વિશ્વના સૌથી મોંઘા મસાલાની ખેતી ઘરમાં કઈ રીતે કરી શકાય?

    • લેેખક, રિયાઝ મસરુર
    • પદ, બીબીસી ઉર્દૂ, શ્રીનગર

‘એક સિઝનમાં 5 લાખ રૂપિયા કમાવવા માટે....તમારે જાફરાન એટલે કેસરનાં બીજ, એક ખાલી રૂમ, કેટલીક રૅક્સ અને પ્લાસ્ટિક કન્ટેનરની જરૂર પડે છે.’

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બડગામના પખરપુરા ગામના રહેવાસી રાશિદ ખાનના શબ્દો છે. તેઓ કમ્પ્યૂટર એન્જિનિયર છે. કેસરની ખેતી તેમનો ખાનદાની વ્યવસાય નથી અને પખરપુરાની જમીન પણ એના માટે યોગ્ય પણ નથી.

કેસર દૂધ અને ઉકાળામાં વપરાય છે અને એ સિવાય તે કૉસ્મેટિક પ્રૉડક્ટ્સ અને કેટલાય પ્રકારની દવાઓમાં પણ વપરાય છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી અહીં કેસરના ઉત્પાદનમાં ઘણો ઘટાડો નોંધાયો છે અને ઘણા ખેતરો ઉજ્જડ થઈ ગયાં છે.

ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં કેસરની ખેતી પુલવામાના પામપૂર કસબાના પઠારો પર થાય છે. વિશ્વનો સૌથી મોંઘો ગણાતા કેસર મસાલાની ખેતીમાં ઘટાડો નોંધાતા રાશિદ ખાન પોતાના જ ઘરમાં એની ખેતીનો સફળ પ્રયોગ કર્યો.

રાશિદ કહે છે, “હું રોજ ટીવી પર સાંભળતો હતો અને અખબારોમાં વાંચતો હતો કે કેસરની ખેતીનો વ્યવસાય ખતમ થઈ રહ્યો છે. મેં તેના પર ધ્યાન આપ્યું અને અહીંની કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોનો સંપર્ક કર્યો. અમે બીજ ખરીદ્યાં અને રૂમમાં રાખ્યાં, આજે આપ જોઈ રહ્યા છો કે કેસરનો પાક તૈયાર છે.”

રાશિદ કહે છે કે ઘરોની અંદર કેસરની ખેતી દ્વારા વધારાની ઘણી આવક થઈ શકે છે અને એના માટે મોટાં ખેતરોની પણ જરૂર નથી.

તેઓ કહે છે, “આમાં કોઈ મહેનત નથી લાગતી. માત્ર તાપમાનનું ધ્યાન રાખવાનું હોય છે અને જો ભેજ ઓછો લાગે તો દિવાલો પર પાણીનો છંટકાવ કરીને ભેજ જાળવી શકાય છે. આ રીતે આવક પણ થાય છે અને એ ખાતરી પણ રહે છે કે અમારી મહત્ત્વની ખેતી ખતમ નહીં થાય.”

મોટા પાયે ખેતીની તૈયારી

પામપૂરના રહેવાસી અબ્દુલ મજિદનું ખાનદાન 3 સદીથી જાફરાન (કેસર)ની જ ખેતી કરે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન મોસમમાં પરિવર્તન આવવાથી અને પ્રદૂષણના કારણે જાફરાનનાં ખેતરોમાં પહેલાં જેવી રોનક નથી રહી.

અધિકારીઓ અનુસાર છેલ્લા 2 દાયકા દરમિયાન કેસરના ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે. અબ્દુલ મજિદ હવે ખુદ પણ ઇનડોર ફાર્મિંગ દ્વારા ઘરની અંદર જ કેસર ઉગાડે છે અને અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે.

તેમનું કહેવું છે, “મોસમે પરેશાન કર્યાં તો અમે ઇનડોર ફાર્મિંગ અજમાવ્યું. પરંતુ શરૂઆતમાં આ પ્રયોગમાં ઘણી વાર લાખો રૂપિયાનાં બીજ ખરાબ થઈ ગયાં હતાં.”

તેઓ જણાવે છે, “પછી અમે કૃષિ યુનવર્સિટીના નિષ્ણાતોનો સંપર્ક કર્યો, તેમણે અમને તાલીમ આપી અને મદદ પણ કરી. હવે કોઈ પણ ખેડૂત પોતાના રૂમમાં કેસરની 2 કિલો સુધીની ખેતી કરી શકે છે જેની કિંમત 6 લાખ રૂપિયા સુધી હશે.”

અબ્દુલ મજિદ કહે છે કે તેઓ કેટલીક ભારતીય કંપનીઓના સંપર્કમાં છે.

મજિદ કહે છે, “અમારી વાત થઈ રહી છે. અમે જમીન ઉપલબ્ધ કરાવીશું અને તેઓ ગ્રીન હાઉસ તૈયાર કરશે. પછી મોસમ કેવી પણ હોય, પાકને અસર નહીં થાય. તેમાં કેટલીક વાર પણ લાગશે, પરંતુ ત્યાં સુધી ખેડૂતો ઘરમાં જ ખેતી કરી શકે છે.”

એક નવા પ્રયોગની અનોખી કોશિશ

પાનખરની મોસમ શરૂ થતા જ પામપૂરનાં ખેતરોમાં રોનક આવી જતી હતી. દરેક તરફ જાફરાની ફૂલોનો નજારો રહેતો હતો. પરંતુ હવે એ ખેતરોમાં પહેલા જેવી રોનક નથી રહી કેમ કે મોસમમાં આવેલા બદલાવથી ઘણો ઓછો પાક થાય છે.

કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર બશીર અહમદ ઇલાહી કહે છે, “અમે ખેતરોમાં જાફરાનની ખેતીને ખતમ નથી કરી રહ્યા. પરંતુ અમે મોસમના બદલાવને પહોંચીવળવા માટે એક માર્ગ અપનાવી રહ્યા છીએ અને ખેડૂત સફળતા સાથે ઇનડોર ફાર્મિંગ કરી રહ્યા છીએ.”

તેઓ કહે છે કે જાફરાનનું બીજ (કૉર્મ) ઘણાં વર્ષો સુધી પાક આપે છે, પરંતુ જાફરાનનાં ફૂલ તોડ્યાં બાદ તેને ફરીથી જમીનની અંદર રાખવાના હોય છે અને જેથી તે આગામી વર્ષે ફરીથી પાક માટે સક્ષમ થઈ જાય છે.

પ્રોફેસર બશીર અહમદ ઇલાહી કહે છે, “હવે અમે એક પ્રયોગ કરવાના છીએ જેમાં ઇનડોર ફાર્મિંગ મારફતે બીજ પણ ઉગાડી શકીએ અને તેને સંરક્ષિત પણ કરી શકીએ. જો એ સફળ થઈ જાય તો પછી જમીનની ભૂમિકા ખતમ થઈ જશે અને કોઈ પણ પોતાના ઘરના રૂમમાં જાફરાનની ખેતી કરી શકશે.”

પ્રોફેસર બશીર કહે છે કે ભારતનાં કેટલાંક રાજ્યોના કૃષિ વૈજ્ઞાનિકો અહીં આવીને ઇનડોર ફાર્મિંગની સંભાવના પણ શોધ કરી રહ્યા છે.

તેઓ કહે છે, “પરંતુ કાશ્મીર જેવું વાતાવરણ દરેક જગ્યાએ શક્ય નથી. મુંબઈ અથવા દિલ્હીમાં આવું કરવાનું હોય તો રૂમમાં તાપમાન નિયંત્રિત કરવા માટે ઘણાં યંત્રો લગાવવાં પડે છે.”