You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ‘ખેડૂતો પહેલેથી ખોટમાં હતા, માવઠાએ તો કમર જ ભાંગી નાખી’, કમોસમી વરસાદે કેવી આફત સર્જી?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
“વહેલી સવારે કરા સાથે પડેલા વરસાદને કારણે અમારા જિલ્લામાં લગભગ દરેક ખેડૂનો પાક નાશ પામ્યો છે. જ્યારે નુકસાની જોવા માટે આજે અમે જાતે ખેતરમાં આવ્યા ત્યારે અમારી સાથે આવેલા તમામ ખેડૂતોના આંખમાં આંસુ હતાં. નુકસાન જોઈને તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા.”
“પપૈયાં હોય કાકડી હોય કે અન્ય કોઈ પાક ખેડૂના તમામ પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે.”
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગત દિવસો દરમિયાન પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર વેરેલા વિનાશની વિગતો જણાવતાં બોટાદ કિસાન સંઘના ઇન્દ્રસિંહ આ વાત જણાવે છે.
તેમની સાથે આવેલા તમામ ખેડૂતો ચોધાર આંસુએ રડતા જોવા મળી રહ્યા હતા.
પાછલા કેટલાક દિવસથી રાજ્યના સૌરાષ્ટ અને દક્ષિણ ગુજરાત પંથકમાં ઘણાં સ્થળે કમોસમી વરસાદે આફત સર્જી હતી. જેના કારણે ‘ખેડૂતો ખૂબ પરેશાન’ છે.
આ વિસ્તારના ખેડૂતો માટે ઘણા પાકની લણણી કરવાનું પણ ‘અશક્ય થઈ પડ્યું’ છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ સર્જાતાં ‘ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પણ પાણી ફરી વળ્યું’ છે.
સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાક 'બરબાદ' થયો
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ‘ભારે નુકસાન થયા’ની ફરિયાદ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોટાદ કિસાનસંઘના પ્રમુખ ઇન્દ્રસિંહ કહે છે, “અમે વરસાદ બાદ જ્યારે ખેતરોમાં નીકળ્યા તો જોયું કે ત્યાં ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યા છે. પપૈયાં, કાકડી, મરચી, જીરું, ઘઉં અને ચણા આ બધા પાકનો નાશ થયો છે."
તેઓ સરકારી વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવતાં કહે છે કે, "કચેરીમાં બેઠા બેઠા આ બધા નુકસાનનો સર્વે અધિકારીઓ કરે એ નહીં ચાલે. સરકારે 900 કરોડ રૂ.ની સહાય ખેડૂતોને આપ્યા હોવાનો દાવો પણ ખોટો છે. કોઈને એક ફદિયુંય મળ્યું નથી. બોટાદમાં ગમે એ સ્થળે તપાસ કરાવો, યોગ્ય તપાસ બાદ અમને ખેડૂતોને ન્યાય આપો.”
જામનગરમાં કાલાવડ, લાલપુર અને ખંભાળીયામાં પણ વરસાદને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જામનગર શહેર અને ધ્રોલ તાલુકામાં પણ ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે. રાજકોટના તરઘડી ગામે ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે ઊભો પાક નાશ પામ્યો છે.
ગોંડલ તાલુકાના ગોમટા ગામે મરચાંનો તૈયાર પાક પલળી ગયો છે.
અમરેલી જિલ્લાના ખેડૂતો માટે ‘બેવડો માર’ સહન કરવા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જિલ્લામાં પહેલાં ઓછા વરસાદથી ચોમાસું પાક નિષ્ફળ ગયો હતો ઉપરથી રવી પાકમાં પણ નુકસાની આવતાં મોટી આફત આવી પડી હોવાની ખેડૂતોની રાવ છે. જિલ્લામાં તલ, સોયાબીન, ચણા, ઘઉં, જીરું, ડુંગળી અને ધાણા સહિતના પાકને નુકસાન થયું હતું અને પશુઓનો ચારો પણ પલળી ગયો હતો.
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો માવઠાએ વિનાશ વેર્યો હોય તેવાં દૃશ્યો જોવા મળ્યાં છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેડૂતો, સામાન્ય લોકો તેમજ પશુપાલકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
મોડાસા તાલુકાના ખલીકપુર પંથકમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. સારા ઉત્પાદનની આશા સાથે ખેડૂતોએ કેટલાક વીઘામાં ડાંગર વાવી હતી, જોકે માવઠાના મારને કારણે ‘હાથમાં આવેલો કોળિયો ખેડૂતના મોંમાંથી છીનવાયા’ જેવી સ્થિતિ પેદા થઈ છે. હવે ખેડૂતો આ નુકસાની બદલ સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે.
રાજકોટ કિસાનસંઘના પૂર્વ પ્રમુખ દિલીપ સખીયા કહે છે, “કપાસ અને મરચાંના પાક સહિત પશુપાલનના ઘાસચારા અને માર્કેટિંગ યાર્ડમાં પડેલા માલ તેમજ બાગાયતના પાકને નુકસાની છે.”
વિંછીયા ગામના ખેડૂત રમેશ જેતાણીએ બીબીસીને જણાવ્યું, “સૂકા ઘાસચારાને ભારે નુકસાન થયું છે. કપાસ પકવતા ખેડૂતો પહેલાં જ ભારે નુકસાનમાં હતા એવામાં આ કમોસમી વરસાદે તેમની કમર ભાંગી નાખી છે. નવા પાકમાં જીરું સહિતના શિયાળુ પાકને કમોસમી વરસાદના ઠંડા પાણીથી ભારે નુકસાન થવાની સંભાવના છે.”
'વરિયાળી અને તલના પાકને સૌથી વધારે નુકસાન'
ગુજરાતમાં કમોસમી વરસાદ પછી પાકને થયેલા નુકસાન અંગે પોતાનું અવલોકન જણાવતાં કૃષિ નિષ્ણાત ચેતન કુંભાણીએ જણાવ્યું, “ડુંગળીનું વાવેતર જે પાછોતરું થયું હતું તેને સૌથી વધુ નુકસાન થયું છે. આ સિવાય આંબાની ખેતીમાં પણ નુકસાન થયું છે."
વધુમાં તેમણે જણાવ્યું, "નવરાત્રિ આસપાસ તલનું વાવેતર કરનારા ખેડૂતોને નુકસાન થયું છે. હાલની સ્થિતિમાં સૌથી વધુ નુકસાન તલના પાકને થયું હોય તેવું દેખાઈ રહ્યું છે.”
આ સિવાય વરિયાળીના પાકને વધુ પ્રમાણમાં નુકસાન થવા પાછળનું કારણ જણાવતાં તેઓ કહે છે કે, “સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી ખારું છે, આવી સ્થિતિમાં વરસાદનું મીઠું પાણી પાક પર પડતાં તમામ વરિયાળી બળી જાય છે. કરા પડતાં જીરું અને કપાસનાં જીંડવાંને પણ એવું તો નુકસાન થયું છે કે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.”
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ, રામપરા, રાવરિયાવદર, નારિયાણા અને કલ્યાણપુર ગામે ખેડૂતોએ વાવેલા જીરું, વરિયાળી, એરંડા જેવા પાકને નુકસાન થયું છે. સુરેન્દ્રનગરના ખેડૂતોને સૌથી વધુ ચિંતા વરિયાળીના પાકની થઈ રહી છે.
'ખુલ્લો મુકાયેલો પાક પલળ્યો'
કમોસમી વરસાદને પગલે ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રખાયેલો ડુંગળીનો પાક પલળી ગયો છે.
કમોસમી વરસાદને કારણે નુકસાન વેઠનાર બોટાદના એક ખેડૂતો બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે બે-ત્રણ વીઘામાં ડુંગળી કરી હતી. તેનો તૈયાર પાક ખુલ્લામાં મૂક્યો હતો , વરસાદ આવતાં તાડપત્રીથી તેને ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાણી અડકી જતાં હવે એ વધુમાં વધુ ત્રણ દિવસ સુધી જ સારો રહેશે. તેથી તેમાં નુકસાન સહન કરવાનું છે.”
વધુ વાત કરતા તેમણે કહ્યું કે કપાસને પણ ભારે નુકસાન થયું છે. ઢોરનો ચારો પલળી ગયો છે.
ઘાસચારાને નુકસાનથી પશુપાલનને પણ અસર થવાની ભીતિ
પશુપાલકોના ઘાસચારા વિશે વાત કરતા વિંછીયા ગામના ખેડૂત રમેશ જેતાણીએ પણ બીબીસીને જણાવ્યું કે, “સૂકા ઘાસચારાને ભારે નુકસાન થયું છે."
નિષ્ણાતો અને ખેડૂતો બધાએ પશુઓ માટેના સૂકો ઘાસચારો પલળી જતાં તેની અસર પશુપાલન પર થવાની સંભાવના વ્યક્ત કરી છે.
કપાસ પકવતા ખેડૂતોને પડેલા બમણા માર અંગે વાત કરતાં તેઓ કહે છે કે, “કપાસના ખેડૂતો તો પહેલાંથી જ ભારે નુકસાનમાં હતા, એવામાં આ કમોસમી વરસાદે કમર ભાંગી નાખી છે.”
વધુમાં તેઓ કહે છે, "નવા પાકમાં જીરું સહિતના શિયાળુ પાકને કમોસમી વરસાદના ઠંડા પાણીથી ભારે નુકસાન થવાની સંભાવના છે.”
મેઘરજ તાલુકાના જીતપુર-ખાખરીયા ગામે વીજળી પડી હતી, જે બાદ ખેતરમાં મકાઈનો સૂકો ચારો બળીને ખાક થઈ ગયો હતો. વીજળી પડતાંની સાથે જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સૂકો ચારો બળી ગયો હતો.
વીજળી પડતાં જાનમાલનું નુકસાન
મોડાસા તાલુકાના મઠ ગામની સીમના ખેતરમાં ચારો ચરતા 16 જેટલા બકરા ઉપર વીજળી પડતા દાઝી જવાથી બકરાઓ ના મોત નિપજ્યાં છે. સમગ્ર ઘટનાને લઇને પશુ પાલકો ઉપર જાણે આભ ફાટ્યું હોય એવો ઘાટ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. પશુપાલકના એકસાથે 16 પશુના મોતને લઇને તેમના પર આફત આવી પડી હતી.
માવઠાને કારણે ખેડૂતો અને પશુપાલકોને નુકસાન થયું છે. આ સાથે સાથે વીજળી પડવાથી મકાનને પણ નુકસાન થવા પામ્યું છે. મોડાસાની કુમકુમપાર્ક સોસાયટીના રહીશના મકાન પર વીજળી પડતા મકાનને નુકસાન થવા પામ્યું છે. મકાનની પેરાફીટ પરથી વીજળી ઘરમાં ઉતરી હતી, જેને લઇને મોટાભાગના વીજઉપકરણોને નુકસાન થવા પામ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં વીજળી પડવાની ઘટનાઓ ઘટી હતી, જેને લઇને ક્યાંક આગ લાગી હતી તો ક્યાં ઘરોને નુકસાન થયું છે.
સરકારે શું કહ્યું?
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી પરેશાન ખેડૂતોને સાંત્વના આપતાં મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે નુકસાન બદલ ખેડૂતોને નિયમો અનુસાર સરવે કર્યા પછી વળતર ચૂકવાશે.
તેમણે આ જાહેરાત કરતાં કહેલું કે, “હવામાન વિભાગે 26 અને 27 તારીખે કરેલી આગાહી પ્રમાણે ઘણા જિલ્લામાં વરસાદ થયો છે. માવઠાને કારણે એક મિલીમીટરથી લઈ 144 મિલિમીટર સુધીનો વરસાદ ઘણા જિલ્લામાં વરસ્યો છે, ક્યાંક વધારે ક્યાંક ઓછો. પરિણામે પાકમાં નુકસાનીનો ભય છે.”
આ વિશે વધારે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “હાલમાં ખરીફ પાકોમાં કપાસ, તુવેર અને એરંડાના જે ઊભા પાક છે તેની લણણીની પ્રક્રિયા ચાલુ છે, ત્યારે કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન અંગે જાપાનના પ્રવાસે રહેલા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની ચિંતા કરતાં સતત રાજ્ય સરકારના સંપર્કમાં રહ્યા છે. તેમણે સૂચનાઓ પણ આપી છે.”
તેમણે કહ્યું, “વરસાદનું પ્રમાણ ઘટતાં 27મી તારીખથી સર્વેની કામગીરી ચાલશે અને જ્યાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યાં સર્વે કરાશે. સોશિયલ મીડિયા અને સંચાર માધ્યમોમાં પ્રસારિત માહિતી પરથી જાણવા મળ્યુ છે કે કેટલાંક સ્થળોએ કરા પણ પડ્યા છે.”
“નિયમો અનુસાર તેમને સહાય ચૂકવવાની તમામ કાર્યવાહી રાજ્ય સરકાર કરશે. સામાન્ય નાગરિકને માવઠાને કારણે પડેલી મુશ્કેલીમાં સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.”