીસી, મુસ્લિમો અને દલિતોની પણ સારી એવી સંખ્યા છે."
મહેસાણાના વરિષ્ઠ પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મેવાણીના વિવાદની અસર આ પેટાચૂંટણી પર બહુ અસર નહીં થાય. જૂથબંધી બંને પક્ષોમાં છે. કૉંગ્રેસની જૂથબંધી ફ્લૉર પર દેખાય છે જ્યારે ભાજપની જૂથબંધી ફ્લૉર પર દેખાતી નથી. હાલ, ભાજપનો હાથ ઉપર છે, કારણ કે વલણ એ રહ્યું છે કે પેટાચૂંટણીમાં સત્તાપક્ષની તરફેણમાં પરિણામ આવે છે."
કડીની અનામત સીટ પર નીતિન પટેલની ભૂમિકા કેટલી?
કડી વિધાનસભા આમ તો અનામત બેઠક છે, પણ અહીં નીતિન પટેલની ભૂમિકા પણ ચર્ચાઈ રહી છે. જાણકારો કહે છે ભાજપની જીતનો આધાર નીતિન પટેલ કેટલા સક્રિય રહેશે તેના પર છે.
હરેશ ઝાલા કહે છે, "કડીની પેટાચૂંટણીમાં સૌથી મોટું ફૅક્ટર નીતિન પટેલ છે. તેઓ પોતાને સાઇડલાઇન કર્યા હોવાનું માને છે. જો તેઓ પાર્ટીલાઇનથી અલગ થયા, જોકે આમ થશે નહીં, પરંતુ જો તેઓ આ ચૂંટણીમાં નિષ્ક્રિય પણ રહ્યા તો તેની અસર પરિણામ પર જરૂર પડી શકે છે."
જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે, "આ બેઠકોમાં મુસ્લિમ વોટર પણ દસ ટકાથી વધુ છે. નીતિન પટેલનું મુસ્લિમો સાથે સારું ટ્યૂનિંગ હતું. તેથી તેઓ તેમને સાચવી લેતા હતા. પરંતુ આ વખતે શું સ્થિતિ હશે તે કહેવું અઘરું છે."
જોકે, જયેન્દ્ર બ્રહ્મભટ્ટ કહે છે કે નીતિન પટેલના નિષ્ક્રિય રહેવાનાં કોઈ કારણો નથી. આ વિશે તેઓ જણાવે છે, "કેટલાંક દેખીતાં કારણો છે અને કેટલાંક છૂપાં. તેઓ પાર્ટી વિરુદ્ધ ન જઈ શકે. પણ છતાં ભાજપ કયા પ્રકારનો ઉમેદવાર પસંદ કરે છે અને તે નીતિન પટેલને કેટલા સાચવે છે તેના પર ઘણો આધાર છે."
ભાજપના નેતા યજ્ઞેશ દવે કહે છે, "નીતિન પટેલ માત્ર કડીમાં જ નહીં, પરંતુ આખા ગુજરાતમાં સન્માનનીય નેતા છે. તેમણે ગુજરાતમાં અનેક જવાબદારીઓ નિભાવી છે."
અમે નીતિન પટેલને પણ પૂછ્યું. તેમણે કહ્યું, "હજુ તો ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ છે. પાર્ટી ઉમેદવાર નક્કી કરશે. તેનું નામ જાહેર કરશે. ત્યારે ચોક્કસ આકલન થઈ શકે."
અમે તેમને પૂછ્યું કે તમારી સક્રિયતા કેટલી છે? તો જવાબમાં તેમણે કહ્યું કે "કડી એ ભાજપનો ગઢ છે. અમે ભાજપની જીત સિવાય અન્ય બાબતો વિચારી પણ ન શકીએ."
જોકે, તેમણે તેમની કોઈ નારાજગીની વાત કે પછી પક્ષે તેમને સાઇડલાઇન કર્યા હોવાની વાત વિશે ચર્ચા ન કરી. જવાબમાં કહ્યું કે તમે ચૂંટણી બરાબર જામે ત્યારે તમે કડી આવો, હું તમને બધી વાત કરીશ.
તેમણે માત્ર એટલું જ કહ્યું, "કૉંગ્રેસ પતી ગયેલી પાર્ટી છે, અમારું કામ પક્ષ જે નક્કી કરે તે ઉમેદવારને માર્ગદર્શન આપવાનું છે."
જોકે, કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ નીતિન પટેલના આ દાવાને નકારે છે. તેઓ કહે છે, "કડીમાં યોજાયેલી છેલ્લી પાંચ ચૂંટણીમાં ત્રણ વખત ભાજપ વિજેતા રહ્યો છે અને બે વખત કૉંગ્રેસ. એટલે બંને માટે સમાન તક છે. અમને આશા જ નહીં વિશ્વાસ છે કે આ વખતે અમે જ જીતીશું, કારણ કે ભાજપ માત્ર માર્કેટિંગનો પક્ષ છે, તેણે કોઈ કામ કર્યાં નથી અને પ્રજા તેને ઓળખી ગઈ છે."
શું છે કડીનું રાજકીય ગણિત?
કડીનું રાજકીય ગણિત આમ તો ભાજપ અને કૉંગ્રેસ એમ બંને માટે લગભગ સરખું રહ્યું છે.
ગુજરાત રાજ્ય બન્યું તે પહેલાં મુંબઈ રાજ્ય વખતની બે વિધાનસભાની ચૂંટણીમાં બે અપક્ષ ધારાસભ્યો કડીથી જીત્યા હતા.
ગુજરાત રાજ્ય બન્યા બાદ 6 વખત કૉંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્ર પાર્ટી એક-એક તથા ભાજપે છ વખત આ બેઠક પ્રાપ્ત કરી છે.
ચૂંટણીપંચ પ્રમાણે કડી વિધાનસભા મતવિસ્તારમાં 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી કરતાં 376 મતદારોનો વધારો થયો છે. જેમાં 152 પુરુષો તથા 224 મહિલા મતદારોનો વધારો થયો છે. કડીમાં કુલ 1,49,719 પુરુષ મતદાર જ્યારે 1,40,023 મહિલા મતદારો થતા ત્રીજી જાતિના ચાર એમ કુલ મળીને 2,89,746 મતદારો છે.
જાણકારો કહે છે તે પ્રમાણે આમ તો કડી પાટીદારોનો ગઢ ગણાય છે. ઠાકોર મતદાતા પણ સારી એવી સંખ્યામાં છે. મુસ્લિમ વોટરો પણ દસેક ટકાની પાસે છે. ઓબીસી મતદારો પણ ખાસ્સી એવી સંખ્યામાં છે. પણ છે. ઉપરાંત એસસી મતદારો લગભગ 20 ટકા છે.
- જ્યારે મુંબઈ રાજ્ય હતું અને ગુજરાત અલગ નહોતું પડ્યું ત્યારે પહેલી વિધાનસભાની ચૂંટણી 1951માં થઈ હતી. આ ચૂંટણીમાં અપક્ષ પુરુષોત્તમદાસ રણછોડદાસ પટેલે બાજી મારી હતી. તેમણે કૉંગ્રેસના અંબાલાલ તુલસીદાસ પટેલને 449 મતે હરાવ્યા હતા. પુરુષોત્તમદાસને 18,050 મત જ્યારે કે અંબાલાલ પટેલને 17,601 મત મળ્યા હતા.
- 1957ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર છોટાલાલ મગનલાલ પટેલ વિજેતા થયા હતા. તેમણે કૉંગ્રેસના અર્જુનજી ડાભીને 15,465 મતે હરાવ્યા હતા. છોટાલાલ પટેલને 31,052 જ્યારે કે અર્જુનજી ડાભીને 15,587 મત મળ્યા હતા.
- ગુજરાત છૂટું પડ્યા પછી 1962માં યોજાયેલી પહેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના નટવરલાલ અમૃતલાલ પટેલે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર ધનાભાઈ હરગોવિંદદાસ પટેલને 422 મતોએ પરાજિત કર્યા હતા. નટવરલાલને 19,828 મત જ્યારે કે ધનાભાઈને 19,406 મત મળ્યા હતા.
- 1967ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના પીએન પરમાર 9,801 મતે વિજેતા બન્યા હતા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર જીકે રૂપાલાને પરાજિત કર્યા હતા. પરમારને 27,203 જ્યારે રૂપાલાને 17,402 મત મળ્યા હતા.
- 1972ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ગોવિંદભાઈ એસ પરમારે ભારતીય જનસંઘના ઉમેદવાર મોતીલાલ વરાટિયાને 679 મતે પરાજય આપ્યો હતો. ગોવિંદભાઈને 16,267 જ્યારે કે મોતીલાલને 15,588 મત મળ્યા હતા.
- 1975ની ચૂંટણીમાં ભારતીય જનસંઘે પહેલી વખત કડીથી ખાતું ખોલાવ્યું હતું. જનસંઘના પ્રહ્લાદભાઈ પટેલે કૉંગ્રેસના અર્જુનજી ડાભીને 7,461 મતે હરાવ્યા હતા. પ્રહ્લાદભાઈને 22,895 જ્યારે કે અર્જુનજીને 15,434 મત મળ્યા હતા.
- 1980ની ચૂંટણીમાં કૉંગ્રેસ (આઈ)ના કરસનજી મંગળજી ઠાકોરે ભાજપના ઉમેદવાર ભગુભાઈ ગોપાલદાસ પટેલને 9,492 મતે હરાવ્યા હતા. કરસનજીને 24,050 જ્યારે કે ભગુભાઈ પટેલને 14,558 મત મળ્યા હતા.
- 1985માં ફરીથી કૉંગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના ભગુભાઈ પટેલને 6,143 મતે પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરીની બોલબાલા હતી અને કૉંગ્રેસે 182 પૈકી 149 બેઠકો મેળવી હતી.
- 1990માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની 'બોલબાલા' વધી. કડીમાં પહેલી વખત નીતિન પટેલ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા. તેમણે કૉંગ્રેસના કરસનજી ઠાકોરને 2,738 મતે હરાવ્યા હતા. નીતિન પટેલને 34,370 જ્યારે કે કરસનજી ઠાકોરને 31,632 મત મળ્યા હતા.
- 1995માં ફરીથી નીતિન પટેલ ચૂંટાયા આ વખતે પણ તેમણે કૉંગ્રેસના કરસનજી ઠાકોરને 2,184 મતે હરાવ્યા. નીતિન પટેલને 48,320 જ્યારે કે કરસનજી ઠાકોરને 46,136 મત મળ્યા હતા.
- 1998માં ફરીથી નીતિન પટેલ ચૂંટાઈ આવ્યા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર દીપસિંહ ઠાકોરને 10,682 મતે હરાવ્યા. નીતિન પટેલને 53,205 જ્યારે કે દીપસિંહને 42,532 મત મળ્યા હતા.
- 2002ની ચૂંટણી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે મહત્ત્વની હતી, કારણ કે આ ચૂંટણી ગોધરાકાંડ અને ત્યાર બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલાં રમખાણો બાદ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિજય તો મેળવ્યો અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ કડીની ચૂંટણી નીતિન પટેલ હારી ગયા હતા. તેમને કૉંગ્રેસના બળદેવજી ઠાકોરે 6,429 મતે હરાવ્યા હતા.
- જોકે, 2007ની ચૂંટણીમાં નીતિન પટેલ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે બળદેવજી ઠાકોરને 1,327 મતે હરાવ્યા.
- 2012માં કડીની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ હતી. તેથી નીતિન પટેલે બેઠક બદલવી પડી. અહીંથી ભાજપે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટિકિટ આપી. પરંતુ હિતુ કનોડિયા કૉંગ્રેસના રમેશ ચાવડા સામે 1,217 મતે હારી ગયા.
- 2017માં કડીમાં ભાજપના કરસન સોલંકીએ કૉંગ્રેસના રમેશ ચાવડાને 7,746 મતોએ પરાજય આપ્યો.
- 2022ની ચૂંટણીમાં કડીથી ભાજપે ફરીથી કરસનભાઈ સોલંકીને ઉતાર્યા. તેઓ કૉંગ્રેસના પ્રવીણ પરમારને હરાવીને વિજેતા બન્યા.
- હવે 2025માં કરસનભાઈ સોલંકીના અવસાન થવાને કારણે કડીની પેટાચૂંટણી જાહેર થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન