સીડીએસ જનરલ અનિલ ચૌહાણના નિવેદન પર વિપક્ષે ઉઠાવ્યા સવાલ, ભારતની કૂટનીતિ પર નિષ્ણાતો શું કહે છે?

ઇમેજ સ્રોત, MOHD RASFAN/AFP via Getty
ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનના ભારતીય લડાકુ વિમાન તોડી પાડ્યાંના દાવા સાથે સંકળાયેલા સવાલ અંગે ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણના નિવેદન અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.
કેટલાક વિશેષજ્ઞો સીડીએસના નિવેદનની ટીકા કરી રહ્યા છે. જ્યારે કેટલાક વિશેષજ્ઞો આંતરરાષ્ટ્રીય મીડિયા અને વિદેશનીતિના જાણકારો પર સવાલો ઉઠાવી રહ્યા છે અને તેમના પર 'પાકિસ્તાનના પક્ષમાં એક પ્રકારનું નૅરેટિવ ઘડવા'નો આરોપ લગાવી રહ્યા છે.
આ સિવાય તેમના નિવેદન પર રાજકીય દળોની પ્રતિક્રિયા પણ આવી છે. વિપક્ષ કૉંગ્રેસે સીડીએસના નિવેદન બાદ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે.
સીડીએસ અનિલ ચૌહાણ શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા માટે સિંગાપુરમાં છે અને ત્યાં જ તેમણે શનિવારે બ્લૂમબર્ગ ટીવી અને રૉયટર્સને બે અલગ-અલગ ઇન્ટરવ્યૂ આપ્યા.
તેમણે બ્લૂમબર્ગ ટીવીને કહ્યું હતું કે, "એ જરૂરી નથી કે વિમાન તોડી પડાયું, જરૂરી એ છે કે આવું કેમ થયું."
જોકે, તેમણે પાકિસ્તાન તરફથી છ વિમાનોને નુકસાન પહોંચાડાયાના દાવાને સંદતર ફગાવી દીધો હતો.
સીડીએસ જનરલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સીડીએસ અનિલ ચૌહાણને પુછાયું હતું કે મે મહિનામાં પાકિસ્તાન સાથે ચાર દિવસ સુધી ચાલેલા સૈન્ય સંઘર્ષમાં શું ભારતનું કોઈ લડાકુ વિમાન તોડી પડાયું હતું ખરું?
બ્લૂમબર્ગ ટીવીને આપેલા આ ઇન્ટરવ્યૂનો એક મિનિટ પાંચ સેકન્ડનો એક ભાગ તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લૂમબર્ગ ટીવીનાં પત્રકારે જનરલ અનિલ ચૌહાણને સવાલ કર્યો કે પાકિસ્તાનનો દાવો છે કે તેણે ભારતીય વાયુસેનાનાં એક કરતાં વધુ વિમાન તોડી પાડ્યાં હતાં, શું તેઓ આની પુષ્ટિ કરી શકે છે?
આનો જવાબ આપતાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "એ જરૂરી નથી કે જેટ તોડી પડાયું, જરૂરી એ વાત છે કે આવું કેમ થયું."
જનરલ અનિલ ચૌહાણે આના પર કહ્યું, "સારી વાત એ છે કે અમે ટેકનિકલ ભૂલો જાણી શક્યા, અમે એ સુધારી અને પછી તેના બે દિવસ બાદ તેને લાગુ કર્યું. એ બાદ અમે અમારાં બધાં જેટ ઉડાવ્યાં અને લાંબા અંતરે આવેલાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં."
પત્રકારે ફરી એક વાર કહ્યું, "પાકિસ્તાનનો એવો દાવો છે કે ભારતનાં છ લડાકુ વિમાનને તોડી પાડવામાં એ સફળ રહ્યું હતું, શું તેનું આકલન સાચું છે?"
આના જવાબમાં જનરલ અનિલ ચૌહાણે કહ્યું, "આ બિલકુલ ખોટું છે. પરંતુ જેવું કે મેં કહ્યું આ જાણકારી બિલકુલ અગત્યની નથી. જે મહત્ત્વપૂર્ણ છે એ એ છે કે જેટ કેમ પડ્યાં અને એ બાદ અમે શું કર્યું. એ અમારા માટે વધુ જરૂરી છે."
વિશેષજ્ઞ શું કહી રહ્યા છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સીડીએસ જનરલ અનિલ ચૌહાણના નિવેદન અંગે સંરક્ષણ નિષ્ણાત સી ઉદય ભાસ્કરે કહ્યું કે સીડીએસે ખૂબ જ યોગ્ય જવાબ આપ્યો છે.
તેમણે કહ્યું, "સીડીએસ જનરલ ચૌહાણે જે કહ્યું એ ખૂબ જ યોગ્ય છે, કારણ કે ભારત માટે આ નુકસાન કરતાં વધુ એક ડિપ્લોમેટિક નુકસાન હતું. આપણે આનો સામનો કેવી રીતે કરીએ છીએ એ મહત્ત્વપૂર્ણ છે. જો તમે તેમનું નિવેદન જોશો તો તેમણે કહ્યું છે કે આપણે કેવી રીતે ભૂલો અને ખામીઓ પર કાબૂ મેળવ્યો, જેના કારણે આ નુકસાન થયું."
ઉદય ભાસ્કરે કહ્યું કે ભારતે આ પહેલાં પણ પ્રેસ બ્રીફિંગમાં નુકસાન વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું, "જો તમે સૈન્યના બ્રીફિંગને યાદ કરો તો ઍર માર્શલ એકે ભારતીએ કહ્યું હતું કે નુકસાન થશે, પરંતુ આપણે આપણા ઉદ્દેશ જોવાના રહેશે."
ઉદય ભાસ્કરે કહ્યું, "મને લાગે છે કે સીડીએસે આ વાતને યોગ્ય દૃષ્ટિકોણ સાથે મૂકી છે. આ વાત એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે આ વાત તેઓ સિંગાપુરમાં કહી રહ્યા છે. શાંગરી-લા ડાયલૉગ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ સંમેલન છે, જે ક્ષેત્રના તમામ સંરક્ષણમંત્રીઓ અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓને એક સાથે લાવે છે."
બીજી તરફ રાજદ્વારી મામલાના જાણકાર બ્રહ્મા ચેલાનીએ સીડીએસના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે આ ખરાબ કૂટનીતિ છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "ખરાબ સાર્વજનિક કૂટનીતિ. મોદી સરકારે બિનજરૂરી રીતે ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફને સિંગાપુર મોકલ્યા, જ્યાં તેમણે રૉયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતીય લડાકુ વિમાનને નુકસાન થયાની વાત સ્વીકારીને પાકિસ્તાનના પ્રૉપેગૅન્ડા વિક્ટ્રી સોંપી દીધી."
બ્રહ્મા ચેલાનીએ લખ્યું કે, "આ વાતનો સ્વીકાર ભારતની જમીન પર થવો જોઈતો હતો. સાથે જ આ સંઘર્ષમાં પાકિસ્તાનને થયેલા નુકસાન વિશે ભારતે પોતાનું આકલન રજૂ કરવું જોઈતું."
તેમણે અન્ય એક પોસ્ટમાં કહ્યું કે વડા પ્રધાન મોદીએ સમય પહેલાં સૈન્ય અભિયાન રોકાયાના નૅરેટિવને રોકવા માટે રોડ શો કર્યા, પરંતુ સીડીએસના નિવેદને મોદીના આ પ્રયત્નોને જટિલ બનાવી દીધા છે.
તેમણે લખ્યું, "મોદીએ પાકિસ્તાન પર ભારતની નિર્ણાયક જીતની કહાણીને વધુ મજબૂત કરવા અને સૈન્ય અભિયાનને સમય પહેલાં રોકવાની ધારણાના ખંડન માટે રોડ શો કર્યા છે. જોકે, ટ્રમ્પે વારંવાર એવો દાવો કર્યો છે કે તેમણે ભારત પર વેપાર પ્રતિબંધ લાદવાની ધમકી આપીને સૈન્ય સંઘર્ષ રોક્યો છે. તેમના આ દાવાએ મોદીના પ્રયાસોને કમજોર કરી દીધા છે."
તેમણે આગળ કહ્યું, "હવે ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફે સિંગાપુરમાં મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દ્વારા સંઘર્ષની બાદની કહાણીને કંટ્રોલ કરવાના મોદીના પ્રયાસને વધુ જટિલ બનાવી દીધો છે."

ઇમેજ સ્રોત, MOHD RASFAN/AFP via Getty
બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત રહી ચૂકેલા હુસૈન હક્કાનીએ કહ્યું કે એક સૈનિક તરીકે જનરલ ચૌહાણે ભારતને થયેલા નુકસાનને સ્વીકાર્યું છે.
હક્કાનીએ ઍક્સ પર લખ્યું, "હારનો સ્વીકાર ન કરવો એ કદાચ એક રાજકીય નિર્ણય છે, પરંતુ એક સૈનિક તરીકે ભારતના સીડીએસ જનરલ ચૌહાણ ભારતને થયેલા નુકસાનને સ્વીકારી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમનું ધ્યાન એ વાત પર છે કે આવું કેમ થયું. આ સિવાય એક અન્ય મુદ્દા પર પણ તેમણે વાત કરી છે કે તેમની હવાઈ સુરક્ષામાં છીંડું પડાયું હતું."
હુસૈન હક્કાનીની આ પોસ્ટ પર ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે જવાબ આપતાં કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયા અને વિદેશનીતિ સમુદાય પાકિસ્તાની રેઝિસટન્સ અને સફળતાના નૅરેટિવને ઘડવામાં લાગેલાં છે.
કંવલ સિબ્બલે લખ્યું, "શું પાકિસ્તાને તેનાં હવાઈ ઠેકાણાં પર ભારતીય વાયુસેનાના હુમલાથી થયેલા નુકસાનને સ્વીકાર્યું, જેના ભારતે પુરાવા પણ આપ્યા હતા? શું પાકિસ્તાનના ફીલ્ડ માર્શલ સૈનિક નથી? શું તેમણે સૈનિક તરીકે થયેલા નુકસાનનો સ્વીકાર ન કરવો જોઈએ?"
તેમણે કહ્યું, "આંતરરાષ્ટ્રીય મીડિયા અને વિદેશનીતિ સમુદાયનું ધ્યાન માત્ર ભારતને થયેલા નુકસાન પર જ કેમ છે? આખો મુદ્દો ભારતની સફળતાના વ્યાપને ઓછો આંકવાનો અને પાકિસ્તાની પ્રતિરોધ અને સફળતાના નૅરેટિવને ઘડવાનો છે."
ઇન્ડો-પૅસિફિક ક્ષેત્રન વિશેષજ્ઞ જે ગ્રોસમૅન અનુસાર 'અલજઝીરા'નો એક રિપોર્ટ શૅર કરતાં ઍક્સ પર લખ્યું કે, "ચીન આજે મલકાઈ રહ્યું છે, કારણ કે ભારતે અંતે સ્વીકારી લીધું કે પાકિસ્તાને ચીન દ્વારા નિર્મિત મિલિટરી સિસ્ટમનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા એક ભારતીય લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું."
વિપક્ષના નેતાઓને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીડીએસના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં સરકારને સવાલ પૂછ્યો અને કહ્યું કે આ સવાલ ત્યારે જ પૂછી શકાય જ્યારે તાત્કાલિક સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.
ખડગેએ લખ્યું, "મોદી સરકારે દેશને ગેરમાર્ગે દોર્યો છે. હવે ધીરે ધીરે તસવીર સાફ થઈ રહી છે. કૉંગ્રેસ પાર્ટી કારગિલ સમક્ષી સમિતિની માફક એક સ્વતંત્ર વિશેષજ્ઞ સમિતિ પાસેથી આપણી સંરક્ષણ તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરવાની માગ કરે છે."
સમાજવાદી પાર્ટીના સાંસદ વીરેન્દ્રસિંહે કહ્યું કે, "ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ એક ખૂબ જ જવાબદાર પદ છે અને આપણે સીડીએસના નિવેદનને ગંભીરતાપૂર્વક લેવું જોઈએ."
તેમજ કૉંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે તેઓ એવું માનીને ચાલે કે જે વાત સિંગાપુરમાં કહેવાઈ છે એ તેમનું વિશ્લેષણ હશે.
જયરામ રમેશે કહ્યું, "આપણા સીડીએસ જનરલ ચૌહાણે સિંગાપુરમાં ઘણી બધી વાતો કહી છે. અમે ઇચ્છતા હતા કે આ જ વાત સંરક્ષણમંત્રી સર્વપક્ષીય બેઠકમાં કહે. અમે ઇચ્છતા હતા કે આ જ વાત વડા પ્રધાન લોકસભા અને રાજ્યસભામાં કહે, પરંતુ સિંગાપુરથી સમાચારો મળે છે. અમે માનીને ચાલી રહ્યા છીએ કે આનું વિશ્લેષણ અને ઊંડું અધ્યયન થશે."
તેમણે કહ્યું, "કારગિલ યુદ્ધના ત્રણ દિવસ બાદ તત્કાલીન વાજપેયી સરકારે ચાર સભ્યોની કારગિલ રિવ્યૂ સમિતિનું ગઠન કર્યું. આ સમિતિએ 15 ડિસેમ્બર, 1999ના રોજ પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો અને 23 ફેબ્રુઆરી, 2000ના દિવસે આ રિપોર્ટ સંસદમાં રજૂ કરાયો હતો. 150 પાનાંના એ રિપોર્ટમાં આપણે શું પાઠ શીખ્યા, વાસ્તવિકતા શું હતી અને આગળ માટે આપણે શું કરવાનું છે એ બધાનું વિશ્લેષણ થયું હતું?"
"આપણે માનીને ચાલી રહ્યા છે કે આના પર ચર્ચા થશે, સંસદમાં ચર્ચા થશે. વડા પ્રધાને વિપક્ષનેય વિશ્વાસમાં લેવો જોઈએ."
સરકારના સમર્થનમાં આ પાર્ટીઓ શું બોલી?

ઇમેજ સ્રોત, EPA
ભાજપ અને સરકારમાં તેના સહયોગી પક્ષોએ વિપક્ષના નેતાઓના સવાલોના જવાબમાં સીડીએસ અને સરકારનો બચાવ કર્યો.
ભાજપ નેતા અજય આલોકે કહ્યું, "આપણાં છ જેટ તોડી પડાયાંના પાકિસ્તાનના દાવાને આપણા સીડીએસે સદંતર નકારી કાઢ્યો, પરંતુ આપણા વિપક્ષને આટલું સાંભળીને સંતોષ નહીં થાય."
"તેમને આ વાતમાં રસ નથી કે પાકિસ્તાનનાં 11 ઍરબેઝ આપણાં જેટ્સે તબાહ કરી દીધાં, તેમના ઘરમાં ઘૂસીને માર્યા. પ્રથમ વખત પંજાબમાં ખૈબર પખ્તૂનખ્વા સુધી આપણાં જેટ્સ ઘૂસી ગયાં, સિંધ સુધી પહોંચી ગયાં અને બૉમ્બ અને મિસાઇલનો મારો ચલાવ્યો. આપણી બ્રહ્મોસ ત્યાં સુધી પહોંચી ગઈ. તેમને આ બધું જાણવામાં રસ નથી."
અજય આલોકે કહ્યું, "વિપક્ષને એ વાતમાં રસ છે કે આપણાં કેટલાં વિમાન પડ્યાં. તો આ પાકિસ્તાનની ભાષા છે કે નહીં?"
તેમજ જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)ના નેતા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે વિપક્ષે પોતાના વલણ અંગે વિચારવું જોઈએ અને 'ઑપરેશન સિંદૂર'ની સફળતા પર સવાલ ન ઉઠાવવા જોઈએ.
રાજીવ રંજન પ્રસાંદે કહ્યું, "ભારતે પાકિસ્તાનનાં નવ ઠેકાણાં તોડી પાડ્યાં અને 100 કરતાં વધુ આતંકવાદીઓને માર્યા. આ ભારતની એક મોટી જીત છે."
તેમણે કહ્યું, "જે લોકો યેનકેન પ્રકારે આવું બધું કાઢીને ઑપરેશન સિંદૂરની સફળતા પર સવાલ ઉઠાવી રહ્યા છે અને એ પણ એવા સમયે જ્યારે તમામ પક્ષોના સાંસદ વિશ્વના જુદા જુદા દેશોમાં મજબૂતી સાથે ઑપરેશન સિંદૂરની સફળતાની વાત કરી રહ્યા છે, એ કારણોની વાત કરી રહ્યા છે, જેના કારણે આ ઑપરેશન કરવું પડ્યું. તો નિ:શંકપણે આ સમગ્ર ઘટનાક્રમ પર વિપક્ષે પોતાના વલણ પર વિચાર કરવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












