You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભાજપની મોટી જીત પછી સી.આર. પાટીલે કહ્યું, “હજુ થોડી કચાશ રહી ગઈ”

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય, મધ્યસત્ર અને અમુક બેઠકો પર પેટાચૂંટણીના મોટાભાગના પરિણામો આવી ગયા છે. ભાજપની મોટી જીત થઈ છે.

સારાંશ

  • ગુજરાતમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકામાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીની મતગણતરી
  • ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીની પણ મતગણતરી
  • સ્થાનિક સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ
  • શરૂઆતના વલણોમાં ભાજપ બમ્પર જીત તરફ, કૉંગ્રેસ ગણતરીની બેઠકો પર આગળ

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોનાં પરિણામો જાહેર

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

    સાંજે પોણા સાત સુધીમાં હવે માત્ર નગરપાલિકાની 50 બેઠકોનાં જ પરિણામ જાહેર થવાનાં બાકી છે.

    નગરપાલિકાની કુલ 1844માંથી 1794 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે.

    1794માંથી કોને ફાળે કેટલી બેઠકો ગઈ?

    ભાજપ: 1341 બેઠકો

    કૉંગ્રેસ: 252 બેઠકો

    આમ આદમી પાર્ટી: 27 બેઠકો

    બસપા: 18 બેઠકો

    અપક્ષો: 151 બેઠકો

    અન્ય: 5 બેઠકો

  2. જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં શું થયું?

    જિલ્લા પંચાયતોની કુલ નવ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની તમામ નવ બેઠકો પર જીત થઈ છે.

    ગાંધીનગર, કઠલાલ અને કપડવંજની તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી થઈ હતી.

    કપડવંજ: 26 બેઠકોમાંથી ભાજપને ફાળે 18 બેઠકો, કૉંગ્રેસની છ અને અપક્ષોની બે બેઠકો પર જીત

    કઠલાલ: 24 બેઠકોમાંથી ભાજપને ફાળે 17 બેઠકો, કૉંગ્રેસની ત્રણ અને અપક્ષોની ચાર બેઠક પર જીત

    ગાંધીનગર: 28 બેઠકોમાંથી 20 પર ભાજપ અને 8 પર કૉંગ્રેસની જીત

    એ સિવાય તાલુકા પંચાયતોની કુલ 88 બેઠકો પર થયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાં છે. જેમાંથી ભાજપને 73 બેઠકો પર વિજય મળ્યો છે. કૉંગ્રેસને ફાળે 12, આપને ફાળે બે અને અપક્ષોને ફાળે એક બેઠક ગઈ છે.

    ગુજરાત : જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોને કેટલો પગાર અને ગ્રાન્ટ મળે? - વાંચવા માટે અહીં ક્લિક કરો

  3. ભાજપની મોટી જીત પછી સી.આર. પાટીલે કહ્યું, “હજુ થોડી કચાશ રહી ગઈ”

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની થયેલી પ્રચંડ જીત પછી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી.

    સી.આર.પાટીલે જીત પછી કહ્યું હતું કે, “સૌથી પહેલાં આ જીત માટે હું ભાજપના પાયાના કાર્યકર્તાઓનો આભાર માનું છું. આ ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ લગભગ 96 ટકા જેટલો રહ્યો છે, તે એક મોટો રેકૉર્ડ છે.”

    સી.આર.પાટીલે કહ્યું હતું કે, “જે અમારી ધારણા હતી તેમાં થોડી કચાશ રહી ગઈ છે. અમારે 68માંથી 68 નગરપાલિકા જીતવી હતી. પરંતુ અમે 68માંથી લગભગ 62 નગરપાલિકામાં સત્તા પર આવ્યા છીએ. કૉંગ્રેસને માત્ર એક જ નગરપાલિકામાં જીત મળી છે. કૉંગ્રેસની અતિશય નાલેશી થઈ છે.”

    કૉંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું હતું કે, “સાત નગરપાલિકાઓમાં કૉંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નથી. કૉંગ્રેસના કહેવાતા મોટા નેતાઓના વિસ્તારમાં પણ ભાજપની જીત થઈ છે. કૉંગ્રેસે વિચારવાની જરૂર છે.”

  4. મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણીમાં શું થયું?

    જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 60 બેઠકો પર મતદાન થયું હતું.

    અંતિમ પરિણામ પ્રમાણે ભાજપને 48, કૉંગ્રેસને 11 અને અપક્ષને એક બેઠક મળી છે.

    મહાનગરપાલિકાની પેટાચૂંટણી:

    ભાવનગર વડવા-બ વોર્ડની બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઈ છે.

    સુરતની લિંબાયત-પરવટ-કુંભારિયા વોર્ડની બેઠક પરની પેટાચૂંટણીમાં ભાજપની 17 હજારથી વધુ જીત થઈ છે.

    અમદાવાદ ઘાટલોડિયા વોર્ડની એક બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં ભાજપની 22353 મતે જીત થઈ છે.

  5. ગાંધીનગર: જીત પછી ભાજપના કાર્યાલયે કેવો માહોલ છે, જુઓ લાઈવ

    કોબા ગાંધીનગરના ભાજપ કાર્યાલય પર ચૂંટણીમાં સારા દેખાવ પછી કાર્યકર્તાઓ કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે?

    જુઓ બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાનો અહેવાલ

    ફેસબુક પર લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો

  6. ‘ભાજપને મત નહીં આપો તો મકાન નહીં રહેવા દઉં’- જ્યાં નિવેદન અપાયું ત્યાં થઈ ભાજપની હાર

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના પ્રચારમાં ભાજપના નેતા સતીશ પટેલે એક સભામાં મતદારોને ધમકી આપતા હોય તેવું નિવેદન આપ્યું હતું.

    તેમણે કહ્યું હતું કે, “જો ભાજપની પેનલને મત નહીં આપો તો હું તમારા મકાન નહીં રહેવા દઉં. ”

    ભાજપના નેતા સતીશ પટેલે આ નિવેદન કરજણ નગરપાલિકાના વોર્ડ-7 ના ઉમેદવારો માટે પ્રચાર કરતી વખતે આપ્યું હતું.

    હવે આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપની આ વોર્ડમાં ચારેય બેઠકો પર હાર થઈ છે. જે ઉમેદવાર સામે ભાજપના નેતાએ નિવેદન આપ્યું હતું એ ઉમેદવાર મહંમદ સંધીની પણ જીત થઈ છે.

    વોર્ડ-7માં ચારેય આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યાં છે.

    કરજણ નગરપાલિકાની 28 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપને ફાળે ગઈ છે, જ્યારે આઠ બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે, અને અપક્ષને ફાળે એક બેઠક ગઈ છે.

  7. કૉંગ્રેસની હાર પછી શક્તિસિંહ ગોહિલે કહ્યું, "આ પરિણામો નિરાશાજનક નથી"

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉંગ્રેસની કારમી હાર થઈ છે અને ભાજપે એકતરફી જીત મેળવી છે.

    આ હાર પછી કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

    શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “ગત વખતે 2018માં જ્યારે આ ચૂંટણી યોજાઈ ત્યારે અમારી પાસે 78 ધારાસભ્યો હતા, આ વખતે અમારી પાસે 12 જ ધારાસભ્ય હતા. આટલી નબળી પરિસ્થિતિમાં પણ અમે લડ્યા છીએ અને આ પરિણામ આવ્યું છે. અમારા માટે આ ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક નથી. ઘણી વાર હાર-જીત કરતાં તમે તમારી વિચારધારાને વળગી રહો એ જરૂરી છે.”

    તેમણે કહ્યું હતું કે, “આજે જૂનાગઢમાં પણ અમારા 11 કૉર્પોરેટરો ચૂંટાયા છે. જૂનાગઢમાં અમને ચૂંટણી ન લડવા દેવા માટે ભાજપે ખૂબ કાવાદાવાઓ કર્યા હતા. હું જૂનાગઢની જનતાનો પણ આભાર માનું છું. ”

    શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, “અમારા ઉમેદવારોને ખૂબ ધાકધમકીઓ આપવામાં આવી અને તેમને ફૉર્મ પાછું ખેંચાવી લેવાના પ્રયત્નો થયા. તેમ છતાં અમારા ઉમેદવારો મક્કમતાથી ચૂંટણી લડ્યા. હું તેમને સૌને ભાજપ સામે ઝૂકી ન જવા માટે અભિનંદન આપું છું, તેઓ વેચાયા નથી.”

    કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, "અમે કુતિયાણા અને રાણાવાવમાં પણ સ્થાનિક લોકોની સૂચન સાંભળીને અમે અમારા ઉમેદવારોને નહોતા લડાવ્યાં, કારણ કે અમે ભાજપને જીતવા દેવા માગતા નહોતા. અનેક જગ્યાએ અમે સમાન વિચારધારા વાળી પાર્ટી સાથે મળીને લડ્યા."

    અત્યાર સુધીના જાહેર થયેલા પરિણામોમાં કૉંગ્રેસને નગરપાલિકાની માત્ર 252 બેઠકો મળી છે જ્યારે ભાજપને 1341 બેઠકો મળી છે.

  8. સલાયા નગરપાલિકા: આપ-કૉંગ્રેસને મોટી સફળતા, ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સલાયા, ભાણવડ અને દ્વારકા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી.

    તેમાંથી સલાયા નગરપાલિકામાં મોટો ઊલટફેર થયો છે અને ત્યાં ભાજપનું ખાતું પણ ખૂલી શક્યું નથી.

    ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થઈ છે, પરંતુ આ નગરપાલિકામાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપને ખાતું ખોલવા દીધું નથી.

    સલાયા નગરપાલિકાની 28 બેઠકોમાંથી કૉંગ્રેસને 15 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ મોટો ઊલટફેર કરતાં 13 બેઠકો જીતી લીધી છે.

    આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, “આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીના મતવિસ્તાર સલાયામાં આમ આદમી પાર્ટીની દમદાર ઍન્ટ્રી થઈ છે.”

    તેમણે વધુમાં લખ્યું હતું કે, “ગુજરાતની બે નગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી દળ બનીને ઉભરી છે. આમ આદમી પાર્ટી ખતમ થઈ જવાનું સ્વપ્ન જોનારા ભાજપના સ્વપ્નના સોદાગરોને ગુજરાતથી સુંદર સ્માઈલ સાથે હૅલ્લો.”

    સલાયા નગરપાલિકાની ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર કે. કે. કરમટાએ બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાને જણાવ્યું હતું કે, "નગરપાલિકાની 28 બેઠકોમાંથી કૉંગ્રેસનો 15 બેઠકો પર વિજય થયો છે જયારે બાકીની 13 બેઠકો પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે."

    અહીં ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લાની ભાણવડ અને દ્વારકામાં ભાજપની એકતરફી જીત થઈ છે.

  9. બપોર સુધીમાં સ્પષ્ટ થયું સ્થાનિક સ્વરાજ્યનું ચિત્ર, મોટાભાગે ભાજપની એકતરફી જીત

    બપોરે દોઢ વાગ્યા સુધીમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યનું ચૂંટણીનું પરિણામ મોટેભાગે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

    જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની એકતરફી જીત થઈ છે.

    એ સિવાય નગરપાલિકાની પણ 1682 બેઠકોનું અત્યાર સુધીમાં પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાંથી ભાજપે 1278 બેઠક પર જીત મેળવી છે. કૉંગ્રેસને ફાળે માત્ર 236 બેઠકો ગઈ છે.

  10. જૂનાગઢ: એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માત્ર જૂનાગઢ મહાનગરપાલિકામાં સામાન્ય ચૂંટણી હતી.

    જૂનાગઢમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે અને મેયરપદ હાંસલ કર્યું છે.

    અત્યાર સુધીમાં જૂનાગઢની 60માંથી કુલ 56 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે.

    તેમાંથી ભાજપને 44 બેઠકો પર જીત મળી છે.

    કૉંગ્રેસને ફાળે 11 બેઠકો તથા અપક્ષને ફાળે એક બેઠક ગઈ છે.

  11. 12 વાગ્યા સુધીનાં પરિણામો: કેટલી નગરપાલિકાઓમાં ભાજપને સ્પષ્ટ બહુમતી?

    બપોરે 12 વાગ્યા સુધીનાં પરિણામો પર નજર નાખીએ તો ભાજપને કુલ 34 નગરપાલિકાઓમાં સ્પષ્ટ બહુમતી મળી ચૂકી છે.

    34 નગરપાલિકાઓ કે જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી:

    સોનગઢ, જામજોધપુર, સાણંદ, કરજણ, ચકલાસી, પ્રાંતિજ, તલોદ, ખેડબ્રહ્મા, દ્વારકા, ઓડ, હારીજ, ચાણસ્મા, રાધનપુર, કોડીનાર, સંતરામપુર, બીલીમોરા, રાપર, વડનગર, લાઠી, રાજુલા, ચલાલા, જસદણ, ઉપલેટા, જેતપુર-નવાગઢ, હળવદ, હાલોલ, શિહોર, માણાવદર, વંથલી, ચોરવાડ, વલસાડ, પારડી, ધરમપુર, માણસા.

    બાકીની મોટાભાગની નગરપાલિકાઓમાં પણ ભાજપ આગળ છે.

    કુતિયાણા અને રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે.

  12. પોરબંદર : કુતિયાણા અને રાણાવાવમાં કાંધલ જાડેજાનું વર્ચસ્વ વધ્યું, સમાજવાદી પાર્ટીએ ભાજપને આપી મ્હાત

    પોરબંદર જિલ્લા હેઠળ આવતી કુતિયાણા અને રાણાવાવની નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો પણ આજે જાહેર થઈ રહ્યાં છે.

    જેમાં 12 વાગ્યા સુધીમાં કુતિયાણાની 24 બેઠકોમાંથી 20 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. રાજ્ય ચૂંટણી પંચ અનુસાર, ભાજપે 10 અને સમાજવાદી પાર્ટીએ 10 બેઠકો પર જીત મેળવી છે.

    રાણાવાવની 28 બેઠકો બેઠકોમાંથી 24 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે. જેમાં ભાજપનો માત્ર આઠ બેઠકો પર વિજય થયો છે. જ્યારે સમાજવાદી પાર્ટીએ 16 બેઠકો પર વિજય મેળવી રાણાવાવની નગરપાલિકા કબ્જે કરી લીધી છે.

    કુતિયાણામાં ઢેલીબહેન ઓડેદરાની 549 મતે જીત થઈ છે. જ્યારે પહેલી વાર ચૂંટણી લડી રહેલા સરમણ મુંજાના દીકરા કાના જાડેજાની પણ સમાજવાદી પાર્ટી તરફથી 892 મતે જીત થઈ છે.

    આ પરિણામો પછી જાડેજા પરિવારનું વર્ચસ્વ ફરી સ્થાપિત થતું જણાય છે.

  13. 11 વાગ્યા સુધીનાં પરિણામો: ભાજપની મોટી જીતના સંકેત

    અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપનું પ્રભુત્ત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને પક્ષ મોટી જીત તરફ આગળ વધી રહ્યો છે. કૉંગ્રેસ ગણતરીની બેઠકો જીતતી દેખાઈ રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ કેટલીક બેઠકો જીતવામાં સફળ રહી છે.

    જૂનાગઢ મહાનગરપાલિકા: 60માંથી 20 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપનો તમામ 20 બેઠક પર વિજય

    નગરપાલિકાની સામાન્ય ચૂંટણી: 961 બેઠકોનાં પરિણામ જાહેર, ભાજપની 801 પર જીત, જ્યારે કૉંગ્રેસને ફાળે 98 બેઠકો, અપક્ષોને ફાળે 57, આપ અને બસપાને ફાળે પાંચ-પાંચ બેઠકો, અન્યોની ચાર બેઠક પર જીત

    નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી: 48 બેઠકોનાં પરિણામ જાહેર, 41 પર ભાજપની જીત, કૉંગ્રેસને ફાળે પાંચ બેઠક, આપ-બસપાને ફાળે એક-એક બેઠક

    તાલુકા પંચાયત: 43 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપને ફાળે 31 બેઠકો, કૉંગ્રેસની નવ બેઠકો પર જીત, ત્રણ બેઠક પર અપક્ષની જીત

    જિલ્લા પંચાયત પેટાચૂંટણી: નવ બેઠકોનું પરિણામ જાહેર, નવ બેઠકો ભાજપને ફાળે

  14. ગુજરાત: બમ્પર જીતના સંકેત મળતાં ભાજપની ઠેરઠેર ઉજવણી શરૂ

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યો છે. કૉંગ્રેસ માત્ર ગણતરીની બેઠકો પર આગળ છે.

  15. નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોનું પરિણામ: કોણ આગળ?

    અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપનું પ્રભુત્ત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કૉંગ્રેસ ગણતરીની બેઠકો જીતતી દેખાઈ રહી છે.

    જૂનાગઢ મહાનગરપાલિકા: 60માંથી 12 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપનો 12 બેઠક પર વિજય

    નગરપાલિકાની સામાન્ય ચૂંટણી: 507 બેઠકોનાં પરિણામ જાહેર, ભાજપની 439 પર જીત, જ્યારે કૉંગ્રેસને ફાળે 38 બેઠકો, અપક્ષોને ફાળે 25 અને બસપાને ફાળે પાંચ બેઠકો

    નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી: 31 બેઠકોનાં પરિણામ જાહેર, 29 પર ભાજપની જીત, કૉંગ્રેસ-બસપાને ફાળે એક બેઠક

    તાલુકા પંચાયત: 23 બેઠકોનું પરિણામ જાહેર, ભાજપને ફાળે 17 બેઠકો, કૉંગ્રેસની પાંચ પર જીત, એક બેઠક પર અપક્ષની જીત

    જિલ્લા પંચાયત પેટાચૂંટણી: આઠ બેઠકોનું પરિણામ જાહેર, આઠેય બેઠકો ભાજપને ફાળે

  16. LIVE: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ: ગાંધીનગરમાં કેવો છે માહોલ?

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે ત્યારે ગાંધીનગરના કાઉન્ટિંગ સેન્ટર પર કેવો માહોલ છે?

    બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ લોકો સાથે વાતચીત કરી હતી.

    • ફેસબુક પર લાઇવ જોવા માટે અહીં ક્લિક કરો
  17. સવારે 10 વાગ્યા સુધીનાં વલણો: નગરપાલિકાઓમાં ભાજપ સતત આગળ

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અનેક બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    સવારે 10 વાગ્યા સુધીનાં વલણોમાં ભાજપ સતત આગળ છે અને કૉંગ્રેસ સતત પાછળ છે.

    અત્યાર સુધીમાં નગરપાલિકાની કુલ 1844 બેઠકોમાંથી 271 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.

    જેમાં ભાજપનો 246 બેઠકો પર વિજય થયો છે.

    કૉંગ્રેસનો 18 બેઠકો પર તથા અપક્ષ ઉમેદવારોનો સાત બેઠકો પર વિજય થયો છે.

  18. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી: જુઓ તસવીરોમાં

  19. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલું મતદાન થયું હતું?

    16મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું.

    જૂનાગઢ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી: 44.32 ટકા

    નગરપાલિકા સામાન્ય ચૂંટણી: 61.65 ટકા

    તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી: 65.07 ટકા

    મહાનગરપાલિકા પેટાચૂંટણી: 31.72 ટકા

    નગરપાલિકા પેટાચૂંટણી: 37.85 ટકા

    જિલ્લા પંચાયત પેટાચૂંટણી: 43.67 ટકા

    તાલુકા પંચાયત પેટાચૂંટણી: 57.01 ટકા

  20. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલાં જ કેટલી બેઠકો બિનહરીફ થઈ?

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન થાય એ પહેલાં જ ઘણી બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.

    જૂનાગઢ મહાનગરપાલિકાની કુલ 60 બેઠકોમાંથી આઠ બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

    સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાના કુલ 461 વૉર્ડમાં ચૂંટણીની જાહેરાત થઈ હતી જેમાંથી કુલ 24 વૉર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. એટલે કે કુલ 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ થઈ હતી.

    મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વૉર્ડ પૈકી ચાર વૉર્ડ સંપૂર્ણ બિનહરીફ જાહેર થયા હતા. એટલે કે કુલ 72 બેઠકો પૈકી 23 બેઠકો બિનહરીફ થઈ હતી.

    નગરપાલિકાની પેટાચૂંટણીની વાત કરીએ તો તેમાંની 21 બેઠકો પૈકી બે બેઠકો બિનહરીફ થઈ હતી.

    જિલ્લા પંચાયતની પેટાચૂંટણી હેઠળની નવ બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થઈ છે.

    તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટેની 91 બેઠકોમાંથી કુલ 12 બેઠકો પર ઉમેદવારોની બિનહરીફ જીત થઈ હતી.

    આ સિવાયની બેઠકો પર મતદાન થયું હતું.