ડોનાલ્ડ ટ્રમ્પ સામે કમલા હૅરિસ અમેરિકાની ચૂંટણી કેમ હારી ગયાં?

    • લેેખક, ઇશાદ્રિતા લાહિડી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાના ચૂંટણી સરવેમાં ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રસાકસી દેખાડવામાં આવી રહી હતી.

સરવેમાં હૅરિસને સબળ દાવેદાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યાં હતાં, પરંતુ ચૂંટણીપરિણામો તેનાથી તદ્દન વિપરીત આવ્યાં છે.

કમલા હૅરિસ શા માટે હારી ગયાં, તેની સમીક્ષા થઈ રહી છે તથા પરાજય માટે અલગ-અલગ કારણો જણાવાઈ રહ્યાં છે.

બીબીસી હિંદીએ અમેરિકા રાજકારણ પર ચાંપતી નજર રાખતાં ત્રણ વિશ્લેષકો સાથે વાત કરી અને પરાજયનાં કારણોને સમજવાનો પ્રયાસ કર્યો.

અણીના સમયે ઉમેદવાર

રાષ્ટ્રપતિ જો બાઇડને સ્પર્ધામાંથી ખસી જવાનો નિર્ણય લેતા કમલા હૅરિસને ઑગસ્ટ મહિનામાં ડેમૉક્રૅટિક પાર્ટનાં સત્તાવાર ઉમેદવાર બનાવાયાં હતાં.

હૅરિસને આ કારણસર ચૂંટણીપ્રચાર માટે બહુ થોડો સમય મળ્યો. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષની શરૂઆતથી જ ચૂંટણી અભિયાનમાં લાગી ગયા હતા.

આંતરરાષ્ટ્રીય સંબંધો વિશે ઊંડા અભ્યાસુ તથા અનંતા સેન્ટરનાં સીઈઓ ઇન્દ્રાણી બાગચીના કહેવા પ્રમાણે, "એમને (હૅરિસને) માત્ર 100 દિવસ પહેલાં જ નૉમિનેશન મળ્યું. તેમાં એક પ્રકારે શારીરિક તથા વ્યવસ્થાઓના પડકાર હતા. તેમણે અમેરિકા જેવા મોટા દેશને કવર કરવાનો હતો અને ખૂબ જ ટૂંકા સમયમાં ટીમ ઊભી કરવાની હતી."

નવતેજ સરના અમેરિકા ખાતે ભારતના રાજદૂત તથા વિદેશ મંત્રાલયના પ્રવક્તાપદે પણ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, હૅરિસને જે રીતે ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવ્યાં, તે ખૂબ મોડેથી લેવાયેલું પગલું હતું અને સશક્ત સ્પર્ધકને છાજે એવું ન હતું.

સરનાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "જો કોઈ ઉમેદવાર પ્રાઇમરી દ્વારા મેદાનમાં ઊતરે તથા તેને કૅમ્પેન તૈયાર કરવાનો સમય મળે તો કદાચ તે સારું રહ્યું હોત."

ક્લિવલૅન્ડ સ્ટેટ યુનિવર્સિટીનાં ફૅકલ્ટી જિનિયા બહલના કહેવા પ્રમાણે હૅરિસે ડેમૉક્રૅટિકની પ્રાઇમરથી જ દાવેદારી નહોતી કરી, એટલે કેટલાક લોકોને તેમની ઉમેદવારી યોગ્ય નહોતી જણાઈ.

બહલના કહેવા પ્રમાણે, "ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો તેના થોડા દિવસ બાદ જ ઉમેદવારમાં બદલાવ કરાયો. લોકોને લાગ્યું કે હૅરિસ યોગ્ય પ્રક્રિયા દ્વારા ઉમેદવારીપદ સુધી નથી પહોંચ્યાં. એમને લાગ્યું કે હૅરિસને માત્ર તેમના રંગ અને મહિલા હોવાને કારણે આ તક મળી."

બાઇડનના કાર્યકાળનો બોજ

બાગચી, સરના અને બહલ માને છે કે બાઇડનવિરોધી, સત્તાવિરોધી વલણ હતું અને હૅરિસે તેનો ભાર ઊંચકવો પડ્યો.

બાઇડનનું અપ્રૂવલ રૅટિંગ ચૂંટણી પહેલાંના ઑપિનિયન પોલ્સમાં 40 ટકા જેટલું હતું, જે કોઈ પણ દ્વિધ્રુવીય રાજકારણની સ્થિતિમાં ઓછું માની શકાય.

હૅરિસ પોતાને બાઇડનની નીતિઓથી અળગાં ન કરી શક્યાં અને તેનું નુકસાન વેઠવું પડ્યું.

નવતેજ સરનાના કહેવા પ્રમાણે, ટ્રમ્પે સુવ્યવસ્થિત વ્યૂહરચનાપૂર્વક બાઇડન સરકારની નિષ્ફળતાઓ માટે હૅરિસને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો.

સરના કહે છે, "ટ્રમ્પે સુનિશ્ચિત કર્યું કે બાઇડનતંત્રની તમામ કામગીરી સાથે કમલા હૅરિસને જોડવામાં આવે. જેના કારણે તેઓ (હૅરિસ) ગત ચાર વર્ષથી દેશમાં ચાલી રહેલી સમસ્યાઓથી પોતાને અલગ ન કરી શક્યાં. જેમાં અર્થતંત્ર, ઇમિગ્રેશન અને વિદેશનીતિનો સમાવેશ થાય છે."

"તેમાં અર્થતંત્ર, ઇમિગ્રેશન અને વિદેશનીતિ સામેલ છે. આ કારણસર તેમણે (હૅરિસ) ગર્ભપાત તથા મહિલાઓનાં અધિકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો, કારણ કે તેમને લાગ્યું કે આ રીતે તેઓ ટ્રમ્પ પર સરસાઈ મેળવી શકશે. પરંતુ એ તથ્યથી છેડો ફાડી ન શક્યાં કે તેઓ ઉપરાષ્ટ્રપતિપદે હતાં."

બાગચી અને બહલનું કહેવું છે કે કમલા હૅરિસ ડેપ્યુટી હતાં, પરંતુ તેમની પાસે મહત્ત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણયો લેવા માટેની બંધારણીય સત્તા ન હતી. જોકે, અમેરિકનોએ આવી બાબતો પર ધ્યાન ન આપ્યું.

ઇન્દ્રાણી બાગચી કહે છે, "બાઇડનનો બોજ હૅરિસ પર આવી પડ્યો. તેમણે મહત્ત્વપૂર્ણ મુદ્દે નિર્ણયો નહોતા લીધા. અમેરિકાની ચૂંટણીમાં મતોનો સામાન્ય ફેરફાર પણ મોટી અસર ઊભો કરતો હોય છે."

"ભારતની સરખામણીમાં ત્યાંની ચૂંટણી થોડી અલગ હોય છે. ત્યાં નિર્ણાયક મતદારોના સમૂહ માટે બંને પક્ષોની વચ્ચે ટક્કર થતી હોય છે. ટ્રમ્પ અને હૅરિસ પાસે પોત-પોતાના જનાધાર હતા. તેમની વચ્ચે વસતીના આ નાના સમૂહ માટે જ સંઘર્ષ ચાલી રહ્યો હતો."

બહલ કહે છે, "અર્થતંત્ર અને ઇમિગ્રેશન મુદ્દે બાઇડનની અનેક નીતિઓની મીડિયામાં ટીકા થઈ હતી. લોકોને લાગ્યું કે હૅરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે જે કંઈ કરવું જોએ, એ તેઓ કરી નહોતાં શક્યાં. ભલે ને બંધારણીય રીતે ઉપરાષ્ટ્રપતિ પાસે એ માટેની સત્તા ન હોય."

બલ કહે છે કે ટ્રમ્પે ઇમિગ્રેશન સંબંધે લોકોની ચિંતાનો "ખૂબ જ સારી રીતે" ઉપયોગ કર્યો. તેમણે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ પર સતત પ્રહાર કર્યા.

"આ રસપ્રદ બાબત હતી, કેમ કે તેમના ગત કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર પ્રવાસીઓની સંખ્યા વધી હતી."

'હૅરિસ મધ્યમવર્ગને સમજી ન શક્યાં'

બહલનું માનવું છે કે હૅરિસ અમેરિકાના મધ્યમવર્ગની ભાવનાઓને સમજવામાં નિષ્ફળ રહ્યાં. આ વર્ગ વધતી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો હતો. કદાચ એટલે જ એમને બ્લૅક તથા હિસ્પૅનિક જેવા મુખ્ય સમુદાયોનું પૂર્ણ સમર્થન ન મળ્યું.

બહલ કહે છે, "બ્લૅક અને હિસ્પૅનિક મતદારોને લાગતું હતું કે બાઇડને તેમના માટે કંઈ નથી કર્યું. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વિશેષરૂપે બ્લૅક મતદારોને અપીલ કરી હતી, કારણ કે પ્રારંભિક પોલ્સમાં બહાર આવ્યું હતું કે હૅરિસ પ્રત્યે બ્લૅક તથા લૅટિન મતદારોનું વલણ સકારાત્મક નથી."

"એમાંથી અનેકે કહ્યું હતું કે તેમની નીતિઓ અને મોંઘવારી અંગે તેમણે જે કામ કર્યાં, તેની સાથે સહમત નથી. બ્લૅક અને લૅટિન મતદારોને જ મોંઘવારીની સૌથી વધુ અસર થતી હોય છે, કારણ કે તેમાંથી અનેક માસિક આવક પર આધાર રાખતા હોય છે."

"જ્યારે તમને બે ટંકનું ખાવાનું મેળવવામાં મુશ્કેલી પડતી હોય, એવામાં વંશ અને લિંગ જેવા બાહ્ય મુદ્દા ઉપર ચિંતા ન થઈ શકે."

સરના પણ આ વાતથી સહમત છે. તેમના કહેવા પ્રમાણે, જે લોકો મૂળભૂત જરૂરિયાતોની ચિંતામાં જોતરાયેલા હોય, એમના માટે એક હદ પછી વંશ અને લિંગ જેવા મુદ્દા લોકો માટે મહત્ત્વહીન થઈ જાય છે.

સરના કહે છે, "ટ્રમ્પે સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં અર્થતંત્ર તથા તેમને સ્પર્શતી રોજબરોજના જીવનની વાતો વિશે વાત કહી. વિશેષ કરીને જે લોકો સંપન્ન નથી. આ વંચિત સમૂહોને લાગ્યું કે ટ્રમ્પ તેમની સમસ્યાઓ ઉકેલી શકે છે. બીજી બાજુ, હૅરિસને આ સમસ્યાઓ સાથે જોડી દેવાયાં અને તેમની પાસે કહેવા માટે કંઈ નવું નહોતું."

બહલ કહે છે કે અમેરિકાના મતદોરામાં શ્વેત મહિલાઓનું પ્રમાણ વધુ છે. આમ છતાં મહિલા ઉમેદવાર હૅરિસે પરાજયનો સામનો કરવો પડ્યો.

બહલ કહે છે, "અમેરિકાના મતદારોમાં શ્વેત મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ છે. ચૂંટણી દરમિયાન આ મહિલાઓએ વ્યાપકપણે મતદાન કર્યું હતું. એટલે રોચક વાત એ છે કે આમ છતાં ટ્રમ્પને વધુ મત મળ્યા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.