પાન કાર્ડ 2.0: જૂનાં કાર્ડ નકામાં બની જશે?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, WWW.PROTEAN-TINPAN.COM

ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય કૅબિનેટે પાન કાર્ડ સંબંધિત સિસ્ટમમાં જડમૂળથી પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે
    • લેેખક, નાગેન્દ્ર સાઈ કુંદવરમ
    • પદ, બીબીસી માટે

દરેક નાણાકીય જરૂરિયાત માટે PAN કાર્ડ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. બૅન્ક અકાઉન્ટ ખોલાવવાથી માંડીને જથ્થાબંધ સોનું ખરીદવા સુધીના નાણાકીય વ્યવહારો માટે પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) જરૂરી છે.

કેન્દ્રીય પ્રધાનમંડળે PAN સિસ્ટમમાં આમૂલ પરિવર્તનનો નિર્ણય તાજેતરમાં કર્યો છે. આ માટે લગભગ રૂ. 1435 કરોડનો ખર્ચ થશે.

સરકારે જાહેરાત કરી છે કે PAN, TAN (ટેક્સ ડિડક્શન ઍન્ડ કલેક્શન અકાઉન્ટ નંબર) અને TIN (ટૅક્સપેયર્સ આઇડેન્ટિફિકેશન નંબર) માટે એકીકૃત સિસ્ટમ બનાવવામાં આવશે તેમજ ડેટા ગોપનીયતા માટે વધુ પગલાં લેવામાં આવશે.

ડુપ્લિકેટ PAN અને ડબલ PAN પર નિયંત્રણ લાવવા તથા કરચોરીને કડક હાથે ડામવા વિવિધ પ્રણાલીઓને મજબૂત બનાવવાનું આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે.

હવે સવાલ એ છે કે કેન્દ્ર સરકાર જેને PAN 2.0 શું છે? જેમની પાસે પહેલાંથી જ PAN છે તેમણે નવેસરથી અરજી કરવી પડશે? જૂનું PAN કાર્ડ ધરાવતા તમામને નવું કાર્ડ મોકલવામાં આવશે? વર્તમાન PAN કાર્ડધારક તેની વિગતમાં ફેરફાર કે ઉમેરો કરવા ઇચ્છતો હોય તો કેવી રીતે કરી શકશે?

દેશમાં 74.6 કરોડ PAN કાર્ડ

ભારતમાં PAN કાર્ડની સંખ્યા 2018ના 37.9 કરોડથી વધીને માર્ચ 2024 સુધીમાં 74.6 કરોડની થઈ ગઈ છે. આવકવેરા વિભાગના આંકડા અનુસાર, PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરનારા લોકોની સંખ્યા 60.5 કરોડ છે.

કુલ પૈકીનાં 98 ટકા PAN કાર્ડ વ્યક્તિઓને, 0.83 ટકા સંસ્થાઓને, 0.35 ટકા કંપનીઓને અને 0.33 ટકા PAN કાર્ડ લોકોના સંગઠનોને ઈસ્યુ કરવામાં આવ્યાં છે. બાકીનાં PAN કાર્ડ્સ સરકારો, સંયુક્ત હિંદુ પરિવારો અને સ્થાનિક સંસ્થાઓનાં છે.

PAN કાર્ડ 2.0 શું છે?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી પહેલાં PAN કાર્ડ 2.0 બાબતે ઉઠાવવામાં આવેલા સવાલોના કેન્દ્ર સરકારે આપેલા જવાબો પર નજર કરીએ.

PAN કાર્ડ 2.0 કરદાતાઓની નોંધણી માટેનો એક ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ છે. તેનો મુખ્ય ઉદ્દેશ અદ્યતન ટેકનૉલૉજી સાથે PAN સેવાઓને વધુ સુવિધાજનક બનાવવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ PANની ફાળવણી, અપડેટ અને કરેક્શન જેવી સેવાઓને એકીકૃત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટમાં TAN મર્જ કરવામાં આવશે. નાણાકીય સંસ્થાઓ, બૅન્કો, સરકારી એજન્સીઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારોને PAN (ઑથેન્ટિકેશન, વેરિફિકેશન)ની ઝડપી ચકાસણીની સુવિધા પૂરી પાડવામાં આવશે.

  • PAN 2.0 સાથે ડેટા ઝડપથી મેળવી શકાશે.
  • ભૂલ સુધારણા અને ફેરફારો ઝડપથી કરી શકાશે.
  • વેઇટિંગ ટાઇમમાં ઘટાડો થશે.
  • એકીકૃત સિસ્ટમ હોવાને કારણે તમામ ડેટા એક જ જગ્યાએ રહેશે.
  • કોઈ ખર્ચ વિના PAN મેળવી શકાશે.
  • PAN પેપરલેસ હોવાથી ઇકો-ફ્રેન્ડલી છે.
  • તેમાં ડેટા સિક્યૉરિટી બહેતર છે.

જૂના અને નવા PAN વચ્ચે શું તફાવત છે?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PAN.UTIITSL.COM

ઇમેજ કૅપ્શન, સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે જૂના કાર્ડ અને નંબર નવી સિસ્ટમમાં પણ કામ કરશે

હાલમાં વિવિધ વિભાગો PAN સંબંધી સેવાઓનું ધ્યાન રાખે છે. તેમાં આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ, યુટીઆઈ આઈટીએસએલ પોર્ટલ અને પ્રોટીન ઈ-ગવર્નન્સ પોર્ટલનો સમાવેશ થાય છે, પરંતુ નવી સિસ્ટમમાં PAN અને TAN સંબંધિત સેવાઓ એક જ સંસ્થા દ્વારા સંચાલિત કરવામાં આવશે.

PAN અને TAN સંબંધિત તમામ સેવાઓ એક એકીકૃત પોર્ટલ પર ઉપલબ્ધ હશે. આ પોર્ટલ નવું PAN કાર્ડ ઈસ્યુ કરવા, તેમાં ફેરફાર કે ઉમેરા કરવા, ઑનલાઇન PAN વેરિફિકેશન અને કાર્ડના રિપ્રિન્ટિંગ માટે ઉપલબ્ધ હશે.

આ માટે ટેકનૉલૉજી આધારિત સંપૂર્ણ પેપરલેસ સિસ્ટમ હશે. PANની ફાળવણી અને સુધારા માટે કોઈ નાણાં ચૂકવવાના રહેશે નહીં. E-PAN રજિસ્ટર્ડ મેઇલ આઈડી પર મોકલવામાં આવશે.

આપણે હાલ યુટીઆઈમાં PAN માટે અરજી કરીએ છીએ ત્યારે સંસ્થાની વેબસાઇટ પર જવું પડે છે અને કાર્ડ રિપ્રિન્ટિંગ, E-PAN અને કરેક્શન કરવું પડે છે. હવે આ પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકાશે.

એવી જ રીતે આધાર- PANના મિસમેચના કિસ્સામાં અરજી સંબંધિત સંસ્થાને ભૌતિક રીતે મોકલવી પડતી હતી. હવે તે સમસ્યા નહીં રહે.

નવા કાર્ડ માટે નવેસરથી અરજી કરવી પડશે?

જૂના કાર્ડ ચલણમાં છે. નવેસરથી અરજી કરવાની જરૂર નથી.

કોઈ કરેક્શન કે અપડેશન હોય ત્યારે તમે 2.0 માટે અરજી કરી શકો છો અને નવું કાર્ડ મેળવી શકો છો. કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે જૂના અને નંબર્સ નવી સિસ્ટમમાં પણ કામ કરશે.

એ પણ નોંધવું જોઈએ કે આવકવેરા વિભાગ પહેલાંથી જ PAN કાર્ડ ધરાવતી વ્યક્તિને નવા કાર્ડ ઈસ્યુ કરશે નહીં.

તમારો ક્યુઆર કોડ ખોટો છે?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, HTTPS://WWW.PAN.UTIITSL.COM/

પાંચ-છ વર્ષથી PAN કાર્ડ સાથે QR કોડ આવે છે. નવા પ્રોજેક્ટમાં QR કોડ આધારિત સિસ્ટમ પણ હશે. નવામાં ઝડપી PAN ડેટા પ્રોસેસિંગ માટે ડાયનેમિક QR સિસ્ટમ હશે.

PAN કાર્ડ અને QR કોડ સ્કેન કરીને નામ, ફોટોગ્રાફ, સહી, માતા-પિતાનાં નામ અને જન્મતારીખ જેવી તમામ વિગતો સરળતાથી જાણી શકાશે. તેથી બૅન્કો અને નાણાકીય સંસ્થાઓનું કામ સરળ બનશે.

PAN પ્રોસેસિંગ એજન્સી પ્રોટીનટેકનું કહેવું છે કે જેમની પાસે જૂનું PAN કાર્ડ છે તેમણે બદલવું ન જોઈએ. નવાં સિક્યુરિટી ફિચર્સ સાથેના QR કોડ PAN કાર્ડ મેળવાની સલાહ આપવામાં આવે છે.

વ્યક્તિગત ડેટામાં, લગ્ન પછી અટકમાં કે સરનામા વગેરેમાં ફેરફાર હોય ત્યારે PAN ડેટા અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે.

સરનામામાં ફેરફાર કેવી રીતે કરવો?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હાલની સિસ્ટમમાં પણ તમે PAN કાર્ડમાં સરનામું બદલી શકો છો. તમે https://www.onlineservices.nsdl.com/paam/endUserAddressUpdate.html અથવા https://www.pan.utiitsl.com/PAN_ONLINE/homeaddresschange લિંક દ્વારા તમારું આધાર લિંક્ડ સરનામું સરળતાથી બદલી શકો છો.

PAN કાર્ડ ડેટાબેઝને ટેકનૉલૉજી દ્વારા વધુ આધુનિક બનાવવામાં આવી રહ્યો છે, પણ તેનાથી PAN સંબંધી વિગતો બદલાશે નહીં. નવું કાર્ડ તમારા જૂના સરનામે નહીં મોકલવામાં આવે. કોઈ ફેરફાર માટે ખાસ વિનંતી કરવામાં આવશે ત્યારે જ નવું કાર્ડ આપવામાં આવશે.

આઈટી ડિપાર્ટમેન્ટ ઍક્ટ 1961 મુજબ એકથી વધુ PAN કાર્ડ રાખવાં તે ગુનો છે. તમારી પાસે એકથી વધુ PAN કાર્ડ હોય તો સંબંધિત આવકવેરા અધિકારીનો સંપર્ક કરો અને એક કાર્ડને નિષ્ક્રિય કરો.

સરકારનું કહેવું છે કે નવી સિસ્ટમ કેન્દ્રીય હશે અને ટેક્નોલોજીના ઉપયોગને કારણે ડુપ્લિકેશનની શક્યતા ઘટી જશે.

લોન મેળવવાનું આસાન બનશે?

પાન કાર્ડ, નાણું, ભારત, ઇન્કમટૅક્સ, ફાઇનાન્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NSDL

સ્પેશિયલ રીડર્સ દ્વારા QR કોડના સ્કેનિંગથી તમારો ડેટા(નામ, શહેર, ફોટો, કર ચૂકવણી વગેરે) બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓને આસાનીથી તત્કાળ મોકલી શકાશે. તેથી લોનના પ્રક્રિયા ઝડપી બનશે.

QR કોડના સ્કેનિંગથી ઑડિટિંગ, ખરીદી, કર ચૂકવણી અને રિટર્ન ફાઇલિંગ વગેરેને સરળતાથી ટ્રેક કરી શકાશે.

ઍપ્લિકેશન દ્વારા QR કોડનું સ્કેનિંગ કરવામાં આવશે ત્યારે જ આ વિગતો જાણી શકાશે. તેને ફોનમાંના QR સ્કેનરથી સ્કેન કરી શકાતું નથી.

તમામ ડેટા PAN પરના કોડમાં ઍન્ક્રિપ્ટેડ છે. માત્ર અધિકૃત અને પ્રમાણિત સ્કેનર્સ જ તેને વાંચી શકે છે.

સરકાર દ્વારા અધિકૃત સિસ્ટમ્સ અને વ્યક્તિઓ જ આ ડેટાને એક્સેસ કરી શકે છે. બૅન્કો, આઈઆરડીએઆઈ, મ્યુચ્યુઅલ ફંડ સલાહકારો, સેબી રોકાણ સલાહકારો, એનબીએફસી,ઇન્સ્યૉરન્સ રિપોઝીટરીઝ, ક્રેડિટ કાર્ડ કંપનીઓ, હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, કેવાયસી રજિસ્ટ્રી, આવકવેરા વિભાગ અને શેર બજારો જ PAN QR કોડ ડેટાને ડીકોડ કરી શકે છે અને વિગત જાણી શકે છે. તેથી ડેટા વિશે ડરવાની જરૂર નથી.

PAN ક્યારે અપડેટ કરવું?

PAN અને આધાર કાર્ડમાંના તમારા નામમાં મિસમૅચ હોય ત્યારે તેને જરૂર અપડેટ કરાવવું જોઈએ. અન્યથા ઓનલાઈન PAN વેરિફિકેશન નિષ્ફળ જશે. તે નાણાકીય વ્યવહારો અને અમુક સરકારી સેવાઓની એક્સેસ માટે અવરોધક બની જાય છે. લોન અને ક્રેડિટ કાર્ડની અરજીનો અસ્વીકાર પણ થઈ શકે છે.

તેથી માત્ર PAN રિપ્રિન્ટ માટે અરજી કરવાને બદલે જરૂરી ફેરફારો જ કરાવવા જોઈએ.

કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી, પરંતુ આપણે જૂની સિસ્ટમ મારફત હંમેશાંની માફક PAN અપડેટ કરી શકીએ છીએ.

આવકવેરા વિભાગની, પ્રોટીન, યુટીઆઈઆઈટીએસએલની વેબસાઇટ મારફત નામ-સરનામાં ફેરફાર, સહીમાં ફેરફાર કોઈ પણ મુશ્કેલી વિના કરી શકાય છે.

(આ બધી વિગત લોકોને માહિતગાર કરવાના હેતુસરની જ છે. કોઈપણ નાણાકીય નિર્ણય નાણાકીય નિષ્ણાતની સલાહ લીધા પછી જ કરવા જોઈએ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.