બંગાળની ખાડીમાં વાવાઝોડું પ્રચંડ બન્યું, ક્યાં ટકરાશે અને કેટલાં રાજ્યોને અસર કરશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતમાં એક તરફ હવામાનમાં પલટો આવી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યાં છે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં બનેલું મિગજોમ નામનું વાવાઝોડું વધારે ખતરનાક બન્યું છે.

હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર આ વાવાઝોડું મિગજોમ, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને આસપાસના ઉત્તરી તમિલનાડુના કિનારા પાસે ‘ગંભીર’ વાવાઝોડાંમાં પરિવર્તિત થઈ ગયું છે.

આંધ્રપ્રદેશ અને ઉત્તરી તમિલનાડુના વિસ્તારો માટે હવામાન વિભાગે ચેતવણી પણ જાહેર કરી છે.

આ વાવાઝોડું હાલ આંધ્ર પ્રદેશ અને તામિલનાડુના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે અને દક્ષિણ આંધ્ર પ્રદેશ પર તે ત્રાટકે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે.

મિગજોમ વાવાઝોડાની અસર પાંચ કરતાં વધારે રાજ્યોને થાય તેવી શક્યતા પણ હાલ દેખાઈ રહી છે.

આ વર્ષે બંગાળની ખાડીમાં બનેલું આ ચોથું વાવાઝોડું છે અને ભારતના દરિયામાં બનેલું આ વર્ષનું આ છઠ્ઠું વાવાઝોડું છે. સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સરેરાશ ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે.

ક્યાં ટકરાશે વાવાઝોડું?

આજે સવારે હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર પશ્ચિમ મધ્ય અને તેની નજીકના દક્ષિણ આંધ્ર પ્રદેશ, તથા ઉત્તર તમિલનાડુના કિનારાના વિસ્તારો તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે.

છેલ્લા છ કલાકમાં તે પ્રતિ કલાક 8 કિલોમીટરની ગતિથી ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.

હવે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યું છે.

4 ડિસેમ્બર સવારે સાડા આઠ વાગ્યે તે ચેન્નઈથી લગભગ 90 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, નેલ્લોરથી 170 કિમી દક્ષિણ-પૂર્વમાં, પુડ્ડુચેરીથી 200 કિમી ઉત્તરપૂર્વમાં, અને મછલીપટ્ટ્નમથી 320 કિમી દક્ષિણમાં સ્થિત હતું.

આ વાવાઝોડું ધીરે-ધીરે તીવ્ર બની લગભગ ઉત્તર દિશામાં દક્ષિણ આંધ્ર પ્રદેશ તટ નજીક આગળ વધવાની સંભાવના છે.

આવતીકાલે 5મી ડિસેમ્બરે બપોરની આસપાસ એક ગંભીર વાવાઝોડું બનીને તે નેલ્લોર અને મછલીપટ્ટનમ્ વચ્ચે બાપટલા નજીક ટકરાવાની સંભાવના છે.

તેની મહત્તમ હવાની ઝડપ 90થી 100 કિમી પ્રતિ કલાક અથવા 110 કિમી પ્રતિ કલાક રહે તેવી શક્યતા છે.

આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, 4થી ડિસેમ્બર સવારથી જ ચેન્નઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ચેન્નઈના ઘણા વિસ્તારોમાં જળભરાવની સમસ્યા સર્જાઈ છે.

આ વાવાઝોડાને કારણે ટ્રેન સેવા અને વિમાની સેવા પર ભારે અસર થઈ છે. ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને કારણે અનેક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ રદ્દ થઈ છે. ચેન્નઈથી ઉપડતી 11થી વધુ એક્સપ્રેસ ટ્રેન રદ્દ થઈ ગઈ છે.

ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિને કારણે પુડ્ડુચેરીમાં દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે.

ચેન્નઈ અને તેની આસપાસના જિલ્લાઓ જેવા કે ચેંગલપટ્ટુ, થિરૂવલ્લુર અને કાંચીપુરમમાં શાળા કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.

હવામાન વિભાગે ચોથી અને પાંચમી ડિસેમ્બરે તટીય આંધ્રપ્રદેશ અને યનામમાં અતિભારે વરસાદ (8થી 10 ઇંચ કરતાં પણ વધુ) ની આગાહી કરી છે.

ચોથી ડિસેમ્બરે ઉત્તરી તટીય તમિલનાડુ, પુડ્ડુચેરી અને કોડાઇકેનાલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતને કોઈ અસર થશે?

ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે. ગુજરાતમાં આ વાવાઝોડાની સીધી અસર નહીં થાય પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને હાલ ગુજરાત સુધી પહોંચી રહ્યા છે.

બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્ય પ્રદેશની આસપાસ આ પૂર્વના પવનો સાથે મળે છે. બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેના કારણે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તથા ગુજરાતને અસર થઈ રહી છે.

ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાની પરોક્ષ રીતે અસર થઈ રહી છે પરંતુ તેની કોઈ વધારે અસર થાય તેવી શક્યતા નથી અને તેના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધે તેવી પણ કોઈ શક્યતા નથી. ગુજરાતમાં કોઈ જગ્યાએ સાવ હળવો અને છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.

ભારતની આસપાસ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એમ બે તરફ વાવાઝોડાં સર્જાતાં હોય છે અને તે ભારતના વિવિધ વિસ્તારોને અસર કરતાં હોય છે. અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંની સીધી અસર ગુજરાતને થતી હોય છે બંગાળની ખાડીમાં સર્જાતાં વાવાઝોડાંની રાજ્યને સીધી અસર થતી નથી.