અમેરિકાને ભારત કરતાં પાકિસ્તાનને મિત્ર બનાવવામાં કેમ વધુ ફાયદો દેખાય છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, પાકિસ્તાન, અમેરિકા, શહબાઝ શરીફ, ડોનાલ્ડ ટ્રમ્પ, આસિમ મુનીર

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફ અને સેનાપ્રમુખ આસિમ મુનીર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા ન્યૂયૉર્કથી વૉશિંગટન પહોંચ્યા હતા
    • લેેખક, સારા હસન
    • પદ, બીબીસી ઉર્દૂ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને સૈનાના પ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વૉશિંગટન ખાતે મુલાકાત કરી. આની ઠીક પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ બંનેને 'મહાન વ્યક્તિત્વ' ગણાવ્યા.

બીજી તરફ, પાકિસ્તાન સરકાર તરફથી જાહેર કરાયેલી રિલીઝ અનુસાર વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ વિશ્વના 'શાંતિ દૂત' છે.

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર લખ્યું, "હાઇબ્રિડ મૉડલની પાર્ટનરશિપની સફળતાનો સિલસિલો."

પાછલા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત માટે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ન્યૂયૉર્કથી વૉશિંગટન પહોંચ્યા હતા.

તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મીટિંગમાં ભાગ લેવાના હેતુસર ન્યૂયૉર્ક પહોંચ્યા હતા.

ઓવલ ઑફિસમાં થયેલી આ મુલાકાતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશમંત્રી માર્કો રૂબિયો પણ સામેલ હતા.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની એક અઠવાડિયાની અંદર જ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની આ બીજી મુલાકાત હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શહબાઝ શરીફ સાથે મુલાકાત પહેલાં પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, તેઓ બે "મહાન નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન અને ફીલ્ડ માર્શલ, બંને બહેતરીન વ્યક્તિત્વ છે."

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "મને પહોંચવામાં થોડું મોડું થઈ રહ્યું છે. તેઓ ખૂબસૂરત ઓવલ ઑફિસ ખાતે પહોંચી ચૂક્યા છે. હવે થોડી વારમાં તેમની સાથે મુલાકાત થશે."

ટ્રમ્પ સાથેની મુલાકાતમાં શું થયું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, પાકિસ્તાન, અમેરિકા, શહબાઝ શરીફ, ડોનાલ્ડ ટ્રમ્પ, આસિમ મુનીર

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની આ એક અઠવાડિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ સાથે બીજી બેઠક હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ષે જૂનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના સેનાપ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને લંચ પર આમંત્રિત કર્યા હતા, પરંતુ એ મુલાકાતમાં વડા પ્રધાન શહબાઝ શરીફ તેમની સાથે નહોતા.

હાલની મુલાકાત બાદ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હાઉસથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર મુલાકાત સૌહાર્દપૂર્ણ હતી.

નિવેદનમાં પાકિસ્તાન-ભારત વચ્ચે યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપવા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયત્નોના સન્માનમાં તેમને 'મૅન ઑફ પીસ' (શાંતિની વ્યક્તિ) ગણાવાયા.

સરકારી નિવેદનોમાં કહેવાયું કે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું કે તેઓ મધ્યપૂર્વ તણાવ અને ખાસ કરીને પેલેસ્ટાઇનમાં સંઘર્ષવિરામ કરાવવામાં પોતાની ભૂમિકા ભજવે.

મુલાકાત દરમિયાન ક્ષેત્રની સ્થિતિ અને આતંકવાદને રોકવામાં સહયોગ અંગે વાત કરાઈ. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આતંકવાદના ખાતમામાં પાકિસ્તાની ભૂમિકાને સ્વીકારવાની વાતે અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.

શહબાઝ શરીફે અમેરિકન કંપનીઓને પાકિસ્તાનની ખેતી, ખનિજ અને ઊર્જા ક્ષેત્રમાં રોકાણનું આમંત્રણ આપ્યું.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની 80મી બેઠકમાં સામેલ થવા માટે અમેરિકા પહોંચ્યા હતા. શુક્રવારે તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી.

અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે પાકિસ્તાનના વડા પ્રધાન ન્યૂયૉર્કથી વૉશિંગટનના ઍન્ડ્ર્યૂ ઍરબેઝ પહોંચ્યા, જ્યાં અમેરિકન ઍર ફોર્સના ટોચના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

પ્રાઇમ મિનિસ્ટર હાઉસનું કહેવું છે કે પાકિસ્તાની વડા પ્રધાનનું મોટરકેડ અમેરિકન સુરક્ષાના ઘેરમાં ઍરબેઝથી વ્હાઇટ હાઉસ તરફ રવાના થયું.

વર્ષ 2019 બાદ એવું પહેલી વખત બન્યું છે જ્યારે પાકિસ્તાનના કોઈ વડા પ્રધાને વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હોય.

છ વર્ષ પહેલાં તત્કાલીન વડા પ્રધાન ઇમરાન ખાને અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી.

સોશિયલ મીડિયા પર 'હાઇબ્રિડ મૉડલની સફળતા' અને 'તાકતવર આર્મી ચીફ'ની ચર્ચા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, પાકિસ્તાન, અમેરિકા, શહબાઝ શરીફ, ડોનાલ્ડ ટ્રમ્પ, આસિમ મુનીર

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

ઇમેજ કૅપ્શન, આ પહેલાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાની સેનાપ્રમુખને લંચ પર આમંત્રિત કર્યા હતા

શહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત વિશે પાકિસ્તાન સરકારની વિજ્ઞપ્તિ સિવાય વધુ જાણકારી સામે નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા પર મુલાકાત અંગે ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે.

કેટલાક લોકો પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની હાજરી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો અન્ય લોકો અમેરિકાની માગોની યાદીની વાત પણ કરી રહ્યા છે.

પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર શૅર કરતાં લખ્યું, "ભારત પર જીત, સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ સમાધાન અને પાકિસ્તાન-અમેરિકા સંબંધમાં અભૂતપૂર્વ પ્રગતિ. 2025 સફળતાઓથી ભરપૂર વર્ષ. હાઇબ્રિડ મૉડલની પાર્ટનરશિપની સફળતાઓનો સિલસિલો."

જોકે, ભારત દાવો કરે છે કે પહલગામ હુમલા બાદ તેણે 'ઑપરેશન સિંદૂર' અંતર્ગત પાકિસ્તાનમાં મોજૂદ આતંકી માળખાં પર હુમલો કરીને તેને નષ્ટ કરી દીધાં હતાં.

ભારત સતત કહેતું આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષને રોકવામાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી. ભારત આને દ્વિપક્ષીય મામલો ગણાવે છે, જ્યારે પાકિસ્તાન સંઘર્ષ રોકવા માટે ટ્રમ્પની ભૂમિકાનો સતત ઉલ્લેખ કરે છે.

આ મુલાકાત વિશે ભારતમાં પણ વાતચીત થઈ રહી છે. સ્વીડનની ઉપ્સલા યુનિવર્સિટીના અશોક સ્વૈને એક્સ પર પાકિસ્તાની વડા પ્રધાનના ઍરપૉર્ટથી વ્હાઇટ હાઉસ તરફ જઈ રહેલા કાફલાનો વીડિયો શૅર કરતાં લખ્યું, "પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફનું જ નહીં, પરંતુ આર્મી ચીફનું પણ વૉશિંગટન પહોંચવા નિમિત્તે શાનદાર સ્વાગત કરાયું."

અમેરિકન થિંક ટૅન્ક એશિયા પૅસિફિક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વિશ્લેષક માઇકલ કુગલમેને એક્સ પર ઇમરાન ખાનની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતની તસવીરો શૅર કરવાની સાથે ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની વધતી જતી ભૂમિકાની વાત કરી.

તેમણે લખ્યું, "2019માં જ્યારે ઇમરાન ખાન વ્હાઇટ હાઉસ આવ્યા હતા ત્યારે તેમની સાથે તત્કાલીન આર્મી ચીફ જનરલ બાજવા યુનિફૉર્મમાં હાજર હતા, પરંતુ એ દરમિયાન તેમની ઝાઝી ચર્ચા નહોતી થઈ, બલકે તેઓ પડદા પાછળ હતા. પરંતુ તેનાથી ઊલટું હાલ મુનીર (ફીલ્ડ માર્શલ) આ મુલાકાત દરમિયાન કેન્દ્રમાં છે અને સામે નજરે પડી રહ્યા છે."

પત્રકાર અને કૉલમલેખક સીરિલ અલમીડાએ એક્સ પર જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે આ મુલાકાત વિશે ઘણી અફવાઓ છે, પરંતુ જેટલી ઓછી જાણકારી ઉપલબ્ધ હશે એ એટલો વધુ ચિંતાનો વિષય હશે.

વરિષ્ઠ પત્રકાર નસીમ ઝેહરાનું કહેવું છે કે આજની આ મુલાકાતમાં સૌથી મહત્ત્વપૂર્ણ વાત પેલેસ્ટાઇન અને મધ્યપૂર્વની છે.

નસીમ ઝેહરાએ એક્સ પર જાહેર કરેલા પોતાના સંદેશમાં લખ્યું, "મૂડીરોકાણ અને સંરક્ષણ મામલામાં પાકિસ્તાન-અમેરિકા સંબંધ અગાઉથી જ હકારાત્મક ટ્રેક પર આગળ વધી રહ્યા છે. આ મુલાકાતનું સૌથી વધુ મહત્ત્વ એ છે કે પાકિસ્તાન હંમેશાં પેલેસ્ટાઇન માટે અવાજ ઉઠાવે છે. (તો) પાકિસ્તાન અને અમેરિકા મધ્યપૂર્વમાં સુરક્ષા પડકારોમાં એકબીજાની ભૂમિકાને કેવી રીતે જોઈ રહ્યાં છે."

વ્યૂહરચનાત્મક ભૂમિકા અને વેપાર સંબંધી તકો : પાકિસ્તાને વૉશિંગટનમાં કેવી રીતે જગ્યા બનાવી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત, પાકિસ્તાન, અમેરિકા, શહબાઝ શરીફ, ડોનાલ્ડ ટ્રમ્પ, આસિમ મુનીર

ઇમેજ સ્રોત, GOVERNMENT OF PAKISTAN

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાને આ તકનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ

અમેરિકન થિંક ટૅન્ક એશિયા પૅસિફિક ફાઉન્ડેશનના સિનિયર ફેલો માઇકલ કુગલમેનનું કહેવું છે કે પાછલાં ઘણાં વર્ષોથી પાકિસ્તાનને અમેરિકામાં વ્યૂહરચનાત્મક દૃષ્ટિએ વધુ મહત્ત્વ નહોતું અપાતું, પરંતુ મધ્યપૂર્વના વિવાદ બાદ અમેરિકન પ્રશાસન માટે પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ બની ગયું છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, "કેટલાંક વેપાર સંબંધી અને વ્યૂહરચનાત્મક કારણોને લીધે પાકિસ્તાન અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ બની ગયું છે. વેપાર સંબંધી દૃષ્ટિએ પાકિસ્તાને વૉશિંગટનમાં પોતાની જાતને સારી રીતે રજૂ કરી છે અને દુર્લભ ખનિજ, ક્રિપ્ટોકરન્સી અને ઊર્જા, ખાસ કરીને ઑઇલની શોધ અંગે વાત કરી. જેમાં નવા પ્રશાસનને ખૂબ રસ છે."

તેમણે કહ્યું કે વ્યૂહરચનાત્મક દૃષ્ટિએ પણ પાકિસ્તાને પોતાની જાતને મધ્યપૂર્વ મામલે 'વ્યૂહરચનાત્મક ખેલાડી' તરીકે રજૂ કર્યું છે. "આ ક્ષેત્રમાં ઘણો તણાવ છે અને અમેરિકાનો ખૂબ રસ પણ છે. પાકિસ્તાનના ઈરાન સહિતના અખાતના દેશો સાથે સારા સંબંધ છે. ચીન સાથે તેના ગાઢ જ્યારે રશિયા સાથે મિત્રતાપૂર્ણ સંબંધ છે."

માઇકલ કુગલમેને કહ્યું, "ટ્રમ્પની પાકિસ્તાન સાથે નિકટતાનું એક કારણ એ છે કે અમેરિકન લક્ષ્યોને નિશાન બનાવનાર આતંકવાદીઓને પકડવાના પ્રયાસમાં તેમની પ્રથમ સફળતા પાકિસ્તાન સાથે જોડાયેલી હતી, જ્યારે પાકિસ્તાને કાબુલ ઍરપૉર્ટ પર હુમલાના માસ્ટરમાઇન્ડને અમેરિકાના હવાલે કર્યો."

તેમના અનુસાર ટ્રમ્પ પ્રશાસનના ભારત સાથેના તણાવે પણ પાકિસ્તાને અમેરિકાની નિકટ જવાની તક આપી છે. "જો વૉશિંગટનનો ભારત સાથેનો સંબંધ સારો હોત તો આસિમ મુનીરની વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે મુલાકાત ન થઈ શકી હોત."

મધ્યપૂર્વમાં પાકિસ્તાનની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે કહ્યું, મધ્યપૂર્વમાં શાંતિ પાકિસ્તાનના હિતમાં છે. પાકિસ્તાન ઊર્જા મામલામાં એ ક્ષેત્ર પર જ આધારિત છે.

પાકિસ્તાનના એ દેશો સાથે પણ નિકટના સંબંધ છે અને પાકિસ્તાનીઓ ભારે સંખ્યામાં ત્યાં કામ પણ કરે છે. આ જ કારણે વૉશિંગટન સમજે છે કે પાકિસ્તાન મહત્ત્વપૂર્ણ છે. એ ઈરાનને પણ સમજાવી શકે છે.

માઇકલ કુગલમેન અનુસાર, "હાલમાં જ પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા સંરક્ષણ સમાધાનને વૉશિંગટનમાં સમર્થન મળ્યું છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસન સમજે છે કે સુરક્ષા સાથે સંબંધિત આ જવાબદારી હવે પાકિસ્તાન ઉઠાવી રહ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન