You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ મહિલાઓ જે વધુ પડતાં મોટાં સ્તન હોવાને કારણે શરમ અનુભવે છે
- લેેખક, મેગન લૉટન અને પ્રિયા રે
- પદ, બીબીસી
મોટાં સ્તન હોવાનો શું અર્થ છે?
બીબીસીએ જ્યારે આ પ્રશ્ન મોટાં સ્તન ધરાવતી મહિલાઓને પૂછ્યો તો તેમણે જવાબ આપ્યો. "શરમ અને દુખ"
જૅકી એડેડજી આ મહિલાઓમાંનાં એક છે. તેમણે કહ્યું કે મોટાભાગે મોટાં સ્તનને 'મજેદાર' માનવામાં આવે છે.
તેમનાં કહેવા પ્રમાણે, તેઓ અવારનવાર પોતાનાં સ્તનના આકારને લીધે છૂપાવા માગતાં હતાં.
તેઓ કહે છે, "11 વર્ષની ઉંમરથી જ હું હાઇપરસેક્સ્યુઅલાઇઝ્ડ હતી. મને યાદ છે કે હું સ્કૂલે જતી હતી ત્યારે મોટા વિદ્યાર્થીઓને પોતાના હોઠ ચાટતા જોતી હતી."
તેમણે આગળ કહ્યું, "હું એવી બેઠકોમાં પણ હાજર રહી છું જ્યાં તમારા સહકર્મીઓ તમને જુએ છે અને એવો અનુભવ કરાવે છે કે તમે ત્યાં એક સેક્સ-ઑબ્જેક્ટ છો."
'માય બિગ બૂબ્સ: અનટોલ્ડ' નામક ડૉક્યુમેન્ટરીમાં આ મુદ્દા પર વાત કરતા જૅકી કહે છે કે તેમણે ઉંમરની સાથેસાથે પોતાના શરીરને સ્વીકારવાનું શીખી લીધું છે.
તેનાથી વિપરીત ઘણી મહિલાઓ પોતાનાં સ્તનની સાઇઝ ઘટાડવાનું પસંદ કરે છે. આ એક સામાન્ય વાત બની ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્રિટિશ ઍસોસિયેશન ઑફ ઍસ્થેટિક પ્લાસ્ટિક સર્જન (બીએએપીએસ)એ જણાવ્યું કે યુકેમાં 'બ્રેસ્ટ રિડક્શન' બીજી સૌથી લોકપ્રિય કૉસ્મેટિક પ્રક્રિયા છે. હવે ભારતમાં પણ આ પ્રકારની સર્જરી થતી હોય છે.
ગયા વર્ષે યુકેમાં 5,270 સર્જરી કરવામાં આવી હતી. જે તેનાથી પહેલાંના વર્ષની તુલનાએ 120 ટકા વધુ છે.
જૅકીએ કહ્યું કે લોકો સમજતા નથી કે મોટાં સ્તન 'માનસિક રીતે કેવી રીતે થકવી' નાખે છે.
જૅકી એક એવા ધાર્મિક પરિવારમાંથી આવે છે, જ્યાં નમ્રતાને પ્રોત્સાહન આપવામાં આવે છે. વધુમાં તેમના પર સાંસ્કૃતિક દબાણ પણ હતું.
આ વિશે તેઓ કહે છે, "એ શરમજનક છે કારણ કે જો તમારાં સ્તન મોટાં હોય તો લોકો તેને લઈને અવારનવાર ટિપ્પણીઓ કરતાં હોય છે. જાણે કે તે જાહેર સંપત્તિ હોય."
શ્રેષ્ઠ નિર્ણય
ઍમ્બર પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયાં અને તેમણે 2022ની શરૂઆતમાં જ સર્જરી કરાવવાનું નક્કી કર્યું હતું.
તેમનાં સ્તનના આકારને લીધે વર્ષો સુધી પીડા સહન કર્યા બાદ 26 વર્ષીય ઍમ્બરે ઑપરેશન માટે અપેક્ષા કરતાં વધુ રાહ જોવી પડી હતી.
તેઓ કહે છે, "સ્કૂલમાં અભ્યાસ પૂર્ણ થયા બાદથી હું આ સહન કરી રહી હતી, પરંતુ મારી પુત્રીને પ્રથમ વખત સ્તનપાન કરાવ્યા બાદ આ પીડા એ હદ સુધી પહોંચી ગઈ જ્યાં હું માંડ ચાલી શકતી હતી."
બ્રિટિશ જાહેર આરોગ્ય પ્રણાલીએ ઍમ્બરની અરજીઓ વારંવાર ફગાવી દીધી. બ્રિટનમાં જાહેર આરોગ્ય માટે એનએચએસની વ્યવસ્થા છે.
ત્યાર પછી ઍમ્બર અને તેમના પતિએ લોન લેવાનું નક્કી કર્યું. આ અંગે તેમણે કહ્યું, "જોકે, નાણાકીય બોજ એક વાસ્તવિક દુખ હતું પણ ઑપરેશન એ મારો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે."
28 વર્ષીય રશેલ એક દાયકા પહેલાં સરકારી હૉસ્પિટલમાં સર્જરી કરાવવામાં સફળ રહ્યાં હતાં.
તેમને પીઠના દુખાવો અને તેમનાં સ્તનના કારણે મજાકને પાત્ર બનતા હોવાનો અનુભવ થતો હતો અને અંતે તેમણે સર્જરી કરાવવાનું નક્કી કર્યું.
યોગ્ય 'બૉડી માસ ઇન્ડેક્સ' હોવાં છતાં રશેલને વજન ઘટાડવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેમને અસહ્ય પીઠનો દુખાવો થવા લાગ્યો ત્યારે તેમને ગંભીરતા સમજાઈ.
આવી પરિસ્થિતિમાં તેમને ઑપરેશન માટે રાહ જોવી પડી.
તેઓ કહે છે, "મને વેઇટિંગ લિસ્ટમાં રાખવામાં આવી હતી. પ્રથમ છ મહિના સુધી મેં પેઇનકિલર્સ અને ફિઝિયોથૅરાપીનો પ્રયાસ કર્યો. ત્યાર પછી પણ બે વર્ષ સુધી મારે ઑપરેશન માટે રાહ જોવી પડી."
રશેલ ખુદને નસીબદાર માને છે અને કહે છે કે ઑપરેશન પછી તેમના જીવનમાં ઘણો સુધાર આવ્યો છે.
તેઓ જણાવે છે, "ઑપરેશન પહેલાં હું જ્યારે પણ દોડવાનો પ્રયાસ કરતી તો અસહ્ય દુખાવો થતો. હવે એ થતો નથી. આ સિવાય મારા શરીર પર પહેલાંથી વધુ વિશ્વાસ થયો છે."
શા માટે વધુ મહિલાઓ સ્તનની સાઇઝ ઘડાડી રહી છે?
બીએએપીએસના વાઇસ પ્રેસિડન્ટ નોરા ન્યુજેન્ટે સમજાવ્યું કે બ્રેસ્ટ રિડક્શન સર્જરી એ કાર્યાત્મક અને કૉસ્મેટિક બંને લાભો સાથે અસરકારક પ્રક્રિયા છે.
તેઓ કહે છે, "તે શારીરિક આરામ, શરીરની છબિ અને વ્યવહારિકતાના સંદર્ભમાં મદદ કરે છે. આ ઉપરાંત કપડાં પહેરવાં જેવી બાબતોમાં પણ મદદ કરે છે."
પ્લાસ્ટિક સર્જને એમ પણ કહ્યું કે ઑપરેશનની પ્રક્રિયા ધીમેધીમે ઓછી વર્જિત થઈ રહી છે.
તેમણે જણાવ્યું, "લાંબા સમય સુધી ઑપરેશન્સ એક રહસ્ય સાથે જોડાયેલી બાબત રહી. જોકે, બ્રેસ્ટ રિડક્શન એ કૉસ્મેટિક નથી. એ માત્ર એ કૅટેગરીમાં આવે છે. એટલે લોકો મુક્તપણે એ વિશે વાત કરતા નથી. હાલ આ દૃષ્ટિકોણ બદલાયો છે."
જેમજેમ વધુથી વધુ મહિલાઓ આ વિકલ્પ તરફ આગળ વધે છે, જૅકીને લાગે છે કે તેમની ડૉક્યુમેન્ટરી લોકોને વધારે સહાનુભૂતિ આપશે.
અંતે તેઓ કહે છે, "હું મોટાં સ્તન ધરાવતી મહિલાઓ માટે વધારે સહાનુભૂતિ ધરાવું છું કારણ કે હું ઈચ્છું છું કે લોકો એ વિચારે કે જો તેઓ ક્યારેય પણ મોટાં સ્તન ધરાવતી કોઈ મહિલાને રસ્તો ઓળંગતા જુએ તો તેમની મજાક ન કરે અથવા તાકી ન રહે."