કર્નલ સોફિયા કુરેશીને મળશે આ સન્માન, ગુજરાત સાથે તેમનો શું સંબંધ છે?

ઇમેજ સ્રોત, EPA
ઑપરેશન સિંદૂર દરમ્યાન ચર્ચામાં આવેલાં અને ભારતીય સેનામાં કાર્યરત કર્નલ સોફિયા કુરેશીને 2026ના વિશિષ્ટ સેવા પદક માટે પસંદ કરવામાં આવ્યાં છે.
'ઑપરેશન સિંદૂર' દરમ્યાન કર્નલ સોફિયા કુરેશીએ વિંગ કમાંડર વ્યોમિકા સિંહ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે મીડિયાને સૈન્ય કાર્યવાહીઓની દૈનિક માહિતી આપી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યા પર સશસ્ત્ર દળોના 70 કર્મચારીઓને તેમની અસાધારણ બહાદુરી અને બલિદાન માટે વીરતા પુરસ્કારોને મંજૂરી આપી હતી. આમાં છ સન્માન મરણોપરાંત આપવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતીય સૈન્યે ગત વર્ષે મે મહિનામાં 'ઑપરેશન સિંદૂર' ચલાવીને પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કર્યો હતો.
એ દરમિયાન ભારત સરકાર તરફથી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે આ કાર્યવાહી અંગે નવી દિલ્હી ખાતે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં વિશ્વ અને દેશને આધિકારિક માહિતી આપી હતી.
વિદેશસચિવની સાથે મહત્ત્વપૂર્ણ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેનાર આ ભારતીય સૈન્યની 'નારીશક્તિનાં આ પ્રતિનિધિઓ' આ બાદથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં હતાં. સોફિયા કુરેશી વિશે દેશભરમાં ચર્ચા થઈ હતી.
સોફિયા કુરેશીનો ગુજરાત સાથે સંબંધ

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
ભારતના હુમલાઓ અંગેની જાણકારી મીડિયાને આપનાર ભારતીય સૈન્યનાં કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાનાં હોવાનું સામે આવ્યું હતું.
આ હકીકત સામે આવતાં હવે કર્નલ સોફિયાને 'ગુજરાતની દીકરી' ગણાવતાં સંદેશા પણ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક સંદેશ પ્રમાણે કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાનાં રહેવાસી છે અને તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1997માં બાયૉકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.
અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને કૉર્પ્સ ઑફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી.
તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું.
સોફિયાના પતિ પણ ભારતીય સેનાની મિકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે.
આ યુગલ દેશની રક્ષા માટે સમર્પિત છે.
2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ પ્રથમ મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ઍસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નૅશન્સ + (ASEAN પ્લસ) દેશોની મલ્ટિનૅશનલ મિલિટરી કવાયત 'ફોર્સ 18'માં ભાગ લેનારા 18 દેશોના પ્રતિનિધિઓ પૈકી એકમાત્ર મહિલા કમાન્ડર રહ્યાં. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.
વિભાગે આપેલી માહિતી અનુસાર સોફિયાએ કર્મક્ષેત્રે માત્ર યોદ્ધાની ભૂમિકા જ નથી ભજવી, પરંતુ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નૅશન્સના પીસકીપિંગ ઑપરેશન્સ અંતર્ગત છ વર્ષના સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કૉંગોમાં તહેનાત રહ્યાં હતાં. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે.
"વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે," આ તેમનો સ્પષ્ટ સંદેશ છે.
રાજ્યના માહિતીવિભાગ પ્રમાણે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી. 'ઑપરેશન સિંદૂરના વિજય' અને સેના દ્વારા ઉપયોગમાં લેવાયલી વ્યૂહરચનાઓની ઝાંખી મીડિયા સામે રજૂ કરી હતી.
દીકરી પર ગૌરવ અનુભવું છું - કર્નલ સોફિયાના પિતા

ઇમેજ સ્રોત, Hardik
કર્નલ સોફિયાના પિતા તાજ મોહમ્મદ કુરેશીએ એ સમયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ. મારી દીકરીએ દેશ માટે કંઈક કર્યું એ વાતનો મને ગર્વ છે. અમે રાષ્ટ્ર માટે સમર્પિત છીએ. પહેલાં અમે ભારતીય છીએ અને પછી હિંદુ-મુસ્લિમ."
તેમણે ભારતની કાર્યવાહી અંગે કહ્યું કે, "આપણા દેશે ઍક્શન લેવામાં મોડું કર્યું."
સૈન્યમાં જોડાવા માટેની કર્નલ સોફિયાની પ્રેરણા અંગે વાત કરતાં પિતાએ કહ્યું કે, "તેને પહેલાંથી જ આર્મીમાં જોડાવું હતું.એણે કહ્યું કે આપણા ઘરમાંથી ભાઈઓ કોઈ આર્મીમાં નથી જઈ રહ્યા, હું જઉં..? તો મેં તરત હા પાડી દીધી. અને એની આર્મીમાં પસંદગી પણ થઈ ગઈ."
કર્નલ સોફિયાએ જ્યારે મીડિયા સાથેની વાતચીતમાં ઑપરેશન સિંદૂરની માહિતી આપી ત્યારે મનમાં આવેલી લાગણી અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "એ ક્ષણ મને ગૌરવનો અનુભવ થયો. મને થયું કે મારી દીકરીએ પણ પોતાના રાષ્ટ્ર માટે કંઈક કર્યું."
કર્નલ સોફિયાનાં માતા હલીમાબીબી કુરેશીએ દીકરીને સૈન્યમાં જોડાવા માટે મળેલી પ્રેરણા અંગે વાત કરતાં કહ્યું કે, "એનાં દાદી એને કહેતાં કે તારા દાદા અને પિતા આર્મીમાં જોડાયા છે. તો સોફિયા એમને કહેતી કે મારા કોઈ ભાઈ આર્મીમાં નથી જોડાયા, તેથી હું મોટી થઈને આર્મીમાં જોડાઈશ."
તેમણે આગળ કહ્યું કે દીકરી આર્મીમાં જોડાય એ વાત અંગે 'કોઈ ડર નહોતો.'
સોફિયાનાં માતાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કર્નલ સોફિયાના પુત્ર પણ હવે આર્મીમાં જોડાવા માગે છે.
કર્નલ સોફિયાના ભાઈ મોહમ્મદ સંજયભાઈ કુરેશીએ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "પહલગામની ઘટના કરતાં વધુ નિંદનીય કોઈ ઘટના ન હોઈ શકે. એનો જવાબ બનતો હતો અને હાલની ઘડી અમારા પરિવાર સહિત આખા ભારત માટે ખૂબ જ ગર્વની ઘડી છે."
તેમણે ભારતના ઑપરેશન સિંદૂર અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "લોકો ઇચ્છતા હતા કે ધર્મના નામ પર ગંદકી અને નફરત ફેલાવનારાનો ખાતમો થાય, એ થયું પણ."
કર્નલ સોફિયા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, "અમારા દાદા, પિતા અને હવે સોફિયા ભારતીય સૈન્યમાં સેવા આપી ચૂક્યાં છે. અમારા લોહીમાં દેશભક્તિ છે."
"જ્યારે અમારાં બહેન સોફિયાએ આર્મી સ્કૂલ - કેન્દ્રીય વિદ્યાલયથી અભ્યાસની શરૂઆત કરી. તેઓ વડોદરામાં જ ભણ્યાં છે. તેમણે એમ. એસ. યુનિવર્સિટીથી ઉચ્ચાભ્યાસ કર્યો છે. તેઓ જ્યારે પીએચ. ડી. કરી રહ્યાં હતાં ત્યારે જ તેઓ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ લેક્ચરર તરીકે સેવા આપી રહ્યાં હતાં. "
"ભારતીય આર્મીની શૉર્ટ સર્વિસ કમિશનમાં તેમની પસંદગી થઈ. એ બાદ તેઓ પોતાની પીએચ. ડી.માં એક વર્ષનો જ સમય બાકી હોવા છતાં દેશસેવા માટે સૈન્યમાં જોડાઈ ગયાં."
સોફિયાના સહાધ્યાયીએ તેમને કેવી રીતે યાદ કર્યાં?

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
સોફિયાના સહાધ્યાયી અને એમ. એસ. યુનિવર્સિટીના બાયૉકેમિસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવેશ સુથારે આજે જ્યારે સોફિયાનું નામ આખા દેશમાં ચર્યાનો વિષય બન્યું છે ત્યારે બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિક સાથેની વાતચીતમાં તેમને યાદ કર્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, "અભ્યાસકાળ દરમિયાન સોફિયા ખૂબ મિલનસાર સ્વાભાવનાં હતાં. સોફિયાનું બૅકગ્રાઉન્ટ પહેલાંથી જ આર્મીનું રહ્યું છે. સોફિયાએ દેશ, વડોદરા અને એમ. એસ. યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આજે અમને ખૂબ ગર્વ છે."

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
તેમણે સોફિયાના વિદ્યાર્થીજીવન અને કારકિર્દીની શરૂઆતનાં વર્ષોની વાતનો યાદ કરતાં કહ્યું, "સોફિયાએ એક વર્ષ સુધી બાયૉકેમિસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓ ને ભણાવ્યા પણ છે.તેને રિસર્ચમાં ખૂબ રસ હતો. અમે જ્યારે સાથે અભ્યાસ કરતા ત્યારે અંદાજો નહોતો કે તે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરશે."
"અમે ક્લાસ અને લાઇબ્રેરીમાં સાથે બેસી અભ્યાસ કરતાં હતાં. એ સમયે ઇન્ટરનેટ નહોતું. લાઇબ્રેરીમાં બુક લેવા અમારા વચ્ચે લડાઈ થતી."
તેઓ સોફિયાના પરિવાર અંગે વાત કરતાં કહે છે કે, "તેમનાં માતાપિતા પણ ખૂબ મિલનસાર સ્વભાવનાં હતાં. અમે હોસ્ટેલમાં રહેતાં, ઘરના ભોજનની યાદ આવે ત્યારે ક્યારેક ક્યારેક સોફિયાના ઘરેથી ટિફિન આવતું. પ્રોફેસર હરિ કટારિયાના માર્ગદર્શનમાં તે રિસર્ચ પણ કરતી હતી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















