ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: વીસાવદર અને કડીમાં રાજકીય સમીકરણો કેવાં છે?

કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી.

આ બંને બેઠક માટેની ચૂંટણીપ્રક્રિયા સોમવારથી શરૂ થશે અને 23મી જૂનના મતગણતરી યોજાશે.

કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે.

ચૂંટણીપ્રક્રિયા ક્યારથી શરૂ થશે, મતગણતરી ક્યારે?

કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ રિલીઝ પ્રમાણે, ગુજરાતની કડી અને વીસાવદર ઉપરાંત કેરળ (નીલંબુર), પંજાબ (લુધિયાણા-પશ્ચિમ) તથા પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા માટે પેટાચૂંટણી યોજાશે.

ચૂંટણીપંચના જણાવ્યા પ્રમાણે, સોમવારે આને માટે અધિસૂચના બહાર પાડવામાં આવશે, આ સાથે જ ચૂંટણીપ્રક્રિયા શરૂ થઈ જશે. એક અઠવાડિયા સુધી એટલે કે બીજી જૂન સુધી ઉમેદવારી કરી શકાશે.

એ પછીના દિવસે ત્રીજી જૂને ઉમેદવારીપત્રક ચકાસવામાં આવશે. પાંચમી જૂન સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.

19મી જૂનના રોજ મતદાન થશે તથા 23મી જૂનના રોજ મતગણતરી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચ 25મી જૂન સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

ગુજરાતની પેટાચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણીપંચે મતદારયાદી સુધારણા અભિયાન પણ હાથ ધર્યું હતું.

વીસાવદરની બેઠક પર પેટાચૂંટણીની જરૂર કેમ પડી?

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને વ્યાપક સફળતા મળી હતી, એમ છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા.

જોકે, વર્ષ 2023માં ભાજપમાં જોડાવા માટે તેમણે આપમાંથી તથા ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એ પછી તેમની ચૂંટણીને પડકારતી કેટલીક અરજીઓ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી.

પાછળથી આ અરજીઓ પાછી ખેંચી લેવામાં આવી હતી અને વીસાવદરની બેઠક ઉપર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો.

ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ એ પહેલાં જ આપે તેના ગુજરાત એકમના પૂર્વ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા.

છેલ્લાં લગભગ 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં કનુભાઈ ભલાળા અહીંથી ચૂંટાઈ આવ્યા હતા.

વર્ષ 2017માં કૉંગ્રેસના હર્ષદ રીબડિયા ચૂંટાઈ આવ્યા હતા. તેઓ વર્ષ 2014ની પેટાચૂંટણી વખતે પણ વિજયી થયા હતા.

વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણી સમયે ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા. એ સમયે કૉંગ્રેસના ઉમેદવારનો મૅન્ડેટ ઝૂંટવાઈ જતાં આ બેઠક ઉપર ભાજપ અને જીપીપી વચ્ચે જ મુખ્ય મુકાબલો થયો હતો.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં કેશુભાઈએ તેમનો પક્ષ ભાજપમાં ભેળવી દીધો હતો.

કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી

વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠક ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા, જેઓ ફરી ચૂંટાઈ આવ્યા હતા. ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.

વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થયાં હતાં, ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી વિજયી બન્યા હતા.

વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો.

પુનઃસીમાંકન પછી આ બેઠક અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ પણ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

ભાજપે તેના નવા અધ્યક્ષની જાહેરાત નથી કરી ત્યારે ફરી એક વખત સીઆર પાટીલ ઉપર જ હાલની પેટાચૂંટણીની જવાબદારી આવે તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટીએ અગાઉથી જ વીસાવદરની બેઠક ઉપરથી ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી, જેની સામે ગુજરાત કૉંગ્રેસના નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. એટલે કૉંગ્રેસ સાથે તેનું ગઠબંધન થાય તેવી શક્યતા નહિવત્ જણાઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન