અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પને કેટલો પગાર મળશે?

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. અમેરિકાના વૉશિંગ્ટનમાં કૅપિટોલ હિલમાં એક ભવ્ય સમારોહમાં શપથ લીધા.

તેમની સાથે જેડી વાન્સે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની મિલેનિયા ટ્રમ્પ તથા તેમનો સમગ્ર પરિવાર અને જેડી વાન્સનો પરિવાર પણ શપથગ્રહણમાં હાજર રહ્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં જો બાઇડન પણ સામેલ થયા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમનાં પત્ની હિલરી ક્લિન્ટન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, જ્યૉર્જ ડબલ્યુ બુશ પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા.

હવે, જ્યારે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે તો જોઈએ કે તેમને કેટલો પગાર મળશે અને કેટલી સુવિધા મળશે?

સર્વસત્તાધીશ નોકર

અમેરિકાના રાષ્ટ્રપતિની ગણના વિશ્વના સૌથી શક્તિશાળી લોકોમાંથી એક તરીકે થાય છે. એટલે ઘણા લોકોને એવું લાગી શકે છે કે તેમને લાખો-કરોડો રૂપિયાનો પગાર મળતો હશે.

પરંતુ એવું નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ દેશમાં સર્વસત્તાધીશ હોવા છતાં સરકારી નોકર છે. રાષ્ટ્રપતિપદે બેસનારી વ્યક્તિનો પગાર જનતાએ ભરેલા ટૅક્સના નાણાંમાંથી થાય છે, એટલે તેમના પ્રત્યે જવાબદાર હોય છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને વાર્ષિક ચાર લાખ ડૉલરનો પગાર મળતો હતો. ભારતીય ચલણ પ્રમાણે, આ રકમ રૂ. ત્રણ કરોડ 40 લાખ જેટલી થવા જાય છે.

ટ્રમ્પને પણ આટલો જ પગાર મળશે.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિને ખર્ચ પેટે વધારાના 50 હજાર ડૉલર એટલે કે રૂ. 42 લાખ મળે છે.

વૉશિંગ્ટન ડીસીસ્થિત વ્હાઇટ હાઉસ એ અમેરિકના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન અને કચેરી હોય છે. અહીં તેમનો નિવાસ નિઃશુલ્ક હોય છે.

રાષ્ટ્રપતિ જ્યારે પહેલી વખત વ્હાઇટ હાઉસમાં પ્રવેશ કરે, ત્યારે તેમને એક લાખ ડૉલર એટલે કે લગભગ રૂ. 84 લાખ મળે છે. જેથી કરીને તેઓ ફર્નિચર, પડદાં તથા અન્ય રાચરચીલાંને પોતાની પસંદ મુજબ ઢાળી શકે.

રાષ્ટ્રપતિને વાર્ષિક 19 હજાર ડૉલર (લગભગ રૂ. 16 લાખ) મનોરંજન, સ્ટાફ તથા રસોઇયા માટે મળે છે.

લાભો અને ભથ્થાં

અમેરિકાના રાષ્ટ્રપતિની તમામ આરોગ્યલક્ષી સેવાઓ નિઃશુલ્ક હોય છે

અમેરિકાના રાષ્ટ્રપતિને પરિવહન માટે લિમૉઝિન કાર, મરીન હૅલિકૉપ્ટર અને ઍરફૉર્સ વન નામનું વિમાન મળે છે.

અમેરિકા રાષ્ટ્રપતિના કાફલામાં રહેલી લિમૉઝિન કાર આધુનિક સુરક્ષા અને સંચાર પ્રણાલીથી સજ્જ હોય છે.

લિમૉઝિન કારમાં રાષ્ટ્રપતિની પસંદ મુજબ સમયાંતરે જરૂરી સુધારા-વધારા કરવામાં આવે છે. કારને વધુ સુરક્ષિત બનાવવા માટે સમયાંતરે તેમાં ફેરફાર કરવામાં આવે છે.

ઍરફૉર્સ વનમાં લગભગ ચાર હજાર વર્ગફૂટનો વિસ્તાર હોય છે. તેને 'ઊડતા હવાઈકિલ્લા' અને 'ઊડતા વ્હાઇટ હાઉસ' તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ખૂબ જ સુરક્ષિત હોય છે. રાષ્ટ્રપતિ તેમના રોજબરોજનાં કામકાજ કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા તેમાં હોય છે.

રાષ્ટ્રપતિ ઉપરાંત લગભગ 100 લોકોનો સ્ટાફ તેમની સાથે પ્રવાસ કરી શકે તેવી વ્યવસ્થા ઍરફૉર્સ વનમાં હોય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ઍન્ડ્રુસ ઍરફૉર્સ બેઝ પરથી પોતાની આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતા હોય છે. વૉશિંગ્ટનમાં પોતાના સત્તાવાર નિવાસસ્થાનેથી હવાઈમથક સુધીની સફર તેઓ મરીન વન હૅલિકૉપ્ટરમાં ખેડે છે.

2001થી પગારવધારો નહીં

સામાન્ય દરેક કર્મચારીને દર વર્ષે કે સમયાંતરે પગારવધારો મળે છે, પરંતુ અમેરિકામાં વર્ષ 2001થી રાષ્ટ્રપતિની સૅલરીમાં વૃદ્ધિ નથી થઈ.

વર્ષ 2001થી અમેરિકાના રાષ્ટ્રપતિના પગારમાં કોઈ વધારો નથી થયો. એ સમયે જ્યૉર્જ ડબલ્યુ. બુશે પદભાર સંભાળ્યો હતો અને સૅલેરીમાં વધારો કરવામાં આવ્યો હતો.

અમેરિકાના ટોચના ધનિકો વાર્ષિક સરેરાશ સાત લાખ 88 હજાર ડૉલર એટલે કે અંદાજે રૂ. 66 કરોડની કમાણી કરે છે, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિનો પગાર એમનાથી લગભગ અડધા જેટલો છે.

આમ છતાં, અમેરિકાના રાષ્ટ્રપતિનો પગાર સરેરાશ દેશવાસી કરતાં છગણા જેટલો વધારે છે. સરેરાશ અમેરિકન વાર્ષિક 63 હજાર 795 ડૉલર (લગભગ રૂ. 53 લાખ) જેટલી કમાણી કરે છે.

જ્યૉર્જ વૉશિંગ્ટન અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. તેમને વાર્ષિક બે હજાર ડૉલરનો પગાર મળતો. જે તત્કાલીન સમય પ્રમાણે મોટી રકમ હતી. આ સિવાય વૉશિંગ્ટન પોતે પણ સમૃદ્ધ ખેડૂત હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ(અગાઉના કાર્યકાળમાં), જૉન એફ કૅનેડી તથા હર્બર હૂવર જેવા અમેરિકાના સંપન્ન રાષ્ટ્રપતિઓ તેમનો વાર્ષિક પગાર દાનમાં આપી દેતા.

આ સિવાય અમેરિકાના રાષ્ટ્રપતિને નિવૃત્ત થયે વાર્ષિક બે લાખ 40 હજાર ડૉલરનું (રૂ. બે કરોડ અંદાજે) પેન્શન આજીવન મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.