You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડોનાલ્ડ ટ્રમ્પના જીવનની ઓછી જાણીતી વાતો, તસવીરોમાં જુઓ તેમની સફર
ડોનાલ્ડ જ્હૉન ટ્રમ્પનો જન્મ 14 જૂન 1946ના રોજ ન્યૂ યૉર્કના ક્વીન્સ વિસ્તારમાં થયો હતો.
તેઓ પોતાના પિતાનાં પાંચ સંતાનોમાં ચોથા નંબર પર હતાં. તેમના બે ભાઈના નામ ફ્રેડ જુનિયર અને રૉબર્ટ હતા, જ્યારે બે બહેનોનાં નામ મેરિએન અને ઍલિઝાબેથ છે. હાલમાં માત્ર ઍલિઝાબેથ જીવિત છે.
તેમના પિતા ફ્રેડ ન્યૂ યૉર્કની આસપાસના વિસ્તારોમાં એક સફળ કન્સ્ટ્રક્શન કંપની ચલાવતા હતા. ટ્રમ્પ સૌપ્રથમ 1968માં પિતાના વ્યવસાયમાં જોડાયા, પરંતુ ટૂંક સમયમાં જ મેનહૅટનના સૌથી પૉશ વિસ્તારમાં ઇમારતો બાંધવા લાગ્યા.
તેમણે કસિનો, ભવ્ય ટાવર, ગોલ્ફ કોર્સીસ અને હોટેલો બનાવી. ટ્રમ્પે ઍટલાન્ટા સિટી, શિકાગો, લાસવેગાસથી લઈને ભારત, તુર્કી અને ફિલિપાઈન્સ સુધી નિર્માણકામ કર્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની તેજતર્રાર શૈલીના કારણે ન્યૂ યૉર્કના બિઝનેસ જગતમાં અલગ જ છબી બનાવી.
ત્યાંથી તેઓ મનોરંજન જગતમાં પ્રવેશ્યા. તેમના પોતાના શૉ 'ધ ઍપ્રેન્ટિસ'ના કારણે સ્ટારડમ પ્રાપ્ત કર્યું.
ટ્રમ્પે ત્રણ વખત લગ્ન કર્યાં છે અને તેમને પાંચ સંતાનો છે. તેમણે સૌપ્રથમ 1977માં ઇવાના ઝેલનીકોવા સાથે લગ્ન કર્યાં.
2005માં ટ્રમ્પે ત્રીજાં પત્ની મેલાનિયા નોસ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નનાં સાત વર્ષ અગાઉ તેઓ પહેલી વખત મળ્યાં, ત્યારે ટ્રમ્પ 52 વર્ષના હતા જ્યારે મેલાનિયા 28 વર્ષનાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2015માં ટ્રમ્પની રાજકીય કારકિર્દી શરૂ થઈ, જ્યારે તેમણે પોતાના પરિવારની હાજરીમાં ટ્રમ્પ ટાવર ખાતે એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવેદારી જાહેરાત કરી હતી. તેમનું સૂત્ર હતું: "મેઇક અમેરિકા ગ્રેટ અગેન" (અમેરિકાને ફરીથી મહાન બનાવો).
વિવાદો અને કડવાશભર્યા ચૂંટણીપ્રચાર બાદ તેમણે ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને હરાવ્યાં અને 2017માં અમેરિકાના 45મા પ્રમુખ તરીકે શપથ લીધા હતા.
ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે અમેરિકાના સહયોગીઓ માટે અનિશ્ચિત સમય હતો. તેઓ ઘણી વાર વિદેશી નેતાઓ સાથે ખુલ્લેઆમ વિખવાદમાં ઊતરતા હતા.
તેમણે આબોહવા અને વેપારને લગતા મહત્ત્વના કરારોમાંથી પીછેહઠ કરી અને ચીન સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું.
તેમના રાષ્ટ્રપતિપદના અંતિમ વર્ષમાં કોવિડ આવ્યો અને તેમણે આ રોગચાળા વખતે બરાબર કામ નથી કર્યું તેવી ટીકા થઈ હતી. તેમને પોતાને પણ વાઈરસનો ચેપ લાગ્યો હતો જેથી 2020ના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે વિરામ લેવાની ફરજ પડી હતી.
2020ની રાષ્ટ્રપતિપદની દોડમાં જો બાઇડન સામે ટ્રમ્પ હારી ગયા, પરંતુ ચૂંટણીમાં ગરબડ કરવામાં આવી હોવાનો દાવો કરીને તેમણે પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. 6 જાન્યુઆરીએ તેમણે વોશિંગ્ટનમાં પોતાના સમર્થકોને કૉંગ્રેસ તરફ કૂચ કરવા વિનંતી કરી.
આ રેલીના કારણે તોફાન ફાટી નીકળ્યાં અને તેના કારણે ટ્રમ્પ સામે બે ફોજદારી કેસ થયા હતા.
તેમની રાજકીય કારકીર્દી પૂરી થઈ ગઈ એવું માનવામાં આવતું હતું. પરંતુ તેમણે બીજી વખત રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી અને થોડા જ સમયમાં રિપબ્લિકન પાર્ટીના ફ્રન્ટરનર બની ગયા.
ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમના પર 91 ગુનાહિત આરોપો હતા.
મે 2024માં તેમને 2016ની ચૂંટણી પહેલાં એડલ્ટ ફિલ્મોનાં અભિનેત્રી સ્ટૉર્મી ડેનિયલ્સને ચૂપ રહેવા માટે નાણા ચૂકવવા સંબંધિત છેતરપિંડીના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.
ઉનાળામાં તેઓ ચૂંટણી પ્રચાર માટે રેલીઓ કરતા હતા ત્યારે પેન્સિલવેનિયામાં બટલર ખાતે એક 20 વર્ષીય બંદૂકધારીએ રેલીમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેના દિવસો પછી રિપબ્લિકન પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં તેમને સત્તાવાર રીતે પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
ટ્રમ્પની આ જીતના કારણે તેઓ અમેરિકાના અત્યાર સુધીના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ બનશે. તેઓ પોતાના કાર્યકાળના અંત સુધીમાં 82 વર્ષના થઈ જશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન