You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોરબંદર : જેતપુરના ઉદ્યોગોનું પાણી દરિયામાં ઠાલવવાની સરકારી યોજના સામે ફરી વિરોધ કેમ?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"જો સરકાર આ પ્રોજેક્ટ લાવશે તો માછીમારોની રોજીરોટી સામે સવાલ ઊભો થશે. કેમિકલવાળું પાણી દરિયામાં જતાં માછલીઓ મરી જશે. જેથી માછીમારી ઠપ થઈ જશે. માછીમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 14 લાખ કરતા વધુ લોકો જોડાયેલાં છે."
આ શબ્દો ગુજરાતના પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પાવનભાઈ શિયાળના છે. તેઓ રાજ્ય સરકારની એક 'વિકાસલક્ષી' યોજના હેઠળ જેતપુર ઔદ્યોગિક એકમોમાં વપરાતા પાણી (વેસ્ટ વૉટર)ને ટ્રીટ કરીને તેનો નિકાલ ઊંડા દરિયાઈ વિસ્તારમાં કરવા માટે પોરબંદરના દરિયામાં છોડવાનો વિરોધ કરી રહ્યા છે.
અગાઉ 2021માં જ્યારે રાજ્ય સરકારે રાજકોટના જેતપુરમાં આવેલા ઔધોગિક એકમોમાંથી નીકળેલું દૂષિત પાણી ટ્રીટ કરીને દરિયામાં છોડવાની યોજના બનાવી હતી ત્યારે ખારવા સમાજના ઉગ્ર વિરોધ પછી યોજના પડતી મુકાઈ હતી પણ હવે ફરી એકવાર આ મુદ્દો ચર્ચામાં છે.
બે વર્ષ બાદ ફરી રાજ્ય સરકારના એક પ્રોજેક્ટનો પોરબંદરનો ખારવા સમાજ વિરોધ કરી રહ્યો છે.
રાજ્ય સરકાર જેતપુરના ઔદ્યોગિક એકમોના ટ્રીટ કરેલાં પાણીને પાઇપલાઇનથી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે. જેની સામે ખારવા સમાજે વિરોધ ઉગ્ર બનાવ્યો છે.
ખારવા સમાજના આગેવાનોનું કહેવું છે કે "જેતપુરના ઉદ્યોગનું કેમિકલવાળું પાણી પાઇપલાઇનથી દરિયામાં ઠાલવવામાં આવશે તો દરિયાઈ જીવસૃષ્ટિ પર તેની વિપરીત અસર થશે અને માછીમારી સાથે જોડાયેલા અંદાજે 14 લાખ પરિવારોના રોજગાર છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાશે."
"બીજી તરફ ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા લોકોનો તર્ક છે કે "આ પાણી ટ્રીટ કર્યા બાદ દરિયામાં છોડાશે જેથી કોઈ નુકસાન નહીં થાય."
આમ બે ઉદ્યોગો સાથે જોડાયેલા લોકોના પોતપોતાના તર્ક છે પણ રાજ્ય સરકાર થોભો અને રાહ જુઓની નીતિ સાથે આગળ વધી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, "ખારવા સમુદાયના લોકોએ હજુ સંપર્ક કર્યો નથી પરંતુ જો સંપર્ક કરશે તો આ અંગે વિચારીશું."
"જો ખેતરોને નુકસાન થતું હોય તો દરિયાને પણ થશે જ ને?"
જેતપુરમાં કુલ 1,400 ઔદ્યોગિક એકમો છે. જેમાં પ્રોડકશન બાદ કેમિકલનું ગંદું પાણી નીકળે છે. આ પાણીને ટ્રીટ કરવા ત્રણ જુદાં-જુદાં પ્લાન્ટ છે. અગાઉ આ ત્રણ પ્લાન્ટમાં વેસ્ટ વૉટરને ટ્રીટ કરી જેતપુર આસપાસની નદીઓમાં છોડી દેવાતું હતું અથવા ખેડૂતોને આપવામાં આવતું.
જોકે, નદીમાં આ ટ્રીટ કરેલા પાણીથી પણ નુકસાન થતું હોવાથી હવે આયોજન એવું છે કે પાઇપલાઇનથી આ પાણીને પોરબંદરના દરિયાના ઊંડાણમાં છોડી દેવાય. આ માટે 638 કરોડનો એક પ્રોજેક્ટ અમલી બની રહ્યો છે. જેની સામે માછીમારી સાથે જોડાયેલા ખારવા સમાજના આગેવાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
રાજ્ય સરકાર માટે બંને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને વિશ્વાસમાં લઈ આગળ વધવાનું કામ કપરું બની શકે છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ શું સ્પષ્ટતા કરી?
ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, " જેતપુર ડાઇંગ ઇન્ડસ્ટ્રીનું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા માટે એક પાઇપલાઇન પ્રોજેક્ટને કેન્દ્ર સરકાર પાસે એન.ઓ.સી. માટે મોકલાયો છે. આ પ્રોજેક્ટ હું વૉટર ડિપાર્ટમેન્ટનો મંત્રી બન્યો તે પહેલાંનો હોવાથી આની વધારે વિગત મારી પાસે નથી."
આ પ્રોજેક્ટ સામે ખારવા સમાજના વિરોધ બાબતે પૂછતા તેમણે જણાવ્યું, "વિરોધ અંગે મેં સમાચાર અહેવાલો વાંચ્યા છે. આ અંગે હજુ કોઈ મારી પાસે રજૂઆત કરવા આવ્યું નથી. જો કોઈ રજૂઆત કરવા આવશે તો અમે તેમની સાથે ચર્ચા કરીશું."
પર્યાવરણ મંત્રાલયના અગ્ર સચિવ સંજીવ કુમાર મુકેશ પટેલ સાથે વાત કરતાં તેમણે આ અંગે ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે વાત કરવા કહ્યું.
બીજી તરફ ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડના મેમ્બર સેક્રેટરી દેવાંગ ઠક્કરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, " આ પ્રોજેક્ટ અંગે એસ્ટાબ્લિશમેન્ટ મંજૂરી જી.પી.સી.બી. પાસે લેવાની હોય છે. આ પ્રોજેક્ટને એસ્ટબ્લિશમેન્ટ મંજૂરી આપી દેવાઈ છે. આ સિવાય આ બાબતે વધુ કોઈ માહિતી હું આપી શકીશ નહીં."
હવે જ્યારે આ પ્રોજેક્ટ એન.ઓ.સી માટે કેન્દ્ર સરકાર પાસે મોકલવામાં આવ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટમાં જેતપુરના સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસિએશને આમાં 20 ટકા ખર્ચ આપવાનો રહેશે.
મીડિયા અહેવાલ અનુસાર ગુજરાત સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટને ટેકનિકલ મંજૂરી આપી દેવામાં આવી છે. તેનો વર્ક ઑર્ડર ઑક્ટોબર 2021માં જેતપુર ઇન્ડસ્ટ્રિયલ પાઇપલાઇન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો અને તેનું કામ 36 મહિનામાં પૂરું થવાનું છે. તેથી આ પ્રોજેક્ટ 2024માં પૂરો થઈ શકે છે.
ઉદ્યોગો સાથે સંકળાયેલા એસોસિએશનનું કહેવું છે કે ઉદ્યોગોમાંથી નીકળતા પાણી ટ્રીટમેન્ટ કરેલું હોય છે માટે તે દરિયાના પાણીને દૂષિત નહીં કરે.
ડાઇંગ ઍન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ રામોલિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "અમારે ત્યાં 1,400 યુનિટ છે. અમારે ત્યાં એક દિવસનું ચાર લાખ લિટર દૂષિત પાણી નીકળે છે. અમારે ત્યાં રોજ ચારથી પાંચ લાખ સાડીઓ બને છે. અમે પાણીને શુદ્ધ કરવા 3 CETP પ્લાન્ટ લગાવ્યા છે. જ્યાં પાણીને શુદ્ધ કરાય છે. અત્યાર સુધી અમે આ પાણી ખેડૂતોને ખેતી માટે આપતા હતા."
"નદી નાળા પ્રદૂષિત ન થાય તે હેતુથી પાણી દરિયામાં ઠાલવવાનું સરકારે નક્કી કર્યું છે. અમારું પાણી શુદ્ધ હોય છે પરંતુ આવી રીતે પ્રોસેસ થયેલા પાણીમાં TDS (ટોટલ ડિઝોલ્વ સૉલિડ)નું ખૂબ વધારે પ્રમાણ હોય છે. જેથી પાણીને નદીમાં કે નાળામાં ના ઠાલવવાની ભલામણ કરાઈ છે."
તેમનું કહેવું છે કે "જ્યારે દરિયાના પાણીમાં તો વધારે ટીડીએસ હોય જ છે. આથી દરિયામાં આ પાણી ઠાલવવાથી કોઈ નુકસાન નહીં થાય."
વધુમાં તેઓ જણાવે છે, "જામનગર ઇન્ડસ્ટ્રીઝનું પાણી પણ દરિયામાં જ ઠલવાય આવે છે. અમે તો દરિયાની અંદર 12 કિલોમીટર પાઇપલાઇન નાખીને અંદર પાણી છોડવાના છીએ. જેથી કિનારાના લોકોને તેનું કોઈ નુકસાન થશે નહીં."
"અમારી ઇન્ડસ્ટ્રીઝનું ટ્રીટ કરેલું પાણી ભાદર નદીમાં પણ જાય છે અને ભાદર નદીમાં પણ માછલીઓ છે."
"તેને કોઈ હાર્ડ અસર થઈ નથી. આ પ્રોજેક્ટમાં 80 ટકા ખર્ચ સરકાર ભોગવશે અને 20 ટકા ખર્ચના પૈસા અમારે ખર્ચવા પડશે."
"20 ટકા લેખે અમારે સરકારને 150 કરોડ રૂપિયા ચૂકવવાના છે. જેમ પ્રોજેક્ટ બનશે તેમ તબક્કાવાર આ રકમ ચૂકવવાની રહેશે. અમે પહેલાં તબક્કાના સાત કરોડ રૂપિયાનો હપ્તો સરકારને ચૂકવી પણ દીધો છે."
"સરકારને બધાં જ પ્રકારની એન.ઓ.સી. મળેલી છે. એનો મતલબ કે આ પાણી નુકસાનકારક નથી."
"અમે ખારવા સમાજના લોકોને અગાઉ પણ કહ્યું હતું અને આજે પણ આમંત્રણ આપીએ છીએ કે જેતપુર આવો અને અમારા CETP પ્લાન્ટ જુઓ. પાણી અમે શુદ્ધ કરીએ છીએ અને આ શુદ્ધ પાણી જ છોડવામાં આવશે."
નોંધનીય છે કે આ વિસ્તારના એકમો દ્વારા દરરોજ 1.25 કરોડ લિટર પાણી છોડવામાં આવે છે.
પોરબંદરના ખારવા સમાજની દલિલો શું છે?
પોરબંદર ખારવા સમાજના પ્રમુખ પાવનભાઈ શિયાળ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, "રાજ્ય સરકારે જેતપુર ઇન્ડસ્ટ્રીઝનું પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પાઇપલાઇન પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. સરકાર એક ઉદ્યોગને બચાવવા બીજા ઉદ્યોગનો ભોગ લઈ રહી છે. 2018માં આ પાઇપલાઇન પ્રોજેક્ટ સરકાર લાવવાની હતી પરંતુ એ સમયે ખારવા સમાજે ઉગ્ર રજૂઆત કરતા સરકારે આ પ્રોજેક્ટ મોકૂફ રાખવાની વાત કરી હતી."
હવે બીજીવાર સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. ખારવા સમાજના લોકોને ડર છે કે જો સરકાર આ પ્રોજેક્ટ લાવશે તો માછીમારી કરતા લોકોની રોજીરોટી સામે સવાલ ઊભો થશે.
પાવનભાઈ શિયાળનું કહેવું છે કેકેમિકલવાળું પાણી દરિયામાં જતાં માછલીઓ મરી જશે. માછીમારીનો ધંધો ઠપ થઈ જશે. માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા આશરે 14 લાખ કરતાં વધુ લોકોને તેની અસર થશે. આ પ્રશ્ન ખાલી ખારવા સમાજનો જ નથી, ધીમે-ધીમે તેની અસર ખેડૂતોને પણ થશે.
તેમણે આશંકા વ્યક્ત કરી કે "આ પાણી પાઇપલાઇનથી લાવવામાં આવશે અને જો પાઇપલાઇનમાં ભંગાણ થશે તો ખેતરોમાં આ પાણી જશે. જેના કારણે ખેતીને નુકસાન થઈ શકે છે. સરકાર આ પાણી દરિયામાં નાખવાના બદલે ટ્રીટ કરીને સારા ઉદ્યોગોમાં તેને ઉપયોગમાં લઈ શકે છે તેમજ તળાવ બનાવી તેમાં પણ પાણી નાખી શકે છે."
આ બાબતે પર્યાવરણ મુદ્દે કામ કરતા રોહિત પ્રજાપતિએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "અત્યાર સુધીની પરિસ્થિતિ જોઈએ તો આ ટ્રીટ કરેલું પાણી નદીને નુકસાન કરે છે. પહેલાં નદી બગાડી હવે દરિયો બગાડવામાં આવશે. સરકાર ઉદ્યોગોના પ્રદૂષિત પાણીના નિકાલ બાબતે ટ્રીટેબિલીટીના બદલે ડાયલ્યુશનની વાત કરી રહી છે જે ખોટું છે. "
"સરકારે ટ્રીટેબિલીટી પર ભાર મૂકવો જોઈએ. પ્રદૂષણમુક્ત હોવા બાબતે વિચારવું જોઈએ. નહીં કે પ્રદૂષણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા બાબતે. સરકાર હાલ આ કરી રહી છે. નદીનું પ્રદૂષણ દરિયામાં પહોંચાડવાનું કામ કરવા જઈ રહી છે."