You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: ગિરનાર-4 નામની મગફળીની જાતમાં શું ખાસ છે કે ખેડૂતો વધુ વાવી રહ્યા છે?
- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
આ વર્ષે વરસાદ વહેલો થઈ જશે તેવી ધારણાથી રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકાના ડોડિયાળા ગામના ખેડૂત મુકેશભાઈ રામાણીએ મેં મહિનાના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું પાક વાવવાની તૈયારી કરી લીધી.
ત્રીસ વીઘા પોતાની જમીન ઉપરાંત લીઝ પર સોએક વીઘા અન્ય જમીન રાખીને મુકેશભાઈએ આ વર્ષે નેવું વીઘામાં મગફળીનું વાવેતર કરવાનું આયોજન કર્યું છે.
ગત વર્ષે તેમણે ગુજરાત ગ્રાઉન્ડનટ-39 નામની જાતની મગફળી વાવી હતી. Gujarat અને Groundnut (મગફળી) શબ્દોમાં રહેલા પ્રથમ અક્ષર 'G' (જી)ને લઈને આ જાતની મગફળીને ટૂંકમાં GG - 39 (જીજી-ઓગણચાલીસ) કહેવાય છે. ખેડૂતો તેને માત્ર '39' નંબર તરીકે પણ ઓળખે છે.
પરંતુ, મુકેશભાઈ રામાણીએ આ વર્ષે જીજી-39ના વાવેતર વિસ્તારમાં પંદર વીઘાનો ઘટાડો કરીને તેને બદલે ગિરનાર-4 નામની મગફળી વાવવાનું નક્કી કર્યું છે.
મુકેશભાઈએ આ નવી આવેલ જાતનું 22 મણ જેટલું બિયારણ પણ લઈ લીધું છે.
મુકેશભાઈ કહે છે, "મારી વાડીમાં ચારેક વીઘામાં પિયત આપી શકાય તેટલું પાણી હોવાથી ઓરવીને ગિરનાર-4 નું વાવેતર ચાર વીઘામાં કરી દીધું છે અને બાકીની મગફળી વરસાદ થયે વાવીશું."
સાત ધોરણ ભણેલા મુકેશભાઈ ઉમેરે છે કે 39 નંબરનું બિયારણ મણદીઠ રૂપિયા 2100થી 2300 માં પડ્યું, જેની સામે ગિરનાર-4નો મણદીઠ ભાવ રૂ. 2,425 આસપાસ હતો.
ગિરનાર-4 મગફળી વાવવાનું કારણ શું?
મગફળીનું ઘર ગણાતા જૂનાગઢ જિલ્લામાં વીસાવદર તાલુકાના લીમધ્રા ગામે ખેતીની જમીન ધરાવતા દિનેશભાઈ ડઢાણિયાએ અને વંથલી તાલુકાના થાણા પિપળિયા ગામે જમીન ધરાવતા તેમના નાનાભાઈ મુકેશે પણ આ વર્ષે ગિરનાર-4નું વાવેતર કરવાનું નક્કી કર્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જૂનાગઢની એક કૉલેજમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ અગાઉ જીજી-20 જાતની મગફળી વાવતા હતા, પરંતુ ગિરનાર-4માં વધુ સારું તેલ નીકળતું હોવાની માહિતી મળતા નવી જાતની મગફળીનું વાવેતર કર્યું છે.
દિનેશભાઈ કહે છે, " મારા ભાઈએ એક ખેડૂત પાસેથી આ જાતની મગફળી ખરીદી તેમાંથી બિયારણ તૈયાર કરાવ્યું છે. મેં પણ બિયારણની શોધખોળ શરૂ કરી. બજારમાં આ બિયારણ બહુ મળતું નથી, કારણ કે આ નવી સંશોધિત જાત છે. પરંતુ, છેવટે મને લીમધ્રાની જ એક મિલમાંથી છ મણ બિયારણ મળી ગયું."
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ખેડૂતોએ ખરીફ ઋતુના પાકનું વાવેતર શરૂ કરી દીધું છે, ત્યારે ગિરનાર-4 નામની મગફળીની જાત ખૂબ ચર્ચામાં છે.
આ ક્ષેત્રના જાણકારો કહે છે કે જોરદાર માંગના કારણે બજારમાં સર્ટિફાઇડ (પ્રમાણિત) ન હોય તેવાં બિયારણો પણ મોટા પાયે વેચાઈ રહ્યાં છે.
અમુક બિયારણ વિક્રેતાઓ કહે છે કે આ વર્ષે ગિરનાર-4ના બિયારણનું વેચાણ જીજી-20 અને જીજી-32 જેવી લોકપ્રિય જાતોનાં બિયારણ કરતાં પણ વધી ગયું છે.
રાજકોટ મુખ્ય મથક ધરાવતી એક અગ્રણી બિયારણ કંપનીના સેલ્સ મૅનેજર હાર્દિક કોરાટે બીબીસીને જણાવ્યું, "અત્યાર સુધી 32 નંબરનું બિયારણ સૌથી વધારે વેચાતું બિયારણ હતું. પરંતુ, આ વર્ષે ગિરનાર-4ના બિયારણનું વેચાણ 32 નંબર કરતા પણ વધારે થયું છે. આ વર્ષે અમે વેચેલ બિયારણમાં 75 ટકા વેચાણ ગિરનાર-4નું થયું છે."
ગિરનાર-4નું સંશોધન કોણે અને ક્યારે કર્યું?
ગુજરાતમાં ખરીફ એટલે કે ચોમાસાની ઋતુમાં સૌથી વધારે વાવેતર કપાસનું થાય છે. રાજ્યમાં કપાસ પછી મગફળી એ ગુજરાતનો સૌથી મહત્ત્વનો રોકડીયો પાક છે.
ખેડૂતો પંદરથી વીસ લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરે છે.
ગુજરાતમાં મગફળીનું વાવેતર સૌથી વધારે સૌરાષ્ટ્ર પંથકના 11 જિલ્લાઓમાં થાય છે. તે ઉપરાંત, કચ્છ તેમ જ ઉત્તર ગુજરાતના છ જિલ્લામાં પણ આ પાકનું વાવેતર કરવામાં આવે છે.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરીને GG -20 નામની મગફળી 1991માં ખેડૂતોને ઉપલબ્ધ કરાવી હતી. ત્યાર પછીના લગભગ ત્રણ દાયકા સુધી મગફળીની આ જાત ગુજરાતમાં સૌથી લોકપ્રિય જાત બની રહી છે.
2017માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ GJG-32 રિલીઝ કરી અને તે પણ બહુ લોકપ્રિય જાત સાબિત થઈ.
જૂનાગઢ શહેરની ભાગોળે આવેલ જૂનગાઢ કૃષિ યુનિવર્સિટીના કૅમ્પસ નજીક જ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગ્રાઉન્ડનટ (IIGR, ભારતીય મગફળી સંશોધન સંસ્થા)ની કચેરી અને કૅમ્પસ આવેલું છે, જે મગફળી પર સંશોધન કરે છે. ગયા વર્ષ સુધી આ સંસ્થા ડિરેક્ટોરેટે ઑફ ગ્રાઉન્ડનટ રિસર્ચ (ડિ.જી.આર.) એટલે કે મગફળી સંશોધન નિયામક તરીકે ઓળખાતી હતી.
આ સંસ્થા ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ(ICAR, ભારતીય કૃષિ સંશોધન સમિતિ)ના નેજા હેઠળ કામ કરે છે.
ઇન્ટરનૅશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ધ સેમિ-ઍરિડ ટ્રૉપિક્સ (ઇક્રિસેટ) નામની વૈશ્વિક સંસ્થા પૃથ્વીના ભારત સહિતના ઉષ્ણકટિબંધમાં આવેલા અર્ધશુષ્ક પ્રદેશો માટેના પાકો પર સંશોધન કરે છે. હૈદરાબાદમાં મુખ્ય મથક ધરાવતી આ સંસ્થા મગફળી પર પણ સંશોધન કરે છે.
IIGR અને ICRISAT (ઇક્રિસેટ) બંનેએ સાથે મળીને ગિરનાર-4 અને ગિરનાર-5 નામની મગફળીઓની જાતો વિકસાવી છે.
આઈઆઈજીઆરના નિયામક સંદીપ કુમાર બેરાએ બીબીસીને જણાવ્યું, "ઇક્રિસેટના વડપણ નીચે આઈઆઈજીઆરે 2011માં હાઈ-ઑલિક મગફળીની જાત વિકસાવવા સંશોધન ચાલુ કર્યું. મગફળીની આ નવી જાત વિકસાવવાના પ્રોજેક્ટમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, તમિલાનડુ કૃષિ યુનિવર્સિટી અને આંધ્ર પ્રદેશની આચાર્ય એન.જી. રંગા ઍગ્રિકલચરલ યુનિવર્સિટી સહયોગી સંસ્થાઓ હતી."
"આઠ વર્ષના સંશોધન બાદ અમને ગિરનાર-4 અને ગિરનાર-5 નામની હાઈ-ઑલિક મગફળીની જાતો વિકસાવવામાં સફળતા મળી. મગફળીની આ જાતોને રિલીઝ કરવા માટે 2019માં મંજૂરી મળી અને તે રીતે, આઈઆઈજીઆરએ તેને રિલીઝ કરી. 2020માં ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવેતર માટે તેને નોટિફાઈ કરવામાં આવી."
બેરાએ ઉમેર્યું કે નવી વિકસાવેલી જાતો હોવાથી આઈઆઈજીઆર પાસે શરૂઆતનાં વર્ષોમાં બિયારણ સીમિત માત્રામાં હતું.
તેમણે કહ્યું, "પૂરતી માત્રામાં અમારી પાસે બિયારણ થયું એટલે અમે વ્યાપારિક ધોરણે વાવેતર માટે ખેડૂતોને 2022 થી તે આપવાનું ચાલુ કર્યું."
નવી વિકસાવેલી જાતના 'મૂળ' ક્યાં?
બેરાએ વધારે જણાવ્યું કે આ બંને જાતો અમેરિકામાં થતી વર્જિનિયા બંચ જાતની અર્ધવેલ્ડી પ્રકારની SunOleic-95R (સનઑલિક-95R) મગફળીનું ભારતની મગફળીઓની જાતો સાથે સંવર્ધન કરીને તૈયાર કરાયેલી ક્રૉસબ્રીડ (શંકર) જાતો છે. સનઑલિક-95R મગફળી તેના દાણામાં ઑલિક ઍસિડની ઊંચી માત્રાવાળા તેલ માટે જાણીતી છે. તેમને કહ્યું કે ગિરનાર-4 અને ગિરનાર-5ના દાણામાં રહેલાં તેલમાં સનઑલિક એસિડનું પ્રમાણ 78 ટકાથી વધારે હોય છે અને તેથી આ બંને જાતોને હાઈ ઑલિક એસિડ વેરાયટીઝ (ઉચ્ચ માત્રામાં ઑલિક એસિડ ધરાવતી જાતો) છે."
સંદીપ કુમાર બેરાએ જણાવ્યું, "ઇન્ટલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી રાઇટ્સનો 20 વર્ષનો ગાળો પૂર્ણ થતા ઇક્રિસેટેને સનઑલિક-95Rનું મટિરિયલ વર્ષ 2010માં ઉપલબ્ધ થયું. ઇક્રિસેટે તે મટિરિયલ આઈઆઈજીઆરને ઉપલબ્ધ બનાવ્યું. આમ તો મગફળી જાતે જ પરાગનયન કરી લેતી વનસ્પતિ છે, પરંતુ સંશોધન દરમિયાન બે અલગ-અલગ જાતોનું કૃત્રિમ રીતે પરાગનયન કરાવીને ઇચ્છિત નવી ક્રૉસબ્રીડ જાત વિકસાવાય છે."
સંદીપકુમાર બેરાએ ઉમેર્યું, "સામાન્ય રીતે કોઈપણ પાકની નવી જાતને વિકસાવવામાં બારેક વર્ષનો સમય લાગે છે,પરંતુ અમે માર્કર-આસિસ્ટેડ સિલેકશન બ્રીડિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને ગિરનાર-4 અને ગિરનાર-5 જાતો માત્ર આઠ વર્ષમાં વિકસાવી શક્યા."
બેરાએ કહ્યું કે અમેરિકા અને આર્જન્ટિના જેવા દેશોએ હાઈ-ઑલિક મગફળીના માર્કર (ગુણધર્મના સંકેતો)ને લૅબોરેટરીમાં ટેસ્ટ કરીને ઓળખવાની પદ્ધતિ વિકસાવી છે અને કોઈ છોડમાં ઇચ્છિત ગુણધર્મ આવી ગયા છે કે નહીં, તેના વિશે લૅબોરેટરી ટેસ્ટ કરીને જાણી શકાય છે.
ગિરનાર-4 કઈ રીતે અલગ છે?
આઈઆઈજીઆરના બેરા કહે છે કે હાલમાં ભારતમાં ખેડૂતો જે મગફળીનું વાવેતર કરે છે, તેમાંથી મોટાભાગની જાતોમાં ઑલિક એસિડનું પ્રમાણ 50 ટકાથી ઓછું હોય છે, જ્યારે અન્ય એક-બે જાતોમાં તે 50થી 60 ટકા જેટલું હોય છે. "પરંતુ, ગિરનાર-4 અને ગિરનાર-5માં આ પ્રમાણ 80 ટકા જેટલું ઊંચું હોય છે," તેમ તેમણે ઉમેર્યું.
આઇઆઈજીઆરના એક બ્રૉશરમાં જણાવવામાં આવ્યું છે કે ઑલિક એસિડનું પ્રમાણ ગિરનાર-4માં 78.5 ટકા અને ગિરનાર-5માં 78.4 ટકા હોય છે.
વળી, આ બંને જાતોના દાણામાં તેલની માત્ર 53 ટકા હોય છે તેમ આઈઆઈજીઆરના બ્રૉશરમાં જણાવવામાં આવ્યું છે. GG-20માં આ માત્રા 50.7 ટકા અને GJG-39માં 53.9 ટકા હોય છે.
ઑલિક એસિડ શું છે?
બેરા જણાવે છે કે ખાદ્યતેલોમાં મોનોઅનસેચ્યુરેટેડ ફૅટી એસિડ એટલે કે MUFA, પૉલીઅનસેચ્યુરેટેડ ફૅટી એસિડ એટલે કે PUFA અને સેચ્યુરેટેડ ફૅટી એસિડ એટલે કે SAFA હોય છે.
બેરા કહે છે કે MUFA અને PUFAની માત્ર વધારે હોય તેવું તેલ માનવસ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. MUFA માણસોના હૃદયના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે અને ઑલિક એસિડ એક પ્રકારનું MUFA છે, તેમ તેમણે ઉમેર્યું.
બેરાએ કહ્યું, "ઑલિવ તેલમાં ઑલિક ઍસિડ 75 ટકા જેટલું હોય છે અને સ્વાસ્થ્ય માટે સારું હોવાથી વિશ્વમાં તે રસોઈ માટે વ્યાપક રીતે પસંદ થતું તેલ બની ગયું છે. હાઈ-ઑલિક મગફળીમાં ઑલિક ઑઇલનું પ્રમાણ 80 ટકા જેટલું હોય છે, તેથી અમેરિકા, આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયામાં હાઈ-ઑલિક મગફળીનું ઉત્પાદન શરૂ થતાં ચૉકલેટ, મગફળીનું માખણ (પીનટ બટર), તેલ વગેરે બનાવતી આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમનાં ઉત્પાદનોમાં સામાન્ય મગફળીને બદલે હાઈઑલિક મગફળી વાપરવાનું શરૂ કરી દીધું."
"ભારતમાં પણ તેની માગ વધતા સરકારે ભારતમાં જ હાઈઑલિક મગફળીની જાતોને વિકસાવવાનું નક્કી કર્યું. અમે ઇક્રિસેટના વૈજ્ઞાનિક ડૉ. એસ.એન. નિગમના માર્ગદર્શન હેઠળ મગફળીની હાઈ-ઑલિક જાતો વિકસાવવા સંશોધન શરૂ કર્યું."
અહીં એ નોંધનીય છે કે ઑલિવના તેલમાં ઑલિક એસિડનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ બજારમાં આ તેલ અતિશય મોંઘા ભાવે મળતું હોય છે.
બેરાએ કહ્યું કે ગિરનાર-4 અને ગિરનાર-5ના તેલમાં ઑલિક ઍસિડની માત્રા ઑલિવ ઑઇલ કરતાં પણ વધારે હોય છે.
ભારતીય કૃષિ સંશોધન સમિતિની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, "લાંબા સમય સુધી સારી રહેવાની લાક્ષણિકતા અને સ્વાસ્થ્યલાભને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાઈઑલિક મગફળીની માંગ વધારે છે. ઑલિક ઍસિડની ઊંચી માત્રા ધરાવતી મગફળી તેમ જ આવી મગફળીના તેલમાંથી મિઠાઈ, કેક, માખણ, લોટ વગેરે બનાવી શકાય છે અને તે સામાન્ય મગફળી (માંથી બનાવેલી વસ્તુઓની) સરખામણીએ લાંબા સમય સુધી બગડતા નથી."
ગિરનાર-4 અને ગિરનાર-5 જાતોમાં ઑલિક એસિડ અને લિનોલિક એસિડનો રેશિયો 17 :1 હોય છે અને તેને કારણે આવા તેલમાં રાંધેલો ખોરાક ઝડપથી બગાડતો નથી.
તો ખેડૂતોને શું ફાયદો થશે?
આઈઆઈજીઆરના કહેવા અનુસાર, આ મગફળીની જાતો ઉચ્ચ ઑલિક એસિડની માત્રા અને વધારે માત્રામાં તેલ ધરાવતી હોવા ઉપરાંત વધારે ઉત્પાદન પણ આપે છે. આઈઆઈજીઆરના બ્રૉશરમાં જણાવ્યા અનુસાર, આ બંને જાતો વીઘે 25.75 મણ (હેક્ટર દીઠ 3280 કિલો એટલે કે લગભગ 661 મણ) જેટલું ઉત્પાદન આપે છે.
બેરાએ કહ્યું, "ખેડૂતોએ અમને જણાવ્યું છે કે ઉત્પાદન વીઘે 35થી 40 મણ જેટલું ઊંચું પણ મળી શકે છે. ગુજરાતમાં ગિરનાર-4 મગફળીનું ઉત્પાદન બહુ સારું મળી રહ્યું છે જયારે રાજસ્થાનમાં ગિરનાર-5 ઊંચું ઉત્પાદન આપતી જાત તરીકે સાબિત થઈ રહી છે."
"વળી, ખેડૂતોને ગિરનાર-4ના ભાવ મણે 200 રૂપિયા વધારે મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો પોતાની ગિરનાર-4 મગફળીમાંથી તેલ કાઢી અન્ય મગફળીના તેલ કરતા ડબ્બે એક હાજર જેટલા ઊંચા ભાવે વેચે છે અને તે રીતે વધારે કમાણી કરે છે."
આઈઆઈજીઆર કહે છે કે ગિરનાર-4 અને ગિરનાર-5ને મોડેથી આવતો પાનના ટપકા એટલે કે ટિક્કા (લેઇટ લિફ્ટ સ્પૉટ)નો રોગ, ગેરુ, થડનો સડો, ઉગસુક (કોલર રોટ) વગેરે રોગો થતા નથી. તેમ જ આ જાતો તડતડિયા, પાંદ કોરી ખાનાર ઈયળ, મોલો વગેરે જીવતો સામે પણ ટકી રહેવાની મધ્યમ કક્ષાની ક્ષમતા ધરાવે છે અને તેથી ખેડૂતોને જંતુનાશકો પાછળ થતો ખર્ચ ઘટે છે.
ગિરનાર-4 અર્ધવેલડી એટલે કે થોડી ફેલાતી પ્રકારની મગફળી છે, પરંતુ તે 20 નંબર કરતા ઓછી ફેલાય છે અને 110થી 112 દિવસમાં પાકે છે.
મુકેશ રામાણી કહે છે, "મને મળેલી જાણકારી મુજબ ગિરનાર-4માં ફૂગથી થતા રોગ આવતા નથી અને પાંદડાં લીલાં જ રહે છે. તેથી, આળસુડા ખેડૂત હોય તેને પણ ઉત્પાદન સારું મળે છે કારણ કે વાવેતર કર્યા પછી જો કોઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય તો તે છે માત્ર પિયત આપવાનું."
જૂનાગઢ સ્થિત પત્રકાર દિવ્યકાંત ભુવા કહે છે કે ગિરનાર-4 જાતથી ખેડૂતોની આવકમાં આડકતરી રીતે પણ વધારો થઈ શકે છે.
ભુવાએ કહ્યું, "લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી રહી હોવાથી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વલણ વધી રહ્યું છે. તેના કારણે ઑલિક એસિડની વધારે માત્રાવાળા ગિરનાર-4 મગફળીનું તેલ લેવા લોકો આકર્ષાશે. હવે ગામડાંમાં મિની ઍઇલ મિલ્સ બની ગઈ છે. ખેડૂતો તેમની ગિરનાર-4 મગફળીનું તેલ ત્યાં કઢાવી વેચાણ કરશે તો તેમને વળતર વધારે મળશે."
મગફળીની અન્ય કોઈ જાત આટલી ચર્ચામાં રહી છે?
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રના વડા, રમેશ માદરિયા કહે છે કે ગિરનાર-4 પ્રત્યે ખેડૂતોનું આકર્ષણ સમજી શકાય તેવું છે.
રમેશ માદરિયાએ બીબીસીને જણાવ્યું, "મગફળીની કોઈ નવી જાત આવે એટલે ખેડૂતોમાં તેના પ્રત્યે વધારે ઉત્સાહ રહે છે, કારણ કે તેમને આશા હોય છે કે ઉત્પાદન વધારે મળશે અને ઉત્પાદન ખર્ચ ઘટશે. તેથી, ખેડૂતોમાં ગિરનાર-4 પ્રત્યેનું આકર્ષણ સમજી શકાય તેવું છે."
માદરિયાએ કહ્યું કે, "ચાર વર્ષ પહેલાં ખેડૂતોમાં આવો જ ઉત્સાહ 32 નંબર માટે હતો, જયારે તે રિલીઝ થયા બાદ વાવેતર માટે ઉપલબ્ધ બની હતી. 32 નંબરનું પર્ફૉર્મન્સ અત્યારે પણ જબરદસ્ત છે, પરંતુ નવી જાત આવતા ખેડૂતો તે તરફ ખેંચાય તે સ્વાભાવિક છે."
માદરિયાએ ઉમેર્યું,"જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય તેલીબિયાં સંશોધન કેન્દ્રએ 2023માં મગફળીની બે જાતો જીજી -39 ગુજરાત માટે અને જીજી-40 રાષ્ટ્ર કક્ષાએ ભલામણ અને નોટિફિકેશન કરવામાં આવી હતી. આ બન્ને જાતોમાં પણ ઓલિક એસિડનું પ્રમાણ 79 ટકા કરતા વધારે હોય છે."
બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન