ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ, કયા મુદ્દા પર મળી જીત?

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત આઠ વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા પરંતુ 2020માં ટ્રમ્પને જો બાઇડને સત્તામાંથી બહાર કર્યા હતા. આ વખતે ટ્રમ્પે કમલા હૅરિસને હરાવ્યાં છે.

ગઈ વખતની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર પછી ટ્રમ્પ સમર્થકોએ કૅપિટલ હિલ વિસ્તારમાં તોફાનો કર્યાં હતાં જેની ડેમૉક્રેટિક પાર્ટીએ ટીકા કરી હતી.

ઉત્તર અમેરિકાના બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચર અનુસાર મોટા ભાગના સરવે અનુસાર આ વખતની ચૂંટણીમાં અમેરિકન લોકોએ ઇમિગ્રેશન અને અર્થતંત્રના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને વોટ આપ્યા છે.

અમેરિકાનાં એ રાજ્યો, જ્યાં જીતથી ટ્રમ્પનો રાષ્ટ્રપતિ બનવાનો રસ્તો સ્પષ્ટ થયો

ડોનાલ્ડ ટ્રમ્પ સાત સ્વિંગ સ્ટેટ્સમાંથી ચાર પર જીત મેળવી ચૂક્યા છે. તેમાં જ્યૉર્જિયા, નૉર્થ કૅરોલાઇના, વિસ્કૉન્સિન અને પેન્સિલવેનિયા સામેલ છે.

વિસ્કૉન્સિનમાં જીત બાદ એ નક્કી થઈ ગયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનશે. અહીં ટ્રમ્પે એક ટકા મતના અંતરથી જીત મેળવી છે.

વિસ્કૉન્સિનમાં જીત બાદ જ ટ્રમ્પને બહુમતી મળી છે. અહીં 10 ઇલેક્ટોરલ મત છે.

સ્વિંગ સ્ટેટ્સનાં નામ છે- ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નેવાડા, નૉર્થ કૅરોલાઇના, પેન્સિલવેનિયા અને વિસ્કૉન્સિન. આ એ રાજ્યો છે, જ્યાં હારજીત બહુ ઓછા અંતરે થાય છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેમને 279 ઇલેક્ટોરલ મત મળ્યા છે. જ્યારે કમલા હૅરિસ 223 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે.

જ્યૉર્જિયા અને નૉર્થ કેરોલાઇનામાં 16-16 ઇલેક્ટોરલ વોટ છે. જ્યારે પેન્સિલવેનિયામાં સૌથી વધારે ઇલેક્ટોરલ 19 વોટ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ બનશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ, કમલા હૅરિસને હરાવ્યાં

નૉર્થ અમેરિકાના બીબીસી સંવાદદાતા ઍન્થની ઝર્ચર અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા છે.

હિલરી ક્લિન્ટનને ચૂંટણીમાં હરાવ્યાના આઠ વર્ષ બાદ અને ચાર વર્ષ પહેલાં જો બાઇડન સામે હારી ગયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે બહુમત હાંસલ કરી લીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે 279 ઇલેક્ટોરલ વોટ હાંસલ કરી લીધા છે.

જ્યારે કમલા હૅરિસ 219 ઇલેક્ટોરલ વોટ જીત્યા છે.

ટ્રમ્પે અમેરિકાનાં સાતમાંથી ચાર સ્વિંગ સ્ટેટમાં જીત હાંસલ કરી લીધી છે. તેમાં જ્યૉર્જિયા, નૉર્થ કૅરોલાઇના, વિસ્કૉન્સિન અને પેન્સિલવેનિયા સામેલ છે.

અમેરિકામાં 538 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે, બહુમત માટે 270 વોટની જરૂર હોય છે.

જ્યૉર્જિયા અને નૉર્થ કેરોલાઇનામાં 16-16 ઇલેક્ટોરલ વોટ છે. જ્યારે પેન્સિલવેનિયામાં સૌથી વધારે ઇલેક્ટોરલ વોટ છે.

આ ત્રણ ઉપરાંત અન્ય સ્વિંગ સ્ટેટ્સ નેવાડા, મિશિગન અને એરિઝોના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મિત્ર' ડોનાલ્ડ ટ્રમ્પને શુભેચ્છા પાઠવી

અમેરિકાનાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું પરિણામ નક્કી કરતાં સાત સ્વિંગ રાજ્યોમાંથી નૉર્થ કૅરોલાઇના અને જ્યૉર્જિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. બંને રાજ્યોમાં 16-16 ઇલેક્ટોરલ કૉલેજ વોટ છે.

અમેરિકાનાં ચૂંટણીપરિણામોને અસર કરતાં સાતમાંથી બે રાજ્યોમાં વિજય મેળવી લીધો છે અને પાંચમાં અગ્રેસર છે.

ફ્લૉરિડા ખાતે પોતાના સમર્થકોને સંબોધિત કરતી વેળાએ ટ્રમ્પે પોતાના વિજયને "અભૂતપૂર્વ" ગણાવ્યો હતો અને કહ્યું હતું કે "દેશના ઘાવ ભરવામાં મદદ કરશે."

ભારત, બ્રિટન, ઇઝરાયલ સહિત દેશ-વિદેશના વડા પ્રધાન તથા રાષ્ટ્રાધ્યક્ષોએ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા છે. વડા પ્રધાન મોદીએ ટ્રમ્પને 'મિત્ર' ગણાવ્યા હતા.

ભારતીય સમય મુજબ મંગળવારે બપોરે સાડા ચાર વાગ્યા આસપાસથી મતદાન શરૂ થયું હતું.

જીત માટે 538માંથી 270 ઇલેક્ટ્રૉલ વોટની જરૂર રહે છે. ઉલ્લેખનીય છે કે આ વલણ છે અને પ્રમાણિત પરિણામો આવતા દિવસોનો સમય લાગી શકે છે.

કમલા હૅરિસ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ટ્રમ્પ સતત ત્રીજી વખત રિપબ્લિકન પાર્ટી વતી ચૂંટણીજંગમાં ઊતર્યા છે.

ઉલ્લેખનીય છે કે ડેમૉક્રૅટિક પાર્ટીએ ચૂંટણીની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઇડનને ટ્રમ્પ સામે ઉતાર્યા હતા, પરંતુ બંને નેતાઓ વચ્ચેની પ્રથમ ટેલિવિઝન ડિબૅટમાં બાઇડનના પ્રદર્શન બાદ તેમને હઠી જવા માટે કહેવામાં આવ્યું હતું અને હૅરિસ માટે માર્ગ મોકળો થયો હતો.

મોદી - મિત્ર ટ્રમ્પને ઐતિહાસિક વિજય બદલ અભિનંદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિજય માટે જરૂરી 270 કૉલેજ વોટની વચ્ચે હાથવેંતનું છેટું છે, એ પહેલાં જ વિશ્વભરના નેતાઓ તેમને વિજય બદલ શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર પોતાની અને ટ્રમ્પની તસવીરો પોસ્ટ કરી હતી. સાથે જ લખ્યું, "ઐતિહાસિક ચૂંટણીવિજય બદલ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને હૃદયપૂર્વક અભિનંદન. તમે અગાઉના કાર્યકાળની સફળતાઓને આગળ ધપાવો. હું તમારી સાથે મળીને ભારત-અમેરિકા વચ્ચેની સર્વાંગી વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરીશું."

"આવો આપણે સાથે મળીને આપણા લોકોના ઉત્કર્ષ માટે કામ કરીએ. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારીએ."

ઉલ્લેખનીય છે કે વર્ષ 2020માં ભારતમાં કોરોનાનું આગમન થયું તે પહેલાં અમદાવાદના તત્કાલીન મોટેરા સ્ટેડિયમ ખાતે મોદીએ ટ્રમ્પને આવકાર્યા હતા. જોકે, એ વર્ષના નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાઈ હતી અને જો બાઇડન સામે તેમનો પરાજય થયો હતો.

દેશના ઘાવ ભરીશું - ટ્રમ્પ

અમેરિકાના ફ્લૉરિડા ખાતે ટ્રમ્પના પ્રચાર મુખ્યાલય ખાતે મોટી સંખ્યામાં સમર્થક એકઠા થયા છે. તેમનામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પૂર્વ રાષ્ટ્રપતિ જ્યારે મંચ ઉપર આવ્યા ત્યારે લોકોએ ચીચીયારીઓથી તેમને વધાવી લીધા હતા. લોકોએ 'વી વૉન્ટ ટ્રમ્પ, વી વૉન્ટ ટ્રમ્પ'ના નારા લગાવ્યા હતા. ટ્રમ્પનાં પત્ની મેલાનિયા ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેડી વાન્સ અને પણ મંચ ઉપર હાજર હતાં.

ટ્રમ્પે કહ્યું હતું કે દેશના મતદારોએ અભૂતપૂર્વ અને નિર્ણાયક ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશનો સ્વર્ણિયમ યુગ શરૂ થશે,

ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ દેશના ઘાવ ભરવામાં મદદ કરશે. ટ્રમ્પે મંચ ઉપર ઉપસ્થિત પત્નીને "ફર્સ્ટ લેડી" કહીને સંબોધિત કર્યાં હતાં. સાથે વિજય માટે પ્રયાસો કરવા બદલ પોતાના સંતાનોનો નામોલ્લેખ કર્યો હતો.

અમેરિકાના ફૉક્સ ટેલિવિઝન નેટવર્કે ટ્રમ્પના વિજયની જાહેરાત કરી હતી, જેને સમર્થકોએ હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી. જોકે, બીબીસીના પાર્ટનર સીબીએસ તથા અન્ય કોઈ ન્યૂઝ નેટવર્કે ટ્રમ્પને વિજેતા જાહેર નથી કર્યા.

ટ્રમ્પ અહીં ટૂંક સમયમાં પહોંચશે અને સમર્થકોને સંબોધિત કરશે. અહીં મીડિયા પણ મોટી સંખ્યામાં હાજર છે.

આ પહેલાં વર્ષ 2016માં પણ આવું જ થયું હતું. એ સમયે ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન વિજયી થશે એવું સમર્થકોને લાગતું હતું. ન્યૂ યૉર્કમાં સભા માટેનું સ્ટેજ પણ તૈયાર હતું.

જોકે, પરિણામો અપેક્ષા મુજબ ન આવતાં ડેમૉક્રૅટિક પાર્ટીના સમર્થકોમાં નિરાશાના માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

જો ટ્રમ્પ વિજેતા બનશે તો દેશના 47મા રાષ્ટ્રપતિ બનશે.

કમલા હૅરિસે ભાષણ રદ કર્યું

અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં મતગણતરી ચાલુ થઈ ગઈ છે અને ટ્રમ્પની પાર્ટી અગ્રેસર છે. ત્યારે કમલા હૅરિસે તેમનું ઇલૅક્શન નાઇટ પાર્ટી દરમિયાનનું સંબોધન રદ કરી દીધું છે.

હૅરિસના કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં સમર્થક એકઠા થયા હતા, પરંતુ ચૂંટણીઅભિયાનના વરિષ્ઠ સભ્યના કહેવા પ્રમાણે, હૅરિસ આજે પોતાનું ભાષણ નહીં આપે.

હૅરિસના સમર્થકોનો ઉત્સાહ ધીમે-ધીમે ઓસરતો જણાય છે. ટ્રમ્પે સાતમાંથી બે સ્વિંગ સ્ટેટ્સ જીતી લીધા છે.

ઍરિઝોના અને વિસકૉન્સિનમાં ટ્રમ્પ ખૂબ જ પાતળી સરસાઈ ધરાવે છે. બંને રાજ્યોમાં અડધાથી વધુ મતોની ગણતરી થઈ ગઈ છે. હજુ સુધી કોઈપણ રાજ્યમાં અંતિમ પરિણામ નથી આવ્યા.

સ્વિંગ સ્ટેટ્સની સ્થિતિ

અમેરિકાના સાત સ્વિંગ સ્ટેટ્સમાંથી બેમાં (નૉર્થ કોરલાઇના અને જ્યૉર્જિયા) પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ વિજય મેળવ્યો છે. બંને રાજ્યમાં 16-16 ઇલેક્ટ્રૉલ કૉલેજ વોટ છે.

બાકીના પાંચ રાજ્યોમાં પરિણામ આવવાના બાકી છે, પરંતુ પ્રારંભિક પ્રૉજેક્શન મુજબ તમામ પાંચ રાજ્યમાં ટ્રમ્પ અગ્રેસર છે.

અમેરિકાના રાજકારણમાં જે રાજ્યમાં બંને ઉમેદવાર વચ્ચેની હારજીતનું અંતર પાતળું રહેતું હોય, તેમને સ્વિંગ સ્ટેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઍરિઝોના, જ્યૉર્જિયા, મિશિગન, નેવાડા, નૉર્થ કૅરોલાઇના, પેન્સિલવેનિયા અને વિસ્કૉન્સિન આ પ્રકારના રાજ્યો છે.(ભારતીય સમય મુજબ સવારે બાર વાગ્યા આસપાસ)

જ્યૉર્જિયા: 91 ટકા મતગણતરી પૂર્ણ. ટ્રમ્પ 50.9 ટકા મતથી આગળ

નૉર્થ કૅરોલાઇના: 89 ટકા જેટલી મતગણતરી થઈ ગઈ. 50.7 ટકા વોટથી ટ્રમ્પ અગ્રેસર

પેન્સિલવેનિયા: 82 ટકા મતગણતરી સમાપ્ત. 51.3 ટકા મત સાથે ટ્રમ્પની આગેકૂચ

વિસ્કૉન્સિન: 70 ટકા મતગણતરી પૂર્ણ થઈ. ટ્રમ્પને 50. 7 ટકા મત મળ્યા

ઍરિઝોના: 52 ટકા કાઉન્ટિંગ સમાપ્ત. ટ્રમ્પે 49.8 ટકા મત સાથે આગળ

મિશિગન : 40 ટકા જેટલી મતગણના પૂર્ણ થઈ. 51.3 ટકા મત સાથે ટ્રમ્પ આગળ

નેવાડા – માત્ર બે ટકા મતગણતરી થઈ. 73 ટકા મત સાથે ટ્રમ્પ અગ્રેસર.

પેન્સિલ્વેનિયામાં હૅરિસ અને ટ્રમ્પ વચ્ચે ટક્કર

અમેરિકાના સાત સ્વિંગ સ્ટેટ્સમાંથી એક નૉર્થ કૅરોલાઇનામાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થયો છે. અહીંના તમામ 16 ઇલેક્ટ્રૉલ વોટ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને ફાળે ગયા છે.

અમેરિકાના સ્વિંગ સ્ટેટ પેન્સિલ્વેનિયામાં અડધા કરતાં વધુ બૅલેટની ગણતરી થઈ ગઈ છે, જેમાં હૅરિસ કરતાં ટ્રમ્પ જરાક આગળ છે. બંનેમાંથી કોણ વિજયી થશે તેનું અનુમાન લગાડવું મુશ્કેલ છે.

અહીં 19 ઇલેક્ટ્રૉલ વોટ છે, જે અન્ય કોઈ રાજ્ય કરતાં વધુ છે. એટલે જ બંને પાર્ટીઓ માટે આ રાજ્ય મહત્ત્વપૂર્ણ છે.

વર્ષ 2016માં ટ્રમ્પને જ્યૉર્જિયામાં માત્ર 0.72 ટકા મતથી વિજય મળ્યો હતો. વર્ષ 2020માં બાઇડન અહીં 1.7 ટકા વોટની સરસાઈથી વિજયી થયા હતા.

પેન્સિલ્વેનિયામાં મતગણતરી ધીમી ગતિએ શરૂ થઈ હોય છે. અહીંના કાયદા પ્રમાણે, પહેલાં ચૂંટણીના દિવસે પડેલા મતોની ગણતરી થાય છે અને પછી મતદાનના દિવસ સુધી આવેલા ટપાલ મતોની ગણતરી હાથ ધરાય છે.

વર્ષ 2020માં અહીંના પરિણામો આવતાં દિવસો લાગી ગયા હતા તથા આ વખતે પણ એવું જ થશે એમ માનવામાં આવે છે.

પેન્સિલ્વેનિયા, મિશિગન અને વિસ્કૉન્સિનમાં હૅરિસનો વિજય થશે એવું અનુમાન છે.

અમેરિકામાં 50 રાજ્યો છે અને હવાઈ અને અલાસ્કામાં સૌથી છેલ્લે મતદાન પૂર્ણ થશે. ભારતીય સમય મુજબ સવારે અગ્યાર વાગ્યા આસપાસથી 'પૂર્ણ પ્રૉજેક્શન' મળવા લાગશે.

નેવાડામાં શનિવાર સુધી મતગણતરી ચાલે તેવી શક્યતા છે, કારણ કે ત્યાં મોટાભાગે ટપાલ દ્વારા મતદાન થાય છે. અમેરિકામાં રાજ્ય તથા સ્થાનિકસ્તરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અલગ-અલગ નિયમ છે, જેની અસર મતગણતરી ઉપર પડતી હોય છે.

ટ્રમ્પ અને હૅરિસ પરંપરાગત રીતે તેમનાં ગઢ મનાતા રાજ્યોમાં સારું પ્રદર્શન કરશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

અમેરિકન સ્ત્રી-પુરુષોમાં મતદાનની પૅટર્ન દેખાશે?

અમેરિકાના ઍક્ઝિટ પોલના ડેટા ઉપર નજર કરીએ તો મોટાભાગની મહિલાઓ કમલા હૅરિસને તો પુરુષો ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરતા જણાય છે.

ડેટા પરથી માલૂમ પડે છે કે 54 ટકા મહિલાઓ ડેમૉક્રૅટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસનું સમર્થન કરી રહ્યાં છે. ગત ચૂંટણી વખતે 57 ટકા મહિલાઓએ પાર્ટીના ઉમેદવાર જો બાઇડનને ટેકો આપ્યો હતો.

મહિલાઓ ગત વખતની સરખામણીમાં આ વખતે ડેમૉક્રૅટિક પાર્ટીથી વિમુખ થઈ હોય તેમ લાગે છે, જે હૅરિસ માટે ચિંતાનો વિષય હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે ઍક્ઝિટ પોલ્સ માત્ર અનુમાન છે અને વાસ્તવિક પરિણામો અલગ હોય શકે છે.

ઍક્ઝિટ પોલ્સનાં તારણ

ઍન્થની આર્ચર

બીબીસી સંવાદદાતા, ઉત્તર અમેરિકા

ચૂંટણી પછીના ઍક્ઝિટ પોલ્સમાં 10માંથી સાત અમેરિકનોનું માનવું હતુંકે ત્યાં લોકશાહી "ખૂબ જ" અથવા તો "ઘણાં ખરાં અંશે" જોખમમાં છે.

મતદારોનું કહેવું હતું કે "અર્થતંત્ર" અને "લોકશાહી" તેમના માટે ચૂંટણી દરમિયાન મહત્ત્વપૂર્ણ બાબત હતી. છેલ્લા કેટલાક મહિના દરમિયાન થયેલા સરવેમાં પણ આ વાતો સામે આવી હતી.

ચૂંટણીલક્ષી મુદ્દા જ બંને પક્ષના સમર્થકોને અલગ કરી રહ્યા હતા. ટ્રમ્પની પાર્ટીના મતદારો માટે ઇમિગ્રૅશન અને અર્થતંત્ર ચિંતાનો વિષય હતા, જ્યારે કે ડેમૉક્રૅટ્સ માટે ગર્ભપાતના અધિકાર અને લોકશાહી નિર્ણાયક બાબતો હતી.

આ પહેલાં અનેક મતદાનમથકો ઉપર બૉમ્બની ધમકીઓ મળી હતી. અમેરિકાની તપાસ સંસ્થા એફબીઆઈના કહેવા પ્રમાણે, આ મેલ રશિયન ઈમેલ ડૉમેઇનથી આવ્યા હતા.

કોરોનાની મહામારી પછી અમેરિકામાં મોંઘવારીમાં ભારે ઉછાળો આવ્યો હતો, છતાં અર્થતંત્રએ ચૂંટણીલક્ષી મુદ્દો નહોતો બન્યો, એ બાબત આશ્ચર્યજનક રહી હતી.

ઍક્ઝિટ પોલ્સના આધાર

આ પહેલાં ટ્રમ્પની સરખામણીમાં કમલા હૅરિસના મતદારો ચૂંટણીપરિણામોમાં પારદર્શકતા વિશે આશ્વસ્ત હતા.

1970 પછી પહેલી વખત અમેરિકાની ચૂંટણીમાં મતદારોને હિંસા વિશે પૂછવામાં આવ્યું હતું.

અમેરિકામાં મતદારોને ચૂંટણી વિશે સીધા જ પ્રશ્ન પૂછવામાં નથી આવતા, પરંતુ મતદારો કયા મુદ્દે વૉટિંગ કર્યું છે, તેના આધારે ઉંમર, લિંગ, શિક્ષણ તથા અન્ય પરિમાણો ઉપર તેમનું વિશ્લેષણ કરવામાં આવે છે.

ઍડિસન રિસર્ચના પૉલસ્ટર્સ દેશભરમાંથી હજારો લોકો પાસેથી માહિતી મેળવે છે. લોકો જ્યારે મત આપીને બહાર નીકળે ત્યારે તેમને અલગ-અલગ મુદ્દે સવાલ પૂછવામાં આવે છે, જેમાં તેમના માટે મહત્ત્વપૂર્ણ મુદ્દો કયો હતો, તેના વિશે પૂછવામાં આવે છે.

જે વૉટર્સે અગ્રીમ મતદાન દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હોય, તેમને ફોન કરીને તેમનો અભિપ્રાય મેળવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઍક્ઝિટ પોલ્સના આંકડા અનુમાન કે આકલન છે, જે બદલાઈ પણ શકે છે. તેમાં ચૂક પણ થઈ શકે છે અને તેમને ચૂંટણીપરિણામની જેમ ન જોવા જોઈએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.