You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમરેલી : 'દલિત થઈને મારા દીકરાને 'બેટા' કેમ કહ્યું કહીને મારા પુત્રને મારી નાખ્યો' 20 વર્ષીય યુવાનની હત્યા બાદ પિતાનું દુ:ખ
"સરકાર મારી પરિસ્થિતિ જુએ, મારા છોકરાનો મૃતદેહ ચાર દિવસથી પડ્યો છે. મેં ખાધું નથી. બોલવાનુંય ભાન નથી."
"મારા દીકરાને આ લોકોએ દોડાવી દોડાવીને માર્યો. તેના હાથ પગ પકડી અને રોડ પર પછાડી પછાડીને માર્યો. આરોપીઓ કહી રહ્યા હતા કે તારાથી બેટા કઈ રીતે કહેવાય. "
ભાવનગરની સર ટી. હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમની સામે બેઠેલા આશરે 55 વર્ષના કાંતિભાઈ રાઠોડ પોતાના 20 વર્ષીય પુત્ર નીલેશભાઈની કથિત હત્યા બાદ હવે સરકાર પાસેથી ન્યાયની માગ કરતાં કંઈક આ વાત કરે છે.
અમરેલીના ઝરખિયા ગામના કાંતિભાઈ ઉનાળાની બળબળતી ગરમીમાં પોતાના પરિવારજનો અને કેટલાક દલિત આગેવાનો સહિત 'ન્યાયની માગ' સાથે બેઠા છે. તાપથી લગભગ દાઝી ગયેલા તેમના ચહેરા પર યુવાન દીકરો ગુમાવ્યાનું દુ:ખ સ્પષ્ટ દેખાઈ આવે છે.
તેમનો આરોપ છે કે ગત 16 મેના રોજ અમરેલીના સાવરકુંડલા રોડ પર આવેલી એક દુકાન પર વેફરનું પૅકેટ ખરીદવા પહોંચેલા તેમના યુવાન દીકરા નીલેશભાઈ રાઠોડે દુકાનદારના દીકરાને 'બેટા' કહેતાં ગુસ્સે ભરાયેલા પિતાએ 10-15 અન્ય આરોપીઓ સાથે મળીને તેમના પુત્રને ક્રૂર માર માર્યો હતો. જે બાદ ગત 22 તારીખે તેમના પુત્રનું ભાવનગરની સર ટી. હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કથિતપણે થયેલી એક માથાકૂટ એટલી વધી ગઈ હતી કે તેમાં દુકાનદાર સહિતના કેટલાક લોકોએ એક દલિત યુવાનનું મૃત્યુ નિપજાવી નાખ્યું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર આ ઘટનામાં ફરિયાદી પક્ષના કેટલાક અન્ય લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી.
કાંતિભાઈએ કહ્યું હતું કે તેમની પાંચ માગો પૈકી ચાર માગ સંતોષાઈ છે, પરંતુ સરકાર પાસેથી જમીનની માગ હજુ સુધી નથી સ્વીકારાઈ.
તેઓ કહે છે કે, "જમીનની માગ નથી સ્વીકારાઈ. તેથી અમે અહીંથી મૃતદેહ લઈને મુખ્ય મંત્રીના બંગલે જવાના છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે હાલ મૃતદેહ ભાવનગરની સર ટી. હૉસ્પિટલના પોસ્ટમૉર્ટમ રૂમમાં જ રાખવામાં આવ્યો છે.
પોલીસે આ સમગ્ર ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા અને ઍટ્રોસિટી ઍક્ટની લાગતીવળગતી કલમો અંતર્ગત ગુનો નોંધી કુલ દસ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે.
ગુજરાત કૉંગ્રેસના નેતા અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈને ગુજરાત સરકાર પાસેથી પીડિત પરિવારને ચાર-ચાર એકર જમીનની ફાળવણી કરવાની માગ કરી હતી. આ સિવાય તેમણે આ મામલામાં તાત્કાલિક પગલાં ભરી આ કેસમાં સરકાર 'આરોપીઓનાં ઘરો પર બુલડોઝર' ફેરવી બતાવે તેવો પડકાર ફેંક્યો હતો.
બીબીસી ગુજરાતીએ સમગ્ર ઘટના અંગે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપીના દીકરાને 'બેટા' કહેતાં ઝઘડાની શરૂઆત થયાનો આરોપ
"મારો દીકરો પાનના ગલ્લે પાણીની બૉટલ અને વેફરનું પડીકું લેવા ગયો હતો. ત્યાં એક નાનો છોકરો બેઠો હતો. વેફરના પડીકા સુધી તેનો હાથ નહોતો પહોંચી રહ્યો અને એ તોડવા માટે એ કૂદકા મારી રહ્યો હતો."
"મારા દીકરાએ આ દૃશ્ય જોઈ કહ્યું કે - બેટા હું લઈ લઉં છું. તેણે આટલું કહીને પડીકું તોડી લીધું. એટલામાં આ છોકરાના પિતાએ કહ્યું કે આવી રીતે કેમ પડીકું લઈ લીધું. પૂછીને લો. એ બાદ એણે મારા દીકરાને એની જ્ઞાતિ પૂછી અને મારા દીકરાએ પોતાની દલિત તરીકેની ઓળખ આપતાં જ દસ-15 જણા ભેગા થઈને કુહાડી, પાઇપ અને ધારિયા વડે મારા દીકરાને મારવાનું શરૂ કરી દીધું."
"તેને ઘટના બાદ અમરેલી દાખલ કરાયો હતો, તે બાદ ભાવનગર રિફર કરાયો હતો. એ બાદ મારો દીકરો ગુજરી ગયો."
કાંતિભાઈ સરકાર પાસેથી પોતાની માગણીઓ અંગે કહે છે કે, "હાલ અમે અહીં પાંચ માંગણી લઈને બેઠા છીએ. પરંતુ સરકાર કોઈ જવાબ આપતી નથી. અમારી ચાર માગ સ્વીકારાઈ છે, પરંતુ જમીનની માગ નથી સ્વીકારાઈ. તેથી અમે અહીંથી મૃતદેહ લઈને મુખ્ય મંત્રીના બંગલે જવાના છીએ."
પોલીસે શું કહ્યું?
અમરેલી પોલીસે આ સમગ્ર મામલા અંગે શૅર કરેલા ક્રાઇમ રિપોર્ટમાં નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર મૃતક નીલેશભાઈ રાઠોડ સાવરકુંડલા રોડ પર આવેલી દ્વારકાધીશ નામની દુકાને નમકીનનું પૅકેટ લેવા ગયા હતા.
ક્રાઇમ રિપોર્ટમાં લખાયેલ વિગતો અનુસાર, "દુકાન પર રહેલા છોકરાના પિતાએ નીલેશભાઈને જ્ઞાતિ પૂછીને તેમને મન ફાવે તેમ ગાળો આપી હડધૂત કર્યા હતા અને તેમના પર ફરસાણનો જારો ઉપાડી બળ વાપરી હુમલો કર્યો હતો."
અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ઘટના અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, "આ હુમલા બાદ નીલેશભાઈના કેટલાક મિત્રો દુકાને આવ્યા, સામેની બાજુએ દુકાનદાર ચોથાભાઈ ભરવાડ સાથે વિજય ટોટા, ભાવેશ મુંધવા જતીન મુંધવા અને બીજા અગિયાર જેટલા ઇસમો ભેગા થઈ જતાં સામા પક્ષ પર લાકડીઓ અને કુહાડી વડે હુમલો કરી દીધો હતો, જેમાં સુરેશભાઈ વાળાને પાંચ ટાંકા આવ્યા હતા. સાથે રહેલા નીલેશભાઈ રાઠોડને એક મણકો તૂટી જતાં અને મૂઢ માર વાગતાં ભાવનગર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા હતા. અને અન્ય ઈજાગ્રસ્તોને અમરેલીમાં જ દાખલ કરાયા હતા."
પોલીસ અધિકારી ચિરાગ દેસાઈએ ઘટના અંગે માહિતી આપતાં કહ્યું હતું કે,"આ મામલામાં પોલીસે મુખ્ય ચાર આરોપીઓની ઘટનાના બીજા જ દિવસે અટકાયત કરાઈ હતી. તપાસ દરમિયાન નામ ખૂલતાં 21 તારીખે અન્ય પાંચ આરોપીઓની અટકાયત કરાઈ હતી. તમામ આરોપીઓના રિમાન્ડ લીધા છે. "
"22 તારીખના રોજ નીલેશભાઈ રાઠોડનું દુ:ખદ અવસાન થતાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(2) ઉમેરી છે. આ ઘટનામાં કુલ દસ આરોપીની ધરપકડ કરાઈ છે."
જિજ્ઞેશ મેવાણીનો પડકાર
ગત ગુરુવારે વડગામના કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ 20 વર્ષીય યુવાન નીલેશભાઈ રાઠોડના મૃત્યુ બાદ ભાવનગરની સર ટી. હૉસ્પિટલે પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પીડિત પરિવારને ન્યાય આપી ગુજરાત સરકારને કડક કાર્યવાહી કરવાનો પડકાર ફેંક્યો હતો.
તેમણે કહ્યું કે, "આ ઘટનામાં ઘાયલ બીજા ત્રણ યુવાનોના પરિવારોને પણ હું મળ્યો. તેમને પણ ખૂબ ગંભીર માર મારવામાં આવ્યો છે."
"પીડિત પરિવારોની લાગણી-માગણી મુજબ ગુજરાત સરકાર તાબડતોડ ઍક્શન લે. તમામ આરોપીઓની ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાય. રાજ્ય સરકાર આ કામના આરોપીઓ સામે પણ બુલડોઝરની કાર્યવાહી કરી બતાવે. ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવાય અને પીડિત પરિવારને કોઈ પણ સંજોગમાં ન્યાય મળે."
આ સિવાય તેમણે રાજ્ય સરકાર પાસેથી ચારેય પીડિત યુવાનોના પરિવારને ચાર-ચાર એકર ખેતીની જમીન આપે એવી માગણી કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન