You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની 'રાજ્ય માછલી' ઘોલ જેનું એક ખાસ અંગ લાખોમાં વેચાય છે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
નૉનવેજ પસંદ કરતા લોકો માટે માછલી એક લોકપ્રિય ભોજન છે. અલગઅલગ વિસ્તારોમાં માછલીને વિવિધ રીતે પકાવવામાં આવે છે. નદી, તળાવની મીઠા પાણીમાં થતી માછલીથી લઈને દરિયાની ખારા પાણીની માછલી ખવાય છે.
1600 કિલોમીટરથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતે હાલમાં એક એવી માછલીને રાજ્ય માછલી તરીકે જાહેર કરી જેનો ભારતની સૌથી મોંઘી માછલીઓમાં સમાવેશ થાય છે.
આ માછલીનું નામ છે ઘોલ.
મંગળવારે અમદાવાદ ખાતે યોજાયેલી ગ્લોબલ ફિશરીઝ કૉન્ફરન્સ 2023માં 'ઘોલ'ને રાજ્ય માછલી તરીકે જાહેર કરાઈ હતી.
ઘોલ માછલી ગુજરાતની રાજ્ય માછલી તરીકે કેમ પસંદ કરાઈ?
ઘોલ માછલીમાં એવું શું ખાસ છે કે એક એક માછલી લાખોમાં વેચાતી હોય છે?
ગુજરાત સરકારના ગાંધીનગર સ્થિત મત્સ્યવિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર નીતા શુક્લ બીબીસીએ સાથે વાત કરતાં જણાવે છે કે ઘોલ માછલી ભારતની સૌથી મોંઘી માછલીની પ્રજાતિઓમાંની એક છે.
તેનું મોંઘા હોવાનું મુખ્ય કારણ તેનું ઍર બ્લેડર છે. ઍર બ્લેડર માછલીમાં રહેલું એવું અંગ છે જેમાં હવા ભરેલી હોય છે અને તેની મદદથી માછલીને પાણીના ઊંડાણમાં એક જ સ્તરે રહેવામાં મદદ મળે છે.
"ઘોલ માછલીમાં આયોડીન, આયર્ન, ટૉરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ, સેલેનિયમ છે. તેને 'સોનાના હૃદયવાળી માછલી' તરીકે પણ ઓળખવામાં આવે છે. નિકાસકારો આ માછલીને સૂકવીને ઍર બ્લેડરને બહાર કાઢે છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાંક ઍર બ્લેડર એક નંગ દીઠ રૂ. 1 લાખ જેટલું મેળવે છે. તેની ચામડી ક્યારેક રાંધવામાં આવે છે અથવા કૉસ્મેટિક ઉત્પાદનો અને દવાઓ બનાવવા માટે વપરાય છે. તેના ફિન્સનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા દ્રાવ્ય ટાંકા બનાવવા અને વાઇનના શુદ્ધિકરણમાં કરવામાં આવે છે.
મત્સ્યઉદ્યોગમાં ગુજરાતમાંથી થતી નિકાસમાં ઘોલ માછલીના ઍર બ્લેડરનો મોટો હિસ્સો છે.
ગુજરાતની વાત કરીએ તો કચ્છના અખાત પાસે ઘોલ માછલી જોવા મળે છે. પર્સિયન ગલ્ફથી લઈને પેસિફિક મહાસાગર સુધી ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં ઘોલ માછલીનું વ્યાપકપણે વિતરણ થાય છે. આ માછલી ભારતીય અને પ્રશાંત મહાસાગરોમાં પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, બર્માના દરિયાકાંઠે જોવા મળે છે.
જો કે તે ભારતના સમુદ્રમાં ઉપલબ્ધ છે, તે વ્યાપકપણે વિતરીત થતી નથી. પાછળ કેટલાંક વર્ષોમાં જ્યારે પણ તેને ભારતમાં માછીમારો દ્વારા પકડવામાં આવી છે, ત્યારે તે એક થી છ લાખ રૂપિયાની વચ્ચે વેચવામાં આવી હોવાના અહેવાલ છે.
ડાઉન-ટુ-અર્થ મૅગેઝીન અનુસાર આ માછલીને એક વિદેશી પ્રજાતિ તરીકે શ્રેષ્ઠ અને સૌથી મોંઘી જાતોમાંની એક માનવામાં આવે છે. તેનો સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, હૉંગકૉંગ અને જાપાનમાં નિકાસ કરવામાં આવે છે.
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023
21 નવેમ્બરના રોજ અમદાવાદમાં પ્રથમ વૈશ્વિક ફિશરીઝ કૉન્ફરન્સ ઇન્ડિયા 2023 યોજાઈ હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાયન્સ સિટી, હેબતપુર, અમદાવાદમાં બે દિવસીય કૉન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલેએ જણાવ્યું હતું કે, “ગુજરાત દેશનો સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવે છે. દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. આજે ગુજરાત રૂ. 5000 કરોડથી વધુની માછલીની નિકાસ કરે છે. માછલીની નિકાસમાં ગુજરાતનો ફાળો 17 ટકા છે. આ સિદ્ધિઓ દર્શાવે છે કે પ્રથમ વૈશ્વિક ફિશરીઝ કૉન્ફરન્સનું આયોજન કરવા માટે ગુજરાત સૌથી યોગ્ય રાજ્ય છે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપારના નિર્માણમાં વાદળી અર્થતંત્રનો મહત્ત્વનો ફાળો છે.
તેઓ કહે છે, “આપણા દેશમાં ત્રણ કરોડથી વધુ લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ, દેશમાં પ્રથમ વખત મત્સ્યોદ્યોગ મંત્રાલય શરૂ કરવામાં આવ્યું છે અને આ મંત્રાલયની સાથે, મત્સ્યોદ્યોગ અને ઍક્વાકલ્ચર ડેવલપમેન્ટ ફંડ માટે 75,000 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. આના કારણે દેશમાં આંતરદેશીય મત્સ્યોદ્યોગને મોટો વેગ મળ્યો છે. છેલ્લાં નવ વર્ષમાં મત્સ્યોદ્યોગ અને કૃષિ ઉત્પાદન બમણું થયું છે.
ગુજરાત સરકાર અનુસાર નાણાકીય વર્ષ 22-23માં કુલ 174 લાખ ટન માછલી ઉત્પાદન સાથે, ભારત ત્રીજો સૌથી મોટો મત્સ્યઉત્પાદક દેશ છે, જે વૈશ્વિક માછલીઉત્પાદનમાં લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. દેશ અકવાકલ્ચર બીજો સૌથી મોટો ઉત્પાદક પણ છે.