'અરવલ્લી બચાવો'ના નારા સાથે લોકો રસ્તા પર શા માટે ઊતર્યા, જાણો શું છે સમગ્ર વિવાદ?

    • લેેખક, અભિષેક ડે
    • પદ, બીબીસી ન્યૂઝ

સુપ્રીમ કોર્ટે અરવલ્લીના પહાડોને નવેસરથી વ્યાખ્યાયિત કર્યા છે, જેના પછી ઉત્તર ભારતમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે.

અરવલ્લી વિશ્વની સૌથી જૂની ભૂગર્ભીય સંરચનાઓમાંથી એક છે, જે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને રાજધાની દિલ્હી સુધી વિસ્તરેલી છે.

કેન્દ્ર સરકારની ભલામણ બાદ સુપ્રીમ કોર્ટે અરવલ્લીની જે વ્યાખ્યાનો સ્વીકાર કર્યો છે, તે મુજબ, આજુબાજુની જમીન કરતાં ઓછામાં ઓછા 100 મીટર (328 ફૂટ) ઊંચા ભૂભાગને જ અરવલ્લીનો પહાડ માનવામાં આવશે.

જો બે પહાડ વચ્ચેનું અંદર 500 મીટર (કે એનાથી ઓછું) હોય, તો તેમની વચ્ચેના ભૂભાગને પણ અરવલ્લી પર્વતશ્રૃંખલાના ભાગરૂપ માનવામાં આવશે.

કેટલાક પર્યાવરણવિદોનું કહેવું છેકે માત્ર ઊંચાઈના આધારે અરવલ્લીને વ્યાખ્યાતિત કરવાને કારણે 100 મીટરથી નાની હોય એવી અરવલ્લીની અનેક ટેકરીઓમાં ખાણકામ તથા નિર્માણકાર્ય શરૂ થઈ જવાનું જોખમ ઊભું થશે.

આ ટેકરીઓ ઉપર ઝાડીઝાંખરા અને ઘાસ હોય છે, જે પર્યાવરણ તથા ઇકૉલૉજી માટે જરૂરી હોય છે.

જોકે, કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને મજબૂત કરવાનો તથા તેમાં એકરૂપતા લાવવાનો છે, નહીં કે સુરક્ષા ઘટાડવાનો.

વિરોધ કરનારાઓનું શું કહેવું છે?

ચાલુ સપ્તાહે ગુરુગ્રામ અને ઉદયપુર સહિત અનેક શહેરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયાં, જેમાં સ્થાનિકો, ખેડૂતો, પર્યાવરણવાદીઓ તથા કેટલાંક સ્થળોએ વકીલો અને રાજકીય દળો પણ સામેલ થયાં.

પીપલ ફૉર અરવલ્લીઝ સમૂહનાં સ્થાપક સભ્ય નીલમ આહલૂવાલિયાએ બીબીસીને કહ્યું કે નવી વ્યાખ્યા હેઠળ અરવલ્લીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા નબળી પડી શકે છે.

નીલમ આહલૂવાલિયાનું કહેવું છે કે ઉત્તર ભારતમાં "રણને આગળ વધતું અટકાવવા, ભૂગર્ભજળને રિચાર્જ કરવા તથા લોકોની આજીવિકાને બચાવવા" તે જરૂરી છે.

જાણકારોનું કહેવું છે કે નાના-મોટા ઝાડીઝાંખરાથી આચ્છાદિત આ ટેકરીઓ પહાડોને પણ રણપ્રદેશના ફેલાવવાને અટકાવવામાં, ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં તથા સ્થાનિકોને રોજગાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અરવલ્લી બચાવ આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણ કાર્યકર્તા વિક્રાંત ટોંગડ કહે છે, "અરવલ્લીની પર્વતશ્રૃંખલાને માત્ર ઊંચાઈના આધારે નહીં, પરંતુ પર્યાવરણ, ભૂગર્ભ તથા જળવાયુ સંબંધે મહત્ત્વના આધારે વ્યાખ્યાયિત કરવી જોઈએ."

વિક્રાંત ટોંગડનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પહાડ તથા પર્વતીય ઇકૉલૉજીની ઓળખ તેના કામથી થાય છે, તેના થકી જે કામ થાય છે, તેનાથી ઓળખ નક્કી થાય છે. ઊંચાઈના મનસ્વી પરિમાણ ઉપર નહીં.

વિક્રાંત ટોંગડનું કહેવું છે, "ભૂગર્ભીય રીતે અરવલ્લીના ભાગરૂપ હોય તેવી જમીન પર્યાવરણસંરક્ષણ કે રણને ફેલાતું અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેને ઊંચાઈ ગમે તેટલી હોય, તો પણ તેને અરવલ્લીની પર્વતશ્રૃંખલા માનવી જોઈએ."

કાર્યકર્તાઓની માંગ છે કે સરકાર દ્વારા વૈજ્ઞાનિક પરિમાણથી અરવલ્લીક્ષેત્રની વ્યાખ્યા કરવામાં આવે, જેમાં તેના ભૂગોળ, પર્યાવરણ વન્યજીવ સંપર્ક તથા જળવાયુ સંઘર્ષની ક્ષમતાને પણ ધ્યાને લેવામાં આવે.

ટોંગડ કહે છે કે અદાલતની નવી વ્યાખ્યાથી ખાણકામ, નિર્માણકાર્ય તથા ધંધાકીય પ્રવૃત્તિઓ વધી શકેછે, જેના કારણે ઇકૉલૉજીને નુકસાન થવાનું જોખમ વધી જશે.

વિપક્ષે પણ આ મામલે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે નવી વ્યાખ્યાથી પર્યાવરણ તથા ઇકૉલૉજીને ગંભીરપણે નુકસાન થઈ શકે છે.

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનું કહેવું છે કે અરવલ્લીની રક્ષાને 'દિલ્હીના અસ્તિત્વને બચાવવાથી અલગ ન કરી શકાય.'

રાજસ્થાન કૉંગ્રેસના નેતા ટીકારામ જુલ્લીએ અરવલ્લીને રાજ્યની 'જીવનરેખા' ગણાવી હતી અને કહ્યું હતું કે જો તે ન હોત, કતો 'દિલ્હી સુધીનો બધો વિસ્તાર મરુભૂમિ બની ગયો હોત.

સરકારનું શું કહેવું છે?

કેન્દ્ર સરકારના મતે આ ચિંતાઓ એટલી ગંભીર નથી. રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું કે નવી વ્યાખ્યાનો હેતુ નિયમોને સુદૃઢ કરવાનો તથા એકરૂપતા લાવવાનો છે.

નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું કે બધાં રાજ્યોમાં સરખી રીતે ખાણકામની પ્રવૃત્તિને નિયંત્રિત કરી શકાય, તે માટે પણ સ્પષ્ટ અને વસ્તુનિષ્ઠ પરિભાષાની જરૂર હતી.

સાથે જ જણાવવામાં આવ્યું છે કે નવી પરિભાષામાં સમગ્ર પહાડીતંત્રને સામેલ કરવામા આવ્યું છે, જેમાં ઢોળાવ, તેની આજુબાજુની જમીન, અને વચ્ચેના વિસ્તારો પણ સામેલ છે, જેથી પર્વતશ્રૃંખલા અને તેમની વચ્ચેના સંબંધની પણ સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયનું કહેવું છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈવાળી દરેક ટેકરીમાં ખાણકામની મંજૂરી મળી જશે, એમ માની લેવું ખોટું છે.

સરકારનું કહેવું છેકે અરવલ્લાના પહાડો કે પર્વતશ્રૃંખલા હેઠળના દરેક વિસ્તારમાં ખાણકામની નવી લીઝ આપવામાં નહીં આવે. જૂના ભાડાપટ્ટા ધરાવનારાઓ પણ ટકાઉ ખાણકામના નિયમોનું પાલન કરશે, તો જ તેમની લીઝ ચાલુ રહેશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સંરક્ષિત જંગલ, અનામત જંગલ, પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર, રામસર સાઇટમાં (આર્દ્રભૂમિ, વૅટલૅન્ડ) સંપૂર્ણપણે ખાણકામ નિષેધ છે.

જોકે વ્યૂહાત્મક તથા પરમાણુ ખનિજના અપવાદની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.

પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવનું કહેવું છે કે અરવલ્લીની પર્વતશ્રૃંખલા એક લાખ 47 હજાર વર્ગકિલોમીટરમાં ફેલાયેલી છે. વિસ્તૃત અભ્યાસ અને સત્તાવાર મંજૂરી બાદ માત્ર બે ટકા જમીન જ સંભવત ખાણકામ માટે વપરાશમાં લઈ શકાશે.

જોકે, વિરોધ કરનારાં અનેક સમૂહોનું કહેવું છે કે તેઓ પ્રદર્શનો ચાલુ રાખશે અને તેઓ અદાલતની નવી પરિભાષાને પડકારવા માટેના કાયદાકીય વિકલ્પો ઉપર વિચાર કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન