ગુજરાતમાં હજી પણ આ જિલ્લાઓમાં પડશે વરસાદ, કયા વિસ્તારોમાં આજથી રાહત?

ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલાં જ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે અને કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

રવિવારે પડેલા વરસાદને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે અને વીજળી પડવાથી કેટલાક લોકોનાં મોત પણ થયાં છે.

ગુજરાતમાં હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં આજથી વરસાદી ગતિવિધિ બંધ થઈ જશે.

રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને ગુજરાતની સાથે-સાથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં હજી કેટલા દિવસ વરસાદ પડશે?

ગુજરાતમાં રવિવારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 27 નવેમ્બરના રોજ પણ હજી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં હવે વરસાદી ગતિવિધિ બંધ થાય તેવી શક્યતા છે.

એક-બે દિવસમાં ગુજરાતમાં ફરીથી વરસાદી ગતિવિધિ બંધ થઈ જશે અને મોટા ભાગના વિસ્તારોમાં ફરીથી સ્વચ્છ આકાશ જોવા મળે તેવી સંભાવના છે.

રાજ્યમાં સૌથી વધારે અસર રવિવારે જ થવાની હતી અને હવે સિસ્ટમ આગળ વધી ગઈ છે એટલે તેની કોઈ ખાસ અસર ગુજરાતમાં જોવા મળે તેવી શક્યતા નથી.

ગુજરાતના કયા જિલ્લાઓમાં હજી વરસાદની શક્યતા છે?

હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 27 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.

વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ભાવનગર તથા અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 27 તારીખના રોજ પણ વરસાદ પડે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્રના ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદી ગતિવિધિ અટકી જાય કેવી સંભાવના દેખાઈ રહી છે.

29 નવેમ્બર સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને તાપમાનનો પારો થોડો નીચો જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

શિયાળા પહેલાં ગુજરાતમાં વરસાદ કેમ થયો?

ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડી પરથી આવતી સિસ્ટમોને કારણે ગુજરાત સહિત દેશભરમાં વરસાદ પડે છે. ચોમાસું પૂરું થયા બાદ ઉત્તર અને પશ્ચિમ ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષોભ ચોમાસું પૂરું થયા બાદ ખાસ કરીને ઉત્તર ભારતને વધારે અસર કરે છે પરંતુ ક્યારેક તે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને પણ અસર કરે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના પશ્ચિમ તરફથી આવતી સિસ્ટમ છે અને સામાન્ય રીતે તે લૉ-પ્રેશર હોય છે. તે ભૂમધ્ય સાગરમાં સર્જાય છે અને સીરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન પરથી થઈને તે ઉત્તર અને પશ્ચિમ ભારત પર પહોંચે છે.

આ સિસ્ટમ આગળ વધતા-વધતા ભેજ ગ્રહણ કરતી રહે છે અને તેના કારણે જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં બરફવર્ષા અને વરસાદ થાય છે.