ઍપ્સ્ટીન ફાઇલોમાં શું નવું સામે આવ્યું, કોનાં કોનાં નામ આવ્યાં?

    • લેેખક, અના ફૅગી અને ક્રિસ્ટલ હેઝ
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકના‌ ન્યાય વિભાગ તરફથી યૌન અપરાધી જેફ્રી ઍપ્સ્ટીનના દુર્વ્યવહારો સાથે સંકળાયેલાં હજારો પાનાંના દસ્તાવેજ જાહેર થયા પછી એ લોકો નિરાશા થયા છે, જેઓ તેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. જેફ્રી ઍપ્સ્ટીનનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

અમેરિકાની સંસદે એક કાયદો પસાર કર્યો હતો, જેના હેઠળ શુક્રવાર સુધીમાં બધી ફાઇલો સંપૂર્ણપણે સાર્વજનિક કરવી જરૂરી હતી, પરંતુ હજુ સુધી થોડાક જ દસ્તાવેજ જાહેર કરાયા છે, અને તે પણ ઘણી જગ્યાએ ઘણી કાપકૂપ સાથે.

આ દસ્તાવેજોને સાર્વજનિક કરાવવા માટે દબાણ કરનારા સાંસદોએ વિભાગના પ્રયાસોને 'બિનગંભીર' ગણાવ્યા છે.

જ્યારે થોડાક કાયદા નિષ્ણાતોનું કહેવું છે કે આટલી વધારે કાપકૂપના કારણે કાવતરા સાથે જોડાયેલી ધારણાઓ વધુ મજબૂત થઈ શકે છે.

જેફ્રી ઍપ્સ્ટીનનો ભોગ બનનારાં લિઝ સ્ટીને બીબીસીને કહ્યું, "અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે આ ગુના સાથે સંકળાયેલા બધા પુરાવા જાહેર થાય."

સ્ટીને રેડિયો 4ના ટુડે કાર્યક્રમને કહ્યું કે તેમના અનુસાર ન્યાય વિભાગ સ્પષ્ટ રીતે 'ઍપસ્ટીન ફાઇલ ટ્રાન્સપેરેન્સી ઍક્ટ'ની વિરુદ્ધ જઈ રહ્યો છે.

આ એ જ કાયદો છે, જેના હેઠળ બધા દસ્તાવેજોને જાહેર કરવા અનિવાર્ય છે.

તેમણે કહ્યું કે આ કેસોના સર્વાઇવર એવી આશંકાથી ખૂબ જ ચિંતિત છે કે ક્યાંક 'અધૂરી માહિતીને કોઈ સંદર્ભ વગર ધીમે ધીમે જાહેર કરવાની રણનીતિ' અપનાવવામાં ન આવે.

ઍપસ્ટીનના શોષણનો ભોગ બનેલાં મરીના લાસેર્દાએ પણ બીબીસીને કહ્યું, જ્યારે તેમની સાથે 'દુર્વ્યવહાર' થયો હતો ત્યારે તેમની ઉંમર 14 વર્ષની હતી.

તેમને જણાવ્યું કે કેટલાક સર્વાઇવર હજુ પણ 'એ વાતથી ગભરાયેલા અને સાશંક છે કે બાકીની ફાઇલો આખરે કઈ રીતે જાહેર કરાશે.'

તેમણે કહ્યું, "અમે એ બાબતે ઘણા ચિંતિત છીએ કે હવે પછી પણ દસ્તાવેજોને આ જ પ્રકારે કાપકૂપ કરીને રજૂ કરાશે જે રીતે આજે કરાયા છે."

"અમે થોડા હતાશ પણ છીએ છે કે તેમણે હજુ પણ કેસને લટકાવી રાખ્યો છે અને બીજી વાતોમાં ગૂંચવીને અમારું ધ્યાન ભટકાવી રહ્યા છે."

સાર્વજનિક દસ્તાવેજોના પહેલા ભાગમાં શું શું સામે આવ્યું

આની પહેલાં અમેરિકાના ન્યાય વિભાગે જેફ્રી ઍપસ્ટીન સાથે સંકળાયેલા દસ્તાવેજોનો પહેલો ભાગ જાહેર કર્યો હતો.

જોકે, ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને થોડા રિપબ્લિક નેતાઓએ કહ્યું હતું કે ન્યાય વિભાગ નક્કી કરેલી સમયમર્યાદા સુધીમાં બધા દસ્તાવેજ જાહેર નથી કરી શક્યો. ઉપરાંત, હજારો પાનાંવાળી આ ફાઇલોમાં ઘણી મહત્ત્વની માહિતીઓ કાળી શાહીથી ઢાંકી દેવામાં આવી છે. એટલે કે તેને સાર્વજનિક કરવામાં નથી આવી.

પહેલા તબક્કામાં જાહેર કરાયેલી ફાઇલોમાં ઘણા પ્રખ્યાત લોકોનાં નામ પણ સામેલ છે. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન, બ્રિટનના શાહી પરિવાર સાથે જોડાયેલા ઍન્ડ્ર્યૂ માઉન્ટબેટન-વિંડસર, પ્રખ્યાત ગાયક મિક જૅગર અને માઇકલ જૅક્સનનાં નામ સામેલ છે.

જોકે, આ ફાઇલોમાં કોઈનું નામ હોવું કે તેમની તસવીર હોવી તે એ સાબિત નથી કરતું કે તેમણે કોઈ ખોટું કામ કર્યું છે.

જે લોકોનાં નામ આ દસ્તાવેજોમાં આવ્યાં છે કે પહેલાં પણ ઍપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં સામે આવ્યાં હતાં, તેમાંથી ઘણાએ કોઈ પણ પ્રકારની ખોટી પ્રવૃત્તિનો ઇનકાર કર્યો છે.

સ્વિમિંગ પૂલ અને હૉટ ટબમાં બિલ ક્લિંટનની તસવીરો

જાહેર કરાયેલી ઘણી તસવીરોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન જોવા મળે છે. એક તસવીરમાં તેઓ સ્વિમિંગ પૂલમાં તરતા જોવા મળે છે.

બીજી તસવીરમાં તેઓ ચત્તા સૂતેલા જોવા મળે છે. તેમના હાથ માથાની પાછળ રાખેલા છે. આ તસવીર હૉટ ટબની લાગે છે.

1990ના દાયકા અને 2000ની શરૂઆતનાં વર્ષોમાં ઘણી વખત જેફ્રી ઍપ્સ્ટીન સાથે ક્લિંટનની તસવીર લેવામાં આવી હતી. આ બધી ઍપસ્ટીનની પહેલી ધરપકડની પહેલાંની છે.

ક્લિંટને એમ પણ કહ્યું છે કે તેમને ઍપસ્ટીનના યૌન અપરાધોની કશી માહિતી નહોતી.

ક્લિંટનના એક પ્રવક્તાએ નવી તસવીરો અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ તસવીરો ઘણા દાયકા જૂની છે.

પ્રવક્તા ઍન્જેલ ઉરેનાએ સોશિયલ મીડિયા પર લખ્યું, "તેઓ ઇચ્છે તો 20 વર્ષ કરતાં પણ જૂની ધૂંધળી તસવીરો જાહેર કરી શકે છે, પરંતુ આ કેસ બિલ ક્લિંટન સાથે જોડાયેલો નથી. આ ન પહેલાં હતું અને હવે પછી પણ નહીં હોય."

તેમણે લખ્યું, "અહીં બે પ્રકારના લોકો છે. પહેલું ગ્રૂપ એ છે, જેમને કશી ખબર નહોતી અને તેઓ ગુનો સામે આવ્યા પહેલાં જ ઍપસ્ટીનથી દૂર થઈ ગયા. જ્યારે બીજું ગ્રૂપ એ છે, જેમણે તેમના (ઍપસ્ટીન) ગુના ઉજાગર થયા પછી પણ તેમની સાથે સંબંધ જાળવી રાખ્યા."

"અમે પહેલા ગ્રૂપમાં આવીએ છીએ. બીજા ગ્રૂપના લોકો ભલે ગમે તેટલો વિલંબ કરે, સત્ય બદલાશે નહીં. દરેક વ્યક્તિ, ખાસ કરીને ટ્રમ્પના સમર્થક, જવાબ ઇચ્છે છે, બલિનો બકરો નહીં."

ટ્રમ્પના નામનો પણ ઉલ્લેખ

દસ્તાવેજો અનુસાર, જેફ્રી ઍપસ્ટીને કથિત રીતે ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત એક 14 વર્ષની છોકરી સાથે કરાવી હતી. અમેરિકાના ન્યાય વિભાગે જે ફાઇલો જાહેર કરી છે, તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પણ ઉલ્લેખ છે.

અદાલતના કાગળો અનુસાર, આ મુલાકાત ફ્લોરિડાના માર-એ-લાગો રિસૉર્ટમાં થઈ હતી. આ ઘટના 1990ના દાયકાની હોવાનું કહેવાય છે.

દસ્તાવેજમાં કહેવાયું છે કે ઍપસ્ટીને ટ્રમ્પને કોણી મારીને છોકરી તરફ ઇશારો કર્યો. ઍપસ્ટીને મજાકમાં પૂછ્યું કે "આ સારી છે ને?"

ટ્રમ્પ હસ્યા અને સંમતિમાં માથું હલાવ્યું. આ કેસ 2020માં ઍપસ્ટીનની સંપત્તિ અને ગિલેન મૅક્સવેલ વિરુદ્ધ દાખલ કરાયો હતો.

દસ્તાવેજ અનુસાર એ બાબતે બંને હસ્યા હતા અને છોકરી અસ્વસ્થ થઈ. પરંતુ તે સમયે તે એટલી નાની હતી કે તે હસવાનું કારણ સમજી શકી નહીં.

સર્વાઇવરનો આરોપ છે કે ઍપસ્ટીને ઘણાં વર્ષો સુધી તેને ફોસલાવી અને તેનું શોષણ કર્યું. જોકે, અદાલતમાં દાખલ કાગળોમાં છોકરીએ ટ્રમ્પ પર કોઈ આરોપ નથી કર્યો.

આ દસ્તાવેજો પર પ્રતિક્રિયા આપતાં વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબિગેલ જૅક્સને નિવેદન કર્યું. તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્ર "ઇતિહાસનું સૌથી પારદર્શક વહીવટી તંત્ર" છે.

તેમણે કહ્યું કે હજારો પાનાંના દસ્તાવેજ જાહેર કરાયા છે અને હાઉસ ઓવરસાઇટ કમિટીની તપાસમાં સહકાર આપવામાં આવ્યો છે.

એબિગેલ જૅક્સને કહ્યું કે ટ્રમ્પે ઍપસ્ટીનની સાથે સંકળાયેલા ડેમોક્રેટ મિત્રોની વધુ તપાસની માગ પણ કરી છે.

તેમણે કહ્યું કે ટ્રમ્પ વહીવટી તંત્રએ સર્વાઇવર્સ માટે ડેમોક્રેટ્સની તુલનાએ ઘણું વધારે કામ કર્યું છે.

શુક્રવારે જાહેર કરાયેલી હજારો ફાઇલોમાં ખૂબ ઓછી જગ્યાએ ટ્રમ્પનો ઉલ્લેખ છે. કેટલીક તસવીરોમાં તેઓ જોવા મળે છે, પરંતુ તેમનું નામ આંશિક રીતે જ સામેલ છે.

તેનાથી વિપરીત, ટ્રમ્પ વૉર રૂમ નામના સત્તાવાર ઍક્સ ઍકાઉન્ટે બિલ ક્લિંટનની તસવીરો પોસ્ટ કરી.

ટ્રમ્પની પ્રેસ સેક્રેટરીએ પણ ક્લિંટનની તસવીરો બીજી વાર શેર કરતાં આશ્ચર્ય પ્રકટ કર્યું. જોકે, હજુ બધા દસ્તાવેજ જાહેર નથી થયા.

ડેપ્યુટી એટર્ની જનરલ ટૉડ બ્લાંશે કહ્યું કે 'ઘણા લાખ પાનાં'ની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. આ દસ્તાવેજ હજુ સાર્વજનિક નથી કરાયા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ઘણાં વર્ષો સુધી ઍપસ્ટીનના મિત્ર હતા, પરંતુ 2004ની આસપાસ તેમના સંબંધ પૂરા થઈ ગયા હતા. આ ઍપસ્ટીનની પહેલી ધરપકડ થઈ તેની પહેલાંની વાત છે.

ટ્રમ્પે ઍપસ્ટીન સાથે જોડાયેલા કોઈ પણ ખોટા કામ અંગે સતત ઇનકાર કર્યો છે.

તસવીરમાં ઍન્ડ્ર્યૂ કોઈના ખોળામાં સૂતેલા દેખાય છે

જાહેર કરાયેલી ફાઇલોમાં બ્રિટનના શાહી પરિવાર સાથે જોડાયેલા ઍન્ડ્ર્યૂ માઉન્ટબેટન-વિંડસરની તસવીર પણ ઉજાગર થઈ છે.

આ તસવીરમાં તેઓ ઘણા લોકોના ખોળામાં સૂતેલા જોવા મળે છે. એ લોકોના ચહેરાને ઢાંકી દેવાયા છે.

તસવીરમાં ઍપસ્ટીનની દોષિત જાહેર કરાયેલાં સહયોગી ગિલેન મૅક્સવેલ પણ જોવા મળે છે. તેઓ એ લોકોની પાછળ ઊભેલાં દેખાય છે.

આ તસવીરમાં ઍપસ્ટીન નથી. તેમની સાથેની જૂની મિત્રતાના કારણે ઍન્ડ્ર્યૂ ઘણાં વર્ષોથી તપાસ અને સવાલોના ઘેરામાં રહ્યા છે. ઍન્ડ્ર્યૂએ ઍપસ્ટીન સાથે સંકળાયેલા કોઈ પણ ખોટા કામનો વારંવાર ઇનકાર કર્યો છે.

ઍન્ડ્ર્યૂનું કહેવું છે કે, જે પ્રકારનાં કામોના લીધે પછીથી ઍપસ્ટીનની ધરપકડ થઈ અને તેમને સજા સંભળાવવામાં આવી, તેવો વ્યવહાર તેમણે નથી જોયો, નથી તેના સાક્ષી બન્યા અને તેમને ક્યારેય તેમના પર શંકા નથી થઈ.

માઇકલ જૅક્સન, ડાયના રૉસ, ક્રિસ ટકર અને મિક જૅગર

નવા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં અત્યાર સુધીના સૌથી વધુ પ્રખ્યાત વ્યક્તિઓનાં નામ અને તસવીરો સામેલ છે. આ બધું ઍપસ્ટીન સાથે સંકળાયેલી ફાઇલોમાંથી ઉજાગર થયું છે.

ફાઇનાન્સર રહેલા ઍપસ્ટીનના સંબંધો મનોરંજન, રાજકારણ અને બિઝનેસની દુનિયા સાથે હોવાનું કહેવાય છે.

ન્યાય વિભાગે જે તસવીરો જાહેર કરી છે, તેમાં ઍપસ્ટીન પ્રખ્યાત વ્યક્તિઓની સાથે જોવા મળે છે. તેમાં માઇકલ જૅક્સન, મિક જૅગર અને ડાયના રૉસ સામેલ છે.

એ સ્પષ્ટ નથી કે આ તસવીરો ક્યારે અને ક્યાં પાડવામાં આવી હતી. એ પણ સ્પષ્ટ નથી કે તે કયા પ્રસંગની તસવીરો છે.

હજુ એ પણ ખબર નથી કે ઍપસ્ટીન આ બધા લોકો સાથે સંકળાયેલા હતા કે નહીં. કે પછી તેઓ આ આયોજનોમાં હાજર હતા કે નહીં.

પહેલાં જાહેર કરાયેલી કેટલીક તસવીરોમાં પણ એવી તસવીરો હતી, જે ઍપસ્ટીને પોતે નહોતી પાડી. જ્યારે કેટલીક તસવીરો એવા કાર્યક્રમોની હતી, જ્યાં ઍપસ્ટીન હાજર જ નહોતા.

જાહેર કરાયેલી નવી તસવીરોમાંની એકમાં ઍપસ્ટીન માઇકલ જૅક્સનની સાથે દેખાય છે. માઇકલ જૅક્સને સૂટ પહેર્યો છે, જ્યારે ઍપસ્ટીને ઝિપવાળી હુડી પહેરી છે.

માઇકલ જૅક્સનની બીજી એક તસવીર જોવા મળે છે. આ તસવીરમાં તેઓ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન અને ડાયના રૉસની સાથે છે. ત્રણેય એક નાની જગ્યામાં સાથે ઊભા રહીને પોઝ આપતાં દેખાય છે. તસવીરમાં રહેલા ઘણા અન્ય લોકોના ચહેરા ઢાંકી દેવાયા છે.

હજારો ફાઇલોમાં રહેલી એક બીજી તસવીરમાં રોલિંગ સ્ટોન્સના દિગ્ગજ ગાયક મિક જૅગર જોવા મળે છે.

તેઓ બિલ ક્લિંટન અને એક મહિલા સાથે ફોટા પડાવી રહ્યા છે. એ મહિલાનો ચહેરો ઢંકાયેલો છે. બધા લોકોએ પાર્ટી જેવા ઔપચારિક કપડાં પહેરેલાં છે.

ઘણી તસવીરોમાં અભિનેતા ક્રિસ ટકર પણ દેખાય છે. એક તસવીરમાં તેઓ ડાઇનિંગ ટેબલ પર બિલ ક્લિંટનની પાસે બેઠેલા દેખાય છે. બીજી એક તસવીરમાં તેઓ ઍરપૉર્ટના રન-વે પર ઊભા છે. તેમની સાથે ગિલેન મૅક્સવેલ પણ દેખાય છે.

મૅક્સવેલને ઍપસ્ટીનનાં સહયોગી તરીકે દોષિત ઠરાવી ચુકાયાં છે. બીબીસીએ મિક જૅગર, ક્રિસ ટકર અને ડાયના રૉસ પાસે તેમની પ્રતિક્રિયા માગી છે.

બિલ ક્લિંટન પહેલાં જ કહી ચૂક્યા છે કે તેમને ઍપસ્ટીનના યૌન અપરાધોની કશી માહિતી નહોતી.

શુક્રવારે તેમના પ્રવક્તાએ કહ્યું કે આ તસવીરો ઘણા દાયકા જૂની છે.

પ્રવક્તાએ કહ્યું, "આ કેસ બિલ ક્લિંટન સાથે સંકળાયેલો નથી. ન એ પહેલાં હતો અને ન ક્યારેય હશે."

ડાઉનિંગ સ્ટ્રીટ પર મૅક્સવેલની તસવીર

જાહેર કરાયેલા દસ્તાવેજોમાં બીજી એક તસવીર સામેલ છે. આ તસવીરમાં ગિલેન મૅક્સવેલ 10, ડાઉનિંગ સ્ટ્રીટની સામે ઊભેલાં દેખાય છે.

તસવીરમાં તેઓ એકલાં છે. આ ફોટાની સાથે એ નથી જણાવાયું કે તેઓ ત્યાં કેમ હતાં અને આ તસવીર ક્યારે પાડવામાં આવી હતી.

એ પણ સ્પષ્ટ નથી કે તે સમયે બ્રિટનના વડા પ્રધાન કોણ હતા. એ પણ ખબર નથી કે મૅક્સવેલ કયા હોદ્દાની રૂએ ડાઉનિંગ સ્ટ્રીટ ગયાં હતાં.

ઘર સળગાવી દેવાની ધમકી

ફાઇલોમાં એપસ્ટીન વિરુદ્ધ સૌથી પહેલાં ફરિયાદ કરનારાઓમાંના એકનો ઉલ્લેખ છે.

મારિયા ફાર્મર એક કલાકાર છે. તેઓ ઍપસ્ટીન માટે કામ કરતાં હતાં. તેમણે 1996માં એફબીઆઇને નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યું કે ઍપસ્ટીને તેમની 12 વર્ષ અને 16 વર્ષની બહેનોની અંગત તસવીરો ચોરી લીધી હતી. આ તસવીરો તેમણે (મારિયાએ) પોતે પાડી હતી. મારિયાનું કહેવું છે કે ઍપસ્ટીને આ તસવીરો સંભવિત ખરીદદારોને વેચી દીધી.

તેમણે ફરિયાદમાં કહ્યું કે ઍપસ્ટીને તેમને ધમકી આપી હતી કે જો તેમણે કોઈને આના વિશે જણાવ્યું તો તેઓ તેમનું ઘર સળગાવી દેશે. ફાઇલોમાં હવે તેમનું નામ ઢાંકી દેવાયું છે, પરંતુ મારિયા ફાર્મરે પુષ્ટિ કરી છે કે આ નિવેદન તેમનું જ છે. રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે ઍપસ્ટીને તેમને પોતાના માટે સ્વિમિંગ પૂલમાં રહેલી નાની ઉંમરની છોકરીઓની તસવીરો પાડવાનું કહ્યું હતું.

રિપોર્ટમાં નોંધાયેલું છે કે, "જો તેઓ તસવીરો વિશે કોઈને જણાવશે તો ઍપસ્ટીન તેમનું ઘર સળગાવી દેશે."

લગભગ 30 વર્ષ પછી મારિયા ફાર્મરે કહ્યું કે હવે તેમને ન્યાય મળ્યો છે.

તેમણે કહ્યું, "મને ખૂબ રાહત અનુભવાય છે."

હજુ પણ ઘણા લાખ પાનાં જાહેર નથી કરાયાં

શુક્રવારે બહાર પડાયેલા દસ્તાવેજોમાં ઘણા કાગળ એવા છે, જેની માહિતી ઢાંકી દેવાઈ છે.

તેમાં પોલીસનાં નિવેદન, તપાસ રિપોર્ટ અને કેટલીક તસવીરો પણ છે. બીબીસીના અમેરિકન સહયોગી સીબીએસ અનુસાર, શુક્રવારે બહાર પડાયેલી 550 કરતાં વધારે પાનાંની ફાઇલો સંપૂર્ણ ઢંકાયેલી હતી.

તેમાં એક દસ્તાવેજ ગ્રાન્ડ જ્યૂરીની તપાસ સાથે સંકળાયેલો છે. તેનાં 100 પાનાં સંપૂર્ણ કાળાં કરી દેવાયાં છે.

કાયદા હેઠળ કેટલીક માહિતી ઢાંકી દેવાની અધિકારીઓને મંજૂરી છે. આવું સર્વાઇવરની ઓળખ છુપાવવા અને કોઈ ગુનાકીય તપાસ ચાલી રહી હોય તે કારણે કરાય છે.

પરંતુ, કાયદા અનુસાર, આ માહિતીઓને ઢાંકવાનું કારણ જણાવવું જરૂરી છે, પરંતુ, હજુ સુધી આ કારણ સ્પષ્ટ રીતે જણાવાયું નથી. ન્યાય વિભાગ અનુસાર, શુક્રવારે બહાર પડાયેલા હજારો પાનાં આગામી દસ્તાવેજોનો માત્ર એક ભાગ છે.

ડેપ્યુટી એટર્ની જનરલ ટૉડ બ્લાંશે કહ્યું કે શુક્રવારે "ઘણા લાખ પાનાં" જાહેર કરવામાં આવ્યાં છે.

તેમણે કહ્યું કે આગામી સપ્તાહોમાં "ઘણા લાખ બીજાં પાનાં" જાહેર કરવામાં આવશે.

ટૉડ બ્લાંશે ફૉક્સ ઍન્ડ ફ્રૅન્ડ્સ કાર્યક્રમમાં કહ્યું કે દરેક પાનાની ખૂબ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, જેનાથી દરેક સર્વાઇવરની ઓળખ, તેમનું નામ અને તેમની કહાની સંપૂર્ણ સુરક્ષિત રહે.

તેમણે કહ્યું કે આ પ્રક્રિયા સમય લે છે.

અત્યારે એ સ્પષ્ટ નથી કે બાકીના દસ્તાવેજ ક્યારે જાહેર કરાશે. આ વિલંબ માટે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના સાંસદ નારાજ છે.

રો ખન્ના સહિત ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોએ ન્યાય વિભાગના અધિકારીઓ વિરુદ્ધ મહાભિયોગ અને કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

ખન્નાએ રિપબ્લિકન સાંસદ થૉમસ મૅસી સાથે મળીને ઍપસ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપેરેન્સી ઍક્ટ પર વોટિંગ કરાવવાની પહેલ કરી. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇચ્છા વિરુદ્ધનું હતું.

ટ્રમ્પે પહેલાં પોતાની પાર્ટીને તેની વિરુદ્ધ વોટ આપવાનું કહેલું.

સોશિયલ મીડિયા પર રો ખન્નાએ કહ્યું, "ન્યાય વિભાગે સેંકડો હજાર પાનાં જાહેર કર્યાં, પરંતુ તે કાયદા અનુસાર નહોતાં."

તેમણે એક વીડિયોમાં એવું પણ કહ્યું કે બધા વિકલ્પ ખુલ્લા છે અને તેઓ થૉમસ મૅસી સાથે તેના વિશે વિચાર કરી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન