'14 કલાક કામ, પીવા માટે ખરાબ પાણી'- માલદીવના રિસોર્ટમાં કામ કરવા ગયેલા ગુજરાતીઓની વ્યથા

- લેેખક, ગોપાલ કટેશિયા
- પદ, બીબીસી સંવાદદાતા
હિન્દ મહાસાગરમાં આવેલ માલદીવ દેશ તેના દ્વિપો, દરિયાના ચોખ્ખા પાણી, રેતીવાળા બીચ, પરવાળા અને હૂંફાળા વાતાવરણ માટે જાણીતો છે.
આ ખૂબીઓને કારણે તે વિશ્વભરના ટૂરિસ્ટોનો માનીતો દેશ બની ગયો છે.
માલદીવમાં દર વર્ષે લાખો સહેલાણીઓ ફરવા આવે છે. તેના કારણે એ દેશમાં સંખ્યાબંધ હૉટલ્સ અને રિસોર્ટ્સ ધમધમે છે.
માલદીવમાં પ્રવાસન એક મોટી ઇન્ડસ્ટ્રી છે અને 2022ના વર્ષમાં ત્યાંના જીડીપીમાં આ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો 22.5 ટકા હતો. માલદીવ સરકારના પ્રવાસન મંત્રાલયના આંકડા અનુસાર, માલદીવમાં ટૂરિસ્ટ્સને રહેવા માટે 174 રિસોર્ટ્સ, 15 હૉટલ્સ અને 768 ગેસ્ટહાઉસ છે અને 2022 ની સ્થિતિએ 60,641 જેટલા બેડ સહેલાણીઓ માટે ઉપલબ્ધ હતા.
આ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ પ્રવાસન બુક, 2013માં જણાવ્યા અનુસાર 2022ના વર્ષમાં 16.75 લાખ કરતા પણ વધારે આંતરાષ્ટ્રીય પ્રવાસીઓ માલદીવમાં રજાઓ માણવા આવ્યા હતા અને તેનાથી માલદીવની સરકારને વિવિધ કર સ્વરૂપે આશરે 6274 કરોડ ભારતીય રૂપિયાની આવક થઇ હતી.
ભારતનો પાસપૉર્ટ ધરાવતી વ્યક્તિ કોઈ પણ પ્રકારના વિઝા વગર માલદીવ જઈ શકે છે અને ત્યાં બે અઠવાડિયા સુધી રોકાઈ શકે છે. તે જ રીતે, જો માલદીવની કોઈ હૉટલ કે રિસોર્ટ ભારતીય નાગરિકને જોબ ઑફર આપે તો માલદીવ સરકારનું આર્થિક વિકાસ મંત્રાલય આવી ઑફરના આધારે વર્ક પરમિટ ઍન્ટ્રી પાસ આપે છે. આવા ઍન્ટ્રી પાસ ધરાવતા ભારતીય કે નેપાળી નાગરિક માલદીવમાં ત્રણ મહિના સુધી વિઝા વગર કામ કરી શકે છે. પરંતુ જો 90 દિવસથી વધારે કામ કરવું હોય તો તેમણે માલદીવના વર્ક વિઝા લેવા પડે છે અને તે માટે તેમને નોકરી આપનાર કંપની કે પેઢીના ઍન્ડોર્સમેન્ટની જરૂર પડે.
આજ કારણે કેટલાક ભારતીયોને માલદીવની હૉટલ ઇન્ડસ્ટ્રીઝ આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવા અને વધારાના પગારનો લાભ માટે આકર્ષણનું કારણ રહી છે.
વધારે પગાર મેળવવાની લાલસા ભારે પડી

અમદાવાદના 28 વર્ષના યુવાન રોહિત ચાવડા જ્યારે આ વર્ષે જાન્યુઆરીની 28મી તારીખે માલદીવના રાહા રિસોર્ટમાં નોકરી માટે હાજર થયા ત્યારે તેમની ખુશી સમાતી નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે વખતે તેમને ખબર નહોતી કે ત્રણ મહિના બાદ તેમના પર આભ તૂટી પડવાનું છે.
અમદાવાદમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા અશ્વિનભાઈ ચાવડાના પુત્ર રોહિતે માલદીવના લામૂ નામના દ્વિપ પર આવેલા રાહા નામના વૈભવી રિસોર્ટમાં નોકરી મેળવવા માટે ભરૂચની એક પ્લેસમૅન્ટ એજન્સી હેલો હૉટેલિયર્સ કૅરિયર્સ મૅનેજમેન્ટને અઢી લાખ રૂપિયાની ફી ચૂકવી હતી.
રાહા ફોર સ્ટાર કૅટેગરીનું રિસોર્ટ છે જ્યાં યુરોપિયન ટૂરિસ્ટ્સની અવરજવર વધારે છે. પરિવારની આર્થિક સંકડામણને દૂર કરવા માટે રોહિત નક્કી કરેલા આઠ કલાકને બદલે 14-14 કલાક કામ કરતા. ચાવડા પરિવારના જણાવ્યા પ્રમાણે આ કામના બદલામાં રાહા રિસોર્ટ રોહિતને આશરે 60 હજારનો પગાર ચૂકવતું.
પહેલા ત્રણ મહિના તો પગાર મળ્યો પરંતુ મે મહિનાથી રાહા રિસોર્ટે રોહિતને પગાર ચૂકવવાનું બંધ કર્યું. તેણે રિસોર્ટના સંચાલકો પાસે પગાર માગ્યો તો તેની બદલી મો હૉટલ ખાતે કરી દેવાઈ. આ હૉટલ રાહા રિસોર્ટથી દૂર હતી અને સંચાલકોએ તેને ઝાડી ઝાંખરા દૂર કરવાના કામમાં લગાવી દીધો.
આખરે રોહિતે રિસોર્ટમાંથી રાજીનામું આપી દીધું. તેણે રિસોર્ટના સંચાલકોને જણાવ્યું કે તે ભારત પરત ફરવા માગે છે પરંતુ કંપનીએ તેને ભારત પરત ફરવાની મદદ કરવાને બદલે ત્યાં જ રોકી રાખ્યો.

રોહિતના પરિવારજનોનો દાવો છે કે હૉટલમાં ચોક્કસ પ્રકારનો જ ખોરાક મળે છે અને અશુદ્ધ પાણી પીવાને કારણે તેને જુલાઈ મહિનામાં પાઇલ્સની બીમારી થઈ ગઈ. પરિવારજનોનો એ પણ દાવો છે કે રિસોર્ટના 'સંચાલકોની કનડગત'ને કારણે રોહિતનું વજન દસેક કિલો ઘટી ગયું. તેમનો એ પણ આરોપ છે કે સારવારના અભાવે રોહિતની બીમારી વકરતી ગઈ.
માત્ર રોહિત જ નહીં પરંતુ તેના જેવા હાલ અન્ય ભારતીય કામદારોના પણ થયા છે.
અમરેલી જિલ્લાના વતની પરંતુ છેલ્લા 18 વર્ષથી મુંબઈ રહેતા જિજ્ઞેશ પારેખ અને ગાયત્રીબહેન પારેખના એકના એક દીકરા મન પારેખ સાથે પણ કંઇક આવું જ બન્યું.
મન પારેખે પણ પ્લેસમૅન્ટ એજન્સી મારફતે રાહા રિસોર્ટમાં કૂકની નોકરી મેળવી હતી. રિસોર્ટના સંચાલકોએ મન પારેખને પણ મે મહિનાથી પગાર આપવાનું બંધ કરી દીધું હતું. મન પારેખે પણ ભારત પરત ફરવાની માગ કરી તો તેને પણ રિસોર્ટના સંચાલકોએ મો હૉટલમાં મોકલી દીધો. મનનું આરોગ્ય પણ રોહિતની માફક કથળવા લાગ્યું અને તેમને પણ પાઇલ્સની બીમારી થઈ ગઈ.
રોહિત અને મનની માફક કુલ સાત ભારતીય નાગરિકો અને દસ નેપાળી નાગરિકોના આવા હાલ થયા છે.
આ લોકો હૉટલ ઇન્ડસ્ટ્રિઝમાં ઇન્ટરનેશનલ કૅરિયર બનાવવાની મથામણમાં રાહા રિસોર્ટમાં 'ફસાઈ' ગયા.
રિસોર્ટના સંચાલકો તેમને ન તો પગાર આપે છે ન તો માલદીવમાં કામ કરવાના વિઝા કઢાવી આપે છે. હવે જો વિઝા વગર આ લોકો વતન પરત ફરે તો તેઓ માલદીવમાંથી ડિપોર્ટ થયેલા તેની નોંધ લેવાય જેને કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હૉટલોમાં કામ કરવાની કૅરિયર પર પૂર્ણવિરામ મૂકાઈ જાય.
રોહિત અને મન ઉપરાંત જયપુરના રહેવાસી ઋષભ શેખાવત, ઝારખંડના રહેવાસી અનુજ મીંજ, ઓડિશાના રહેવાસી મુકેશ સેઠી, તેલંગાણાના રહેવાસી મોહમ્મદ સોહેલ, પશ્ચિમ બંગાળના રહેવાસી મોહમ્મદ આફતાબ પણ આ જ પ્રકારે ફસાયાની લાગણી અનુભવી રહ્યા છે. ઋષભને વેઇટરની, મુકેશને રેસ્ટોરાંના સફાઈકામની, મોહમ્મદ સોહેલને રસોડાના મદદનીશની અને મોહમ્મદ આફતાબને ઍર-કંડિશનરના ટૅક્નિશિયનની નોકરી મળી હતી.
ચિંતાતુર વાલીઓ

જ્યારે માલદીવ પહોંચેલા આ યુવાનોની હાલત વિશે તેમના પરિવારજનોને ખબર પડી ત્યારે તેમના માથે આભ તૂટી પડ્યું.
મન પારેખનાં માતા ગાયત્રીબહેન પારેખે બીબીસી ગુજરાતીને આ વિશે જણાવ્યું કે અમે સૌપ્રથમ તો પ્લેસમૅન્ટ એજન્સીનો સંપર્ક સાધ્યો. ગાયત્રીબહેન તેમની સાથેની વાતચીત શૅર કરતાં જણાવે છે, "હેલો હૉટેલિયર્સના ડાયરેક્ટર પ્રિતેશ સોલંકીનો સંપર્ક કર્યો. તેમણે હાથ ઉપર કરી દેતા કહ્યું કે તેમની ભૂમિકા માત્ર નોકરી અપાવવા સુધીની જ હતી અને તેઓ આ મામલે કોઈ મદદ કરી શકે તેમ નથી."
ગાયત્રીબહેન કહે છે, "અમે જ્યારે બહુ દબાણ કર્યું ત્યારે તેમણે મન અને રોહિતના પ્લેસમૅન્ટ મામલે જે ફી લીધી હતી તે અઢી લાખ પૈકી 33-33 હજાર પરત કર્યા."
ગાયત્રીબહેન કહે છે કે તેઓ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય મંત્રી એકનાથ શિંદેને મળવા પણ પહોંચ્યાં. શિંદેની તબિયત ખરાબ હોવાથી તેમના સચિવને ફરિયાદ કરી.
તેઓ કહે છે, "મેં મુંબઈ પોલીસને પણ ફરિયાદ કરી. વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાની પણ કોશિશ કરી. મનની તબિયત કથળતી જતી હોવાને કારણે મેં તેને માટે મુંબઈથી દવા મોકલી."
રોહિતના પિતા અશ્વિનભાઈ કહે છે, "અમે અઢી લાખ રૂપિયા ભેગા કરીને તેને માલદીવ મોકલ્યો. આ રૂપિયા ભેગા થાય તે પહેલાં તો તેનો પગાર બંધ થઈ ગયો. રોહિત બીજા કોઈના ફોન મારફતે અમારી સાથે વાતચીત કરતો હતો."
અશ્વિનભાઈ બીબીસી ગુજરાતીને જણાવે છે કે રોહિત પરત આવે તે માટે વિઝાની વ્યવસ્થા કરવા માટે અમે બીજા ત્રીસ હજાર રાહા રિસોર્ટને મોકલ્યા.
વિદેશ મંત્રાલયને ફરિયાદ

રોહિત અને ઋષભે 27મી સપ્ટેમ્બર, 2014ના રોજ માલદીવની રાજધાની માલે ખાતે આવેલી ભારતીય દૂતાવાસની કચેરીમાં લેખિત ફરિયાદ આપી હતી.
12મી ઑક્ટોબરના રોજ મન, અનુજ અને મુકેશે પણ આવી જ ફરિયાદ કરીને ભારતીય દૂતાવાસને મદદ કરવાની અપીલ કરી.
ભારતીય દૂતાવાસે માલદીવના વિદેશ મંત્રાલયને પત્ર લખીને આ પીડિતોની ફરિયાદના મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી.
દૂતાવાસે આ ભારતીયોને બાકી રહેતો પગાર મળી રહે અને તેઓ વહેલી તકે ભારત પરત ફરે તે માટે મદદ કરવા વિનંતી પણ કરી.
મન, અનુજ અને મુકેશના પત્ર બાદ ભારતીય દૂતાવાસે ફરીથી એક પત્ર લખીને માલદીવ વિદેશ મંત્રાલયને મદદ કરવા વિનંતી કરી.
જોકે, આમ છતાં પણ પીડિતોને કોઈ મદદ નહોતી મળી. ગાયત્રીબહેન બીબીસી સાથે આ મામલે વાતચીત કરતા કહે છે, "દૂતાવાસ અમને કોઈ મદદ કરતું નહોતું."
ભારત સરકારનો પ્રતિભાવ
બીબીસીએ જ્યારે આ મામલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલને પૂછ્યું.
રણધીર જયસ્વાલે આ મામલે બીબીસીને જણાવ્યું, "ભારત સરકાર આ મામલે ઘટતું કરી રહી છે. માલદીવમાં પગારનું ચુકવણું ન થવાની બાબત ત્યાંના દૂતાવાસના ધ્યાને છે. તેઓ આ બાબતનો ઉકેલ લાવવાની મથામણ કરી રહ્યા છે જેથી આપણા નાગરિકો માટે જે જરૂરી હોય તે કરી શકાય."
દુબઈથી મદદ

છેવટે ગાયત્રીબહેને દુબઈમાં રહેતા એક ઉદ્યોગપતિ રોશન રતુરીનો સંપર્ક કર્યો.
રોશન રતુરી દુબઈમાં સફાઈ અને ઘરઘાટીની સેવા કરતી પેઢી ચલાવે છે. તેમણે રાહા રિસોર્ટ પર દબાણ ઊભું કરવામાં સફળ થયા.
ગાયત્રીબહેન કહે છે, "તેમણે જે દબાણ ઊભું કર્યું તેને કારણે રાહા રિસોર્ટે તેમની વાત માનવી પડી."
છેવટે રાહા રિસોર્ટે મન અને ઋષભના વિઝા કરાવીને તેમની ફ્લાઇટની ટિકિટ ખરીદીને 18મી નવેમ્બર, 2024ના રોજ ભારત મોકલી આપ્યા.
રોહિત પણ 29 નવેમ્બરના રોજ ભારત પરત ફર્યા હતા.
જોકે, અનુજ, મુકેશ, સોહેલ તથા આફતાબ હજુ ત્યાં જ ફસાયેલા છે.
બીબીસી સાથેની વાતચીતમાં રતુરી કહે છે, "રાહા રિસોર્ટનો ઇતિહાસ ખરડાયેલો છે. તેનો ટ્રૅક રેકૉર્ડ ખરાબ છે. આ પહેલાં પણ વિદેશી નાગરિકોના સ્ટાફની ભરતી કરીને તેમની સાથે આ જ પ્રકારનો વ્યવહાર કરે છે. જેથી વિઝાનો ખર્ચ તેણે ન કરવો પડે. તે થોડા મહિના બાદ પગાર આપવાનું બંધ કરી દે છે જેથી વિદેશી સ્ટાફ તકલીફમાં આવે. નવ ભારતીય ઉપરાંત દસ નેપાળી નાગરિકો સાથે આ જ પ્રકારની રમત રમાઈ છે."
માલદીવથી પરત ફરેલા ઋષભે બીબીસીને જણાવ્યું, "રાજસ્થાનના અજયસિંહ રાઠોડ, સુરેશ ગૌસ્વામી અને રાજવીરસિંહ વાઘેલા સાથે પણ રાહા રિસોર્ટે આવુ જ કર્યું હતું. તેમાંથી કેટલાકે વિઝાની ફી આપી ત્યારે તેઓ ભારત પરત ફર્યા."
બીબીસી સાથેની વાતચીતમાં અજયસિંહ રાઠોડે આ વાતની પુષ્ટિ કરી.
મન કહે છે, "અમે ત્યાંની પોલીસને પણ ફરિયાદ નહોતા કરી શકતા કારણકે અમારી પાસે વિઝા નહોતો. માલદીવ પોલીસને ખબર પડે તો અમને ડિપોર્ટ કરે. જો અમને ડિપોર્ટ કરવામાં આવે તો અમારા પાસપોર્ટમાં તેની નોંધ થાય અને તેની અમારી કૅરિયર પર ખરાબ અસર પડે. તેથી અમારે ન છૂટકે સહન કરવું પડ્યું."
રોહિતને ભારત મોકલી દેવાયા બાદ અન્ય કેટલાક ભારતીય અને નેપાળી સ્ટાફને રાહા રિસોર્ટે મો હૉટલમાં મોકલી આપ્યા છે.
માલદીવમાં ફસાયેલા વધુ એક નાગરિકે પણ બીબીસીને વાતચીતમાં જણાવ્યું, "અમને ખાવાનું નિયમિત મળતું નથી. પાણી પીવાલાયક નથી. તેથી અમે વારંવાર બીમાર પડીએ છીએ."
બીબીસીએ આ મામલે રાહા રિસોર્ટનો સંપર્ક સાધવાનો પ્રયાસ પણ કર્યો. અમે તેમને આ વિશે ઇ-મેઇલ અને ફોન કર્યાં પરંતુ તેમના તરફથી કોઈ ઉત્તર મળ્યા નહોતા.
હેલો હૉટેલિયર્સ પ્લેસમૅન્ટ એજન્સીના પ્રિતેશ સોલંકીએ બીબીસી સાથેની વાતચીતમાં એટલો સ્વીકાર કર્યો કે હવે તેમણે રાહા રિસોર્ટમાં પ્લેસમૅન્ટ આપવાનું બંધ કરી દીધું છે.
તેમણે જણાવ્યું, "ગયા વર્ષે રાહા રિસોર્ટે અમારો સંપર્ક સાધ્યો હતો અને તેમને જરૂરી કામદારોની જાણકારી આપી હતી. અમે કેટલાક યુવાનોને ત્યાં નોકરીની તકો વિશે જણાવ્યું હતું. અમારી ભૂમિકા તેમને નોકરી આપવા સુધીની સિમીત છે. પરંતુ માનવતાને ધોરણે અમે ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને મદદ કરવા માટે ઘટતું કરી રહ્યા છીએ."
આ અહેવાલમાં બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતનાં ઇનપુટ્સ મળેલાં છે
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












