ઇન્દોરના કાપડબજારમાંથી મુસ્લિમોને કેમ કાઢવામાં આવી રહ્યા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, આવાં ઘણાં પોસ્ટર હવે કાપડબજારમાં જોવા મળી રહ્યાં છે
    • લેેખક, વિષ્ણુકાંત તિવારી
    • પદ, બીબીસી સંવાદદાતા
    • લેેખક, સમીર ખાન
    • પદ, બીબીસી હિંદી માટે

મધ્યપ્રદેશના આર્થિક પાટનગર ઇન્દોરના કાપડબજારમાં મુસ્લિમ સેલ્સમૅન અને વેપારીઓને કામ કરવાની ના પાડી દેવાઈ છે.

આ કોઈ સ્થાનિક તંત્ર દ્વારા અપાયેલ કે સરકારી આદેશ નથી, બલકે ઇન્દોર-4 વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય માલિની ગૌડના પુત્ર એકલવ્યસિંહ ગૌડનું 'ફરમાન' છે.

આ અંગે બીબીસીએ એકલવ્ય ગૌડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કરી દીધો.

શીતલામાતા કાપડબજારનાં અધ્યક્ષ હેમા પંજવાનીએ જણાવ્યું કે 25 ઑગસ્ટના રોજ બંધ બારણે યોજાયેલી એક બેઠકમાં એકલવ્યસિંહ ગૌડે વેપારીઓના પ્રતિનિધિઓ સાથે વાત કરી હતી. આ બેઠકમાં શીતલામાતા કાપડબજારના વેપારીઓના પ્રતિનિધિઓ માટે આ ફરમાન કાઢવામાં આવ્યું.

એ બાદ એકલવ્યસિંહ ગૌડે સ્થાનિક મીડિયાને ઘણી વખત પોતાના નિવેદનમાં કહ્યું, "મારી પાસે ઘણી વાર લવ જેહાદની ફરિયાદો આવી ચૂકી છે. આ ષડ્યંત્ર હવે કોઈ કલ્પના કે ઉપજાવી કાઢેલી વાત નથી. અમારા કાપડબજારમાં મોટા ભાગે મહિલાઓ આવે છે અને મુસ્લિમ સેલ્સમૅન તેમને લવ જેહાદમાં ફસાવી લે છે."

જોકે, એકલવ્યસિંહ ગૌડ ભલે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, પરંતુ આ બજારમાં તેમની વાતનું ઘણું વજન છે.

શીતલામાતા કાપડબજારનાં અધ્યક્ષ હેમા પંજવાનીએ બીબીસીને જણાવ્યું કે, "આપણા એકલવ્યા ભૈયાનો આદેશ હતો કે બજારમાંથી મુસ્લિમ સેલ્સમૅન અને વેપારીઓને બહાર કાઢવામાં આવે છે. તેમની પાસે ઘણી વાર લોકો લવ જેહાદનો મુદ્દો લઈને ગયા હતા."

ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશાધ્યક્ષ એજાઝ અંસારીએ કહ્યું કે હાલ તેઓ "ટૂર પર છે" અને પાછા ફર્યા બાદ આ મામલાને "વિસ્તારપૂર્વક સમજીને બાદમાં યોગ્ય પગલું લેશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, ઇન્દોરના આ બજારમાં એકલવ્યસિંહ ગૌડની વાતની અસર જોવા મળે છે

ઇન્દોર પોલીસના અધિક પોલીસ ઉપાયુક્ત રાજેશ દંડોતિયાએ બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધી તેમની પાસે આવી કોઈ ફરિયાદ નથી આવી.

તેમજ ધારાસભ્ય માલિની ગૌડ, મેયર પુષ્યમિત્ર ભાર્ગવ, ઇન્દોર ભાજપ અધ્યક્ષ સમિત શર્મા અને વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

આ દરમિયાન "જેહાદી માનસિકતાથી છુટકારો અપાવવા માટે આભાર" લખેલાં પોસ્ટર બજારમાં કંઈક અલગ જ હકીકત જણાવી રહ્યાં છે.

લગભગ 200 મુસ્લિમ કર્મચારીઓની રોજીરોટીનું સંકટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, 25 સપ્ટેમ્બર સુધી ઘણા સેલ્સમૅનને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે અને ઘણા વેપારીઓએ દુકાનો છોડવી પડી છે

બીબીસીની ટીમ જ્યારે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે 25 સપ્ટેમ્બરના રોજ ઇન્દોર પહોંચી ત્યારે ઘણા મુસ્લિમ સેલ્સમૅનોને નોકરીમાંથી કાઢી મુકાયા હતા અને ઘણા મુસ્લિમ વેપારી પોતાની દુકાનો ખાલી કરી ચૂક્યા હતા કે કરવાના હતા.

મુસ્લિમોને બજારમાંથી કાઢી મૂકવાના ફરમાન બાદ નોકરી ગુમાવી ચૂકેલા સલમાને (બદલેલું નામ) બીબીસીને જણાવ્યું, "અમારી કોઈ સાથે કોઈ દુશ્મનાવટ નથી. બાળકોની સ્કૂલની ફી ભરવી છે, ઘરનું રૅશન ખરીદવું છે, લોન ચૂકતે કરવી છે, અમારી મુશ્કેલીઓ આ છે. અને જો અમને કામ જ નહીં કરવા દેવાય તો અમે અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરીશું?"

દરવાજે ઊભેલી પોતાની પત્ની સામે તાકીને સલમાન થોડી વાર માટે થંભી જાય છે.

પોતાનાં હિંમત અને આંસુ બંનેને બાંધતાં સલમાન કહે છે, "ઓછામાં ઓછું શાંતિથી કમાઈને ખાવા તો દેવાય. એ તો અમારો બંધારણીય અધિકાર છે."

સલમાન જેવા જ ઘણા સેલ્સમૅન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, મુસ્લિમ યુવાનો આ વાતનો પોસ્ટર મારફતે વિરોધ કરી રહ્યા છે

સલીમ (બદલેલું નામ) આ બજારમાં ઘણા લાંબા સમયથી કામ કરતા હતા. તેઓ કહે છે કે, "મેં લગભગ 16 વર્ષ આ બજારને આપ્યાં છે. હું બાળકથી યુવાન અહીં જ થયો છું અને હવે બે બાળકોનો પિતા છું. હવે 15-20 દિવસથી બેરોજગાર છું. ક્યાં જઉં? શું કરું? કશું નથી સમજાઈ રહ્યું."

ભોપાલના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દેશદીપ સક્સેના કહે છે કે, "આ આખા પ્રકારણથી એવો સવાલ ઊઠે છે કે આખરે સરકાર કરવા શું માગે છે? કારણ કે આ મામલામાં બંધારણીય મૂલ્યોનો હ્રાસ અને અધિકારોનું હનન સ્પષ્ટ છે."

"જીવન જીવવાનો અધિકાર, નોકરી કે કામ કરવાનો અધિકાર - એક સમુદાયના લોકો પાસેથી તેમના ધર્મના આધારે છીનવાઈ રહ્યો છે. સમતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્યોનો હ્રાસ અને તંત્ર અને વરિષ્ઠ નેતાઓનું મૌન ઘણા સવાલ ઊભા કરે છે."

મુસ્લિમ પાર્ટનર હોવાને કારણે હિંદુ વેપારીની પણ દુકાન ખાલી કરાવાઈ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, આદિલ અને સુખવિંદર પાર્ટનરશિપમાં દુકાન ચલાવતા હતા, હવે તેમણે દુકાન ખાલી કરવી પડી છે

આદિલ અને સુખવિંદર પાર્ટનરશિપમાં દુકાન ચલાવે છે. એકલવ્યસિંહ ગૌડના ફરમાન બાદ આદિલ અને સુખવિંદરને પણ દુકાન ખાલી કરવી પડી. જ્યારે અમે તેમની દુકાને પહોંચ્યા ત્યારે ત્યાં કામ કરનારા છ સેલ્સમૅન આખો સામાન પૅક કરી રહ્યા હતા.

બીબીસી સાથે વાત કરતાં સુખવિંદરે કહ્યું છે, "હું હિંદુ છું અને મારા ભાગીદાર મુસ્લિમ. અમે 20 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. એકલવ્યસિંહ ગૌડે લવ જેહાદનો આરોપ લગાવ્યો, પરંતુ અમે પૂછીએ છીએ કે અત્યાર સુધી આવો એક પણ મામલો સામે આવ્યો કે કેમ?"

આદિલ કહે છે કે, "મારા કારણે મારા પાર્ટનરની પણ રોજીરોટી છીનવાઈ ગઈ. હવે અમે શું કરીશું?"

સુખવિંદર આદિલના ખભે હાથ મૂક્યો અને અમને કહ્યું, "દેશમાં કાયદો છે, સરકાર-તંત્ર છે. એકલવ્યસિંહ ગૌડજી તેનાથી આગળ વધીને પોતાનો કાયદો ન ચલાવી શકે ને?"

બજારના ચૂંટાયેલા અધ્યક્ષે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, ઇન્દોર કાપડવેપારી સંઘનાં અધ્યક્ષ હેમા પંજવાની કહે છે કે અમે આદેશનું પાલન કરી રહ્યા છીએ

ઇન્દોરના કાપડવેપારી સંઘનાં અધ્યક્ષ હેમા પંજવાની કહે છે કે, "હિંદ રક્ષા સંગઠનના અમારા ભૈયા એકલવ્યસિંહ ગૌડનો આદેશ હતો, અમે એનું પાલન કરી રહ્યા છીએ. તેમણે દરેક દુકાનદારને બોલાવીને સમજાવ્યા કે બજારમાં જે ચાલી રહ્યું છે (લવ જેહાદ), તેને તરત બંધ કરવામાં આવે. ઘણા બધા મુસ્લિમો હવે અહીંથી જતા રહ્યા છે."

જ્યારે તેમને પુછાયું કે શું કોઈ મુસ્લિમ કર્મચારી કે દુકાનદાર વિરુદ્ધ કોઈ આધિકારિક ફરિયાદ આવી છે ખરી, તો તેમનો જવાબ હતો કે, "મારી પાસે આ અંગે કોઈ જાણકારી નથી."

નોકરીમાંથી છૂટા કરી દેવાયેલા એક મુસ્લિમ સેલ્સમૅને નામ ન છાપવાની શરતે કહ્યું, "એકલવ્યસિંહ ગૌડ હિંદુ વેપારીઓ પર દબાણ બનાવી રહ્યા છે, જેથી તેઓ પોતાની જાતને હિંદુવાદી નેતા સાબિત કરી શકે, ભલે તેમાં મુસ્લિમો અને તેમના પરિવારોની જિંદગી જ કેમ બરબાદ ન થઈ જાય."

તંત્ર અને ભાજપના નેતાઓનું મૌન શું ઇશારો કરે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

ઇમેજ કૅપ્શન, અધિક પોલીસ ઉપાયુક્ત રાજેશ દંડોતિયા કહે છે કે અત્યાર સુધી અમારી પાસે આવો કોઈ મામલો નથી આવ્યો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્દોર પોલીસના અધિક પોલીસ ઉપાયુક્ત રાજેશ દંડોતિયા કહે છે કે, "અત્યાર સુધી અમારી પાસે એવો કોઈ મામલો નથી આવ્યો. જો કોઈ ફરિયાદ આવશે, તો અમે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરીશું."

જોકે, 15 સપ્ટેમ્બરના રોજ મુસ્લિમ સેલ્સમૅન અને વેપારીઓએ સાથે મળીને ઇન્દોરના ડિવિઝનલ કમિશનરને એક ફરિયાદી આવેદનપત્ર સોંપ્યું હતું. તેમ છતાં પોલીસનું તેમની પાસે કોઈ ફરિયાદ લઈને ન આવ્યું હોવાનું નિવેદન, ઘણા સવાલ ઊભા કરે છે.

કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે પ્રદેશમાં સાંપ્રદાયિકતા વધી રહી છે અને મુસ્લિમોને કામ કરવાથી રોકવા એ ગુનો છે, જેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમજ, ભાજપના પ્રદેશ મીડિયા પ્રભારી આશીષ અગ્રવાલે આ અંગે ટિપ્પણી કરવાથી બચતાં કહ્યું કે, "પાર્ટી સૌના સાથ અને સૌના વિકાસના લક્ષ્ય પર કામ કરી રહી છે."

ઇન્દોરમાં મુસ્લિમ સમુદાયના કર્મચારીઓના બહિષ્કારના ફરમાન અંગે અગ્રવાલ કહે છે કે, "અમે નક્કી કરીશું કે પાર્ટી કયા મામલે પોતાના નિવેદન કે મત રજૂ કરે છે."

ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન છાપવાની શરતે કહ્યું, "કોઈ હિંદુવાદી એજન્ડાથી અલગ નથી દેખાવા માગતું. આ એવી વાત છે કે કોઈ સાપ-સાપની બૂમો પાડે તો તમામ લોકો આવી જ બૂમ પાડશે, ભલે તેમને ખબર હોય કે સાપ નહીં, પરંતુ દોરડું છે. કારણ કે નેતાઓમાં કટ્ટર રાજકારણથી અલગ હઠીને દેખાવાની હિંમત નથી બચી."

જ્યારે દરેક બાજુએથી મુસ્લિમ સમુદાયના કર્મચારીઓ માટે ગુજરાનનું સંકટ ઘેરું બનતું દેખાઈ રહ્યું છે, ત્યારે એવા પણ કેટલાક વેપારી છે જેઓ ફરમાનનો વિરોધ કરી રહ્યા છે.

વિરોધના અવાજો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ઇંદૌર, ભાજપ, મુસ્લિમ, કાપડબજાર

ઇમેજ સ્રોત, Samir Khan

સુરેન્દ્ર જૈન દાયકાઓથી મુસ્લિમ કર્મચારીઓ સાથે કામ કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, "અમે બધું કામ મુસ્લિમો સાથે કરતા આવ્યા છીએ. મારે ત્યાં બે મુસ્લિમ કામ કરે છે. સાડીના ફૉલ-પિકોથી માંડીને એમ્બ્રૉઇડરી સુધીનું કામ મુસ્લિમ ભાઈઓ જ કરે છે. મારી દુકાને તો મોટા ભાગે મારી પત્ની જ બેસે છે. મારા અહીંના બંને સેલ્સમૅન સામે અમને કોઈ ફરિયાદન થી. અમારા અહીં જે મહિલા ખરીદદાર આવે છે, તેમને પણ કોઈ ફરિયાદ નથી, તો હું કોઈને તેના ધર્મના આધારે કેવી રીતે કાઢી મૂકું?"

તેમનાં પત્ની રાજકુમારી જૈન કહે છે કે, "આ લોકો 20 વર્ષથી અમારી સાથે કામ કરી રહ્યા છે, પરંતુ કોઈ ફરિયાદ નથી આવી. અમારા માટે તો તેઓ બાળકો જેવાં છે."

શીતલામાતા માર્કેટમાં દાયકાઓથી હિંદુ અને મુસ્લિમો એક સાથે વેપાર કરતા આવ્યા છે. પરંતુ હવે માહોલ બદલાઈ રહ્યો છે. સ્થાનિક નેતાઓનાં નિવેદનો અને ભાજપના વરિષ્ઠ નેતાઓના મૌને આ તણાવને વધુ ઘેરું બનાવી દીધું છે.

હાલ, મુસ્લિમ સેલ્સમૅન અને વેપારીઓ માટે રોજગાર ગુમાવવાનો ડર અને સામાજિક અસુરક્ષાનો અનુભવ શહેરના માહોલને બદલી રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન