You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લગ્ન બાદ પતિ કે પત્ની સેક્સથી ઇનકાર કરે તો તે ક્રૂરતા ગણાય? શું કહે છે કાયદા
- લેેખક, ઉમંગ પોદ્દાર
- પદ, બીબીસી સંવાદદાતા
16 જૂને કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે "હિંદુ મૅરેજ એક્ટ અંતર્ગત લગ્ન કરનાર યુગલ વચ્ચે સેક્સ ન થવું, એ છૂટાછેડાનો આધાર તો હોઈ શકે છે, પણ ભારતીય દંડ સંહિતા (IPC) અંતર્ગત તેને ક્રૂરતા ન માની શકાય."
ભારતીય કાયદો હોય કે કોર્ટના નિર્ણયો, બન્ને અંતર્ગત કોઈ લગ્નસંબંધ જળવાઈ રહેવામાં પતિપત્ની વચ્ચે સેક્સ મહત્ત્વનું મનાય છે.
અદાલતોએ પોતાના નિર્ણયમાં વારંવાર એ કહ્યું છે કે જો ‘પતિ કે પત્નીમાંથી કોઈ એક પણ પોતાના સાથી સાથે લાંબા સમય સુધી જાતીય સંબંધ ન રાખે, તો તેને ક્રૂરતા માનવામાં આવશે અને સેક્સ સંબંધ ન હોવું એ છૂટાછેડાનો આધાર બની શકે છે.’
જોકે, ઘણા બધા વિશેષજ્ઞો માને છે કે આ કાયદાકીય જોગવાઈનો ઉપયોગ પુરુષો વધુ કરે છે, કારણ કે સામાન્ય રીતે એ માનવામાં આવે છે કે લગ્નજીવનમાં પતિને જાતીય સુખ આપવું એ પત્નીનો ધર્મ હોય છે.
સેક્સ સંબંધનાં બીજાં પાસાં, જેમ કે લગ્નજીવનમાં બળજબરી કે મૅરિટલ રેપના અપવાદો પણ આ વિચારધારાને પ્રોત્સાહન આપે છે કે લગ્ન બાદ મહિલાઓએ પતિ સાથે જાતીય સંબંધ બાંધવાની જવાબદારી પૂરી કરવી જોઈએ.
આ અંગે વિવિધ કોર્ટોએ શું-શું અવલોકનો કર્યાં છે અને શું કહ્યું છે?
લગ્નનું સંપૂર્ણ ન હોવું
કર્ણાટક હાઈકોર્ટ સમક્ષ એક કેસ હતો. જેમાં એક યુગલે ડિસેમ્બર 2019માં લગ્ન કર્યાં હતાં.
લગ્ન બાદ પત્ની 28 દિવસ સુધી પોતાના પતિ સાથે હતી. ત્યાર બાદ તેણે એ કહીને પતિનું ઘર છોડી દીધું કે લગ્ન બાદ પતિ-પત્નીના શારીરિક સંબંધ નહોતા બંધાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફેબ્રુઆરી 2020માં મહિલાએ બે કેસ દાખલ કર્યા. પહેલી અરજી આ લગ્નના છૂટાછેડા માટે હતી. તો બીજી અરજી ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A અંતર્ગત દાખલ કરાઈ હતી.
આઈપીસીની આ કલમમાં પતિ અને તેમના પરિવાર તરફથી પત્ની પર કરાતા અત્યાચાર રોકવાની જોગવાઈ છે.
મહિલાએ આરોપ લગાવ્યો કે તેનો પતિ બ્રહ્મકુમારી સંપ્રદાયનો અનુયાયી છે, જે બ્રહ્મચર્યનું પાલન કરનારાનો સમૂહ છે.
આ સિવાય મહિલાએ દાવો કર્યો કે તેના પતિએ ત્યાં સુધી તેની સાથે સેક્સ ન કર્યું, જ્યાં સુધી તે તેના પિયરમાંથી ફ્રીઝ, સોફાસેટ અને ટેલિવિઝન લઈને ન આવી.
નવેમ્બર 2022માં બન્નેનાં લગ્નને ભંગ કરી દેવાયાં. કર્ણાટક હાઈકોર્ટે એ વાત સાથે સહમતી દર્શાવી કે શારીરિક સંબંધ ન બાંધવા એ ક્રૂરતા છે અને તે લગ્નના સંબંધને ખતમ કરવા માટેનો યોગ્ય આધાર છે.
જોકે, હાઈકોર્ટે એ પણ કહ્યું કે એ વાતની કોઈ સાબિતી નથી કે ભારતીય દંડ સંહિતા (IPC) અંતર્ગત મહિલા સાથે કોઈ ક્રૂરતા કરાઈ છે.
લગ્નજીવનમાં સેક્સ ન થવું તેને બે અલગઅલગ દૃષ્ટીએ જોવાય છે. જો પતિ અથવા પત્નીમાં કોઈ નપુંસકતાનાં કારણે શારીરિક સંબંધ શક્ય ન થાય તો હિંદુ કાયદા અંતર્ગત ‘આવા લગ્નને શૂન્ય કરાર આપી શકાય છે.’ એનો અર્થ એ છે કે પતિ અથવા પત્નીમાંથી કોઈ પણ લગ્નને રદ કરવાની માંગ કરી શકે છે.
જો, લગ્ન બાદ પતિપત્નીમાં શારીરિક સંબંધ થઈ જાય, પણ બાદમાં પતિ અથવા પત્નીમાંથી કોઈ પણ એક બીજાને સેક્સથી દૂર રાખે તો બેમાંથી કોઈ પણ આ આધારે છૂટાછેડાની માગ કરી શકે છે કે પોતાના સાથીએ તેમને જાતીય સંબંધથી દૂર રાખીને તેમની સાથે નિર્દયતા કરી છે. કે તેના પર અત્યાચાર કર્યો છે.
જાણકાર કહે છે કે ‘બધા જ ધર્મના લોકોના લગ્નમાં છૂટાછેડાના કાયદાકીય આધાર ઉપલબ્ધ છે.’
વૈવાહિક સંબંધમાં ક્રૂરતા કરવાં બદલ સજા આપવાની પણ જોગવાઈ છે. આઈપીસીની કલમ 498Aમાં એ વ્યવસ્થા છે કે ‘જો પતિ કે તેના પરિવારના લોકો અથવા તો તેના સંબંધી, પત્ની પર એવા અત્યાચાર કરે જેનાથી પત્નીના સ્વાસ્થ્યને ખતરો હોય અથવા તો પત્ની પર નાણાં સંપત્તિની ગેરકાયદે માગ પૂર્ણ કરવાનું દબાણ કરે, તેને હેરાન કરે તો તેના માટે આ કલમમાં સજાની જોગવાઈ છે.’
કોર્ટોના નિર્ણય
અનેક કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે કે ‘લગ્નજીવનમાં લાંબા સમય સુધી સેક્સથી વંચિત રાખવું હિંદુ મૅરેજ એક્ટ અંતર્ગત નિર્દયતા છે.
આ છૂટાછેડાનું યોગ્ય કારણ હોઈ શકે છે.’ મે મહિનામાં અલાહાબાદ હાઈકોર્ટે એક વ્યક્તિને આના આધારે છૂટાછેડા આપ્યા હતા કે ‘તેના લગ્ન પૂર્ણતઃ તૂટી ચૂક્યાં હતાં કારણ કે પતિ અને પત્ની અલગ અલગ રહેતાં હતાં. અને અન્ય વિવાદોની સાથેસાથે પતિપત્ની વચ્ચે કોઈ પણ પ્રકારના જાતીય સંબંધ ન હતા.’
2007માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં એ પણ કહ્યું હતું કે “શારીરિક કે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા ન હોવાં છતાં જો પતિ કે પત્નીમાંથી કોઈ પણ લાંબા સમય સુધી એકતરફી જાતીય સંબંધ બનાવવાનો ઈનકાર કરે તો તેને માનસિક પજવણીનો એક યોગ્ય આધાર મનાશે.”
કેટલા સમય સુધી શારીરિક સંબંધ બાંધવાથી ઈનકાર કરવાને ક્રૂરતા મનાશે, એ કોઈ પણ કેસના તથ્યો અને આધાર પર નિર્ભર કરશે.
2012ના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે એક વ્યક્તિને છૂટાછેડા આપ્યા હતા. જેને દાવો કર્યો હતો કે ‘તેનાં પત્નીએ પાંચ મહિના દરમિયાન તેની સાથે માત્ર 10થી 15 વાર જ સેક્સ કર્યું હતું. અને સેક્સ કરતી વખતે તેનાં પત્ની ‘એક મૃતદેહની જેમ’ પડ્યાં રહેતાં હતાં.’ કોર્ટે પોતાના નિર્ણયમાં એ વાત પર પણ જોર આપ્યું હતું કે "પત્નીએ લગ્નની પહેલી રાતે પતિ સાથે સેક્સ કરવાથી ઈનકાર કરીને ‘ક્રૂર કૃત્ય’ કર્યું હતું."
પોતાના નિર્ણયમાં જજે એ પણ કહ્યું કે "એ સચ્ચાઈથી મોઢું ન ફેરવી શકાય કે જાતીય સંબંધથી વંચિત લગ્ન હવે મહામારી બની ગઈ છે" જજે એ પણ કહ્યું હતું કે "જાતીય સંબંધની પવિત્રતા અને તેના કારણે લગ્નના સંબંધમાં જે ઊર્જા આવે છે તે પણ નબળી રડી રહી છે."
જોકે, લગ્નનાં પહેલા વર્ષે કાયદો ત્યારે જ કોઈ યુગલને છૂટાછેડાની પરવાનગી આપે છે ‘જ્યારે તેમના સંબંધોમાં અત્યંત નિર્દયતા દેખાડવામાં આવી હોય, અથવા પતિ કે પત્નીમાંથી કોઈ એક ચરિત્રહીન હોય. દુરાચારમાં સંડોવાયેલા હોય.’
ગયા વર્ષે એપ્રિલમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે "જો કોઈ યુગલ લગ્નના પહેલા જ વર્ષે સેક્સ માટે ઈનકાર કરવાને આધાર બનાવીને છૂટાછેડા લેવા માંગે તો જાતીય સંબંધથી ઈનકાર કરવાની વાતને અસાધારણ ગુનો નહીં મનાય."
મહિલા અને પુરુષ સાથે અલગઅલગ કાયદાકીય વ્યવહાર
આમ તો જાતીય સંબંધથી ઈનકાર કરવાને આધાર બનાવીને છૂટાછેડા લેવાનો વિકલ્પ પતિ અને પત્ની બન્ને માટે ઉપલબ્ધ છે. પરંતુ કાયદાના જાણકારો કહે છે કે ‘પુરુષ આ મુદ્દાને છૂટાછેડાનો વધુ આધાર બનાવે છે.’
મુંબઈનાં મહિલા અધિકારોનાં વકીલ વીના ગૌડા કહે છે કે "સામાન્ય રીતે સેક્સથી દૂર રાખવાને મહિલાઓ ‘ક્રૂરતા’ નથી ગણતાં, પણ પુરુષ તેને ગુનો ગણે છે."
મહિલા અધિકારોના વકીલ અને જાતિના મુદ્દાઓના જાણકાર ફ્લૈવિયા એગ્રેસ કહે છે કે "એવા દસ કેસમાંથી આઠ કે નવ ફરિયાદો પુરુષ લઈને આવે છે" તેઓ કહે છે કે "છૂટાછેડાનો આ આધાર મહિલાઓ માટે નુકસાનકારક હોય છે. કારણ કે જેમાં મહિલાઓ છૂટાછેડાથી બચવા માટે સેક્સ કરવા માટે મજબૂર થઈ જાય છે."
બીના ગૌડા અનુસાર "જો મહિલાઓ છૂટાછેડા લેવા માટે આ વાતને આધાર બનાવે પણ ખરી તો તેની સાથે અન્ય ફરિયાદો પણ જોડી દેવાય છે." તેઓ કહે છે કે, "જ્યાં સુધી મહિલા સાથે મારામારી નથી કરાતી અથવા પતિ અન્ય મહિલા સાથે સંબંધ નથી રાખતો, ત્યાં સુધી મહિલા સેક્સથી વંચિત કરવાની બાબતને છૂટાછેડા માટે કારણ નથી બનાવતી."
લગ્ન બાદ સેક્સ પહેલાં સહમતી લેવી
શું આનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથીને સેક્સ કરવાથી મજબૂર કરી શકે છે?
આદર્શ સ્થિતિમાં આ સવાલનો જવાબ નથી.
પતિ જો પત્નીને પોતાની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરે તો તેને હિંદુ મૅરેજ ઍક્ટ અને ભારતીય દંડ સંહિતા (IPC), બન્ને અંતર્ગત ક્રૂરતા મનાશે અને તે તેને છૂટાછેડા લેવાનું કારણ બનાવી શકે છે.
2021માં કેરલ હાઈકોર્ટે કહ્યું હતું કે "જો કોઈ પુરુષ પોતાનાં પત્ની સાથે તેની સહમતી વગર સેક્સ કરે તો તેને શારીરિક અને માનસિક બન્ને રીતે ક્રૂર માનવામાં આવશે."
હાલ ભારતમાં લગ્નજીવનના સંબંધમાં બળાત્કારના સ્વરૂપે તેનો એક અપવાદ ઉપલબ્ધ છે.
કાયદાના જાણકાર એ માને છે કે ‘તે એ વિચાર મુજબ છે કે જેમાં લગ્નજીવનમાં સેક્સ કરવું મહિલાનું કર્તવ્ય મનાય છે.’ અનેક મહિલા અધિકાર કાર્યકર્તાઓએ આ કાયદાકીય અપવાદની ટીકા કરી છે.
નેશનલ લૉ સ્કૂલ ઑફ ઈન્ડિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પરિવારિક કાયદાના જાણકાર સરાસૂ એસ્થર થૉમસ કહેછે કે "એવા ઘણા બધા વિચાર ( જેમ કે પતિની સેક્સ કરવાની ઇચ્છા હોય ત્યારે અધિકાર હોવો) કોર્ટોને લગ્નમાં બળાત્કારને માન્ય આપવાના ખચકાટ સાથે જોડાયેલો છે. કોઈ પણ વૈવાહિક સંબંધમાં સેક્સને પત્નીનું કર્તવ્ય અને પતિના હક્ક તરીકે જોવાય છે."
ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈકોર્ટ આ અંગે ખંડિત ચુકાદો આપ્યો હતો કે "લગ્ન થયેલાં હોય તેવા યુગલો વચ્ચે સહમતીથી સેક્સને બળાત્કાર માનવામાં આવશે કે નહીં." હવે આ કેસ સુપ્રીમ કૉર્ટમાં છે.
આમ તો મૅરિટલ રેપને બળાત્કારની જેમ નથી જોવાતો. છતાં પણ તેના માટે IPCની અલગઅલગ કલમો જેમ કે 498A અંતર્ગત સજા આપી શકાય છે.
લિવ-ઈન સંબંધોની શું સ્થિતિ છે?
લિવ ઈનના સંબંધોને ગેરકાયદે નથી મનાતા. જોકે, તેના નિયમો માટે કોઈ કાયદા પણ નથી. લિવ ઈન સંબંધોમાં અનેક વાર સેક્સનો મુદ્દો ઊભો થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે આવા સંબંધો લગ્નમાં પરિવર્તિત નથી થતા.
સુપ્રીમ કૉર્ટે કહ્યું કે "જો કોઈ પુરુષ કોઈ મહિલા સાથે લગ્નનો ખોટો વાયદો કરે જેને પૂરો કરવાનો તેનો કોઈ ઇરાદો ન હોય અને એ વાયદાના કારણે કોઈ મહિલા તેની સાથે સેક્સ કરવા માટે તૈયાર થઈ જાય ત્યારે આવા જાતીય સંબંધ IPC અંતર્ગત બળાત્કાર માનવામાં આવશે."