રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો કાર્યકાળ કેવો રહેશે?

ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે, ત્યારે કેટલાક વિવેચકો માને છે કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ પરથી જ સંકેત મળી જાય છે કે તેઓ બીજા કાર્યકાળમાં કેવી રીતે કામ કરશે.

તેઓ માને છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2020માં તેમની પ્રથમ ટર્મના અંતે કાર્યો જ્યાંથી છોડ્યાં હતાં, ત્યાંથી જ ફરી શરૂ કરશે.

તેમનો એક અધૂરો પ્રોજેક્ટ અમેરિકાની દક્ષિણ સરહદને સીલ કરવાનો છે. તેમના પ્રથમ કાર્યકાળની આ ખાસ નીતિ હતી. તેના માટે કૉંગ્રેસ પાસેથી પૂરતું ભંડોળ મંજૂર કરાવવામાં તેઓ નિષ્ફળ ગયા હતા જેમાં તેમણે સરહદ પર ઊંચી દીવાલ બાંધવાની યોજના ઘડી હતી.

તેઓ આ દીવાલનું બાંધકામ પૂર્ણ કરવાના તેમના ચૂંટણીના વાયદાને નિભાવશે તેવું માનવામાં આવે છે.

મોટા પાયે ડિપોર્ટેશન

રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને તેમના દેશમાં પાછા મોકલી દેવા માગે છે અને તેના માટે તેઓ મોટા પાયે ડિપોર્ટેશન કરવા કૉંગ્રેસનું સમર્થન માંગે તેવી શક્યતા છે.

પ્યુ રિસર્ચ સેન્ટરના અંદાજ મુજબ 2022માં અમેરિકામાં લગભગ 1.10 કરોડ અનધિકૃત ઇમિગ્રન્ટ્સ હતા. જોકે, ટ્રમ્પ અને તેમના ચૂંટણી પ્રચારમાં દાવો કરાયો હતો કે આ અંદાજ કરતા લાખો વધારે ગેરકાયદે ઇમિગ્રન્ટ વસે છે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગેરકાયદે માઇગ્રન્ટ્સને સામૂહિક રીતે ડિપોર્ટ કરવાનું કામ બહુ ખર્ચાળ સાબિત થશે અને તેનો અમલ કરવો મુશ્કેલ હશે. તેનાથી અર્થતંત્રના અમુક ક્ષેત્રો પર નકારાત્મક અસર પડી શકે છે જેમાં ગેરકાયદે કામદારો મુખ્ય ભૂમિકા ભજવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જુલાઈમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે રિપબ્લિકન પાર્ટીના નામાંકનને સ્વીકાર્યું, ત્યારે તેમણે "ભયંકર ફુગાવાનો તાત્કાલિક અંત લાવવા, વ્યાજ દરો નીચે લાવવા અને ઈંધણના ભાવ ઘટાડવા"નું વચન આપ્યું હતું.

તેમણે 2017માં જે કાપ મૂક્યા હતા તેને વધારે લંબાવવા માગે છે, કારણ કે તે કાપ આવતા વર્ષે સમાપ્ત થવાના છે. તેમણે અમેરિકામાં કેટલાય દાયકામાં સૌથી મોટો ટૅક્સ ફેરફાર કર્યો હતો જેનો હેતુ ટૅક્સ વ્યવસ્થાને સરળ બનાવવાનો અને વૃદ્ધિ તથા રોકાણને પ્રોત્સાહન આપવાનો હતો.

ટૅક્સમાં કાપનો સૌથી મોટો લાભ મોટા ઉદ્યોગો અને ધનાઢ્ય લોકોને થયો છે, ડેમૉક્રેટ્સે આ લાભ ઊલટાવવાની વાત કરી હતી.

ટ્રમ્પ કૉર્પોરેટ ટૅક્સના દરોને વધુ ઘટાડીને 15 ટકા કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેમણે ટિપ્સ પર લાગતા ટૅક્સ અને નિવૃત્ત લોકોને સામાજિક સુરક્ષા તરીકે મળતી રકમ પરના ટૅક્સને નાબૂદ કરવાની વાત કરી છે.

વધુ ટ્રેડ વૉર થશે?

ટ્રમ્પ માને છે કે ઑઇલના ઊંચા ભાવના કારણે ફુગાવો વધ્યો છે. તેથી તેઓ ઑઇલનું ઉત્પાદન વધારવા વધારે ડ્રિલિંગ કરવા માંગે છે. ઑઇલ ઉત્પાદન વધવાથી ઈંધણનો ખર્ચ ઘટશે, પરંતુ નિષ્ણાતોને આ વાતમાં શંકા છે.

તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ મોટા ભાગની વિદેશી ચીજવસ્તુઓ પર 10થી 20 ટકા ટેરિફ લાદવાના છે અને ચીનમાંથી થતી આયાત પર 60 ટકા ટેરિફ લાદશે. જોકે, ઘણા અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે આવા પગલાંના કારણે અમેરિકન ગ્રાહકોએ ભાવ વધારો સહન કરવો પડશે.

પોતાના પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે ચીન સાથે વ્યાપાર યુદ્ધ શરૂ કર્યું હતું. તેમણે ચીન પર અયોગ્ય વેપાર પ્રથા અપનાવવાનો અને બૌદ્ધિક સંપદા (ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી)ની ચોરીનો આરોપ લગાવ્યો હતો.

જોકે, અમેરિકન કૉંગ્રેસમાં કોણ કોણ છે તેના પરથી ખબર પડશે કે ટ્રમ્પ પોતાની મરજી મુજબ નીતિઓ લાગુ કરી શકે છે કે કેમ.

અહીં નોંધવું જરૂરી છે કે વર્ષ 2017-2019માં રિપબ્લિકન પાસે સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ બંને પર નિયંત્રણ હતું.

પરંતુ તે સમયે કેપિટલ હિલમાં ટ્રમ્પ શીખાઉ હતા અને કૉંગ્રેસ કઈ રીતે કામ કરે છે તેનાથી અજાણ માનવામાં આવતા હતા. તેના કારણે કૉંગ્રેસમાં રિપબ્લિકનોની બહુમતી હોવા છતાં મહત્ત્વની નીતિવિષયક બાબતોમાં તેનો લાભ લેતા આવડ્યું ન હતું તેમ તે વખતના રાજકીય વિશ્લેષકોએ કહ્યું હતું.

ગર્ભપાત પર પ્રતિબંધ

ટ્રમ્પે પ્રથમ કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરી હતી જેમણે ગર્ભપાતના બંધારણીય અધિકારને ખતમ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 1973નો એ ચુકાદો રો વિરુદ્ધ વેડ તરીકે ઓળખવામાં આવે છે. તેથી ઘણા લોકો વિચારે છે કે નવા રાષ્ટ્રપતિ તેમના બીજા કાર્યકાળ દરમિયાન શું કરી શકે છે.

જોકે, સપ્ટેમ્બરમાં કમલા હેરિસ સાથેની તેમની ટેલિવિઝન ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ ગર્ભપાત પર પ્રતિબંધના ફેડરલ કાયદા પર હસ્તાક્ષર નહીં કરે, કારણ કે તેમણે કહ્યું હતું કે, "પ્રતિબંધ પર હસ્તાક્ષર કરવાનું કોઈ કારણ નથી કારણ કે આપણે દરેકને જે જોઈએ છે તે મેળવી લીધું છે."

અમેરિકા અલગતાવાદના રસ્તે?

વિદેશ નીતિ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો બીજો કાર્યકાળ તેમની પ્રથમ ટર્મ જેવો જ રહેવાની સંભાવના છે. તેઓ દુનિયામાં અન્યત્ર ચાલતા સંઘર્ષોમાંથી અમેરિકાને દૂર રાખશે.

તેમણે કહ્યું છે કે તેઓ રશિયા સાથે વાટાઘાટો દ્વારા સમાધાન કરાવીને "24 કલાકની અંદર" યુક્રેનમાં યુદ્ધનો અંત લાવશે. ડેમૉક્રેટ્સનું કહેવું છે કે આમ કરવાથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની હિંમત વધી જશે.

ટ્રમ્પ પોતાને ઇઝરાયલના કટ્ટર સમર્થક ગણાવે છે, પરંતુ ગાઝાનું યુદ્ધ કેવી રીતે સમાપ્ત કરાવવું તેના વિશે ખાસ બોલ્યા નથી.

સંઘર્ષમાં મધ્યસ્થી તરીકે કામ કરતા માર્ટિન ગ્રિફિથ્સ કહે છે કે, "હું ટ્રમ્પના રાષ્ટ્રપતિપદને અલગતાવાદ અને એકપક્ષીયતા તરીકે જોઉં છું જે વૈશ્વિક અસ્થિરતામાં વધારો કરે છે." માર્ટિન ગ્રિફિથ્સ હમણાં સુધી માનવતાવાદી બાબતો અને ઈમરજન્સી રિલિફ કો-ઑર્ડિનેટર માટે યુએનના અંડર-સેક્રેટરી-જનરલ હતા.

નાટોના ભૂતપૂર્વ અધિકારી અને હાલમાં ઍક્સેટર યુનિવર્સિટીમાં સ્ટ્રેટેજી અને સિક્યૉરિટીના પ્રોફેસર જેમી શિયા માને છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં તેમની શૈલી ઊથલપાથલ મચાવનારી હતી. "પરંતુ તેનું કામ જોવામાં આવે તો તેમાં ઘણું બધું સાતત્ય હતું."

"તેમણે નાટોમાંથી પીછેહઠ કરી ન હતી, તેમણે અમેરિકન સૈનિકોને યુરોપમાંથી પાછા બોલાવી લીધા ન હતા અને તે યુક્રેનને ઘાતક શસ્ત્રો આપનારા પ્રથમ અમેરિકન પ્રમુખ હતા."

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં માત્ર બીજા રાષ્ટ્રપતિ છે જેઓ બે બિનસળંગ ટર્મ માટે ચૂંટાયા છે.

અગાઉ ગ્રોવર ક્લિવલૅન્ડ આવા રાષ્ટ્રપતિ હતા જેઓ 1885થી 1889 વચ્ચે પહેલી વખત ચૂંટાયા હતા અને પછી ચાર વર્ષ પછી તેમને ફરી મૅન્ડેટ મળ્યો અને તેઓ 1893થી 1897 વચ્ચે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.