You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોલર પૅનલ ભવિષ્યમાં પર્યાવરણ માટે નવો પડકાર કેવી રીતે સર્જી શકે?
- લેેખક, ડેનિયલ ગોર્ડન
- પદ, ધ ક્લાયમેટ ક્વેશ્ચન પોડકાસ્ટ, બીબીસી સાઉન્ડ્ઝ
કાર્બન ઉત્સર્જન ઘટાડવાની લડાઈમાં સોલર પેનલને દુનિયાભરમાં અત્યંત મહત્ત્વના હથિયાર તરીકે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, પરંતુ તેનું આયુષ્ય માત્ર 25 વર્ષનું છે.
જાણકારોનું કહેવું છે કે અબજો સોલર પૅનલને આખરે બદલવાની અને તેને કારણે સર્જાનારા ઇલેક્ટ્રૉનિક કચરાના નિકાલની જરૂરિયાત ટૂંક સમયમાં મોટી સમસ્યા બની શકે છે.
ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીના સોલર પેનલ રિસાયકલિંગ સંબંધી બાબતોના નિષ્ણાત ડૉ. રોગ ડેંગનું કહેવું છે કે "આખી દુનિયામાં અત્યાર સુધીમાં એક ટેરાવોટની ક્ષમતાની સોલર પૅનલ લગાવવામાં આવી છે."
તેમને કહેવા મુજબ, "સામાન્ય સોલર પૅનલની ક્ષમતા 400 વૉટની હોય છે. છતો તથા સોલર ફાર્મમાં લગાવવામાં આવેલી સોલર પૅનલનો તેમાં ઉમેરો કરીએ તો તેની સંખ્યા વધીને અઢી અબજ થાય."
બ્રિટિશ સરકારના જણાવ્યા મુજબ, બ્રિટનમાં લાખો સોલર પૅનલ લગાવવામાં આવી છે, પરંતુ તેને હટાવવાની કે રિસાઇકલ કરવાની કોઈ સુનિશ્ચિત વ્યવસ્થા નથી.
આ બાબતે કોઈ નક્કર નીતિ ઘડવાની વિનંતી વિશ્વના અનેક નિષ્ણાતો સરકારોને કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંબંધી મોટા આપદા બનવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
ઇન્ટરનેશનલ રીન્યુએબલ એનર્જી એજન્સી (આઈઆરઇએનઈ)ના ડૅપ્યુટી ડિરેક્ટર યૂટે કૉલિયરનું કહેવું છે કે "આપણે તેના રિસાઇકલિંગ પ્લાન્ટની વ્યવસ્થા નહીં કરીએ તો 2050 સુધીમાં સોલર પેનલના કચરાનો જંગી પહાડ સર્જાશે."
તેમણે ઉમેરે છે કે "આપણે સતત ઊર્જા તરફ આગળ વધી રહ્યા છીએ. વધુમાં વધુ પ્રમાણમાં સોલર પૅનલ બનાવી રહ્યા છીએ. એ સારી વાત છે, પરંતુ તેના કચરાનું શું કરીશું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફ્રાંસમાં વિશ્વની પહેલી ફેકટરી
સોલર પૅનલને સંપૂર્ણપણે રિસાયકલ કરતી વિશ્વની સૌપ્રથમ ફેકટરી આ મહિનાની આખરમાં ફ્રાંસમાં કામ કરતી થઈ જશે. આ ફેકટરીના નિર્માણની સાથે સોલર પેનલના રિસાઇકલિંગની દિશામાં કામ કરતા લોકોમાં આશા સર્જાઈ છે.
તે રિસાઇકલિંગ કંપનીનું નામ આરઓએસઆઈ (રોસી) છે, તેણે ફ્રાંસના ગ્રેનોબલમાં પ્લાન્ટનું નિર્માણ કર્યું છે. કંપનીને આશા છે કે સોલર પૅનલના 99 ટકા હિસ્સાને ફરી ઉપયોગ લાયક બનાવવામાં તેને સફળતા મળશે.
આ ફેકટરી સોલર પૅનલના કાચ તથા એલ્યુમિનિયમ ફ્રેમની સાથે તેમાં લગાવવામાં આવેલી ચાંદી તથા તાંબા જેવી ધાતુઓને અલગ કરવાનું કામ કરશે. આ બધાને અલગ કરવાનું કામ સૌથી મુશ્કેલ છે.
આ ધાતુઓને રિસાઇકલ કર્યા પછી તેનો ઉપયોગ વધુ ક્ષમતાવાળી સોલર પૅનલમાં કરી શકાશે.
રિસાઇકલિંગની પરંપરાગત રીત વડે એલ્યુમિનિયમ અને કાચના હિસ્સાને અલગ કરી શકાય છે, પરંતુ રોસીનો દાવો છે કે તેમાંથી મળતો કાચ સરખામણીએ નબળી ગુણવત્તાનો હોય છે.
સોલર પૅનલમાંથી કાઢવામાં આવેલા કાચનો ઉપયોગ ટાઈલ્સ બનાવવા માટે કે પછી ડામર બનાવવા માટે અન્ય ચીજો સાથે મેળવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, પરંતુ તેનો ઉપયોગ ઉચ્ચ ક્ષમતાવાળી હાઈ ગ્રેડ સોલર પૅનલમાં કરી શકાતો નથી.
ગુજરાત સોલર પૅનલ ઇન્સ્ટૉલેશનમાં ક્યાં છે?
- 2021-23 દરમિયાન બે વર્ષમાં 2.30 લાખ લોકોએ છત ઉપર સોલર પૅનલ લગાવવા માટે સરકારની સૂર્ય ગુજરાત યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
- ગુજરાત સરકારે માર્ચમાં વિધાનસભામાં આપેલા જવાબ અનુસાર 33 જિલ્લામાંથી 27 જિલ્લા આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
- અમદાવાદમાં 34,794 ઘર માટે રજિસ્ટ્રેશન થયું છે, વડોદરામાં 33,918, સુરતમાં 30,918 અને રાજકોટમાં 24,118 ઘરમાં છત ઉપર સોલર પૅનલ લગાવવા માટે આવેદન આવ્યાં છે.
- ગુજરાત સરકારના વિધાનસભામાં આપેલા જવાબ પ્રમાણે દેશમાં સોલર પાવર જનરેશનની બાબતમાં ગુજરાત નેતૃત્વ કરી રહ્યું છે.
- ગુજરાત સરકારની સત્તાવાર વેબસાઇટ ગુજરાત ઍનર્જી ડેવલપમૅન્ટ એજન્સી પર આપેલી માહિતી પ્રમાણે 31 માર્ચ સુધીમાં 521.927 મેગા વૉટ્સ ક્ષમતાની ઉર્જા છત ઉપર સોલર પૅનલની મદદથી પેદા થઈ છે અને 31 જુલાઈ 2021 સુધીમાં વધારાની 675.223 મેગા વૉટ્સ ઊર્જાની ક્ષમતા માટે કામ શરૂ કરવામાં આવ્યું હતું.
સોલર પેનલની ધૂમ
સુધીમાં વિશ્વમાં ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં 22 ટકા વધારો થયો છે. માત્ર બ્રિટનમાં જ દર મહિને 13,000 સોલર પેનલ લગાવવામાં આવે છે. એ પૈકીની મોટાભાગના લોકોના ઘર તથા છત પર લગાડવામાં આવે છે.
મોટાભાગના મામલામાં સોલર પૅનલ અપેક્ષિત સમય કરતાં વહેલી નકામી બની જાય છે. તકનીક સતત વિકસી રહી છે. તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં એવી સોલર પેનલ બજારમાં આવી જશે, જે 10-15 વર્ષ જૂની પેનલ બદલવા કરતાં સસ્તી પડશે.
કૉલિયર જણાવે છે કે સોલર પેનલ લગાવવાનું ઘેલું આ જ ગતિએ ચાલુ રહેશે તો ખરાબ થયેલી સોલર પેનલના કચરાનો ગંજ વધુને વધુ મોટો થતો જશે.
તેમના કહેવા મુજબ, "હું માનું છું કે 2030 સુધીમાં આપણે પાસે 40 લાખ ટન સોલર કચરો હશે. તેનો નિકાલ થઈ શકશે, પરંતુ 2050 સુધીમાં તેનું પ્રમાણ વૈશ્વિક સ્તરે વધીને 20 કરોડ ટન થઈ શકે છે."
આ સંદર્ભમાં એવું ધારી શકાય કે હાલ દુનિયા દર વર્ષે 40 કરોડ ટન પ્લાસ્ટિક પેદા કરી રહી છે.
રિસાયકલિંગના પડકારો
સોલર પૅનલના રિસાઇકલિંગની ફેકટરીઓ હાલ ઓછી છે, કારણ કે અત્યાર સુધી સોલર પૅનલના રિસાઇકલિંગની જરૂર પડી નથી.
પહેલી પેઢીની સોલર પૅનલ હવે નકામી થઈ રહી છે. અત્યાર સુધીમાં અનેક સોલર પેનલ નકામી થવાની તૈયારીમાં હોવાથી આ મામલે ઝડપથી પગલાં લેવાં જરૂરી છે, એવું નિષ્ણાતો માને છે.
નિકોલસ ડીફ્રેની જણાવે છે કે સોલર પૅનલના રિસાઇકલિંગમાં ફ્રાંસ યુરોપમાં સૌથી આગળ છે.
તેમનું સંગઠન સોરેન, રોસી તથા અન્ય કંપનીઓનું ભાગીદાર છે. તે સમગ્ર ફ્રાંસમાં સોલર પૅનલ્સને રિટાયર કરવા પર નજર રાખવાનું કામ પણ કરે છે.
નિકોલસના કહેવા મુજબ, "અમે જે સૌથી મોટા પ્લાન્ટને રિટાયર કર્યો તેમાં અમને ત્રણ મહિના થયા હતા."
સોરેન અને તેમની ટીમ રિસાઇકલિંગની અલગ-અલગ તરકીબ અજમાવી રહી છે.
ગ્રેનોબલના રોસી હાઈટેક પ્લાન્ટમાં સોલર પૅનલની અંદર લગાવવામાં આવેલી ચાંદી, સિલિકૉન અને તાંબા જેવી બહુમૂલ્ય ધાતુઓ અલગ કરવાનું કામ સૌથી વધુ મુશ્કેલ છે. આ ધાતુઓનો ઉપયોગ પણ અન્ય પુર્જાઓના પ્રમાણમાં જ થતો હોવાથી તેને અલગ કરવાનું આર્થિક રીતે નફાકારક સાબિત થયું નથી.
નિકોલસનું કહેવું છે કે આ ધાતુઓ બહુમૂલ્ય હોવાથી તેને અસરકારક રીતે કાઢવાની તરકીબ શોધી કાઢવામાં આવે તો તે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
નિકોલસ કહે છે, "સોલર પૅનલમાં 60 ટકા કિંમતી ચીજો તેના માત્ર ત્રણ ટકા વજનમાં હોય છે."
સોરેનની ટીમને આશા છે કે ભવિષ્યમાં એક નવી સોલર પૅનલ બનાવવા માટે જરૂરી ત્રણ-ચતુર્થાંશ સામગ્રી જૂની સોલર પૅનલમાંથી મેળવી શકાશે.
જો આપણે અશ્મિભૂત ઇંધણમાંથી સૌર ઊર્જા તરફ આગળ વધવું હશે તો ભવિષ્યમાં સોલર પૅનલ બનાવવા માટે જેટલી ચાંદી જરૂરી છે તેટલી હાલ ઉપલબ્ધ નથી.
બ્રિટનના વિજ્ઞાનીઓ પણ રોસી જેવી તકનીક વિકસાવી રહ્યા છે.
લીસેસ્ટર યુનિવર્સિટીના શોધકર્તાઓએ ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તેમણે સોલર પૅનલમાંથી સેલાઇનના સ્વરૂપમાં ચાંદીને કાઢી લેવાની તરકીબ શોધી છે.
તેમ છતાં, અત્યાર સુધી તો રોસી કંપની જ તે કામને ઔદ્યોગિક એકમના સ્તર સુધી લઈ જઈ શકી છે.
આ ટેકનૉલોજી બહુ મોંઘી છે. અલબત, યુરોપમાં સોલર પેનલના આયાત તથા નિકાસકારો પર જ તેના કચરાના નિકાલની જવાબદારી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ કચરાના કાપી કે પીસી નાખવામાં આવે તો તે સસ્તું પડે.
નિકોલસના જણાવ્યા મુજબ, સોલર પૅનલનું રિસાયકલિંગ હાલ તેના પ્રારંભિક તબક્કામાં છે. સોરેન કંપની ગત વર્ષે ફ્રાંસમાં માત્ર 4,000 ટન સોલર કચરાનો નિકાલ જ કરી શકી હતી.
તેમને કહેવા મુજબ, "ગત વર્ષે ફ્રાંસમાં જેટલી સોલર પેનલ વેચાઈ તેનું કુલ વજન 2.32 લાખ ટન હતું. તે 20 વર્ષ પછી રિટાયર થશે. આ ઉદાહરણ પરથી અંદાજ લગાવી શકાય કે આપણે સોલર પૅનલનો કેટલો કચરો એકઠો કરવો પડશે."