ગુજરાતમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોને સરકારી સહાયની જાહેરાત કેમ કરવી પડી, કયા ખેડૂતોને મળશે સહાય?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં ડુંગળીનો ઓછો ભાવ મળવાના કારણે ખેડૂતો પરેશાન છે અને નીચા બજારભાવોથી થયેલું આર્થિક નુકસાન ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે 30 જૂને ખેડૂતોને ક્વિન્ટલ દીઠ 200 રૂપિયા એટલે કે પ્રતિ મણ 40 રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે આ માટે 124 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ikhedut (આઈખેડૂત) પૉર્ટલ 2.0 પર નોંધણી કરવા જણાવ્યું છે.

રાજ્ય સરકારના અધિકારીઓ દાવો કરે છે કે આ યોજનામાં ડુંગળીની ખેતી કરતા આશરે 90,000 ખેડૂતોને આવરી લેવાશે અને એક ખેડૂતને મહત્તમ 50,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવેશે.

સ્થાનિક છૂટક બજારોમાં ડુંગળીના ભાવોને કાબુમાં રાખવા સરકારે 2023 અને 2024ના વર્ષમાં નિકાસ પ્રતિબંધ, લઘુત્તમ નિકાસ કિંમત, નિકાસ કર વગેરે પ્રકારનાં નિયંત્રણો લાદ્યાં હતાં.

આ બધાં કારણોને લઈને 2024ના વર્ષની શરૂઆતમાં જ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે ઍગ્રિકલચરલ પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી) યાર્ડ્સ પ્રકારનાં જથ્થાબંધ બજારોમાં ડુંગળીના ભાવ ગગડવા લાગ્યા હતા અને 2025ની શરૂઆતમાં પણ ભાવો દબાયેલા રહ્યા હતા.

સરકારના કહેવા મુજબ આ વર્ષે એપ્રિલ-મે મહિનાઓ દરમિયાન ખેડૂતોને મળેલા બજારભાવ ખેડૂતોને ડુંગળી પકવવા માટે કરવા પડેલ ખર્ચ એટલે કે ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા હતા.

બીજી તરફ 2023ના અંત તરફ અને 2024ની શરૂઆતમાં રહેલ ઊંચા બજાર ભાવોથી આકર્ષાઈને ખેડૂતોએ 2024ની ખરીફ એટલે કે ચોમાસું અને 2024-25ની રવિ એટલે કે શિયાળુ સિઝનમાં ડુંગળીનો વાવેતર વિસ્તાર વધારતા અને સારું ઉત્પાદન મળતાં આ વર્ષે એપ્રિલ-મે દરમિયાન એપીએમસી યાર્ડ્સ ડુંગળીથી છલકાઈ ગયાં હતાં.

પરિણામે ભાવો દબાયા હતા. આવા સંજોગોમાં સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી છે અને આ સહાયની રકમમાં પચાસ ટકા ફાળો કેન્દ્ર સરકારનો પણ હશે.

ગુજરાતમાં ડુંગળીનું કેટલું ઉત્પાદન થયું છે?

ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે 30 જૂને એક ઠરાવ કરી ડુંગળી પકવતા ખેડૂતોને આપવાની સહાયની જાહેરાત કરી હતી.

ઠરાવમાં જણાવ્યું છે, "રાજ્યમાં વર્ષ 2024-25 રવી સિઝનમાં ડુંગળીના પાકનું 93,500 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાંથી અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ (સો કિલો એટલે એક ક્વિન્ટલ) જેટલું ઉત્પાદન મળવાની શક્યતા ગણી શકાય તેમજ તેની સરેરાશ ઉત્પાદકતા 266 ક્વિન્ટલ/હેક્ટર જેટલી થાય છે."

ઠરાવ પ્રમાણે, "સામાન્ય રીતે રવિ સિઝનમાં ડુંગળી પાકનાં કુલ વાવેતર પૈકી 60 ટકા સફેદ ડુંગળી અને 40 ટકા લાલ ડુંગળીનું વાવેતર થતુ હોય છે. સામાન્ય રીતે ડુંગળીનું ઉત્પાદન માર્કેટમાં ફેબ્રુઆરી થી મે માસ સુધી વેચાણ અર્થે એપીએમસીમાં આવે છે."

"લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય એપીએમસીઓમાં એપ્રિલ-2025 અને મે-2025 દરમ્યાન ગત વર્ષની સરખામણી કરતાં ઉત્પાદન ખર્ચ કરતાં ઓછો જોવા મળેલ છે."

"જે ધ્યાને લેતાં, ખેડૂતોને આર્થિક વળતર મળે તે માટે ભારત સરકારશ્રીની રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment (પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ) યોજના અંતર્ગત સહાય આપવા બાબતે બાગાયત નિયામકશ્રી, ગાંધીનગરના વંચાણે લીધેલ સંદર્ભ-2 થી દરખાસ્ત રજુ કરેલ."

"રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment (ભાવ ખાધ ચુકવણી) યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની તમામ એપીએમસીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ.200/- અને ખેડૂત દીઠ 250 ક્વિન્ટલની મર્યાદામાં આર્થિક સહાય આપવા ઠરાવિત કરવામાં આવે છે."

કયા ખેડૂતોને વળતર મળશે?

ઠરાવમાં આપેલ વિગત અનુસાર જે ખેડૂતોએ 1 એપ્રિલ, 2024થી 31 મે, 2025ની વચ્ચે રાજ્યમાં આવેલ એપીએમસીઓમાં ડુંગળીનું વેચાણ કર્યું હશે તેમને સહાય માટે ધ્યાને લેવામાં આવશે.

સહાયનું ધોરણ નક્કી કરવા માટે રાજ્ય સરકારે માર્કેટ ઇન્ટરવેન્સન પ્રાઇઝ (એમઆઈપી)નું નિર્ધારણ કર્યું છે.

માર્કેટ ઇન્ટરવેન્સન પ્રાઇઝનો ગુજરાતી અર્થ 'બજાર હસ્તક્ષેપ કિંમત' થાય. એમઆઈપી એટલે એવો ચોક્કસ ભાવ જે સ્તરથી બજારભાવ નીચે સરકે તો ખેડૂતોને આર્થિક નુકસાન થતું અટકાવવા સરકાર ખુલ્લા બજારમાં હસ્તક્ષેપ કરે.

રાજ્ય સરકારના સંયુક્ત બાગાયત નિયામક બિપિન રાઠોડે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "સરકારે ખેડૂતો માટે ડુંગળીનું ઉત્પાદન ખર્ચ અને પડતર કિંમત નક્કી કરવા એક સમિતિ નીમી હતી. તેમાં સરકારના અધિકારીઓ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોનો સમાવેશ થતો હતો. આ સમિતિએ ઉત્પાદન ખર્ચની ગણતરી કરી માર્કેટ ઇન્ટરવેન્સન પ્રાઇઝ નક્કી કરી છે અને તે પ્રાઇઝના આધારે ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે."

રાજ્ય સરકારે સફેદ ડુંગળી માટે 785 પ્રતિ ક્વિન્ટલ (એટલે કે 7.85 રૂપિયા પ્રતિ કિલો) અને લાલ ડુંગળી માટે 916 પ્રતિ ક્વિન્ટલ( એટલે કે 9.16 પ્રતિ કિલો) એમઆઈપી નિર્ધારિત કરી છે. આ ભાવ મણ દીઠ અનુક્રમે રૂપિયા 157 અને 183.2 થાય.

રાઠોડે ઉમેર્યું કે, "જે ખેડૂતોએ એપ્રિલ અને મે દરમિયાન એપીએમસીમાં ડુંગળીનું વેચાણ કર્યું હશે અને તેમને મળેલો બજારભાવ જો એમઆઈપી કરતાં નીચો હશે તો સરકાર તેમને મહત્તમ બે રૂપિયા પ્રતિ કિલો સહાય ચુકવશે."

અધિકારીઓએ કહ્યું કે ખેડૂતોને એમઆઈપી અને મળેલ બજારભાવ વચ્ચેનો તફાવત અથવા બે રૂપિયા પ્રતિ કિલો એ બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર ગણાશે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલને ટાંકીને રાજ્ય સરકારની ત્રીસમી જુનની એક સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું હતું ખેડૂતોને મહત્તમ 25,000 કિલો એટલે કે 250 ક્વિન્ટલ અથવા 1,250 મણ ડુંગળીના વેચાણ સુધી આ સહાય મળશે.

તે હિસાબે કોઈ એક ખેડૂતને મહત્તમ રૂ. 50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

"આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવામાં આવી છે. જેનો રાજ્યના આશરે 90,000 જેટલા ખેડૂતોને લાભ મળશે," યાદીમાં જણાવાયું હતું.

સહાય માટે અરજી કઈ રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાની જમીનની માલિકીના 7-12 અને 8-અ અને 2024-25ની રવિ સિઝન દરમિયાન આવી જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું તેવું પ્રમાણિત કરતો ગામના તલાટી-કમ-મંત્રી દ્વારા અપાયેલો દાખલો પૂરો પાડવો પડશે.

તે ઉપરાંત, ખેડૂતે એપીએમસીના ગેટ પર ડુંગળી વેચવા ગયા હોય તે સમયે લીધેલ એન્ટ્રી પાસ કે ચિઠ્ઠી, એપીએમસીમાં ડુંગળીના વેચાણ સામે વેપારી દ્વારા ખેડૂતને અપાયેલ વેચાણ બિલ (જેમાં વેચાયેલ જથ્થો અને હરાજીથી નક્કી થયેલ બજારભાવનો ઉલ્લેખ હોય છે) અથવા હરાજી બાદ કયા વેપારીએ કયા કમિશન એજન્ટ મારફત ખેડૂત પાસેથી ડુંગળી ખરીદી તેની વિગત આપતું 'કાબલા' તરીકે ઓળખાતું અને એપીએમસી દ્વારા બનાવાતું કાબલા બિલ અને આધાર નંબર લિંક થયો હોય તેવા બૅન્ક ખાતાની વિગત પુરી પાડવી પડશે.

આ દસ્તાવેજો સાથે ખેડૂતે વિલેજ કમ્પ્યુટર આંત્રપ્રિન્યોર (વીસીઇ) મારફત કે જાતે આઈખેડૂત 2.0 પૉર્ટલ પર અરજી કરવી પડશે.

જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામક આ રીતે મળેલ અરજીઓની ચકાસણી માટે લાગતાવળગતા એપીએમસીનીને મોકલી આપશે.

જો એપીએમસીમાં ઉપલબ્ધ રેકૉર્ડ સાથે અરજીની વિગતો મૅચ થાય એટલે કે મળતી આવે તો આવી ખરાઈ બાદ નાયબ બાગાયત નિયામક આઈખેડૂત પૉર્ટલ પર આવા ખેડૂતો માટે સહાયની પાત્રતા નક્કી કરી સહાય આપવા માટેની આગળની કાર્યવાહી કરશે.

મંજૂર થયેલી સરકાર સહાયની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરશે.

અરજી કરવા માટે સરકારે પહેલી જુલાઈથી આઈખેડૂત પૉર્ટલ ખોલ્યું છે અને 15 જુલાઈ સુધી ખેડૂતો અરજી કરી શકશે. ગુજરાતમાં ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને જામનગર ડુંગળી પકવતા મોટા જિલ્લાઓ છે.

અમરેલી જિલ્લાના નાયબ બાગાયત નિયામક અરુણ કરમુરે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે, "શનિવાર સુધીમાં અમરેલી જિલ્લામાંથી અમને અંદાજે ચારસો જેટલી અરજીઓ મળી છે. અમારો અંદાજ છે કે લગભગ ચાર હાજર જેટલી અરજીઓ અમારા જિલ્લામાંથી મળશે."

સહાય ચુકવવાની જરૂર કેમ પડી છે?

ભારતમાં કેન્દ્ર સરકાર દેશના 24 મુખ્ય અને મહત્ત્વના પાકોનો લઘુત્તમ ટેકાનો ભાવ દર વર્ષે જાહેર કરે છે અને તેમાંથી ઘઉં , ચોખા, મગફળી, તુવેર, ચણા, મગ, સોયાબીન, કપાસ વગેરે જેવા પાકોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી સીધી ખરીદી પણ કરે છે. પરંતુ, ડુંગળી, બટાટા જેવા પાકોના ટેકાના ભાવ જાહેર થતા નથી.

ગુજરાત સરકારે તો 16 એપ્રિલ 2015ના રોજ બધા જ ફળ અને શાકભાજી પાકોને ગુજરાત ખેતીવાડી ઉત્પન્ન બજાર અધિનિયમ, 1963 હેઠળ નિયંત્રિત જણસોની યાદીમાંથી કાઢી નાખ્યા હતા. તેથી, વેપારીઓને તેમના વિસ્તારના એપીએમસીની માર્કેટ સેસ ભર્યા વગર ફળ અને શાકભાજી ખેડૂતો પાસેથી સીધા જ ખરીદવાની છૂટ મળી હતી.

આ છૂટના દસ વર્ષ બાદ પણ રાજ્યમાં શાકભાજીનો પ્રાથમિક વેપાર વિવિધ એપીએમસીનાં યાર્ડ્ઝમાં મોટા પાયે થઇ રહ્યો છે જ્યાં ખેડૂતોએ એન્ટ્રી ફી અને વેપારીઓએ યાર્ડની સુવિધા વાપરવા બાદલ વપરાશ ફી ભરવી પડે છે.

ડુંગળી અને બટાટાના ભાવ પર સરકાર પ્રત્યક્ષ રીતે નિયંત્રણ નથી રાખતી. પરંતુ ભારતીયોના ભોજનમાં મહત્ત્વની એવી આ જણસોના ભાવમાં મોટી ઉથલપાથલ ન થાય અને ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થાય તે માટે ડુંગળીના ભાવોને કાબુમાં રાખવા નિકાસ પ્રતિબંધ, લઘુત્તમ નિકાસ ભાવ, નિકાસ કર વગેરે પગલાં સરકાર સમયાંતરે લે છે. વળી, જયારે ભાવો ગગડે ત્યારે ખેડૂતોને વધારે આર્થિક નુકસાન વેઠવું ન પડે તે માટે ખેડૂતોને પણ આર્થિક સહાય આપે છે.

માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ કેન્દ્ર સરકારની યોજના છે.

તે કેન્દ્ર સરકારના પ્રધાન મંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (પીએમ આશા)નો એક ભાગ છે.

પીએમ આશા હેઠળ કેન્દ્ર સરકાર નીચા બજારભાવોથી ખેડૂતોને સંભવિત આર્થિક નુકસાન સામે રક્ષણ આપવા માટે પ્રાઇસ સપોર્ટ સ્કીમ-પીએસએસ. (ટેકાના ભાવ), પ્રાઇસ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમ-પીડીપીએસ(ભાવ ખાધ ચુકવણી યોજના) અને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ જેવી યોજનાઓ ચલાવે છે.

પીએસએસ અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી તેમના પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે.

તે જ રીતે તેલીબિયાં પાકો માટે પીડીપીએસ અંતર્ગત સરકાર મૉડાલ પ્રાઇઝ (જે તે દિવસે વેચાણ થયેલા માલના લૉટની સંખ્યામાંથી જે કિંમતે સૌથી વધારે લૉટનું વેચાણ થાય તે કિંમતને મૉડાલ પ્રાઇઝ કહેવાય) અને ટેકાના ભાવ વચ્ચેના તફાવત હોય તો ટેકાના ભાવના 15 ટકા સુધીની સહાય ખેડૂતોને આપે છે.

બાગાયતી પાકો માટે સરકાર એમઆઈએસ અંતર્ગત સહાય ચૂકવે છે. આવા પાકોમાં ડુંગળી, બટાટા, ટામેટાં વગેરેનો પણ સમાવેશ થાય છે. આ પાકોના બજારભાવ જો ગત વર્ષના બજારભાવની સરખામણીએ દસ ટકા કે તેનાથી વધારે નીચા રહે તો સરકાર એમઆઈએસ અંતર્ગત સહાય ચૂકવવાનું વિચારી શકે છે.

"ગત વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ડુંગળીના બજારભાવની સરખામણીએ આ વર્ષના બજારભાવ 23 ટકા જેટલા નીચા હતા અને તેથી સરકારે ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે," તેમ સંયુક્ત નિયામક રાઠોડે જણાવ્યું.

ડુંગળીના બજારભાવ નીચા કેમ છે?

ભારતનાં છૂટક બજારોમાં ડુંગળીના ભાવો વધવા લગતા સરકારે સાત ડિસેમ્બર, 2023ના રોજ તાજી ડુંગળીની નિકાસ પર રાતોરાત પ્રતિબંધ લગાવી દીધો હતો.

2023-24ની શિયાળુ એટલે કે રવિ સિઝન દરમિયાન ડુંગળીના સારા ઉત્પાદનના કારણે જથ્થાબંધ બજારોમાં ડુંગળીની આવકો વધતા અને નિકાસ પરના પ્રતિબંધને કારણે એપીએમસીઓમાં ભાવો નીચા થઈ ગયાં હતાં.

ભાવો ગગડવાને કારણે ખેડૂતો અને ખેડૂતોની સહકારી સંસ્થાઓ દ્વારા નિકાસ પરના પ્રતિબંધને હટાવી લેવાની માંગ કરાઈ હતી.

સરકારે છેવટે મે, 2024માં નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો પરંતુ એવી શરતો મૂકી કે ડુંગળી 550 અમેરિકન ડૉલર (આશરે 46000 રૂપિયા) પ્રતિ મેટ્રિક ટનના લઘુતમ નિકાસ ભાવથી નીચેની કિંમતે નિકાસ કરી નહીં શકાય. સાથે જ સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા નિકાસ કર પણ લગાવ્યો હતો.

આ છૂટ બાદ પણ ડુંગળીની કિંમતોમાં ઘટાડાનું વલણ જળવાઈ રહેતા સરકારે થોડી વધારે છૂટછાટ આપી છે.

13 સપ્ટેમ્બર 2024ના રોજ લઘુતમ નિકાસ ભાવની શરત હટાવી લીધી હતી અને નિકાસકર 40 ટકાથી ઘટાડી 20 ટકા કર્યો હતો.

તેમ છતાં પછીના એક વર્ષ દરમિયાન ગંજ બજારોમાં ડુંગળીના ભાવો નીચા રહેતા કેન્દ્ર સરકારે છેવટે માર્ચ 2025 માં ડુંગળી પરનો નિકાસ કર નાબૂદ કર્યો હતો. પરંતુ, 2024-25માં શિયાળુ ડુંગળીનું મબલક ઉત્પાદન થવાથી ખેડૂતો જયારે 2025 ના માર્ચથી મે મહિનાના ગાળામાં વેચાણ માટે લાવવવા લાગ્યા ત્યારે ડુંગળીના ભાવ મણે સો રૂપિયા કરતા પણ નીચા સ્તરે જતા રહ્યા હતા.

પ્રતિબંધાત્મક સમયગાળા દરમિયાન દેશમાં થયેલાં ડુંગળીના સારા ઉત્પાદનને કારણે ડુંગળીના ભાવ ગગડી જતા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં સરકારે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા સહાય પૅકેજની જાહેરાત કરવી પડી છે.

પચાસ ટકા સહાય કેન્દ્ર સરકાર આપશે

ગુજરાત સરકારે વર્ષ 2017, 2022 અને 2023માં પણ ડુંગળી પકવતા ખેડૂતોને કિલો દીઠ બે રૂપિયાની સહાય આપી હતી. પરંતુ, આ વર્ષની સહાયની રકમમાં પચાસ ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે કારણ કે ગુજરાતમાં રાજ્ય સરકારે પહેલી વાર કેન્દ્ર સરકાર સમર્થિત એમઆઈએસ હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ સ્કીમના અમલીકરણનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના એક સિનિયર અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ગત વર્ષ સુધી રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી સહાય ચૂકવતી હતી."

"પરંતુ, કેન્દ્ર સરકારે ગત વર્ષે પીડીપીએસમાં ડુંગળીનો પણ સમાવેશ કર્યો અને રાજ્યમાં થયેલ કુલ ઉત્પાદનના પચ્ચીસ ટકા પાક માટે આપવાની થતી સહાયની રકમની પચાસ ટકા રકમ આપવાની જાહેરાત કરી. આ યોજના ઉપલબ્ધ થતા અમે આ વર્ષે તેનો લાભ લેવાનો નિર્ણય કર્યો છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન