પશ્ચિમ બંગાળ પોલીસે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની ધરપકડ કરી, 'ઑપરેશન સિંદૂર'ની પોસ્ટનો વિવાદ શું છે?

શર્મિષ્ઠા પનોલી, નબી વિરુદ્ધ ટિપ્પણી, પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહી, ગુરુગ્રામમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, શર્મિષ્ઠાને શનિવારે અલીપોરની કોર્ટમાં રજૂ કરાયાં હતાં

પશ્ચિમ બંગાળ પોલીસે 22 વર્ષીય લૉ સ્ટુડન્ટ તથા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીની ધરપકડ કરી છે. શર્મિષ્ઠા પર આરોપ છે કે તેમણે 'ઑપરેશન સિંદૂર' મુદ્દે પોસ્ટ કરીને એક ચોક્કસ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી.

કોલકાતાની ગાર્ડનરીચ પોલીસે હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી શર્મિષ્ઠાની ધરપકડ કરી હતી. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

કોલકાતા પોલીસનાં સૂત્રોએ બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ ત્રિપાઠીને જણાવ્યું હતું, "શર્મિષ્ઠાએ 'ઑપરેશન સિંદૂર' દરમિયાન બોલીવૂડ ઍક્ટર્સની ચૂપકીદી અંગે એક વીડિયો અપલોડ કર્યો હતો. આ દરમિયાન તેમણે એક ચોક્કસ ધર્મ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી."

શર્મિષ્ઠા ત્યાંની અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતાં, જ્યાંથી તેમનાં ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને તેમને શનિવારે કોલકાતાની અલીપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં.

અદાલતે શર્મિષ્ઠાને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.

શર્મિષ્ઠાના વકીલનું કહેવું છે કે તેમણે ધરપકડની સામે કોર્ટમાં જામીન અરજી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે શર્મિષ્ઠનાં મોબાઇલ અને લૅપટૉપ જપ્ત કરી લેવાયાં છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતી વેળાએ વકલી શમીમુદ્દીને કહ્યું હતું, "અમે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે વાદી પક્ષે જે વસ્તુઓનો કથિત રીતે ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમ કે, મોબાઇલ ફોન અને લૅપટૉપ વગેરે અગાઉ જ જપ્ત કરી લેવાયાં છે."

વકીલે કહ્યું, "અદાલતે અમારી અરજ સાંભળી હતી. વાદી પક્ષે પોલીસ કસ્ટડીની માગ કરી હતી, જેને નકારી દેવામાં આવી હતી અને આરોપીને 13 જૂન, 2025 સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયાં છે."

દરમિયાન ન્યૂઝ એજન્સી આઈએએનએસનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પોલીસની ગાડીમાં બેસતી વખતે શર્મિષ્ઠાને એમ કહેતાં સાંભળી શકાય છે, "લોકશાહીમાં મારું ઉત્પીડન કરવામાં આવ્યું છે. આ લોકશાહી નથી."

શર્મિષ્ઠા પૂણેની સિમ્બપાયોસિસ લૉ સ્કૂલમાં બીબીએ-એલએલબીમાં (બૅચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન – બૅચલ ઑફ લૅજિસ્લેટિવ લૉ) અભ્યાસ કરે છે. યુનિવર્સિટીએ તેમને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યાં હોવાના અહેવાલ છે.

આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ તથા પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી સહિત અનેક લોકોએ પ્રતિક્રિયા આપી છે.

શું છે વિવાદ?

શર્મિષ્ઠા પનોલી, નબી વિરુદ્ધ ટિપ્પણી, પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહી, ગુરુગ્રામમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Social Media

કોલકાતા પોલીસનાં સૂત્રોએ પ્રભાકર મણિ તિવારીએ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં શર્મિષ્ઠાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકી હતી, જેને પછી ડિલીટ કરી નાખી હતી અને માફી માગી હતી.

જોકે, 15મી મેના રોજ કોલકાતાના ગાર્ડનરીચ પોલીસ સ્ટેશનમાં શર્મિષ્ઠા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી, જેના પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

પોલીસનું કહેવું છે કે ફરિયાદ બાદ શર્મિષ્ઠાને નોટિસ મોકલવાનો પ્રયાસ થયો હતો, પરતુ તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે અંડરગ્રાઉન્ડ થઈ ગયાં હતાં. એ પછી તેમની સામે વૉરન્ટ કાઢવામાં આવ્યું હતું અને તેના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે, વિવાદાસ્પદ વીડિયો વાઇરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો. એ પછી તેમણે વિના શરતે માફી માગી હતી અને વિવાદાસ્પદ વીડિયો તથા સંબંધિત પોસ્ટને હઠાવી દીધાં હતાં. જોકે, કોર્ટે વૉરન્ટ કાઢ્યું હતું.

શર્મિષ્ઠાને યુનિવર્સિટીએ સસ્પેન્ડ કર્યાં

શર્મિષ્ઠા પનોલી, નબી વિરુદ્ધ ટિપ્પણી, પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહી, ગુરુગ્રામમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સિમ્બાયોસિસ યુનિવર્સિટીએ શર્મિષ્ઠાને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે તથા તેમનું પ્લેસ્મેન્ટ પણ અટકાવી દીધું છે

દરમિયાન 'ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારે સિમ્બાયોસિસ ઇન્ટરૅશનલ યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલરને ટાંકતા જણાવ્યું કે શર્મિષ્ઠાને ત્રણ મહિના માટે યુનિવર્સિટીની શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓથી સસ્પેન્ડ કરી દેવાયાં છે.

યુનિવર્સિટીનાં પ્રો. ચાન્સેલર વિદ્યા યરવેડકરે ઇન્ડિયન ઍક્સપ્રેસને કહ્યું, "શર્મિષ્ઠાએ જે કંઈ કહ્યું હતું, તેના વિશે અમને સોશિયલ મીડિયના માધ્યમથી જાણ થઈ હતી. તેમાં જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સિમ્બાયોસિસનાં વિદ્યાર્થી કે કોઈ પણ ભારતીય નાગરિક તરીકે સંપૂર્ણપણે અશોભનીય છે."

તેમણે કહ્યું, "અમે યુનિવર્સિટીની આચારસંહિતાનું પાલન કર્યું તથા શિસ્ત કમિટીની બેઠક બોલાવી હતી. વિદ્યાર્થિનીને ત્રણ મહિના માટે શૈક્ષણિક કે બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓથી સસ્પેન્ડ કરી દેવાયાં છે."

"અમે વસુધૈવ કુટુમ્બકમની ભાવના તથા તમામ સંસ્કૃતિઓ તથા ધર્મો પ્રત્યે સન્માનનું શિક્ષણ આપ્યું હતું. અમે કડક કાર્યવાહી કરી છે અને તેમનું પ્લેસમેન્ટ પણ અટકાવી દીધું છે."

શર્મિષ્ઠાની ધરપકડ અંગે નેતાઓ શું બોલ્યા?

શર્મિષ્ઠા પનોલી, નબી વિરુદ્ધ ટિપ્પણી, પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહી, ગુરુગ્રામમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પવન કલ્યાણે પશ્ચિમ બંગાળ પોલીસને તમામની સાથે સમાનપણે અને યોગ્ય રીતે આચરણ કરવા કહ્યું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શર્મિષ્ઠાની ધરપકડ અંગે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી પવન કલ્યાણે કહ્યું કે પશ્ચિમ બંગાળની પોલીસે તમામની સામે સમાન રીતે કામ કરવું જોઈએ.

પવન કલ્યાણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરી કે, "લૉનાં વિદ્યાર્થિની શર્મિષ્ઠાએ 'ઑપરેશન સિંદૂર' દરમિયાન પોતાનો મત રજૂ કર્યો. તેમના શબ્દ ખેદજનક તથા અમુક લોકોને માટે પીડાદાયક હતા. આને માટે તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી અને વીડિયો ડિલીટ કરી નાખ્યો. સાથે જ માફી પણ માગી. પશ્ચિમ બંગાળ પોલીસ તરત જ ઍક્શનમાં જોવા મળી અને શર્મિષ્ઠાની વિરુદ્ધ કાર્યવાહી કરી."

"પરંતુ જ્યારે ટીએમસીના (તૃણમૂલ કૉંગ્રેસ) ચૂંટાયેલા નેતા સનાતન ધર્મની મજાક ઉડાવે છે, ત્યારે લાખો લોકોને જે ખૂબ જ ઊંડું દર્દ થાય છે, તેના વિશે શું? જ્યારે અમારા ધર્મને 'ગંદો ધર્મ' કહેવામાં આવે, તો શા માટે આક્રોશ જોવા નથી મળતો? એની માફીનું શું? એમની તાત્કાલિક ધરપકડ કેમ ન થઈ?"

આ સાથે પવન કલ્યાણે એક વીડિયો પણ શૅર કર્યો છે.

પવન કલ્યાણે આગળ લખ્યું, "ઇશનિંદાની હંમેશાં ટીકા થવી જોઈએ. ધર્મનિરપેક્ષતા કેટલાક લોકો માટે ઢાલ તથા બીજા લોકો માટે તલવાર નથી. તે બેતરફી રસ્તો હોવો જોઈએ. પશ્ચિમ બંગાળ પોલીસ...દેશ જોઈ રહ્યો છે. તમામને માટે ન્યાયપૂર્ણ રીતે કામ કરો."

ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના કહેવા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં 'તુષ્ટીકરણનું રાજકારણ' રમાઈ રહ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, "મહુઆ મોઇત્રાએ કાલી અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમની વિરુદ્ધ પણ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ થઈ હતી, પરંતુ શું કોઈ કાર્યવાહી થઈ? ટીએમસીના સાંસદ સાયોની ઘોષે મહાદેવ અંગે પોસ્ટ કરી હતી, તેમાં કોઈ કાર્યવાહી થઈ?"

"ફિરહદ હકીમ વિરુદ્ધ અનેક એફઆઈઆર થઈ, પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ. માત્ર સનાતનીઓ વિરુદ્ધ જ કાર્યવાહી થાય છે. આ સનાતનીઓને ગાળો ભાંડવાનું લાઇસન્સ છે."

કૉંગ્રેસના નેતા અને સાંસદ કાર્તિ ચિદમ્બરમે ઍક્સ પર લખ્યું, "સોશિયલ મીડિયા પોસ્ટને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી એવું સ્પષ્ટ રીતે સાબિત ન થાય, ત્યાર સુધી આ પ્રકારની પોસ્ટ માટ આંતરરાષ્ટ્રીય ધરપકડોએ સ્પષ્ટપણે પોલીસને આપવામાં આવેલી શક્તિઓનો દુરુપયોગ છે."

ધરપકડની માગ કરનાર નેતાઓ શું બોલ્યા?

શર્મિષ્ઠા પનોલી, નબી વિરુદ્ધ ટિપ્પણી, પશ્ચિમ બંગાળ પોલીસ કાર્યવાહી, ગુરુગ્રામમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વારિસ પઠાણે (જમણે) શર્મિષ્ઠાની ધરપકડની માગ કરી હતી

એઆઈએમઆઈએમના રાષ્ટ્રીય પ્રવક્તા વારિસ પઠાણે એ નેતાઓમાં સામેલ છે, જેમણે શર્મિષ્ઠાની ધરપકડની માગ કરી હતી.

વારિસ પઠાણે 14મી મેના રોજ શર્મિષ્ઠાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું, "તેણે અમારા નબી અંગે ખૂબ જ નિમ્ન શબ્દો વાપર્યા છે, જે કોઈ મુસલમાન ક્યારેય સહન નહીં કરે. જ્યારે આખો દેશ એક થઈને ઊભો છે, ત્યારે આ પ્રકારની ભાષા વાપરીને દેશમાં કોમી તણાવ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

વારિસ પઠાણે પોતાની પોસ્ટ મારફત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ શર્મિષ્ઠાની ધરપકડની માગ કરી હતી.

શર્મિષ્ઠાની ધરપકડ બાદ વારિસ પઠાણે કહ્યું, "કોઈને પણ અન્ય કોઈની ધાર્મિક ભાવનાઓને આઘાત પહોંચાડવાનો અધિકાર નથી. આખો દેશ એક થઈને ઊભો છે, ત્યારે તમે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો, તેને સહન કરવામાં નહીં આવે."

તેમણે કહ્યું, "ઘણા લોકોએ એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી તથા કાયદેસરની કાર્યવાહીની માગ કરી. અમે પણ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની (શર્મિષ્ઠા) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ પ્રકારની ભાષા કોઈ સહન નહીં કરે."

વારિસ પઠાણે કહ્યું, "હવે એમની સામે કાર્યવાહી થઈ છે. અમે પહેલાંથી જ કહ્યું હતું કે અમે હિંસાને નકારીએ છીએ. કોઈને પણ કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી. જોકે, એવી કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે બીજું કોઈ આવું ન કરે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન