You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં પ્રદૂષણ ઘટાડવાની એ સ્કીમ જેમાં ઉદ્યોગો કરે છે કમાણી, હવે અમદાવાદમાં થશે શરૂ
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- ચાર વર્ષ પહેલાં સુરતના 152 ઔદ્યોગિક એકમોની પસંદગી કરીને ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ શરૂ કરવામાં આવી હતી
- હવે આ સ્કીમને અમદાવાદના 202 ઔદ્યોગિક એકમોમાં લાગુ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે
- વિધાનસભામાં મંત્રીએ કહ્યું હતું કે ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ હવાના પ્રદૂષણને નિયંત્રણમાં માટેનો પાઇલટ પ્રોજેક્ટ સુરતના 155 ઉદ્યોગોમાં તારીખ 16 સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવ્યો હતો.
- આ યોજના થકી ઉદ્યોગોને ઓછા ખર્ચે હવા પ્રદૂષણ (પાર્ટિક્યુલર મેટર)ના નિયંત્રણમાં મદદ મળી છે
- શું છે યોજના અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણવા માટે વાંચો આ અહેવાલ...
2023નો ફેબ્રુઆરી મહિનો છેલ્લાં 122 વર્ષનો સૌથી વધુ ગરમ ફેબ્રુઆરી મહિનો રહ્યો છે જેના કારણે આ વખતનો ઉનાળો વધુ આકરો રહેશે તેવી આશંકા સેવાઈ રહી છે.
આ ગરમી વધવા પાછળ ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર માનવામાં આવે છે અને ગ્લોબલ વૉર્મિંગ માટે પ્રદૂષણને જવાબદાર માનવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા હવાના પ્રદૂષણને ઘટાડવા માટે અમલમાં મુકેલી ઍમિશન ટ્રેડિંગ સ્કીમ પણ હાલ ચર્ચામાં છે.
ગુજરાત સરકારના દાવા અનુસાર, દેશમાં પહેલીવાર હવાનું પ્રદૂષણને કાબૂમાં રાખવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચાર વર્ષ પહેલાં સુરતના 152 ઔદ્યોગિક એકમોની પસંદગી કરીને ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ લૉન્ચ કરવામાં આવી હતી.
આ સ્કીમ દુનિયના કેટલાક દેશોમાં પણ લાગુ કરવામાં આવી છે. જેમકે યુરોપિયન યુનિયનના કેટલાક દેશોમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે અને અર્થ ઓઆરજી પ્રમાણે ઈયુ અનુસાર, 2005થી ડિસેમ્બર 2022 સુધીમાં જ જીએસજી ઉત્સર્જન 43 ટકા જેટલું ઘટાડવામાં સફળતા મળી છે.
સુરતમાં પાઇલટ પ્રોજેક્ટમાં પ્રદૂષણ કેટલું ઘટ્યું?
ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર આ પાઇલટ પ્રોજેક્ટમાં 155 ઔદ્યોગિક એકમો દ્વારા થતા હવાના પ્રદૂષણમાં અંદાજે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે જેથી હવે આ સ્કીમને અમદાવાદના 202 ઔદ્યોગિક એકમોમાં લાગૂ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ માહિતી હાલમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે પૂછેલા એક સવાલના જવાબમાં વન અને પર્યાવરણમંત્રી મુકેશ પટેલે આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધારાસભ્યનો સવાલ હતો, "તારીખ 31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ, રાજ્યમાં ઍમિશન ટ્રૅડિંગ યોજના લાગૂ છે કે કેમ? જો, હા તો આ યોજનાની વિગત શી છે? યોજના રાજ્યના કયા જિલ્લામાં અમલમાં છે? ઉક્ત સ્થિતિએ આ યોજનાથી ઉદ્યોગોને શા લાભ થયેલા છે?"
આ સવાલના જવાબમાં મંત્રીએ લેખિત જવાબ આપ્યો હતો કે, " ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ હવાના પ્રદૂષણને નિયંત્રણમાં માટેનો પાઇલટ પ્રોજેક્ટ છે અને તે હાલમાં રાજ્યમાં માત્ર સુરતમાં અમલમાં છે. આ યોજના સુરતના 155 ઉદ્યોગોમાં તારીખ 16 સપ્ટેમ્બર 2019થી શરૂ કરવામાં આવી હતી."
સુરતમાં મળેલા પરિણામો વિશે મંત્રીએ કહ્યું હતું, "યોજનાના પ્રાયોગિક અભ્યાસના તારણ મુજબ, આ યોજનાનું અમલીકરણ કરી રહેલા ઉદ્યોગોમાં અન્ય પાર્ટીક્યુલર મેટરનાં પ્રમાણમાં આશરે 20 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. વધુમાં યોજના થકી કન્ટિન્યૂઅસ ઍમિશન મૉનિટરિંગ સિસ્ટમ (સીઈએમએસ)ના કારણે ઉદ્યોગોમાં સ્વ-નિયમન સુદૃઢ થયું છે. સુરતમાં ઈટીએસ પાઇલટ પ્રોજેક્ટના સફળ પરિણામોને ધ્યાને લઈ અમદાવાદમાં આશરે 202 ઉદ્યોગોમાં આ પાઇલટ પ્રોજેક્ટનું અમલીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના થકી ઉદ્યોગોને ઓછા ખર્ચે હવા પ્રદૂષણ (પાર્ટીક્યુલર મેટર)ના નિયંત્રણમાં મદદ મળી છે."
ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ દેશમાં પ્રથમ સુરતમાં
મંત્રીએ દાવો કર્યો હતો કે રાજ્યમાં 'ઍમિશન ટ્રૅડિંગ સ્કીમ' (ઈટીએસ) અમલમાં મૂકીને પાર્ટિક્યુલેટ મેટરના નિયંત્રણ માટે માર્કેટ આધારિત નિયમનની પહેલ કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે.
મંત્રીએ પ્રોજેક્ટ વિશે આપેલી વિગતો અનુસાર, વર્ષ 2013 તથા 2019 દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને શિકાગો યુનિવર્સિટી, યેલ યુનિવર્સિટીના સંશોધનકારો તથા J-PALની ટીમની સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા.
આ કરારના આધારે વિવિધ યુનિવર્સિટીના સહયોગથી હાલમાં સુરત ખાતે પાઇલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ પ્રોજેક્ટથી 'પૉલ્યુટર પે પ્રિન્સિપલ'ના આધારે પાર્ટિક્યુલેટ મૅટરનું નિયત માત્રાથી વધુ ઉત્સર્જન કરનારા ઔદ્યોગિક એકમોએ ઓછું ઉત્સર્જન કરતા ઔદ્યોગિક એકમો પાસેથી પરમિટની ખરીદી કરવી પડે છે.
આમ, ઓછું પ્રદૂષણ કરતાં એકમો પરમિટ વેચાણ કરીને આવક ઊભી કરી શકે છે તો બીજી તરફ વધુ પ્રદૂષણ કરતાં એકમોને પરમિટ ખરીદવા માટે ખર્ચ કરવો પડે છે તેવા સંજોગોમાં વધુ પ્રદૂષણ કરતા એકમો ઓછું પ્રદૂષણ કરવા તરફ જાય છે જ્યારે ઓછું પ્રદૂષણ કરતાં એકમો પરમિટનું વેચાણ કરીને આવક ઊભી કરે છે જેથી તેઓ પણ પ્રોત્સાહિત થાય છે.
આમ, બંને તરફ હવા પ્રદૂષણ ઓછું કરવા માટે પ્રોત્સાહન મળે છે જ્યારે નાગરિકોને હવા પ્રદૂષણ ઓછું થતાં આરોગ્યનો ફાયદો થાય છે, શુદ્ધ હવા મળે છે.
ઍમિશન ટ્રૅડિંગ સ્કીમનમાં વર્ષ 2019માં પ્રથમ તબક્કામાં સુરતના 155 ઉદ્યોગો અને બાદમાં વર્ષ 2022ના અંતમાં બીજા તબક્કામાં વધુ 145 ઉદ્યોગોનો સમાવેશ કરાયો હતો.
સુરતમાં પહેલો પ્રોજેક્ટના સફળ પરિણામો બાદ અમદાવાદમાં બે તબક્કામાં આશરે 202 ઉદ્યોગોમાં યોજના અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે.
અમદાવાદમાં પ્રથમ તબક્કામાં વટવા, નારોલ અને સાણંદ જીઆઈડીસીના 120 ઉદ્યોગોનો સમાવેશ કરાયો છે, જે પૈકી 112 ઉદ્યોગોમાં કન્ટિન્યુસ ઍડમિશન મૉનિટરિંગ સિસ્ટમ(સીઈએમએસ) લગાડી દેવામાં આવી છે. તેની કેલિબ્રેશનની કામગીરી પ્રગતિમાં છે. બીજા તબક્કામાં અમદાવાદના દાણીલીમડા અને બહેરામપુરા ઔદ્યોગિક વસાહતો અને અમદાવાદ શહેરમાં આવેલા અન્ય 83 ઉદ્યોગોનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત ભવિષ્યમાં આ યોજના રાજકોટ, વડોદરા જેવી રાજ્યની અન્ય મોટી ઔદ્યોગિક વસાહતોમાં લાગૂ થશે.
ઍમિશન ટ્રેડિંગ યોજના શું છે
આ સ્કીમમાં કન્ટિન્યુઅસ ઍમિશન મૉનિટરિંગ સિસ્ટમ (સીઈએમએસ) દ્વારા પાર્ટિક્યુલેટ મૅટર ઉત્સર્જનના દર મિનિટે મળતા ચોક્કસ અને સચોટ રીડિંગ્સના કારણે પ્રદૂષણ કરતાં એકમોનું સતત મૉનિટરિંગ કરી શકાય છે.
પાર્ટિક્યુલેટ મૅટરનું ઓછું ઉત્સર્જન કરનાર એકમો પરમિટ વેચીને નાણાકીય ફાયદો પણ મેળવી શકે છે.
ઍમિશન ટ્રેડિંગ સ્કીમ માટે અમદાવાદ અને આસપાસમાં આવેલા આશરે 202 ઔદ્યોગિક એકમોની પસંદગી કરી દેવાઈ છે. હાલમાં ઔદ્યોગિક એકમોની ચીમનીઓ પર કન્ટિન્યુઅસ ઍમિશન મૉનિટરિંગ સિસ્ટમ (સીઈએમએસ) પ્રસ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે.
જીપીસીબીના ડેપ્યુટી એન્જિનિયર તેજસ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "ઍમિશન ટ્રેડિંગ સ્કીમનું સુરતમાં પૉઝિટિવ રિઝલ્ટ મળ્યા બાદ આગામી મે અથવા જૂન મહિનાથી અમદાવાદમાં શરૂ કરવામાં આવશે. આ ઍમિશન ટ્રેડીંગ સ્કીમ અમદાવાદમાં બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. પહેલા તબક્કામાં ઓઢવ, નરોડા, નારોલ, વટવા તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ વગેરે સ્થળો પર શરૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં અમદાવાદ શહેરમાં દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર વગેરે ઔદ્યોગિક વિસ્તારોમાં શરૂ કરાશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " પ્રથમ તબક્કામાં જે ઔદ્યોગિક વિસ્તારોમાં શરૂ કરવાનું છે, તે વિસ્તારોમાં ચીમની પર ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી દેવામાં આવ્યાં છે. હાલ તે ઇન્સ્ટ્રુમેન્ટનું કૅલિબ્રેશનનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ મે મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ સ્કીમ અમલી કરવામાં આવશે."
અમદાવાદ ખાતે ઍમિશન ટ્રેડિંગ સ્કીમના અમલીકરણથી આ સ્કીમ માટે પસંદ કરવામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા હવા પ્રદૂષણ ઓછું થશે અને સરવાળે અમદાવાદ શહેરની વ્યાપક હવાની ગુણવત્તા સુધરશે તેવી આશા છે.
આ યોજના કયા દેશોમાં અમલમાં છે?
અર્થ ઓરજી અનુસાર, યુરોપિયન દેશોમાં ઈટીએસ 2005માં શરૂ કરવામાં આવી હતી. તે વિશ્વનું બીજું સૌથી મોટું કાર્બન બજાર છે. આ યોજના આયર્લૅન્ડ, લિસ્ટનસ્ટેઇન અને નૉર્વે સહિત તમામ ઈયુ દેશોમાં કાર્યરત છે અને પાવર સેક્ટર, કમ્બશન પ્લાન્ટ્સ, ઑઇલ રિફાઇનરીઓ અને ઍરલાઇન્સમાં વિવિધ 10,000 એકમોમાં લગાવવામાં આવ્યું છે.
2030 સુધીમાં જીએચજી(તેમાં કાર્બન ડાયૉક્સાઈડ, નાઇટ્રસ ઑક્સાઈડ અને પર્ફ્લોરોકાર્બન્સનો સમાવેશ થાય છે) ઉત્સર્જનમાં 55% ઘટાડાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જોકે ઈયુ અનુસાર, 2005થી ડિસેમ્બર 2022 સુધીમાં જ જીએસજી ઉત્સર્જન 43% જેટલું ઘટાડવામાં સફળતા મળી છે.
પૂર્વ એશિયામાં સૌપ્રથમ 2008 દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રવ્યાપી ફરજિયાત ઈટીએસ લૉન્ચ કરવામાં આવ્યું હતું, અને તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર્બન બજાર છે.
દક્ષિણ કોરિયામાં 2017થી 2030 સુધીમાં ઉત્સર્જનને 24.4 ટકા ઘટાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.
જોકે દક્ષિણ કોરિયામાં ગણિત ઊંધુ પડ્યું છે. ઉપલબ્ધ તાજેતરના ડેટા અનુસાર, વર્ષ 2015થી 2018 સુધીમાં જીએચજી ઉત્સર્જન ઘટવાને બદલે તેમાં 4 ટકા ટકાનો વધારો થયો છે.
ન્યૂઝીલૅન્ડમાં ઈટીએસને તમામ ક્ષેત્રો સાથે જોડવામાં આવ્યું છે, જે ઉદ્યોગો ઉપરાંત વનસંવર્ધન, કચરો, કૃત્રિમ વાયુઓ, સ્થિર ઊર્જા અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ સહિતના ક્ષેત્રોમાં ઉત્સર્જનને મર્યાદિત કરે છે.
ન્યૂઝીલૅન્ડમાં 2050 સુધીમાં ઝીરો ઉત્સર્જનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જોકે ન્યૂઝીલૅન્ડ સરકારના આંકડા અનુસાર, 2008થી 2020 સુધીમાં ઉત્સર્જન ઘટવાને બદલે તેમાં 17 ટકા જેટલો ભારે વધારો થયો છે. આમ અહીં પણ ઈટીએસ નિષ્ફળ જતી જોવામાં આવી રહી છે.
ચીનમાં ઈટીએસ ત્રણ વર્ષની તૈયારી પછી 2021માં લાગુ કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની સૌથી મોટી ઇટીએસ બની હતી. આ યોજનામાં હીટિંગ અને પાવર સેક્ટરની 2,200 કરતાં વધુ કંપનીઓને આવરી લેવામાં આવી છે.
આમ જળવાયુ પરિવર્તન સામે ઈટીએસ અસરકારક નિવડશે કે નહીં તેને લઈને અસંમંજસભરી સ્થિતિ પ્રવર્તે છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો