ગાઝામાં શાંતિ સ્થાપના માટેની અમેરિકા અને ઇઝરાયલની નવી યોજના શું છે?

ટ્રમ્પ, ગાઝા, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની નવી ગાઝા યોજના ઘણા મુદ્દાઓ પર તેમના અગાઉના વલણને ઊલટાવે છે.
    • લેેખક, રશદી અબુલઉફ અને જ્યોર્જ રાઈટ
    • પદ, ગાઝા સંવાદદાતા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે તેઓ ગાઝામાં શાંતિની નવી યોજના બાબતે સંમત થઈ ગયા છે. એ યોજનાનો સ્વીકાર કરવા તેમણે હમાસને જણાવ્યું છે.

ગાઝામાંની લશ્કરી કાર્યવાહી તત્કાળ રોકવાનો પ્રસ્તાવ આ યોજનામાં મૂકવામાં આવ્યો છે. એ ઉપરાંત હમાસે ઇઝરાયલના 20 જીવંત બંધકોને 72 કલાકમાં મુક્ત કરવાના છે અને લગભગ 20 બંધકોના મૃતદેહો પાછા આપવાના છે. આ 20 લોકો માર્યા ગયા હોવાનું માનવામાં આવે છે.

સંઘર્ષ વિરામ મંત્રણાની માહિતી ધરાવતા પેલેસ્ટાઇનના એક સૂત્રએ બીબીસીને જણાવ્યું હતું કે હમાસના અધિકારીઓએ અમેરિકાના પ્રમુખની ઑફિસને 20 મુદ્દાનો પ્રસ્તાવ સોંપ્યો છે.

એ મુજબ, ગાઝાના શાસનમાં હમાસની કોઈ ભૂમિકા નહીં હોય. એ પ્રસ્તાવ હેઠળ પેલેસ્ટાઇન દેશ માટેના દરવાજા ખૂલી જશે.

વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ યોજનાને "શાંતિ માટે એક ઐતિહાસિક દિવસ" ગણાવી હતી, પરંતુ સાથે એમ પણ જણાવ્યું હતું કે હમાસ આ યોજનાનો સ્વીકાર નહીં કરે તો અમેરિકા નેતન્યાહૂની પડખે ઊભું રહેશે.

નેતન્યાહૂએ જણાવ્યું હતું કે હમાસ આ યોજનાનો અસ્વીકાર કરશે અથવા તેનું પાલન નહીં કરે તો "ઇઝરાયલ તેને અંત સુધી લઈ જશે."

ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્ક પ્રદેશમાં શાસન સંભાળી રહેલા પેલેસ્ટાઇનના અધિકારીઓએ અમેરિકન પ્રમુખના આ પ્રયાસોને ગંભીર અને દૃઢનિશ્ચયયુક્ત ગણાવ્યા હતા.

ડબલ્યુએએફએ ન્યૂઝ એજન્સી પર પ્રસારિત એક નિવેદન મુજબ, પેલેસ્ટાઇન ઑથોરિટીએ કહ્યું હતું કે "યુદ્ધને ખતમ કરવાની, ગાઝામાં પૂરતી માનવીય સહાય સુનિશ્ચિત કરવાની અને બંધકોની સાથે કેદીઓની મુક્તિની પ્રતિબદ્ધતાનો પણ આ પ્રસ્તાવમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે."

ગાઝા શાંતિ પ્રસ્તાવમાં શું છે?

ગાઝા, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા પ્રસ્તાવમાં ભવિષ્યમાં ગાઝાના શાસનની રૂપરેખા પણ આપવામાં આવી છે

તાજેતરના પ્રસ્તાવ મુજબ, ગાઝામાં લશ્કરી કાર્યવાહી તત્કાળ રોકવી પડશે. જ્યાં સુધી જીવંત અને મૃત બંધકોના મૃતદેહોની તબક્કાવાર સોંપણીની શરત પૂર્ણ નહીં થાય ત્યાં સુધી વર્તમાન સ્થિતિ યથાવત રહેશે, એવું પણ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે.

યોજના મુજબ, હમાસ તેનાં હથિયારો ત્યાગશે. તેનાં ભોંયરાં અને હથિયાર બનાવવાનાં ઠેકાણાં પણ નષ્ટ કરવામાં આવશે. ઇઝરાયલી બંધકના પ્રત્યેક મૃતદેહની મુક્તિ સામે ઇઝરાયલ 15 ગાઝાવાસીઓના મૃતદેહો પરત કરશે.

યોજનામાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે બન્ને પક્ષ આ પ્રસ્તાવ બાબતે સંમત થશે કે તરત જ "ગાઝા પટ્ટીમાં સહાય મોકલવામાં આવશે."

દુનિયાના મોટા દેશો શું કહે છે?

બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે આ યોજનાને આવકારી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટનના વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે આ યોજનાને આવકારી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટિશ વડા પ્રધાન કિઅર સ્ટાર્મરે આ યોજનાનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું, "અમે બધા પક્ષોને અપીલ કરીએ છીએ કે તેઓ અમેરિકન વહીવટીતંત્ર સાથે મળીને આ સમજૂતીને અંતિમ રૂપ આપે અને તેનો અમલ કરે."

તેમણે કહ્યું હતું, "હમાસે હવે હથિયાર હેઠાં મૂકીને તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ અને આ દર્દનાક કહાણી ખતમ કરવી જોઈએ."

યુરોપિયન પરિષદના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નેતન્યાહૂની હકારાત્મક પ્રતિક્રિયાથી તેઓ ખુશ છે.

તેમણે કહ્યું હતું, "તમામ પક્ષોએ આ તકનો લાભ લેવો જોઈએ, જેથી શાંતિને વાસ્તવિક બનાવી શકાય."

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ પણ આ યોજનાને વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું, "યુદ્ધનો અંત કરીને બંધકોની મુક્તિના પ્રયાસોમાં ભૂમિકા ભજવવા માટે ફ્રાન્સ તૈયાર છે."

મેક્રોંએ કહ્યું હતું, "સ્થાયી શાંતિ જળવાઈ રહે એટલા માટે તમામ ભાગીદારો સાથે ગહન ચર્ચાનો માર્ગ ખોલવો જોઈએ, જે બે રાષ્ટ્ર સમાધાન પર આધારિત હોય."

ગાઝા સંઘર્ષને ખતમ કરવાની અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યોજનાનું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું હતું, "ગાઝા સંઘર્ષને ખતમ કરવાની પ્રમુખ ટ્રમ્પની વિસ્તૃત યોજનાની જાહેરાતનું અમે સ્વાગત કરીએ છીએ. તે પેલેસ્ટાઇન અને ઇઝરાયલની સાથે પશ્ચિમ એશિયાના મોટા વિસ્તારના લોકો માટે દીર્ધકાલીન શાંતિ, સુરક્ષા અને વિકાસનો માર્ગ મોકળો કરશે."

ગવર્નિંગ બૉડીની ભૂમિકા શું હશે?

હમાસ, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 7 ઑક્ટોબર 2023ના રોજ દક્ષિણ ઇઝરાયલમાં હમાસના હુમલા બાદ ઇઝરાયલે ગાઝામાં હુમલા શરૂ કર્યા હતા.

આ પ્રસ્તાવમાં અમેરિકાએ ગાઝાની ભાવિ શાસન વ્યવસ્થાની રૂપરેખા પણ રજૂ કરી છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે એક બિન-રાજકીય પેલેસ્ટાઇન કમિટી ગાઝા પર અસ્થાયી રીતે શાસન કરશે. તેના પર "બોર્ડ ઑફ પીસ" નામની એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા નજર રાખશે અને તેનું નેતૃત્વ ટ્રમ્પ ખુદ કરશે.

આ યોજનામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે શાસનમાં હમાસની "પ્રત્યક્ષ કે પરોક્ષ "કોઈ પણ સ્વરૂપે, કોઈ ભૂમિકા નહીં હોય.

તેનો મોટો હિસ્સો અમેરિકાની "આર્થિક વિકાસ યોજના" પર કેન્દ્રિત છે. તે યોજના હેઠળ ગાઝાનું પુનર્નિમાણ કરવામાં આવશે.

તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે "ઇઝરાયલ ગાઝા પર કબજો નહીં કરે અને પોતાના દેશમાં ભેળવશે પણ નહીં." તેનું સૈન્ય સમયની સાથે તબક્કાવાર રીતે પાછું હટશે.

ટ્રમ્પનાં અગાઉનાં નિવેદનોથી અલગ, અહીં એવું પણ જણાવવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનિયનોને ગાઝા છોડવા માટે મજબૂર કરવામાં નહીં આવે. પ્રસ્તાવમાં ટ્રમ્પે કહ્યું છે, "લોકોને ત્યાં જ રહેવાની અને ગાઝાને બહેતર બનાવવાની તક આપવામાં આવશે."

આ યોજનામાં એક પેલેસ્ટાઇનના રાષ્ટ્રની શક્યતાનો દરવાજો પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

અન્ય અનેક નેતાઓની સાથે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર પણ ગવર્નિંગ બૉડીનો હિસ્સો હશે. તેમણે આ યોજનાને "સાહસિક અને સમજદારીભરી" ગણાવી છે.

હમાસ સંમત થવાની શક્યતા કેટલી?

એક પેલેસ્ટાઇનિયન સૂત્રએ બીબીસીને કહ્યું હતું, "કતાર અને ઇજિપ્તના અધિકારીઓએ દોહામાં હમાસના અધિકારીઓને વ્હાઇટ હાઉસની યોજના સોંપી દીધી છે."

હમાસના એક વરિષ્ઠ અધિકારીએ આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું કે યુદ્ધનો અંત લાવી શકે તેવા કોઈ પણ પ્રસ્તાવ બાબતે વિચાર કરવા હમાસ તૈયાર છે.

જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પણ સમજૂતીમાં પેલેસ્ટાઇનના હિતોની રક્ષા થવી જોઈએ, ઇઝરાયલી સૈન્યની સંપૂર્ણ વાપસી સુનિશ્ચિત થવી જોઈએ અને યુદ્ધ ખતમ થવું જોઈએ.

હમાસ પાસેનાં હથિયારો વિશેના સવાલ બાબતે અધિકારીએ કહ્યું હતું, "પેલેસ્ટાઇનિયન વિસ્તારો પર કબજો છે ત્યાં સુધી તેની સામે હથિયાર રેડ લાઇન્સ છે."

તેમણે ઉમેર્યું હતું, "હથિયારના મુદ્દે માત્ર એ રાજકીય સમાધાન હેઠળ ચર્ચા થઈ શકે, જે 1967ની સીમા પર આધારિત આઝાદ પેલેસ્ટાઇન રાષ્ટ્રની સ્થાપનાની ગેરન્ટી આપે."

ઇસ્લામી દેશોએ શું કહ્યું?

ઇઝરાયલ, આરબ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, 9 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયલે દોહામાં એક ઇમારત પર હુમલો કર્યો હતો, જેની આરબ-ઇસ્લામિક દેશોએ આકરી ટીકા કરી હતી (ફાઇલ ફોટો)

થોડા દિવસ પહેલાં નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક આક્રમક ભાષણ દરમિયાન અનેક પશ્ચિમી દેશો દ્વારા પેલેસ્ટાઇન દેશને સ્વીકૃતિ આપવાની ટીકા કરી હતી ત્યારે ઉપરોક્ત યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

નેતન્યાહૂએ તે સ્વીકૃતિને "શરમનું નિશાન" ગણાવી હતી અને કહ્યું હતું કે તે "યહૂદીઓની હત્યા કરવી ફાયદાકારક હોવાનો" સંદેશ આપે છે.

એમના ભાષણ દરમિયાન ઘણા રાજદ્વારીઓ મહાસભાની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.

જોકે, વ્હાઇટ હાઉસ પાછા ફર્યા બાદ ટ્રમ્પે નેતન્યાહૂનું જોરદાર સમર્થન કર્યું હતું, પરંતુ તાજેતરના સપ્તાહોમાં તે ઇઝરાયલની કાર્યવાહી સામે બહુ નારાજગી વ્યક્ત કરવા લાગ્યા છે.

ટ્રમ્પે ઈઝરાયલના તાજેતરના હુમલા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. એ હુમલામાં કતારમાં હમાસના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેઓ અમેરિકાના મહત્ત્વના સહયોગી છે.

સોમવારની પત્રકાર પરિષદ પહેલાં નેતન્યાહૂએ વ્હાઇટ હાઉસમાંથી કતારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાનીને કૉલ કર્યો હતો અને ઈઝરાયલી હુમલામાં કતારનો એક સૈનિક ભૂલથી માર્યો ગયો એ બદલ ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો.

આ શાંતિ પ્રસ્તાવનું કતાર, જોર્ડન, યુનાઇટેડ આરબ અમિરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરેબિયા અને ઈજિપ્તના વિદેશ મંત્રીઓએ સ્વાગત કર્યું છે. તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નેતૃત્વ ક્ષમતા અને ગાઝા યુદ્ધ ખતમ કરવાના તેમના પ્રયાસોનું સ્વાગત કર્યું છે.

મંત્રીઓએ એક સંયુક્ત નિવેદનમાં, શાંતિ સ્થાપવાની ટ્રમ્પની ક્ષમતા પર ભરોસો દર્શાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે અમેરિકા સાથેની ભાગીદારી બહુ મહત્ત્વની છે.

આ સંદર્ભમાં મંત્રીઓએ ટ્રમ્પની એ જાહેરાતનું પણ સ્વાગત કર્યું હતું, જેમાં તેમણે યુદ્ધ ખતમ કરવાની, ગાઝાનું પુનર્નિમાણ કરવાની, પેલેસ્ટાઇનિયન લોકોનું વિસ્થાપન રોકવાની અને વ્યાપક શાંતિને આગળ વધારવાની યોજના પ્રસ્તુત કરી હતી.

મંત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ આ કરારને અંતિમ સ્વરૂપ આપવા અને અમલી બનાવવા માટે અમેરિકા તથા અન્ય પક્ષો સાથે સકારાત્મક તેમજ રચનાત્મક રીતે જોડાવા તૈયાર છે. જેથી ક્ષેત્રના લોકો માટે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય.

ગાઝા, ઇઝરાયલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઑક્ટોબર 2023થી ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 66,000 લોકો માર્યા ગયા છે.

હમાસે 2023ની સાતમી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલ પર કરેલા હુમલાના જવાબમાં ઇઝરાયલી સૈન્યએ ગાઝામાંનું અભિયાન શરૂ કર્યું હતું.

તેમાં અત્યાર સુધીમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે અને 251ને બંધક બનાવવામાં આવ્યા છે.

ગાઝામાં હમાસના નિયંત્રણ હેઠળના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, ઇઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 66,055 લોકો માર્યા ગયા છે.

ગાઝા સિટીમાં દુકાળની સ્થિતિ હોવાની પુષ્ટિ સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત એક સંસ્થાએ તાજેતરમાં જ કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રની એક તપાસ સમિતિએ આ મહિને એવું તારણ કાઢ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો છે. અલબત, ઇઝરાયલે તેને આકરા શબ્દોમાં ફગાવી દીધું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન