You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : ‘ફટાકડા ફોડવા બાબતે ટોકતાં હત્યા’, દિવાળી ટાણે રાજ્યમાં આટલી હિંસા કેમ થઈ?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"રાત્રે એક વાગ્યે રસ્તા વચ્ચે કેટલાક છોકરાઓ ફટાકડા ફોડીને ડાન્સ કરતા હતા. મેં કારનો હૉર્ન વગાડીને ખસવા માટે કહ્યું તો તેઓ લોખંડના સળિયા અને લાકડીઓ લઈ મારી કારના કાચ તોડવા લાગ્યા. મારા પિતા બચાવવા માટે દોડી આવ્યા હતા. એક યુવાને ચાકુ લઈને આવ્યો અને મારી નજર સામે ઉપરાછાપરી ઘા કર્યો હતો."
ભાવનગરના ઘોઘા રોડ પર રહેતા કહાન કાઠીદરબારના આ શબ્દો છે, જેમના પિતાની સામાન્ય વાતમાં હત્યા કરી નાખવામાં આવી હતી.
કહાન કહે છે, "હું તેમને હૉસ્પિટલ લઈને પહોંચું તે પહેલાં તેમનું મૃત્યુ થઈ ગયું હતું. મને કલ્પના પણ નહોતી કે માત્ર હૉર્ન વગાડીને ખસવાનું કહેવાના કારણે મારા પિતાને જીવ ગુમાવવો પડશે."
દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા બાબતે હિંસક હુમલો થયો હોય એવું માત્ર ભાવનગરમાં જ નથી બન્યું પરંતુ ગુજરાતમાં આવી બીજી અનેક ઘટનાઓ નોંધાઈ છે.
મહેસાણામાં બેસતાવર્ષના દિવસે 69 વર્ષના ભગીરથસિંહ રાણા અને તેમનાં પત્ની સુધાબહેનને ફટાકડા ફોડતી વખતે પાડોશી સાથે ઝઘડો થયો હતો. સામસામે આક્ષેપથી વાત ગોળીબાર સુધી પહોંચી ગઈ, જેમાં સુધાબહેનનું મૃત્યુ થયું હતું. ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા.
ઇમર્જન્સી સેવા 108 અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી દરમિયાન શારીરિક હુમલાની સંખ્યામાં ચિંતાજનક કહી શકાય એવો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં ઇમર્જન્સી સેવા 108ના સીઈઓ જશવંત પ્રજાપતિ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમારા બધાના આશ્ચર્ચ વચ્ચે આ વખતે દિવાળીમાં ગુજરાતમાં ફટાકડાથી આગના બનાવો ઓછા બન્યા છે પરંતુ શારીરિક હુમલાઓની ઘટનાઓમાં 107 ટકાનો વધારો થયો છે."
મહેસાણા અને ભાવનગરમાં દિવાળીની રાત્રે શું થયું હતું?
મહેસાણા શહેરમાં અભિનવ બંગ્લોઝમાં રહેતા ભગીરથસિંહ રાણા અને તેમનાં પત્ની સુધાબહેન ફટાકડા ફોડી રહ્યાં હતાં ત્યારે પાડોશી બકેશ નાયકે ફટાકડા ફોડવાની ના પડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથેની વાતચીતમાં ભગીરથસિંહ રાણાએ કહ્યું, "હું અને મારી પત્ની એકલા જ છીએ. અમારા પાડોશી અમને સતત પરેશાન કરે છે. ફટાકડા ફોડવા જેવી નાનકડી બાબતમાં નાયક પરિવારના સભ્યોએ લાકડી અને પાઇપોથી વડે હુમલો કરતા મેં સ્વબચાવમાં મારી પરવાનાવાળી રિવૉલ્વરથી ફાયરિંગ કર્યું હતું."
ભગીરથસિંહે પોતાની રિવૉલ્વરમાંથી ફાયરિંગ કરતા બકેશ નાયક અને તેમના દીકરા આદિત્ય નાયકને ઇજા થઈ હતી. જ્યારે આ ઝઘડામાં ભગીરથનાં પત્ની સુધાબહેનને માથામાં ઇજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
ભગીરથસિંહ કહે છે, "મારા હાથમાંથી રિવૉલ્વર છીનવી લઈને સુધા પર ગોળી ચલાવવામાં આવી હતી, જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું."
આ તકરારમાં ઇજાગ્રસ્ત થયેલા આદિત્ય નાયકને ભગીરથસિંહની રિવૉલ્વરથી કરવામાં આવેલા ફાયરિંગમાં પગમાં ઇજા થઈ છે.
બીબીસી સાથેની વાતચીતમાં આદિત્ય નાયક કહે છે, "ભગીરથસિંહ ફટાકડા ફોડતા હતા ત્યારે તેમાંથી એક ફટાકડો અમારા ઘરમાં આવીને ફૂટ્યો. જેના કારણે મારો ભત્રીજો ડરીને રડવા લાગ્યો હતો. અમે જ્યારે એમને ફટાકડા ફોડવાની ના પાડી ત્યારે ભગીરથસિંહ ઘરમાંથી રિવૉલ્વર લઈને આવ્યા હતા અને અમારી ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં મને પગમાં ઇજા થઈ છે, જ્યારે મારા પિતાને માથાના ભાગમાં ઇજા પહોંચી છે."
આ ઘટના વિશે મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલે જણાવ્યું, "બંને પાડોશી વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલી રહી છે. બેસતા વર્ષના દિવસે બંને પરિવારો વચ્ચે ફટાકડા ફોડવાની બાબતે તકરાર થઈ હતી, જેમાં બાદમાં મારામારી થઈ અને ત્યારબાદ ફાયરિંગ થયું હતું."
- મહેસાણામાં ફટાકડા ફોડવાની બાબતે પાડોશીએ ફાયરિંગ કરતાં એક મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને બે લોકો ઘાયલ થયા
- ભાવનગરમાં ફટાકડા ફોડી નાચી રહેલા યુવાનોને માત્ર જગ્યા આપાવનું કહેતા એક આધેડની હત્યા કરવામાં આવી
- ભાવનગરમાં રીક્ષા પાસે યુવાને ફટાકડા ફોડતા તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
- ગાંધીનગરના મોટીશિહોરી ગામમાં ફટાકડા ફોડવાના મામલે પાડોશીઓ વચ્ચે હિંસક હુમલો
- અરવલ્લીમાં ફટાકડા ફોડતા યુવાન પર હુમલો
મહેસાણાની ઘટનામાં જૂની દુશ્મનાવટ હતી, પરંતુ ભાવનગરમાં જે થયું જે કહાન કાઠીદરબાર માટે એકદમ અકલ્પનીય હતું. તેમને હજુ પણ સમજાઈ નથી રહ્યું કે તે રાત્રે કેમ આમ થયું હતું.
કહાન કહે છે, ''દિવાળીમાં માતાપિતાને શિરડી દર્શન કરવા જવું હતું એટલે રાત્રે 12.30 વાગ્યે હું પોતાની કારમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો. પરત આવતો હતો ત્યારે રસ્તા વચ્ચે કેટલાક છોકરાઓ ફટાકડા ફોડીને ડાન્સ કરતા હતા. એટલે અચાનક એ લોકોએ લોખંડના સળિયા અને લાકડીઓ લઈ મારી કારનાં કાચ તોડવા લાગ્યા.''
''મેં તરત મારા પિતાને ફોન કર્યો. જેવા મારા પિતા ત્યાં પહોંચ્યા આ લોકો તેમને લાકડી અને પાઇપથી મારવા લાગ્યા અને કંઈક સમજાય એ પહેલાં એક યુવાન છરો લઈ આવ્યો અને તેમની હત્યા કરી નાંખી હતી.''
ઘટનાના બાદ પોલીસ હરકતમાં આવી છે અને આરોપીઓને પકડવામાં માટે વિવિધ ટીમની રચના કરી છે.
ભાવનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. દેસાઈએ બીબીસીને જણાવ્યું કે, ''અમે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ માટે 12 ટુકડીઓ બનાવી છે. અમે ટૅક્નિકલ અને હ્યુમન રિસોર્સની મદદથી હત્યા કરનારા છ લોકોને પકડી પાડ્યાં છે. હજુ તપાસ ચાલી રહી છે.''
કેમ નાનીનાની વાત લોકો હિંસક બની જાય છે?
ફટાકડા ફોડવા બાબતે ઝઘડો અથવા હોર્ન વાગાડવા બદલ હત્યા જેવી ઘટનાઓ કેમ ગુજરાતમાં વધી રહી છે, તે વિશે વધુ જાણવાનો બીબીસીએ પ્રયાસ કર્યો હતો.
સમાજશાસ્ત્રી કિરણ દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, ''હોળીના તહેવારોમાં શારીરિક હુમલાઓ થતાં હોવાનું એક અવલોકન છે, પણ ગુજરાતમાં આ વર્ષે દિવાળીમાં આટલા મોટા પ્રમાણમાં શારીરિક હુમલાઓ થયા છે એ એક બદલાતી સામાજિક આર્થિક પરિસ્થિતિનું પરિણામ છે.''
''અત્યારે ગુજરાતમાં આર્થિક અસમાનતા ઘણી વધી ગઈ છે. કેટલાક સાધનસંપન્ન અને વગદાર પરિવારોના યુવાનોને નાનામોટા નિયમો તોડીને થ્રિલ મળે છે, જેનો અંદાજ આપણને છાસવારે વાઇરલ થતી રિલ્સ અને એ સંબંધે થયેલી પોલીસ કાર્યવાહીના સમાચારો પરથી આવી શકે છે.''
ક્રિમિનલ સાયકૉલૉજીના નિષ્ણાંત અને મનોચિત્સક ડૉ. ગોપાલ ભાટિયા આ પ્રકારના આવેગ અને નાનીનાની વાતમાં ઉશ્કેરાઈ જવાની આદતને ઇન્સ્ટ્રુમેન્ટલ એંગર તરીકે ઓળખાવે છે.
તેઓ કહે છે, ''આજના સમયમાં વર્ચ્યુલ કોમ્યુનિકેશન વધ્યું છે, જેના કારણે યુવાનોમાં એંગર મૅનેજમેન્ટ થતું નથી. યુવાનોને ખબર નથી કે બીજી વ્યક્તિ ખાસ કરીને વડીલો સાથે કેમ વર્તન કરવું. ઇન્સ્ટ્રુમેન્ટલ એંગરના કારણે ફટાકડા નહી ફોડવાનું કહેવા જેવી નાની વાતમાં તેઓ ઉશ્કેરાઈ જાય છે અને હિંસક પ્રતિભાવ આપે છે.''
આ વાત સાથે સુરતના મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી પણ સહમત થાય છે.
તેઓ કહે છે, ''ઘણી વખત વ્યક્તિને પાડોશીઓ સાથે ઍડજસ્ટમેન્ટ કરવામાં તકલીફ પડે છે જે ધીમે ધીમે ધિક્કારની લાગણીને કારણે આચરવામાં આવતા ગુનામાં રૂપાંતરિત થાય છે. આ ઘૃણા વ્યક્તિના અર્ધજાગૃત માનસમાં હોય છે અને તહેવાર સમયે જ્યારે વ્યક્તિ માણસ ભાવનાત્મક રીતે ઉત્સાહિત હોય છે એટલે એ સમયે ધિક્કારની એ દબાયેલી લાગણીઓ ઊભરીને બહાર આવે છે, જેના કારણે આવી સમસ્યાઓ સર્જાય છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં 'ફેસ્ટિવ ક્રાઇમ ' કહેવામાં આવે છે.''
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન