ગુજરાતમાં એક જ દિવસમાં આટલી બધી વીજળી કેમ પડી કે 20 લોકોનાં મોત થઈ ગયાં

ગુજરાતમાં અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ માવઠાંને કારણે ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થયું છે એટલું જ નહીં આ વરસાદને કારણે રવીવારે રાજ્યમાં વિવિધ સ્થળોએ વીજળી પડવાને કારણેે સંખ્યાબંધ પશુઓ સહિત 20 લોકોનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે (એસઈઓસી) પીટીઆઈને જણાવ્યા અનુસાર, ગુજરાતના વિવિધ ભાગોમાંથી અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત કુલ 20 મૃત્યુ નોંધાયા છે.

પણ પ્રશ્ન એ છે કે શિયાળાની ઋતુમાં ગુજરાતમાં આટલી બધી વીજળી કેમ પડી?

ગુજરાતમાં એક દિવસમાં આટલી બધી વખત વીજળી કેમ ત્રાટકી?

અમદાવાદના ભારતીય હવામાન વિભાગના ગુજરાતનાં હવામાનશાસ્ત્રી, મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, “ગુજરાતમાં વીજળી થવાનું કારણ ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમની અથડામણ હતી. જે અરબી સમુદ્રમાંથી વહેતા પૂર્વીય પવનો, પશ્ચિમી હિમાલય ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન છે. આજ કારણે વીજળી અને કરા પડ્યાં."

વરસાદી માહોલ વચ્ચે જ્યારે ગરમ અને ભેજવાળી હવાઓનું મિલન થાય ત્યારે મુખ્યત્વે વીજળી પડતી હોય છે. નિષ્ણાતો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપતા હોય છે.

ભારતીય હવામાન વિભાગના હવામાનની આગાહીના બુલેટીન મુજબ, ગુજરાતમાં વરસાદનું મુખ્ય કારણ હતું, દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રથી ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર સુધી પૂર્વીય ભાગોમાં ઉપરની હવાએ "ટ્રફ" રેખા બનાવી જે મધ્ય ઉષ્ણકટિબંધીય સ્તરો સુધી વિસ્તરેલી રહી અને ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા પર સંકલિત ચક્રવાતી પરિભ્રમણ હતું. સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર સુધી વિસ્તરેલી હતી.

ભારત હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે સોમવારે વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે.

એસઈઓસીના ડેટા મુજબ, રવિવારે ગુજરાતના 252 તાલુકામાંથી 234 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરત, સુરેન્દ્રનગર, ખેડા, તાપી, ભરૂચ અને અમરેલી જિલ્લામાં 16 કલાકમાં 50-117 મીમી વરસાદ નોંધાયો હતો, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું અને પાકને નુકસાન પહોંચ્યું છે.

રાજકોટના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા, જ્યારે અચાનક વરસાદના કારણે સર્જાયેલાં દૃશ્યોથી સ્થાનિક લોકો આનંદમાં જોવા મળ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખેતીના પાકને નુકસાન થવા ઉપરાંત, વરસાદથી સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગને ફેક્ટરીઓ બંધ રાખવાની ફરજ પડી હતી.

IMDના અમદાવાદ કેન્દ્રનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું, "સોમવારે વરસાદ ઓછો થશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જિલ્લાના કેટલાક ભાગોમાં કેંદ્રિત રહેશે.

"ટ્રફ " અને “સાયકલોનિક સર્ક્યુલેશન” શું છે?

સાયક્લોનિક સર્ક્યુલેશનથી ગુજરાત સુધી એક ટ્રફ વિસ્તરી રહી છે.

અને સાયક્લોનિક સર્ક્યુલેશન એ છે જેમાં પવન ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં બહારથી પવનનો સર્ક્યુલેશનની અંદર પ્રવેશે છે.

ટ્રફ એ એક લૉ પ્રેસરનો વિસ્તાર છે જે એક કેન્દ્રથી બીજા લૉ પ્રેસર સુધી વિસ્તરે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે શું અને તે ગુજરાતને શું અસર કરે છે?

ભૂમધ્ય સમુદ્ર કે કાસ્પિયન સમુદ્રમાંથી ઊઠતાં તોફાનોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે અને ત્યાંથી તે ભારત સુધી આવે છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઉત્તર અને પશ્ચિમ ભારતમાં શિયાળામાં વરસાદ લાવે છે.

આ એક પ્રકારના લૉ પ્રેશર છે અને તે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ આવતા હોવાને કારણે તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે પશ્ચિમી વિક્ષોભ કહેવામાં આવે છે. ભૂમધ્ય સાગર ભારતની પશ્ચિમમાં આવેલો છે અને તે તરફથી આ સિસ્ટમો ભારત પર આવે છે.

જ્યારે આ સિસ્ટમ ભારત પર પહોંચે છે ત્યારે તેની સાથે તે ભેજ લાવે છે અને તેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતમાં બરફવર્ષા અને વરસાદ પડે છે. જ્યારે આ સિસ્ટમ મજબૂત હોય ત્યારે તેની અસર ગુજરાત સુધી થાય છે અને ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેના કારણે ભારે વરસાદ પણ થઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ખાસ અસર ઉત્તર ભારતમાં થતી હોવાને કારણે તે રવી પાક માટે ખૂબ મહત્ત્વના બની રહે છે. તેના કારણે શિયાળામાં અને ચોમાસા પહેલાં વરસાદ પડે છે. ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન તથા ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બરફ પડે છે, જેને કારણે ઠંડા થતા પવનો ગુજરાત તરફ આવે છે અને તે ગુજરાતમાં ઠંડી લાવે છે.

ગુજરાતમાં વરસાદની કેવી અસર થઇ છે?

ગુજરાતમાં રવિવારે ભારે વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ અને પવન ફૂંકાયો હતો અને વીજળી ત્રાટકી હતી.

રવિવારે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાના કારણે જાનહાનિ થઈ હતી.

દાહોદ જિલ્લામાં ચાર, ભરૂચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક વ્યક્તિનાં મોત થયાં હોવાનું એસઈઓસી અધિકારીએ જણાવ્યું હતું.

સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકામાં માવઠું પડતાં ખેડૂતો વાવેતર કરેલા જીરું, ધાણા, વરિયાળી, એરંડા અને કપાસમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

બોટાદ સહિત આસપાસના વિસ્તારોમાં માવઠાંથી ખેતરોમાં ઊભા પાકને નુકસાની થઈ છે.

જામનગર શહેર અને ધ્રોલ તાલુકામાં પણ ભારે વરસાદી ઝાપટાં પડ્યાં. કેટલીક જગ્યાએ જુવારનો આખો પાક નાશ પામ્યો છે તો ક્યાંક રીંગણનો પાક પણ સંપૂર્ણ નાશ પામ્યો છે.

સૌરાષ્ટ્રમાં માવઠું થતા ત્યાંના ખેડૂતોને વધુ એક વાર રોવાનો વારો આવ્યો છે. શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જૂનાગઢની સાથે સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. શિયાળુ પાકમાં કપાસ, ધાણાં, જીરૂ, ચણા, અને ઘઉં સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કપાસ તૈયાર થઈ ગયો હતો. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનું આવ્યું છે.

મહુવા શહેરમાં કમોસમી વરસાદ પડતાની સાથે માર્કેટીંગ યાર્ડમાં મગફળી, ડુંગળીને ભારે નુકસાન થયું.

માર્કેટીંગ યાર્ડમાં પાંચ હજાર જેટલી ગુણી મગફળી તેમજ કપાસ અને લાલ સફેદ-ડુંગળીની ગુણીઓ પલળી ગઈ છે.

સતત બે દિવસથી મહુવા માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂત વેપારીઓને સૂચના આપી રહ્યા હતા કે માવઠા ની આગાહી હોવાથી પોતાની જણસને સંપૂર્ણ પણે પ્લાસ્ટિકથી ઢાંકીને રાખવી છતાં પણ વેપારીઓનો માલ પલળી ગયો.

રાજ્યમાં વીજળી પડવાથી મનુષ્યો અને પશુઓનાં મૃત્યુ થવાના સમાચાર પણ મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ગઈકાલે ગાજવીજ સાથે વરસેલા,ધોધમાર કમોસમી વરસાદે તારાજી સર્જી હોવાની ઘટના સામે આવી છે.

મોડાસા તાલુકાના મઢ ગામની સીમના ખેતરમાં ચરતાં 16 બકરાં ઉપર વીજળી પડતાં, તેમનાં મોત નિપજ્યાં હતાં.