You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘દેવું ચૂકતે ન થાય ત્યાં સુધી દેહવેપાર કરવો પડશે’, સેક્સ વર્કર મહિલાની મજબૂરી
- લેેખક, તુલસીપ્રસાદ રેડ્ડી નાંગા
- પદ, બીબીસી તેલુગુ માટે
સલમા તિરુપતિ પોસ્ટ ઑફિસ પાસે આવેલી ગલીમાં એક મકાનમાં રહે છે. સલમા સેક્સ વર્કર છે. તમામ સેક્સ વર્કરોની માફક સલમાનું જીવન પણ મુશ્કેલીભર્યું છે.
સલમા(નામ બદલ્યું છે)એ જણાવ્યું હતું કે તેના પતિના મૃત્યુ પછી ચાર સંતાનોનું ભરણપોષણ કરવાનું હતું અને લાખો રૂપિયાનું દેવું હતું એટલે તેમનાં સગાં બહેન તેમને આ ધંધામાં લાવ્યાં હતાં.
સલમાએ કહ્યું હતું કે, “મારાં માતાપિતાએ લગ્ન માટે બહુ મહેનત કરી હતી. બાળકોના જન્મ પછી ટકી રહેવું મુશ્કેલ બન્યું ત્યારે મારી સગી બહેન મને આ ધંધામાં લાવી હતી. જે લોકો મને આ ધંધામાં લાવ્યા તેઓ ખાધેપીધે સુખી હતા, પણ બહાર કામ કરીને ટકી રહેવું મારા માટે મુશ્કેલ હતું એટલે હું ફરીથી આ ધંધામાં આવી હતી. મારે ચાર બાળકો છે. ત્રણ દીકરી અને એક દીકરો. પતિનું મૃત્યુ થયું છે. ચાર બાળકોનો ઉછેર કરવાનો છે. મારાં કાકાકાકીનું પણ અવસાન થયું છે.”
સલમાના જણાવ્યા મુજબ, તેમના પતિએ કામ કરવા ત્રણ મહિના સુધી અન્ય ગામોમાં જતા હતા. બાળકો બીમાર પડ્યાં હોય તો પણ હૉસ્પિટલે લઈ જઈ શકાતાં ન હતાં. તેથી કરજ લેવું પડ્યું હતું.
સલમાએ કહ્યું હતું કે, “મારાં લગ્ન હું 12 વર્ષની હતી ત્યારે થઈ ગયાં હતાં. મેં 13મા વર્ષે પહેલી દીકરીને અને 14મા વર્ષે બીજી દીકરીને જન્મ આપ્યો હતો. હું 18 વર્ષની થઈ ત્યારે ત્રીજા સંતાન, પુત્રને જન્મ આપ્યો હતો અને 25મા વર્ષે ચોથા સંતાન, દીકરીને જન્મ આપ્યો હતો. મારા પતિ આંટાફેરા કરતા રહેતા હતા. ઘરખર્ચ માટે અઠવાડિયે રૂ. 300 આપતા હતા. તેને કારણે મારા પર દેવું થઈ ગયું હતું. હું કોઈને જવાબ આપી શકતી ન હતી. લેણદારો દબાણ કરવા લાગ્યા ત્યારે મેં મારી બહેનને વાત કરી હતી. તેમણે મને તત્કાળ આ ધંધો કરવા જણાવ્યું હતું.”
‘મુશ્કેલીમાં હોય તેવી સ્ત્રીઓ આ ધંધામાં આવે છે’
મુશ્કેલીમાં હોય તેવી સ્ત્રીઓ આ ધંધામાં કેવી રીતે આવે છે તેની વાત સલમાએ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે છેતરપિંડી થયા પછી અનેક સ્ત્રીઓ છટકામાં સપડાઈ જાય છે અને પોતાની સાથે શું થયું છે તે કોઈને કહી શકતી નથી.
સલમાએ કહ્યુ હતું કે, “તેઓ રેલવે સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે સ્ત્રીઓને છટકામાં સપડાવે છે. કોઈ દુખિયારી સ્ત્રી ત્યાં બેઠેલી દેખાય તો જાણે કે તેને દિલાસો આપતા હોય તેમ તેઓ તેની વાત સાંભળે છે. તેઓ તેને કહે છે કે અમે બેઠા છીએ. તેમની બહુમતી છે. આ રીતે તેમના છટકામાં સપડાયેલી સ્ત્રીઓ બહાર આવીને તેમની સાથે શું થયું હતું એ વાત તેમનાં માતાપિતાને જણાવી શકતી નથી. અહીં ફસાઈ જાય છે. ઘરે પાછી ફરી શકતી નથી કે બહાર કોઈ કામ પણ કરી શકતી નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘કેટલાક પોલીસ સહકાર આપે છે’
કોઈ સ્ત્રી એક વખત દેહવેપારમાં સપડાઈ જાય પછી તેમાંથી છટકવું તેના માટે મુશ્કેલ હોય છે. સલમા હાલ તિરુપતિમાં રહે છે અને દેહવેપાર કરે છે. સલમાએ દિલ્હી તથા મુંબઈના રેડ લાઇટ એરિયામાં પણ સેક્સ વર્કર તરીકે કામ કર્યું છે.
સલમાએ કહ્યું હતું કે, “દિલ્હીમાં કેટલાક પોલીસ રેડ લાઇટ એરિયામાં વેશ્યાલયોના માલિકોને મદદ કરે છે. આંધ્ર પ્રદેશ પોલીસ દરોડો પાડવા આવે ત્યારે તેઓ માલિકોને જાણ કરી દે છે અને છોકરીઓને છુપાવી દેવાની સૂચના આપે છે. તેમના માટે અહીં ધંધો કરતી કોઈ છોકરી ગુમાવવાનો અર્થ કરોડો રૂપિયાની ખોટ એવો થાય છે. છોકરીઓને રાતે કામ કરવા મોકલવામાં આવે તો પણ છટકી શકતી નથી. છોકરી ભરોસાપાત્ર હોય તો જ તેને રાત્રે ધંધા માટે બહાર મોકલવામાં આવે છે. છોકરીને બહાર મોકલવામાં આવે ત્યારે પણ માલિકના માણસો તેની આસપાસ જ હોય છે. તેઓ છોકરી પર નજર રાખે છે.”
વેશ્યાલયમાં આવતા લોકોની વાત કરતાં સલમાએ કહ્યું હતું કે, “દિલ્હીમાં મોટા ભાગનાં વેશ્યાલયો જીબી રોડ પર આવેલાં છે. તેમાં દિવસ દરમિયાન 20થી 30 ગ્રાહકોને સંતોષવા પડે છે, પણ કોઈ પૈસા ન ચૂકવે તો છોકરીઓની વાત માલિક સાંભળતો નથી. છોકરીને નર્કનો અનુભવ કરાવે છે. તેના હાથ પર બ્લેડના છરકા કરવામાં આવે છે. છોકરી પડી ન જાય ત્યાં સુધી તેને માર મારવામાં આવે છે. ગુપ્તાંગો પર કાપા મૂકવામાં આવે છે. ઢોર મારને કારણે છોકરીઓના શરીર પર સોળ ઊઠી આવે છે. તેઓ છોકરીના વાળ પકડી, સીડીના પગથિયાં પર ઢસડીને નીચે લઈ જાય છે. તેમણે મને પણ એક વખત માર માર્યો હતો. તેને લીધે મારી આંખ નજીક ગંભીર ઈજા થઈ હતી.”
સલમાના કહેવા મુજબ, શિક્ષિત છોકરીઓ પણ આ ધંધામાં પ્રવેશી રહી છે તે પીડાદાયક વાત છે. દિલ્હી અને મુંબઈમાં આવી અનેક છોકરીઓને તેમણે જોઈ હતી.
સલમાએ કહ્યું હતું કે, “સ્ત્રી-પુરુષ વચ્ચે ઝઘડો થાય છે. તેની સાસુ ઠપકો આપે ત્યારે સ્ત્રી ઘરની બહાર નીકળી જાય છે. એવી અનેક સ્ત્રીઓ દિલ્હીના જીબી રોડ પર જોવા મળે છે.”
‘મારા ધંધા વિશે મારાં સંતાનોને ખબર નથી’
સલમાના જણાવ્યા મુજબ, ભૂતકાળમાં રોજના હજાર રૂપિયા મળે તો પણ ગુજરાન ચાલતું હતું, પરંતુ હવે આજે એક દિવસ કામ કર્યા પછી બીજા દિવસે કામ મળશે જ તે નક્કી હોતું નથી. આ ધંધામાં સ્પર્ધા બહુ વધી ગઈ છે.
સલમાએ કહ્યું હતું કે, “આ ધંધામાં જોરદાર સ્પર્ધા છે. ગુજરાન ચલાવવા માટે બીજું પણ કશુંક કરવું પડે છે. આજે પરિસ્થિતિ સારી નથી. કરજ ચૂકવવાનું છે અને ચાર સંતાનોને પણ સારી રીતે ઉછેરવાનાં છે.”
સલમાએ ઉમેર્યું હતું કે, “આજે હું મહિને રૂ. 30,000 કમાઈ લઉં છું. હું બહાર કામ કરવા જાઉં તો મહિને રૂ. દસ હજાર પણ ન મળે. ઘર ચલાવવા અને કરજ ફેડવા માટે એટલા પૈસા પૂરતા નથી.”
સલમાને વિધવા પેન્શન પેટે દર મહિને રૂ. 2,750 મળે છે. માતા શું કામ કરે છે તે સલમાનાં સંતાનો જાણતાં નથી. સલમા હાલ તેમના નાના ભાઈ સાથે તિરુપતિમાં રહે છે.
સલમાએ કહ્યું હતું કે “હું આ કામ કરું છું તે મારાં સંતાનો જાણતાં નથી. નાની દીકરી મારી સાથે રહે છે. તેને કશી ખબર નથી. મેં મારી અન્ય બે દીકરીને દસમા ધોરણ સુધી ભણાવી છે અને તેમને પરણાવી દીધી છે. મારો દીકરો મારાં માતા સાથે રહે છે. મારાં માતા બધું જ સંભાળે છે. હું કરજ ચૂકવી દઈશ પછી ભવિષ્યમાં બધું સારું થઈ જશે.”