પ્રિમૅચ્યૉર મેનોપૉઝ : 40ની ઉંમર પહેલાં માસિક બંધ થઈ જાય તો?

    • લેેખક, ડૉ. શિલ્પા ચિટણીસ-જોશી
    • પદ, સ્ત્રીરોગ નિષ્ણાત અને વ્યંધત્વ નિષ્ણાત, બીબીસી મરાઠી માટે

“ડૉક્ટર, આજકાલ મને દરેક બાબતમાં ખૂબ થાક લાગે છે. ચીડિયાપણું અનુભવાય છે. મને કંઈ કરવાનું મન જ થતું નથી.”

“ડૉક્ટર, આખું શરીર સતત દુઃખે છે. મોઢામાં સ્વાદ નથી આવતો. રાત્રે ઊંઘ નથી આવતી.”

“ડૉક્ટર, છેલ્લા કેટલાક મહિનાઓથી કમરના દુખાવાથી હું ત્રસ્ત છું. બધા જ સાંધામાં પીડા થાય છે. નબળાઈ જેવું લાગે છે.”

“છેલ્લા છ મહિનાથી દર 15 દિવસે માસિક આવે છે અને પુષ્કળ રક્તસ્રાવ થાય છે.”

“ડૉક્ટર, મારું વજન બહુ વધી ગયું છે. ગમે તેટલી કસરત કે ડાયેટ કરું તો પણ કોઈ ફરક પડતો નથી. મારાં સ્તનમાં પણ પીડા થાય છે.”

આ બધા દર્દીઓમાં એક વાત સામાન્ય છે. આ બધું મેનોપૉઝ (રજોનિવૃત્તિ)ને કારણે થઈ રહ્યું હોવાની દર્દીઓને તથા તેમનાં સગાંઓને ખાતરી હોય છે.

આપણા સમાજમાં 40થી વધુ વર્ષની મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા માટે મેનોપૉઝને જવાબદાર ગણવાની માન્યતા પ્રવર્તી રહી હોય તેવું જોવા મળે છે. આવી માન્યતા ખોટી અને ઘાતક સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં સ્ત્રી માટે મેનોપૉઝની વય સામાન્ય રીતે 48-49 વર્ષની હોય છે. કેટલીક વાર માસિક 50-51 વર્ષ સુધી ચાલુ રહેતું હોય છે. 50 વર્ષ પછી પણ માસિક નિયમિત આવતું હોય તો સ્ત્રીરોગ નિષ્ણાત પાસે તપાસ કરાવવી જોઈએ.

મેનોપૉઝમાં સ્ત્રીની પ્રજનનપ્રણાલીનું કામકાજ ધીમે ધીમે બંધ પડતું જાય છે અને આખરે માસિક આવતું તદ્દન બંધ થઈ જાય છે. આ પરિવર્તન બહુ ધીમી અને સ્થિત ગતિએ થાય છે. તેથી શરીર પર તેની તીવ્ર અસર દેખાતી નથી.

નૉર્મલ મેનોપૉઝમાં માસિક આવવાનો સમયગાળો લાંબો થતો જાય છે અને રક્તસ્ત્રાવમાં પણ તબક્કાવાર ઘટાડો થાય છે. મેનોપૉઝમાં આ પૅટર્નને નૉર્મલ ગણવામાં આવે છે.

એક મહિલાને દર 15 દિવસે પીરિયડ્ઝ આવે છે અને ખૂબ જ રક્તસ્રાવ થાય છે. તેનું કારણ મેનોપૉઝ છે, એવું તેની સખીઓ ઉર્ફે જાતે બની બેઠેલી ડૉક્ટરો એ સ્ત્રીના મનમાં ઠસાવી દે છે. એ સ્ત્રીને જણાવવામાં આવે છે કે આવું તો થાય જ. પછી એ સ્ત્રી પણ પીડા સહન કરતી રહે છે.

હવે એક બહુ જ મહત્ત્વની વાત.

સ્ત્રી સામાન્ય રીતે 48-49 વર્ષની થાય ત્યારે તેને મેનોપૉઝ આવે છે. જીવનના આ તબક્કામાં અનેક રોગ પણ તેના શરીરમાં પ્રવેશે છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા થાઇરૉઇડ જેવી તકલીફો 40 વર્ષ પછી શરૂ થાય છે.

એ માટે નિયમિત તબીબી તપાસ કરાવવી જરૂરી છે. મોટા ભાગની સ્ત્રીઓ આવી તપાસ બિલકુલ કરાવતી નથી અને સ્વાસ્થ્ય સંબંધી તમામ પ્રકારની તકલીફોને મેનોપૉઝનું નામ આપીને મોકળી થઈ જાય છે.

આ મેનોપૉઝનાં લક્ષણ છે?

માસિકના ત્રાસની સમસ્યા, વજનમાં સતત વધારો, શરીર પર સોજો, ત્વચા શુષ્ક થવી, વાળ ખરવા આ બધું થાઇરૉઇડની તકલીફમાં જોવા મળે છે.

યોનિમાર્ગમાં સતત ખંજવાળ આવવી, મૂત્રમાર્ગમાં ચેપ લાગવો, નબળાઈ, ખાસ કરીને પગમાં બળતરા થવી, વજન વધવું એ ડાયાબિટીસનાં લક્ષણ પણ હોઈ શકે છે.

છાતીના ધબકારા વધી જવા, બહુ પરસેવો થવો, માથાનો દુખાવો, કળતર અને મૂડ સ્વિંગ એ હાઈ બ્લડપ્રેશર તથા ક્યારેક હૃદયરોગનો સંકેત હોઈ શકે છે.

સંધિવાની શરૂઆત પણ સામાન્ય રીતે 40 વર્ષ પછી થતી હોય છે. તેથી આ બધું મેનોપૉઝને કારણે થઈ રહ્યું છે એવું નિદાન જાતે કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવાનું વધારે સારું ગણાય.

પીરિયડ્ઝ વહેલા બંધ થવાનું કારણ શું છે?

40 વર્ષ પહેલાં માસિક આવતું બંધ થઈ જાય તો તેને પ્રિમૅચ્યૉર મેનોપૉઝ કહેવામાં આવે છે. 40થી 45 વર્ષની ઉંમરે માસિક આવતું બંધ થાય તેને 'અર્લી મેનોપૉઝ' કહેવામાં આવે છે.

હાલ ચાલી રહેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિશ્વની અન્ય સ્ત્રીઓની સરખામણીએ ભારતીય મહિલાઓમાં અકાળે આવી જતા મેનોપૉઝનું પ્રમાણ થોડું વધારે છે. તેનાં કારણો વિશે ઘણા સંશોધન નિબંધો લખવામાં આવ્યા છે. તેના અભ્યાસથી પીરિયડ્ઝ વહેલા બંધ થવાનાં કેટલાંક કારણ સમજી શકાય છે, પરંતુ ઘણી બાબતો હજુ પણ અસ્પષ્ટ છે.

સ્ત્રીની મુશ્કેલ આર્થિક સ્થિતિ, કુપોષણ, કૌટુંબિક માનસિક તણાવ, અચાનક આવતું વૈધવ્ય અને છૂટાછેડા વગેરે બાબતો પણ મહિલાઓમાં વહેલા મેનોપૉઝનું કારણ બનતી હોય છે.

ગર્ભનિરોધક ગોળીનો ક્યારેય ઉપયોગ ન કર્યો હોય, નાની ઉંમરમાં વધુ સંતાનોને જન્મ આપ્યો હોય, ક્યારેય ગર્ભપાત થયો ન હોય તેવી મેડિકલ હિસ્ટ્રી ધરાવતી સ્ત્રીઓને મેનોપૉઝ વહેલો આવી શકે છે.

ઑટોઇમ્યુન રોગ, કૅન્સર નિવારણ માટેની કિમોથૅરપી, રેડિયોથૅરપી જેવી કેટલીક આજીવન તકલીફો પણ પીરિયડ વહેલા બંધ થવાનું કારણ બની શકે છે.

અકાળ માસિક બંધ થવાની આડઅસર

પીરિયડ્ઝ ચાલુ હોય તેનો અર્થ એ છે કે સ્ત્રીના શરીરમાં ઍસ્ટ્રોજન અને પ્રૉજેસ્ટેરોન નામના બે હોર્મોન યોગ્ય રીતે કામ કરી રહ્યાં છે.

સ્ત્રીના સંપૂર્ણ શરીર અને મનની તથા ખાસ કરીને હાડકાં, હૃદયની તંદુરસ્તી જાળવવાનું કામ હોર્મોન્સનું છે. હોર્મોન્સની અસર સ્ત્રીની સેક્સ લાઈફ પર પણ થાય છે.

પીરિયડ્ઝ સમય પહેલાં આવતા બંધ થઈ જાય તો આ હોર્મોન્સનું પ્રમાણ ઝડપથી ઘટે છે અને પછી તેની શરીર તથા મન પર વિપરીત અસર દેખાવા લાગે છે.

રજોનિવૃત્તિ પછી સ્ત્રીઓમાં હૃદયરોગનું વધતું પ્રમાણ ચિંતાજનક છે. એ ઉપરાંત સ્થૂળતા, બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને ડિપ્રેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

હાડકાં નબળાં પડવાને કારણે ફ્રૅકચર થઈ શકે છે અને તેમાંથી ઝડપથી સાજા ન થવાય તો કાયમ પથારીવશ રહેવાની વેળા પણ આવી શકે છે.

રજોનિવૃત્તિ પછી યોનિમાર્ગમાં શુષ્કતા, જાતીય ઇચ્છાનો અભાવ અને તેથી વૈવાહિક વિખવાદ, પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અને હતાશાનું દુષ્ચક્ર સર્જાય છે.

આનો કોઈ ઇલાજ છે?

પીરિયડ્ઝ વહેલા બંધ થઈ ગયા હોય તેવી સ્ત્રીઓને કમસે કમ 45 વર્ષની વય સુધી પીરિયડ્ઝ ચાલુ રાખવા માટે હોર્મોન્સની ગોળીના સેવનની સલાહ આપવામાં આવે છે.

અમે 35 વર્ષની ઉંમર પછી કોઈ પણ સ્ત્રીને હોર્મોન્સ આપવાનું ટાળીએ છીએ, કારણ કે તેમના શરીરમાં કુદરતી હોર્મોન્સ હોય જ છે. જે મહિલાઓનું માસિક વહેલું બંધ થઈ જાય તેમના શરીરમાં હોર્મોન્સ ખતમ થઈ જાય છે અને શરીર પર તેની વિપરીત અસર થાય છે.

એ પરિસ્થિતિમાં હોર્મોન્સની ગોળી લેવાથી સ્ત્રીના સ્વાસ્થ્ય પરનું જોખમ ઘટાડી શકાય છે.

ઘણી સ્ત્રીઓ અનિયમિત માસિકની સમસ્યાથી પીડાતી હોય છે. 35 વર્ષની ઉંમર પછી માસિક આવતું બંધ થઈ જાય તો સ્ત્રી ખોટી ધારણા બાંધી લે છે. સમયસર તબીબી સલાહ લેતી નથી.

પછી અચાનક જોરદાર રક્તસ્રાવ શરૂ થાય છે. સ્ત્રીઓને સામાન્ય રીતે 48-49 વર્ષની વયે મેનોપૉઝ આવતું હોય છે એ સમજી લેવું જરૂરી છે.

35 વર્ષની ઉંમર પછી સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યાનું કારણ મેનોપૉઝ છે એવું માનવું ભૂલભરેલું છે. આવી ભૂલ કરતી સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્યને અપાર નુકસાન કરે છે.

એક વાત યાદ રાખોઃ અકાળે મેનોપૉઝ એ સામાન્ય બાબત નથી. એ માટે યોગ્ય તબીબી સલાહ લેવી જરૂરી છે.

અગાઉની સરખામણીએ માણસના આયુષ્યમાં વધારો થયો હોવાથી મેનોપૉઝ આવ્યું હોય તેવી સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. મેનોપૉઝ પછી સ્ત્રીના જીવનમાં ઓછામાં ઓછાં 20થી 30 વર્ષ બાકી હોય છે.

આપણા સમાજમાં 40 વર્ષની ઉંમર પછી બહુ ઓછી સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોય છે. આગળ જણાવ્યું તેમ સ્ત્રીના સ્વાસ્થ્યનું રક્ષણ કરતા હોર્મોન્સ મેનોપૉઝ પછી ખતમ થઈ જાય છે. એ કારણે તેઓ વિવિધ રોગનો ભોગ બની શકે છે.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રજોનિવૃત્તિ વહેલી ન આવી જાય તે સુનિશ્ચિત કરવા યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ જરૂરી છે.

કેટલાંક વિટામિન્સ અને પોષકતત્ત્વો પણ ફાયદાકારક સાબિત થાય છે. સ્ત્રીઓએ તેમના આહારમાંથી ચોખા, બટાકા, ખાંડ તથા મેંદા જેવી કાર્બોહાઈડ્રેટ્સયુક્ત સામગ્રીનું પ્રમાણ ઘટાડવું જોઈએ અને રોજ કમસે કમ 45 મિનિટ વ્યાયામ કરવો જોઈએ. આમ કરવાથી તેઓ સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રીતે જાળવી શકે.

ખરેખર તો બદલાતા સમય મુજબ, સ્ત્રીઓએ મેનોપૉઝ બાબતે અગાઉથી પ્લાનિંગ કરીને તેની પીડા ઓછી કેવી રીતે કરી શકાય તે નક્કી કરવું જોઈએ.

એ માટે સ્ત્રીઓ તેમની જાતને માનસિક તથા શારીરિક રીતે ફિટ રાખે તે જરૂરી છે. તેમણે શરીરમાં થતા હકારાત્મક ફેરફારને સ્વીકારવા જોઈએ. આ રીતે મુશ્કેલ સમય સરળ બની શકે છે.