'કપડાં ન ધુઓ, સમય બચાવો, જિંદગી માણો' એવા લોકોની કહાણી જેમને પહેરેલાં કપડાં ધોવાનું પસંદ નથી

    • લેેખક, માટિલ્ડા વેલિન
    • પદ, બીબીસી કલ્ચર

બ્રાયન ઝાબો અને તેમની ટીમે ધોયા વગર અનેક વખત પહેરવામાં આવેલાં જીન્સના ફોટોનો કલાકો સુધી અભ્યાસ કર્યો છે.

તેમાં કેટલાંક જીન્સ ફાટેલાં, ફેડેડ (ઝાંખાં) અને સાંધેલાં પણ છે.

તેમાંથી કેટલાંક જીન્સ સારાં હોય તો ઑનલાઇન તેનાં બહુ વખાણ થતાં હોય છે. કેટલાંક જીન્સ જ્યાંથી ફાટેલાં હોય તે સુંદર દેખાતું હોય, કેટલાંક જીન્સમાં થયેલાં કાણાં દેખાતાં પણ ન હોય. અને આ જ વાત તેને ખાસ બનાવતી હોય છે.

ઇન્ડિગો ઇન્વિટેશનલ સ્પર્ધાના નિર્ણાયક છે, જેમાં આખા વર્ષ દરમિયાન એક જ જીન્સ પહેરતા દુનિયાભરના લોકોનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભાગ લેતા લોકો વિશ્વના ટોચના જીન્સ ફેડર્સ એટલે કે જીન્સ ઘસાઈ જાય ત્યાં સુધી ધોયા વિના પહેર્યા કરતા લોકો જ નથી.

તેઓ ડેનિમ લો-વૉશના ચેમ્પિયન્સ પણ છે.

ડેનિમને ભીનું કરીને તેના પર સાબુ લગાવવામાં આવે ત્યારે તે નરમ બની જતું હોય છે. તેથી હાઈ-કૉન્ટ્રાસ્ટ પેટર્ન બનાવવા માટે તેને ધોવાનું ટાળવામાં આવે છે.

નો-વૉશ ક્લબના સભ્યોથી માંડીને લીવાઇસ કંપનીના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર સુધીના બધા આ વ્યૂહરચનાને અનુસરે છે.

બ્રાયન ઝાબોએ 2010માં સૌપ્રથમ વખત રૉ જીન્સ ખરીદ્યું ત્યારથી તેમને આ આદત પડી હતી.

તેમણે તેમના વતન કૅનેડાથી યુરોપના છ મહિનાના પ્રવાસ દરમિયાન એક જ જીન્સનો ઉપયોગ કર્યો હતો.

બીબીસી કલ્ચર સાથે વાત કરતાં ઝાબો કહે છે, "મને મારા આ ગંધાતા જીન્સનું વળગણ હતું. બીજા લોકોને તેમાંથી ભયાનક ગંધ આવતી હતી."

બુડાપૅશમાં ઝાબો તેમના ભાવિ પત્નીને મળ્યા હતા અને જીન્સ તેમના સંબંધનું પણ મહત્ત્વનું સ્થાન હતું.

ઝાબો કહે છે, "મારું જીન્સ પલંગના છેડે ફ્લોર પરના ખૂંટા જેવું હતું. તમે રૂમમાં આવો તો તેની ગંધ અનુભવી શકો. હું સદભાગી છું કે મારી પત્નીને પણ તેમાં મારા જેટલો જ રસ હતો."

ઇન્ડિગો ઇન્વિટેશનલ સ્પર્ધાનું પાંચમું વર્ષ શરૂ થઈ રહ્યું છે.

ઝાબોના અંદાજ મુજબ, ઇન્ડિગો ઇન્વિટેશનલના દસમાંથી નવ સ્પર્ધકો તેમનું જીન્સ દોઢસોથી બસ્સો વખત પહેરી ન લે ત્યાં સુધી ધોવામાં નાખતા નથી.

ઝાબો કહે છે, "આ પૈકીના કેટલાંક જીન્સ આખું વર્ષ સતત પહેરાયેલા છે અને હું તેની નજીક જવા ઇચ્છતો નથી, કારણ કે તે બહુ ગંધાતા હશે."

તેમના રૉ ડેનિમ ચાહક દોસ્તો એક ડગલું આગળ વધે છે અને જીન્સને ક્યારેય નહીં ધોવાની ફિલસૂફીને અનુસરે છે.

ઝાબો કહે છે, "નાની લિફ્ટ જેવી સાંકડી જગ્યામાં કોઈએ આવું જીન્સ પહેર્યું હોય તો તેની દુર્ગંધ ચોક્કસ અનુભવી શકાય."

"તેમનાં કેટલાંક ફેડેડ જીન્સ ટ્રેડ શોમાં પ્રદર્શિત પણ કરવામાં આવ્યાં છે. તેમાં અપ્રિય દુર્ગંધ નહીં, પરંતુ સુગંધ અનુભવાય છે."

રૉ જીન્સ પહેરતા લોકો તેને વૉશિંગ મશીનમાં ધોવા નાખવાને બદલે તેની સંભાળ અન્ય રીતે રાખે છે.

જેમ કે તેઓ તેને સૂર્યપ્રકાશમાં સૂકવે છે અથવા આખી રાત દોરી પર લટકાવી રાખે છે.

ઝાબો કહે છે, "મારા જીન્સમાંથી દુર્ગંધ આવવા લાગે કે તરત મારી પત્ની મને જણાવે છે અને વૉશરૂમમાં લઈ જાય છે."

જીન્સ પહેરવાના શોખીન લોકોનો ધોલાઈનો ખર્ચ જ ઓછો નથી થતો.

ડિઝાઇનર સ્ટેલા મેકકાર્ટની તેમની કપડાં ઓછા ધોવાની આદતને લીધે 2019માં અખબારોમાં ચમક્યાં હતાં.

તેમણે ધ ગાર્ડિયન અખબારને કહ્યું હતું કે "જીવનમાં મૂળભૂત રીતે અનુભવ આધારિત બહુ સાદો નિયમ છેઃ કશું સાફ કરવું અનિવાર્ય ન હોય તો તેને સાફ કરવું નહીં. હું મારી બ્રા રોજ બદલતી નથી અને કોઈ વસ્તુ પહેરેલી છે એટલે તેને વૉશિંગ મશીનમાં ધોવા નાખી દેતી નથી. મારી જીવનશૈલી અવિશ્વસનીય લાગે એટલી હદે આરોગ્યપ્રદ છે, પરંતુ હું ડ્રાય ક્લિનિંક અથવા કોઈ અન્ય પ્રકારની સફાઈની ચાહક નથી."

અન્ય લોકો પર્યાવરણની ચિંતા તથા વીજળીના વધતા ખર્ચને કારણે કપડાં ધોવા બાબતે બે વખત વિચાર કરે છે.

(ઝાબોના જણાવ્યા મુજબ, ડેનિમ બ્રો જેવા ઑનલાઇન મંડળોને આકસ્મિક રીતે ટકાઉ હોય તેવી સૌંદર્યલક્ષી બાબતોની દરકાર વધુ હોય છે) વૂલ એન્ડ પ્રિન્સ નામની ક્લોથ કંપનીના સ્થાપક મેક બિશપે ફાસ્ટ કંપનીને જણાવ્યુ હતું કે તેમણે અનુકૂળતા તથા લઘુતમ જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રીત કર્યું ત્યારે ખાસ કરીને પોતાના કપડા ધોવાનું નાપસંદ કરતા પુરુષ ગ્રાહકોને તે બહુ ગમ્યું હતું.

તેમણે મહિલાઓ માટેની તેમની બ્રાન્ડ વૂલ એન્ડને પ્રમોટ કરવાનું શરૂ કર્યું ત્યારે કપડાને નહીં ધોવાનો વિચાર મહિલાઓને ઓછો પસંદ પડ્યો હતો. સંશોધનમાં જાણવા મળ્યું હતું કે એ સંદર્ભમાં મહિલાઓ માટે પર્યાવરણવાદ વધુ પ્રભાવી કારણ હતો.

આજે વૂલ એન્ડ બ્રાન્ડ એક ચેલેન્જ સાથે મેરિનો વૂલ ડ્રેસ વેંચે છે અને તે ચેલેન્જમાં ગ્રાહકોએ એક જ ડ્રેસ સતત 100 દિવસ સુધી પહેરવાનો હોય છે. વૂલ એન્ડના રેબેકા એબીના જણાવ્યા મુજબ, એ ચેલેન્જમાં ભાગ લેતા લોકોની સર્વસામાન્ય માન્યતા એ છે કે રોજ મેરિનો ડ્રેસ પહેરવાથી લોન્ડ્રીના ખર્ચમાં ઘટાડો થાય છે.

કપડાં પર કાપ

અમેરિકાના કનેક્ટિકટના ચેલ્સી હેરી વૂલ્સ એન્ડનાં એક ગ્રાહક છે.

બીબીસી કલ્ચર સાથે વાત કરતાં ચેલ્સી કહે છે, "મારો ઉછેર એવા ઘરમાં થયો છે, જ્યાં એક વખત વાપર્યા પછી દરેક ચીજ ધોઈ નાખવામાં આવે છે. ટુવાલ, પાયજામા બધું જ."

ચેલ્સી એક ઉનાળામાં તેમનાં દાદીને ઘરે રહેવાં ગયાં હતાં.

રાતે પહેરેલો પાયજામો ઓશિકાની નીચે મૂકીને બીજી રાતે ફરી પહેરવાનું ચેલ્સીને તેમના દાદીએ શીખવ્યું હતું. બાદમાં તેમના લગ્ન થયાં હતાં.

ચેલ્સીના કહેવા મુજબ, તેમના પતિ ભાગ્યે જ કપડાં ધોતા હતા. રોગચાળા દરમિયાન ચેલ્સીએ હાઇકિંગ શરૂ કર્યું હતું. એ વખતે બધું બદલાઈ ગયું હતું.

ચેલ્સીના કહેવા મુજબ, “આખો દિવસ હાઇકિંગ કર્યા પછી તમે ટેન્ટમાં કે ઝૂલામાં ઊંઘતા હો ત્યારે સ્નાન કરવાનું દેખીતી રીતે શક્ય નથી.”

હાઈકિંગ સમુદાયના અન્ય લોકોએ એક્સ ઑફિશિયો વૂલ અન્ડરવેર પહેરવાની ભલામણ કરી હતી. તેને ઝડપથી ધોઈ અને સૂકવી શકાય છે.

ચેલ્સીને સમજાયું હતું કે તેઓ ગણતરીના કપડાં સાથે લઈને દિવસો સુધી હાઇકિંગ કરી શકે છે અને આરામદાયક અનુભવ કરી શકે છે.

ચેલ્સી કહે છે, "પછી મેં વિચાર્યું હતું કે આનો મારા રોજિંદી જીવનમાં ઉપયોગ શા માટે ન કરવો જોઈએ." આ રીતે ચેલ્સીને નવી આદત પડી હતી.

સુગંધ અને સંવેદનશીલતા

ચેલ્સીને ગંધની ચિંતા નથી. તેઓ કહે છે, "મને મારા નાક પર ભરોસો છે." અલગ-અલગ વૂલના મિશ્રણ સાથેના નવા ડ્રેસ પહેરીને ચેલ્સી દુર્ગંધમુક્ત રહી શકે છે, જે અન્ય ડ્રેસની બાબતમાં બનતું નથી. ઉનાળામાં મધ્ય-પૂર્વ જેવા ઉષ્ણકટિબંધીય સ્થળોના પ્રવાસ દરમિયાન પણ એવું બનતું નથી.

વસ્ત્રો ધોવાનું ટાળવા માટે ચેલ્સી પણ ઝાબોની જેમ અનેક યુક્તિનો ઉપયોગ કરે છે. તેઓ કપડાને સૂકવવા આખી રાત હવામાં લટકાવી રાખે છે અથવા બગલમાં વિનેગર કે વોડકા સ્પ્રે કરે છે.

ચેલ્સી કહે છે, "દિવસના અંતે મને મારા વૂલન ડ્રેસ, વૂલન લેગિંગ્સ, વૂલન સૉક્સ લટકાવી દેવાનું ગમે છે. હું તેમને બારી પાસે લટકાવી દઉં છું. સ્નાન કરું છું. મારી પાસે ઍક્સ ઑફિશિયો અન્ડરવેર છે. હું એ બધું રોજ સવારે પાછું પહેરી લઉં છું."

લીડ્ઝ યુનિવર્સિટીમાં સસ્ટેનેબલ ફેશનના વ્યાખ્યાતા માર્ક સુમનેર કહે છે, "કપડાના ટકાઉપણાની દૃષ્ટિએ સૌથી ખરાબ બાબત તેને ધોતાં રહેવાની છે."

ધોવાને કારણે વસ્ત્રો ફાટી શકે છે, સંકોચાઈ શકે છે અથવા તેમનો રંગ ઝાંખો થઈ જાય છે.

ઘરમાં વપરાતા માઈક્રોફાઈબર્સ આખરે દરિયાઈ જીવોને પેટમાં કેવી રીતે જાય છે તેનો અભ્યાસ માર્ક સુમનેર તેમના સાથી માર્ક ટેલરની સાથે કરી રહ્યા છે. કપડાને ધોવાનું પ્રમાણ ઘટાડવાથી પર્યાવરણની જાળવણીમાં મદદ મળે છે એવું જણાવતા માર્ક સુમનેર વૉશિંગ મશીનનો વપરાશ સંપૂર્ણપણે બંધ કરવાની હિમાયત કરતા નથી.

બીબીસી કલ્ચર સાથે વાત કરતાં તેઓ કહે છે, "કપડાં ધોવાથી પૃથ્વીને નુકસાન થાય છે એવું લોકો વિચારે તેવું અમે ઇચ્છતા નથી. મૂળ વાત સંતુલન જાળવી રાખવાની છે."

તેમના જણાવ્યા મુજબ,"તબીબી અને સ્વચ્છતાના કારણોસર કપડાં ધોવા જરૂરી છે. દાખલા તરીકે ખરજવાથી પીડાતા લોકો, વસ્ત્રોમાં આપણી કુદરતી ત્વચાના બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય ત્યારે થતી બળતરાને ટાળવાનો પ્રયાસ કરતા હોય છે."

"ગંદાં અને ગંધાતાં વસ્ત્રો પહેરીને શરમ અનુભવવાનું લોકોના આત્મસન્માન માટે પણ સારું નથી. વૉશિંગ મશીનનો ઉપયોગ કેટલી વખત કરવો જોઈએ એ નક્કી કરવા તમે અન્યોના અભિપ્રાયની રાહ જોતા હો તો ફરીથી વિચારો."

સુમનેર અને ટેલરના જણાવ્યા મુજબ, "કપડાં ધોવાની બાબતમાં આપણે બધા અલગ વૉશ ટેમ્પરેચર, અલગ વૉશ સાયકલ્સ અને કલર્સ તથા ફેબ્રિક્સના મિશ્રણનો ઉપયોગ કરીએ છીએ. તેમાં સમાનતા નથી. વિજ્ઞાનીઓ પોતે પણ આવી જ મૂંઝવણનો સામનો કરે છે."

સુનમેર કહે છે, "હું 30 વર્ષથી ટેક્સટાઈલ્સ સાથે સંકળાયેલો છું. કૉટન તથા સિન્થેટિક વસ્ત્રોને, ઉજળા રંગનાં કપડાં તથા ઘેરા રંગનાં કપડાંને અલગ-અલગ ધોવા જોઈએ એની મને ખબર હોવી જોઈએ, પણ સાચું કહું તો મારી પાસે સમય નથી."

શ્રેષ્ઠ અભિગમ લવચીક હોવો જોઈએ. સુનમેર સલાહ આપે છે, "તમારા કપડામાંથી દુર્ગંધ ન આવતી હોય તો તેને ધોવાની ઉતાવળ કરશો નહીં અને કપડાં ધોવાના હો ત્યારે તેની સફાઈ માટે શું કરવું તેનો તમને સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. કપડાંને વૉશિંગ પાઉડરના ઉપયોગ વિના કાયમ ઓછા તાપમાન પર ધોવા જોઈએ અથવા ટૂંકી રીફ્રેશ સાયકલનો ઉપયોગ કરવો જોઈએ."

કપડાંને વારંવાર ધોવામાં તમારો સમય બરબાદ થાય છે અને આજે સમય કોની પાસે છે?

હેરી કહે છે, "મને સાતત્ય જાળવી રાખવાની અને પર્યાવરણ તથા કુદરતી સંસાધનોના વ્યવસ્થાપનમાં ખરેખર રસ છે. તેની સાથે મને મારા સમયની ચિંતા પણ છે."

ઝાબો પણ સાતત્ય જાળવી રાખવા બાબતે ચિંતિત છે. સફાઈ બાબતે અત્યંત ઉત્સાહી વલણ ન રાખવાના કારણો તેમની પાસે છે. તેઓ કહે છે, "મારે તો કૂતરાને ચાલવા પણ લઇ જવાનો હોય છે."