બર્ડ ફ્લૂ માણસોમાં ફેલાઈ શકે છે, ભારતીય વિજ્ઞાનીઓની ચેતવણી કેટલી ચિંતાજનક?

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

વર્ષોથી વિજ્ઞાનીઓ ચેતવણી ઉચ્ચારતા આવ્યા છે કે, બર્ડ ફ્લૂ (જે H5N1 તરીકે ઓળખાય છે) એક દિવસ પક્ષીઓમાંથી માનવીઓમાં ખતરનાક રીતે પ્રવેશી શકે છે અને વૈશ્વિક આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે.

એક પ્રકારનો ઇન્ફ્લુએન્ઝા એવો એવિયન ફ્લૂ દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ એશિયામાં વ્યાપકપણે ફેલાયેલો છે અને 1990ના દાયકાના ઉત્તરાર્ધમાં ચીનમાં તેણે પ્રથમ વખત દેખા દીધી, ત્યારથી લઈને સમયાંતરે માણસોમાં પણ તે સંક્રમિત થતો રહ્યો છે.

2003થી લઈને ઑગસ્ટ, 2025 સુધીમાં વિશ્વ આરોગ્ય સંગઠને (ડબલ્યુએચઓ) 25 દેશોના 990 નાગરિકોમાં H5N1ના કેસો નોંધ્યા છે, જેમાં 475 લોકોનાં મોતનો સમાવેશ થાય છે, તેનો મૃત્યુદર 48 ટકા છે.

એકલા અમેરિકાના 18 સ્ટેટના 1,000 કરતાં વધારે દૂધ ઉત્પાદન કેન્દ્રોમાં જ આ વાઇરસ 18 કરોડ કરતાં વધુ પક્ષીઓને તેના ભરડામાં લઈ ચૂક્યો છે અને ઓછામાં ઓછા 70 લોકો (જે પૈકી મોટા ભાગના ખેતમજૂરો છે) તેનાથી સંક્રમિત થયા છે.

પરિણામે આ પૈકીના ઘણા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સામાન્ય રીતે પક્ષીઓને જ સંક્રમિત કરતો આ વાઇરસ જાન્યુઆરી માસમાં ભારતના નાગપુર શહેરમાં આવેલા એક વન્ય જીવ બચાવ કેન્દ્ર ખાતે ત્રણ વાઘ અને એક દીપડાને ભરખી ગયો હતો.

એવિયન ફ્લૂનાં લક્ષણો શું છે?

માણસોમાં તેનાં લક્ષણો ગંભીર ફ્લૂ જેવાં હોય છે, જેમાં ખૂબ તાવ આવે છે, ખાંસી, ગળામાં દુખાવો થાય છે, કળતર થાય છે અને કેટલીક વખત આંખો આવે છે. કેટલાંક લોકોમાં લક્ષણો બિલકુલ દેખાતાં નથી.

માણસો પરનું જોખમ ઓછું હોય છે, પણ અધિકારીઓ H5N1 પર ચાંપતી નજર રાખી રહ્યા છે, જેથી તેનો પ્રસાર તીવ્ર હોવાની સંભાવના વિશે જાણકારી મેળવી શકાય.

આ ચિંતાને પગલે અશોક યુનિવર્સિટીના ભારતીય સંશોધકો ફિલિપ ચેરિયન તથા ગૌતમ મેનન નવા પીયર-રિવ્યૂડ મૉડલિંગ હાથ ધરવા માટે પ્રેરાયા, જે - H5N1 માનવોમાં કેવી રીતે ફેલાઈ શકે છે અને તે પ્રસરે, તે પૂર્વે કઈ પ્રારંભિક દરમિયાનગીરીઓ તેને અટકાવી શકે છે, તેના પર ધ્યાન આપે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, બીએમસી પબ્લિક હેલ્થ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલું મૉડલ વાસ્તવિક વિશ્વના આંકડા તથા કમ્પ્યુટર સિમ્યુલેશનનો ઉપયોગ કરીને એ દર્શાવે છે કે, વાસ્તવિક જીવનમાં કોઈ પ્રકોપ કેવી રીતે ફેલાઈ શકે છે.

પ્રોફેસર મેનને બીબીસીને જણાવ્યું હતું, "H5N1 મહામારી માણસોમાં ફેલાવાનું સંકટ વાસ્તવિક છે, પણ આપણે બહેતર દેખરેખ અને ચુસ્ત જાહેર આરોગ્ય પ્રતિસાદ થકી તેને રોકવાની અપેક્ષા સેવી શકીએ છીએ."

સંશોધકો જણાવે છે કે, બર્ડ ફ્લૂ મહામારીની શરૂઆત ચુપચાપ થશે: કોઈ સંક્રમિત પક્ષી માનવીમાં આ વાઇરસ ફેલાવશે - અને તે સંભવતઃ કોઈ ખેડૂત, માર્કેટ વર્કર કે પછી મરઘી પાળતી વ્યક્તિ હશે.

તે પછીનું જોખમ તે પ્રથમ સંક્રમણમાં નહીં, પણ તે પછી થનારી અનુગામી ઘટનાઓમાં રહેલું છે, જે છે માનવીમાંથી માનવીમાં પહોંચતું સંક્રમણ.

આ વાઇરસ માણસોમાં કેવી રીતે ફેલાશે?

વાસ્તવિક પ્રકોપ સીમિત અને અવ્યવસ્થિત ડેટા સાથે શરૂ થતો હોવાથી સંશોધકોએ ભારતસિમની સહાય લીધી હતી, જે મૂળ કોવિડ-19 મૉડલિંગ માટે ઊભું કરવામાં આવેલું એક ઓપન-સિમ્યુલેશન પ્લૅટફૉર્મ છે, પણ તે અન્ય બીમારીઓનો અભ્યાસ કરવા માટે પણ સક્ષમ છે.

સંશોધકોના મતે, નીતિ ઘડનારાઓ માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે, કોઈ બીમારીનો વ્યાપ નિયંત્રણ બહાર જાય, તે પહેલાં કાર્યવાહી કરવા માટેનો સમય ઘણો જ ઓછો હોય છે.

શોધપત્રના અંદાજ અનુસાર, એક વખત કેસની સંખ્યા બેથી દસને પાર જતી રહે, તે પછી આ બીમારી પ્રાથમિક અને દ્વિતીયક સંપર્કોથી આગળ ફેલાવાની શક્યતા રહે છે.

પ્રાથમિક સંપર્કો એટલે એવા લોકો, જેઓ સંક્રમિત વ્યક્તિ સાથે સીધો અને નિકટનો સંપર્ક ધરાવતા હોય, જેમ કે પરિવારના સભ્યો, કાળજી લેનારી વ્યક્તિઓ કે પછી નિકટના સહકર્મીઓ.

જ્યારે દ્વિતીયક સંપર્કો એટલે એવા લોકો કે જેઓ સંક્રમિત વ્યક્તિને મળ્યા ન હોય, પણ તેઓ પ્રાથમિક સંપર્કના નિકટના સંપર્કમાં રહ્યા હોય.

સંશોધનમાં માલૂમ પડ્યું હતું કે, જો પ્રાથમિક સંપર્ક ધરાવનારા લોકોના પરિવારોને ફક્ત બે કેસ સામે આવતાં જ ક્વૉરેન્ટીન કરી દેવામાં આવે, તો વ્યાપ લગભગ નિયંત્રિત કરી શકાતો હોય છે.

પણ 10 કેસોની ઓળખ થઈ ચૂકી હોય, ત્યાં સુધીમાં સંક્રમણ વ્યાપક વસ્તી સુધી પ્રસરી ચૂક્યું હોવાની શક્યતા ઘણી વધી જતી હોય છે, જેને કારણે તેનું સ્વરૂપ પ્રારંભિક નિદાનના અભાવે સમાંતર જ બની રહે છે.

બીમારીના અભ્યાસ માટે 'મૉડલ ગામ'

અભ્યાસને વાસ્તવિક વિશ્વની સ્થિતિ સાથે સાંકળી રાખવા માટે સંશોધકોએ દેશના પોલ્ટ્રી બેલ્ટના કેન્દ્ર એવા તામિલનાડુના નમક્કલ જિલ્લાના એક ગામને મૉડલ તરીકે પસંદ કર્યું હતું.

નમક્કલમાં 1,600 કરતાં વધુ પોલ્ટ્રી ફાર્મ્સ આવેલાં છે અને ત્યાં 70 મિલિયન જેટલાં મરઘાં છે, તે રોજના 60 મિલિયન કરતાં વધુ ઈંડાંનું ઉત્પાદન કરે છે.

9,667 રહીશોની વસ્તી ધરાવતા ગામને કૃત્રિમ સમુદાય (સિન્થેટિક કૉમ્યુનિટી) - ઘરો, કાર્યસ્થળો, બજારનાં સ્થળો, વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. વાસ્તવિક જીવનમાં સંક્રમણના જોખમનું અનુકરણ કરવા માટે ત્યાં સંક્રમિત પક્ષીઓને રાખવામાં આવ્યાં હતાં. (સિન્થેટિક કૉમ્યુનિટી એટલે એવી બનાવટી અને કમ્પ્યુટર-જનરેટેડ વસ્તી, જે વાસ્તવિક વસ્તીની વિશેષતાઓ અને વર્તણૂકોની નકલ કરે છે.)

આ સિમ્યુલેશનમાં વાઇરસ એક કાર્યસ્થળથી (મધ્યમ કદના એક ફાર્મ કે વેટ માર્કેટ) શરૂ થાય છે, પહેલાં આ વાઇરસ ત્યાંના લોકોમાં (પ્રાથમિક સંપર્કો) ફેલાય છે અને પછી ઘરો, શાળાઓ અને અન્ય કાર્યસ્થળોના માધ્યમથી તેમના સંપર્કમાં આવનારા અન્ય લોકો (દ્વિતીય સંપર્કો) સુધી ફેલાય છે. ઘર, શાળા તથા કાર્યસ્થળ એક નિશ્ચિત નેટવર્ક બનાવે છે.

વાઇરસના ફેલાવાને અસર કરતાં પરિબળો

પ્રાથમિક અને દ્વિતીય સંક્રમણો પર નજર રાખીને સંશોધકોએ પ્રસારના મુખ્ય માપદંડોનો અંદાજ લગાવ્યો, જેમાં મૂળ પ્રજનન સંખ્યા, R0નો પણ સમાવેશ થાય છે. આરઓ – એ સરેરાશ સંક્રમિત વ્યક્તિ કેટલા લોકોમાં વાઇરસ ફેલાવે છે, તેનું માપન કરે છે.

વાસ્તવિક વિશ્વની મહામારીની ગેરહાજરીમાં સંશોધકોએ સંભવિત પ્રસારની ગતિની એક રેન્જનું મૉડલ તૈયાર કર્યું હતું.

તે પછી તેમણે એ પરીક્ષણ કર્યું કે, જ્યારે વિવિધ દરમિયાનગીરીઓ - પક્ષીઓને મારવા, નિકટના સંપર્કોને ક્વૉરેન્ટીન કરવા તથા લક્ષિત રસીકરણ લાગુ કરવામાં આવે, તો શું થાય છે? તેનાં પરિણામો સ્પષ્ટ ન હતાં.

પક્ષીઓને મારવાનો ઉપાય કારગત નીવડે છે, પણ તે કામ વાઇરસ કોઈ માણસને સંક્રમિત કરે, તે પહેલાં થવું જોઈએ.

સંશોધકોના મતે, વાઇરસનો પ્રસાર થાય, તેવા સમયે ટાઇમિંગ મહત્ત્વનું બની રહે છે.

સંક્રમિત લોકોને આઇસોલેશનમાં રાખવાથી અને પરિવારોને ક્વૉરેન્ટીન કરવાથી દ્વિતીયક તબક્કા (સેકન્ડરી સ્ટેજ)માં વાઇરસ અટકી જઈ શકે છે.

પણ એક વખત તૃતીયક સંક્રમણ શરૂ થઈ જાય, અર્થાત્ મિત્રોના મિત્ર અથવા તો સંપર્કમાં આવેલા લોકોના સંપર્કમાં આવવાથી પ્રસાર કાબૂ બહાર જતો રહે છે અને તેને ડામવા માટે અધિકારીઓએ લૉકડાઉન સહિતનાં ઘણાં સખત પગલાં લાગુ કરવાં પડે છે.

લક્ષિત રસીકરણ વાઇરસ સક્રિય રહેવાની સીમા નિયંત્રિત કરવામાં ઉપયોગી બની રહે છે, તેમ છતાં ઘરોની અંદર તાત્કાલિક તોળાતા જોખમમાં તેનાથી ખાસ ફરક પડતો નથી.

સિમ્યુલેશનમાં એક વિચિત્ર સ્થિતિની સમજૂતી પણ પ્રગટ થઈ હતી.

જો ક્વૉરેન્ટીન ઘણું વહેલું લાગુ કરવામાં આવે, તો પરિવારજનો લાંબા સમય સુધી સાથે રહે છે અને તેના કારણે વાઇરસ સંક્રમિત વ્યક્તિઓ મારફત તેમની સાથે રહેનારા લોકોમાં પ્રસરવાની શક્યતા ઘણી વધી જાય છે અને જો ક્વૉરેન્ટીન મોડું લાગુ કરવામાં આવે, તો વ્યાપને ઘટાડવામાં ખાસ કોઈ મદદ મળતી નથી.

સંશોધકોના મતે, આ અભિગમની સાથે અમુક સાવધાની વર્તવી જરૂરી બની રહે છે.

આ મૉડલ એક કૃત્રિમ ગામ પર આધારિત છે, જેમાં પરિવારોનું કદ, કાર્યસ્થળ અને રોજિંદી ગતિવિધિની પૅટર્ન નક્કી કરવામાં આવેલી છે. તેમાં પ્રવાસી પક્ષીઓ કે પોલ્ટ્રી નેટવર્ક્સમાંથી ફેલાતી મહામારીઓને સામેલ કરવામાં આવી નથી.

સાથે જ, તેમાં પક્ષીઓ મોતને ભેટી રહ્યાં હોવાની જાણ થયા બાદ લોકોની વર્તણૂકમાં થતા ફેરફારોને (જેમ કે, માસ્ક પહેરવું) પણ ધ્યાન પર લેવામાં આવ્યા નથી.

એટલાન્ટાસ્થિત એમોરી યુનિવર્સિટીનાં વાઇરૉલૉજિસ્ટ ડૉ. સીમા લાકડાવાલા જણાવે છે કે, આ સિમ્યુલેશન મૉડલ ઇન્ફ્લુએન્ઝા વાઇરસના અત્યંત કાર્યક્ષમ વ્યાપની ધારણા સેવે છે.

તેઓ ઉમેરે છે, "સંક્રમણની પ્રક્રિયા જટિલ છે અને દરેક સ્ટ્રેઇનની ક્ષમતામાં ભિન્નતા પ્રવર્તે છે. વિજ્ઞાનીઓ હવે એ સમજ મેળવવા તરફ વળી રહ્યા છે કે, સિઝનલ ફ્લૂથી સંક્રમિત તમામ લોકો વાઇરસને સમાન રીતે ફેલાવતા નથી."

વધુમાં તેઓ કહે છે, "ઊભરી રહેલું સંશોધન દર્શાવે છે કે, ફ્લૂથી સંક્રમિત વ્યક્તિઓનો કેવળ એક નાનો અમથો સમૂહ જ વાસ્તવમાં ચેપી ઇન્ફ્લુએન્ઝા વાઇરસને હવામાં ફેલાવતો હોય છે."

આ સ્થિતિ કોરોનામાં જોવા મળેલી સુપર-સ્પ્રેડર જેવી જ છે. જોકે, ફ્લૂના કિસ્સામાં ઓછી સ્પષ્ટતા જોવા મળે છે અને આ અંતર વાઇરસ માનવ વસ્તી થકી કેવી રીતે ફેલાય છે, તેને દૃઢપણે પ્રભાવિત કરી શકે છે.

જો H5N1 માનવવસ્તીમાં પ્રસરી જાય તો શું થાય?

ડૉ. લાકડાવાલાનું માનવું છે, "જો આમ થાય, તો કોવિડ-19 મહામારીને બદલે 2009 (સ્વાઈન ફ્લૂ) મહામારી જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા વધુ છે."

"કારણ કે, આપણે ઇન્ફ્લુએન્ઝા મહામારી માટે વધુ સજ્જતા ધરાવીએ છે. આપણી પાસે H5N1 સ્ટ્રેઇન વિરુદ્ધ કેટલીક ઍન્ટિ-વાઇરલ દવાઓ અસરકારક છે અને તેનું લાઇસન્સથી ઉત્પાદન થાય છે. જે પ્રારંભિક સુરક્ષા સ્વરૂપે કામ આવી શકે છે અને આપણે H5ની સંભવિત રસીનો સંગ્રહ પણ કરી રાખ્યો છે, જે ટૂંકા ગાળામાં ઉપયોગમાં લઈ શકાય છે."

પરંતુ, બેદરકારી દાખવવી જોઈએ નહીં. ડૉ. લાકડાવાલા કહે છે કે, જો H5N1 માણસમાં પ્રવેશ કરે, તો તે વર્તમાન સ્ટ્રેઇનની સાથે મિશ્રિત થઈ શકે છે અને જાહેર આરોગ્ય પર તેની વ્યાપક અસર પડી શકે છે.

આ પ્રકારના સંયોજનથી સિઝનલ ઇન્ફ્લુએન્ઝાનું સ્વરૂપ પણ બદલાવાની સંભવિતતા રહે છે, જેનાથી અરાજકતાભરી અને અણધારી સિઝનલ મહામારી ફેલાઈ શકે છે."

ભારતીય મૉડલ નિષ્ણાતો જણાવે છે કે, સિમ્યુલેશનને વાસ્તવિક સમયમાં ચલાવી શકાય છે અને ડેટા પ્રાપ્ત થયે તેને અપડેટ કરી શકાય છે.

આ સ્થિતિમાં બહેતર રિપોર્ટિંગમાં વિલંબ, લક્ષણો દેખા ન દેતા હોય, તેવા કિસ્સાઓમાં અમુક સુધારા સાથે રોગચાળાના પ્રારંભિક કલાકોમાં નિવારણની તક જતી રહે, તે પહેલાં કયાં પગલાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે, તે સમજવામાં મદદરૂપ થઈને જાહેર-આરોગ્ય અધિકારીઓને સહાયરૂપ થઈ શકાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન