ઇઝરાયલની ઈરાનને ધમકી, 'બૈરુત અને ગાઝા જેવો હાલ કરશે'

ઇઝરાયલની ઈરાનને ધમકી, 'બૈરુત અને ગાઝા જેવો હાલ કરશે'

ઇમેજ સ્રોત, Reuters/Social Media

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલેંટે(ડાબે) અને ઈરાનના નૅવી કમાન્ડર રિયર ઍડ્મિરલ અલીરઝા તંગસિરી (જમણે)

ઇઝરાયલ દ્વારા લેબનોન અને ગાઝામાં થઈ રહેલા બૉમ્બમારા વચ્ચે ઇઝરાયલી સંરક્ષણ મંત્રીએ ઈરાનને ચેતવણી આપી છે.

સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલેંટે ઈરાનને ચેતવણી આપતા કહ્યું, “જો ઇઝરાયલને ઇસ્લામિક રિપબ્લિક નુકસાન પહોંચાડવા માગે છે તો તેની હાલત પણ ગાઝા કે બૈરુત જેવી થઈ શકે છે.”

ગૈલંટનું નિવેદનની સામે ઈરાનના નૌકાદળના એક કમાન્ડર તરફથી પણ એક નિવેદન આવ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે તેઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.

ઈરાનના હાલના મિસાઇલ હુમલાને લઈને ઇઝરાયલના સંરક્ષણ મંત્રીએ રવિવારે કહ્યું કે ઈરાને ઇઝરાયલી ઍરફૉર્સના બે અડ્ડાને નિશાન બનાવ્યા છે પરંતુ ઈરાની અમારી ઍરફૉર્સનાં અન્ય શસ્ત્રસરંજામને કે પછી વિમાનોને નુકસાન ન પહોંચાડી શક્યા.

આ પછી, ઇઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું, "જેઓ પણ અમને નુકસાન પહોંચાડીને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમણે જોવું જોઈએ કે અમે બૈરૂત અને ગાઝામાં કેવા હાલ કર્યા છે."

શું યુદ્ધ ફાટી નીકળશે?

સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલેંટે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંરક્ષણ મંત્રી યોઆવ ગૈલેંટે

હાલમાં જ ઈરાને બીજી વખત ઇઝરાયલ સામે મિસાઇલ છોડી હતી. આ હુમલાને ઈરાને જવાબી કાર્યવાહી ગણાવી હતી. મિસાઇલ હુમલા બાદથી મધ્ય-પૂર્વમાં તણાવ વધવાની સાથે-સાથે યુદ્ધ ફાટી નીકળવાની આશંકા પ્રબળ બની છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકોમાં અમેરિકા, બ્રિટન સહિતના પશ્ચિમી દેશોએ ઇઝરાયલના સ્વરક્ષણના અધિકારની વાતનો સ્વીકાર કર્યો છે. સાથે-સાથે આ દેશોએ સંઘર્ષને અટકાવવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ પણ કરી છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂએ હાલમાં ઈરાનના મિસાઈલ હુમલાને ઇતિહાસનો સૌથી મોટો બૅલિસ્ટિક મિસાઈલ હુમલો' ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે.

ઈરાને જણાવ્યું, હમાસના રાજકીય કાર્યાલયના વડા ઇસ્માઈલ હાનિયા, બૈરુતમાં હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરલ્લાહ અને કૂર્દ્સ ફોર્સના વરિષ્ઠ કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નીલફ્રોશનનાં મોતનો બદલો લેવા માટે તેણે ઇઝરાયલ પર સીધો હુમલો કર્યો હતો.

ઈરાનના નૌકાદળના કમાન્ડરે શું કહ્યું?

આઈઆરજીસી નેવી 80ના દાયકાથી પર્સિયન ગલ્ફની સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈઆરજીસી નૅવી 80ના દાયકાથી પર્શિયન ગલ્ફની સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) નૅવીના કમાન્ડરે કહ્યું છે કે 'આગ સાથે રમતા નેતન્યાહૂ માટે અમે અલગ-અલગ યોજનાઓ તૈયાર કરી છે.'

આઈઆરજીસી નૅવી કમાન્ડર રિયર ઍડ્મિરલ અલીરઝા તંગસિરીએ ઈરાનની અરબી ભાષાની ન્યૂઝ ચૅનલ અલ-આલમ સેદાવ-સિમા સાથે વાત કરી હતી.

આ વાતચીત દરમિયાન તેમણે 'દુશ્મનોને' ચેતવણી આપતા કહ્યું, "જો તેઓ આ વિસ્તારમાં 'આગ સાથે રમવા' માંગતા હોય તો તેઓએ તેનો સામનો કરવો પડશે."

તંગસિરીએ જણાવ્યું કે જો અમારા રાષ્ટ્રીય અને ઇસ્લામિક હિતોને અસર નહીં થાય તો અમે તેના પર કોઈ પ્રતિક્રિયા નહીં આપીએ.

આઈઆરજીસી નૅવી 80ના દાયકાથી પર્શિયન ગલ્ફની સુરક્ષાની જવાબદારી સંભાળી રહી છે.

આઈઆરજીસી નૅવી કમાન્ડરે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમની સેના કોઈપણ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે.

તેમણે કહ્યું, "નેતન્યાહૂ આગ સાથે રમી રહ્યા છે અને તેઓ તેને વધુ ભડકાવી રહ્યા છે. અમે તે માટે એક અલગ યોજના તૈયાર કરી રાખી છે."

ઈરાનના પેટ્રોલિયમ મંત્રી શું કહી રહ્યા છે?

ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસિન પાકનેજાદા આઈઆરજીસી નેવીના ફોર્થ રિજન કમાન્ડર સાથે

ઇમેજ સ્રોત, Fararu

ઇમેજ કૅપ્શન, ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસિન પાકનેજાદા આઈઆરજીસી નૅવીના કમાન્ડર સાથે દૃશ્યમાન છે

ઈરાનના પેટ્રોલિયમ મંત્રી મોહસિન પાકનેજાદાએ ખારગ આઇલૅન્ડમાં દેશનાં તેલ સંબંધિત કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સાથે તેમણે આઈઆરજીસી નૅવીના ફોર્થ રિજન કમાન્ડર સાથે પણ મુલાકાત કરી હતી.

આ બેઠક દરમિયાન પેટ્રેલિયમ મંત્રીએ મહમ્મદ હુસૈન બંદરના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે નૅવીએ તેની સુરક્ષા જાળવી રાખી છે.

પાકનેજાદાની ખારગ આઇલૅન્ડની મુલાકાતને ઇઝરાયલ દ્વારા સંભવિત હુમલા સાથે જોડીને જોવામાં આવી રહી છે.

આઈઆરજીસી નૅવીના ફોર્થ રિજન પાસે ઈરાનની મહત્ત્વની જગ્યાઓની સુરક્ષા માટેની જવાબદારી છે. તેમાં દક્ષિણ પર્શિયાનાં ઑઇલ પ્લૅટફૉર્મ અને બીજા કેન્દ્રોનો પણ સમાવેશ થાય છે.

ખારગ આઇલૅન્ડ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ ટર્મિનલ છે. આઠ વર્ષ સુધી ચાલેલાં ઈરાન-ઇરાક યુદ્ધ દરમિયાન ઇરાકની ઍરફૉર્સે ઘણી વખત ખારગ આઇલૅન્ડ પર ઍરસ્ટ્રાઈક કરી હતી.

ઈરાનના ખારગમાં ઍરસ્ટ્રાઈક કરવી કેટલી મુશ્કેલ છે?

ખારગ આઇલૅન્ડ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ ટર્મિનલ છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખારગ આઇલૅન્ડ ઈરાનનું મુખ્ય તેલ નિકાસ ટર્મિનલ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીના સુરક્ષા સંવાદદાતા ફ્રેન્ક ગાર્ડનરે જણાવ્યું, ખારગ પર ઍરસ્ટ્રાઈક કરવી ખૂબ મુશ્કેલ છે કારણ કે ઇઝરાયલ ઍરફૉર્સનાં વિમાનોને આરબ દેશોની ઍરસ્પેસ પાર કરવી પડશે અને વિમાનોમાં ઇંધણ ભરવાની પણ જરૂર પડશે.

ફ્રેન્ક ગાર્ડનરના કહેવા પ્રમાણે, જો આમ થશે તો તેલની કિંમતો ઝડપથી વધશે અને ઈરાન પણ જોરદાર જવાબ આપશે. અમેરિકાએ પણ ઇઝરાયેલને સાવચેત રહેવાની સલાહ આપી છે.

આઈઆરજીસીના ડેપ્યુટી કમિશનર અલી ફદાવીએ ત્રણ દિવસ પહેલાં ચેતવણી આપતા જણાવ્યું, જો ઇઝરાયેલ 'ભૂલ કરશે તો અમે તેમના તમામ ઊર્જા સ્ત્રોતો, પ્લાન્ટ્સ અને તમામ ઑઇલ રિફાઈનરીઓ અને ગૅસ કૂવાઓને નિશાન બનાવીશું.'

તેમણે કહ્યું, ''ઈરાન એક મોટો અને ફેલાયેલો દેશ છે અને તેનાં ઘણાં આર્થિક કેન્દ્રો છે. બીજી બાજુ ઇઝરાયેલ પાસે ત્રણ પાવર પ્લાન્ટ અને ઘણી રિફાઈનરીઓ છે. અમે તે બધાને એક જ ઝાટકે નિશાન બનાવી શકીએ છીએ."

ગયા અઠવાડિયે જ્યારે ઈરાને ઇઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે ફદાવી તે લોકોમાં સામેલ હતા જેઓ વૉર-રૂમમાં બેઠા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.