ઇલોન મસ્ક શું ડોનાલ્ડ ટ્રમ્પની કૅબિનેટમાં સામેલ થશે?

અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બનશે એવી જાહેરાત થઈ ત્યારથી ટ્રમ્પની કૅબિનેટમાં કોને સ્થાન મળશે તે અંગે અટકળો લગાવવામાં આવી રહી છે.

આ યાદીમાં અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કનું નામ પણ સામે આવી રહ્યું છે. કારણ કે ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે ખુલ્લેઆમ ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં પ્રચાર કર્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંકેત આપ્યો હતો કે સરકારમાં મસ્કની ભૂમિકા હશે. તેના પર ઇલોન મસ્કે કહ્યું હતું કે, “ટ્રમ્પ અને હું એક એવો વિભાગ બનાવીશું જે નકામા સરકારી ખર્ચ પર નજર રાખશે. મસ્કે તેને સરકારની ક્ષમતા વધારવા માટેનો વિભાગ ગણાવ્યો હતો.”

ગઇકાલે ફ્લૉરિડામાં સમર્થકોને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કને 'અદ્ભુત વ્યક્તિ' અને 'નવા સ્ટાર' ગણાવ્યા હતા. મસ્ક ઘણીવાર ટ્રમ્પના વખાણ પણ કરે છે.

મસ્ક ઉપરાંત ટ્રમ્પની કેબિનેટમાં માઇક પોમ્પિયો, સુસી વિલ્સ અને રોબર્ટ એફ. કેનેડી જુનિયરનો સમાવેશ પણ થઈ શકે છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈએ કંઈ કહ્યું નથી.

કમલા હૅરિસે પરાજય બાદ ભાષણમાં શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજેતા થયેલા ડોનાલ્ડ ટ્રમ્પનાં પ્રતિસ્પર્ધી ઉમેદવાર અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે પોતાની હાર સ્વીકારી છે અને પોતાના સમર્થકોને આપેલા ભાષણમાં સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે કરવાની વાત કરી છે.

તો બીજી તરફ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિજયી થયા બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી.

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કરીને આના વિશે માહિતી આપી હતી અને લખ્યું કે તેમની વચ્ચે 'સારી' વાતચીત થઈ અને બંને દેશ વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

દરમિયાન અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ અને ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ તથા રાષ્ટ્રપતિ જો બાઇડને પણ ફોન પર ટ્રમ્પને શુભકામનાઓ પાઠવી હતી.

વિશ્વભરના નેતાઓ ટ્રમ્પને અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે વ્લાદીમીર પુતિનનું મૌન ઘણાંને માટે આશ્ચર્યજનક છે.

ટ્રમ્પને વિજયી બનવા માટે 538 સભ્યવાળા ગૃહમાં 270 ઇલેક્ટોરલ કૉલેજ વોટની જરૂર હતી. ભારતીય સમય મુજબ, ગુરૂવાર સવારે તેમણે 294 અને કમલા હૅરિસે 223 બેઠક મેળવી હતી.

આ ચૂંટણી દરમિયાન અનેક એવી બાબતો બની હતી જે અગાઉ ક્યારેય અમેરિકાની ચૂંટણી દરમિયાન જોવા નહોતી મળી.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ 2017થી 2021 સુધી રાષ્ટ્રપતિપદે રહ્યા છે. તેમનો આગામી કાર્યકાળ તા. 20 જાન્યુઆરી, 2025ના રોજ શરૂ થશે.

મોદી અને ટ્રમ્પ વચ્ચે વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાત્રે 10.40 કલાકે ઍક્સ પર પોસ્ટ મૂકી હતી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત થઈ હોવાની માહિતી આપી હતી.

મોદીએ લખ્યું, "મારા મિત્ર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સારી એવી વાતચીત થઈ. મેં તેમને ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવ્યા."

"ફરી એકવાર સાથે મળીને ટૅક્નૉલૉજી, ડિફેન્સ, ઊર્જા, સ્પેસ તથા અન્ય ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત છે."

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ બન્યા હતા, એટલે તેમની નીતિઓ સાર્વજનિક છે. નરેન્દ્ર મોદી સરકારને અલગ-અલગ મુદ્દે ટ્રમ્પ સરકાર સાથે કામ કરવાનો અનુભવ છે.

ટ્રમ્પ અનેક વખત નરેન્દ્ર મોદીને "મિત્ર" ગણાવી ચૂક્યા છે, સાથે જ ભારતની અનેક નીતિઓની ટીકા પણ કરી છે. સમગ્ર પ્રચારઅભિયાન દરમિયાન ટ્રમ્પે અનેક વખત મોદીનું નામ લીધું હતું.

ઉલ્લેખનીય છે કે ભારતીય સમય પ્રમાણે, બુધવારે બપોરે સ્પષ્ટ થઈ ગયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. એ પછી વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ પોતે અને ટ્રમ્પ સાથે હોય તેવી તસવીરો મૂકી હતી.

જોકે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પને શુભેચ્છા ન પાઠવતા અટકળો વહેતી થઈ હતી. અગાઉ 2016ની અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન રશિયાએ દખલ દીધી હોવાના આરોપ લાગ્યા હતા.

હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં અમેરિકા યુક્રેનનું સમર્થન કરી રહ્યું છે.

કમલા હૅરિસનું પહેલું ભાષણ

ભારતીય સમય મુજબ બુધવારે સવારે અપેક્ષા મુજબ પરિણામ ન આવતાં કમલા હૅરિસે તેમનું મતગણતરી દરમિયાનનું ભાષણ રદ કરી દીધું હતું. જોકે, એ પછી ગુરૂવારે વહેલી સવારે તેમણે સમર્થકોને પહેલું સંબોધન કર્યું હતું.

હૅરિસે આ ભાષણમાં પોતાનાં સમર્થકોને ડોનાલ્ડ ટ્રમ્પના વિજયનો સ્વીકાર કરવા અપીલ કરી હતી.

વૉશિંગ્ટન ડીસીસ્થિત હાવર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપતી વેળાએ હૅરિસે સ્વીકાર્યું, "આપણે ઇચ્છતાં હતાં એવાં ચૂંટણીપરિણામ નથી આવ્યાં," સાથે જ તેમણે સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણની વાત પણ કહી હતી.

હૅરિસે પોતાનાં સમર્થકોને નિરાશ નહીં થવાની અને આદર્શો મુદ્દે ક્યારેય હાર નહીં માનવાની વાત કહી હતી.

હૅરિસનું મંચ ઉપર આગમન થયું ત્યારે પૃષ્ઠભૂમિમાં તેમનું ચૂંટણીપ્રચાર ગાન વાગતું હતું. તેમણે ડેમૉક્રૅટિક પાર્ટીના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટિમ વાલ્ઝ, કૅમ્પેઇન સ્ટાફ, સમર્થકો, ચૂંટણીકર્મીઓ અને ચૂંટણી અધિકારીઓનો આભાર માન્યો હતો.

હૅરિસના ભાષણ દરમિયાન અનેક સમર્થકો આંસુ લૂછતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું, "મને ખબર છે કે તમે લોકો અનેક પ્રકારની લાગણીઓ અનુભવી રહ્યા છો. હું તેને સમજુ છું, પરંતુ આપણે આ ચૂંટણીપરિણામોનું સન્માન કરવું જોઈએ."

હૅરિસે કહ્યું હતું કે ભલે ચૂંટણીમાં હાર થઈ હોય, પરંતુ તેમણે જે મુદ્દે ચૂંટણી લડી હતી, તેના વિશે પોતાની લડત ચાલુ રાખશે.

સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ થશે

બીબીસીની અમેરિકન સહયોગી ચૅનલ સીબીએસ ન્યૂઝના જણાવ્યા પ્રમાણે, આ પહેલાં કમલા હૅરિસે પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને તેમને વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની હારનો સ્વીકાર કર્યો હતો.

તેમણે 'સત્તાના શાંતિપૂર્ણ હસ્તાંતરણ'ની વાત કહી હતી અને ટ્રમ્પને 'તમામ અમેરિકનોના રાષ્ટ્રપતિ' બની રહેવાની વાત ભારપૂર્વક જણાવી હતી.

કમલા હૅરિસ પછી રાષ્ટ્રપતિ જો બાઇડને પણ કોલ કરીને ડોનાલ્ડ ટ્રમ્પને તેમના વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે, બાઇડને પણ શાંતિપૂર્વક સત્તાનું હસ્તાંતરણ સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ વ્હાઇટ હાઉસમાં મુલાકાત માટે ટ્રમ્પને આમંત્રણ પાઠવ્યું હતું.

બાઇડન ગુરૂવારે પ્રજાજોગ સંબોધન કરશે, જેમાં ચૂંટણીપરિણામ અને સત્તાના હસ્તાંતરણ વિશે વાત કરશે.

તેમણે કમલા હૅરિસને 'ઐતિહાસિક અભિયાન' બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ટ્રમ્પે અભિયાન દરમિયાન હૅરિસની દૃઢતા અને પ્રોફેશનલિઝમની પ્રશંસા કરી હતી.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તથા તેમનાં પત્ની મિશેલે પણ કમલા હૅરિસના જુસ્સા અને પ્રચારઅભિયાનની પ્રશંસા કરી હતી. સાથે જ તેમને પ્રતિબદ્ધ જનસેવક ગણાવ્યાં હતાં.

આ બધું પહેલીવાર બન્યું

અમેરિકાનાં ચૂંટણીપરિણામો પરથી સ્પષ્ટ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનશે. તેઓ આવતા વર્ષે તા. 20 જાન્યુઆરીના સત્તાવાર રીતે પદભાર સંભાળશે એ પહેલાં સુધી તેઓ પદનામિત રહેશે.

  • ડોનાલ્ડ ટ્રમ્પ ગુનાહિત દોષ સાબિત થવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ બનનાર પહેલી વ્યક્તિ બન્યા
  • 78 વર્ષીય ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલી સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ બની ગયા છે.
  • ટ્રમ્પના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ પદ સુધી પહોંચનારા પહેલા મિલેનિયલ હશે. આ પદ સુધી પહોંચનારા ત્રીજા ક્રમાંકના યુવા નેતા છે.
  • વેન્સનાં પત્ની ઉષા ભારતીય મૂળનાં છે. પહેલી વખત કોઈ ભારતીય મૂળનાં મહિલા સૅકન્ડ લેડી બનશે. ઉષાનાં માતા-પિતા ભારતીય ઇમિગ્રન્ટ્સ હતાં. ઉષાનો જન્મ સૅન ડિએગોમાં થયો હતો અને ત્યાં જ તેમનો ઉછેર થયો. ઉષાએ અહીં જ ભણતર પણ મેળવ્યું.
  • સારા મૅકબ્રાઇડ યુએસ કૉંગ્રેસ માટે ચૂંટાયેલાં પ્રથમ ટ્રાન્સજેન્ડર બન્યાં છે. તેમણે ડૅલેવરની બેઠક જીતી છે.
  • પહેલી વાર સેનેટમાં બે અશ્વેત મહિલા ચૂંટાઈ આવ્યા છે. એન્જેલા અલ્સોબ્રુકસ તથા લિસા બ્લન્ટ. બંને ડેમૉક્રૅટિક પાર્ટીનાં સભ્ય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.