વારંવાર મોતને થાપ આપનાર સાંસદ જેમનો ગુજરાત સાથે હતો નાતો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના રાજ્યપાલ તરીકે જુલાઈ-2009માં નવલકિશોર શર્માનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. તેમના સ્થાને દેવેન્દ્ર નાથ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી જેઓ બંધારણના નિષ્ણાત અને પૂર્વ ઍડિશનલ સૉલિસિટર જનરલ હતા.

જ્યારે દ્વિવેદીના નામની જાહેરાત થઈ, ત્યારે તેઓ લિવરની બીમારીથી પીડિત હતા અને દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેઓ ગુજરાત આવીને રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળે એ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું.

વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યારસુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ એસ.સી. જમીરને ગુજરાતના રાજ્યપાલ તરીકેનો અધિક પ્રભાર સોંપવામાં આવ્યો.

જમીર ઉપર ચાર-ચાર વખત જીવલેણ હુમલા થયા હતા. અલગ-અલગ સમયે પિસ્તોલ, ઑટોમેટિક રાયફલ અને શ્રેણીબદ્ધ બૉમ્બ હુમલા કરીને તેમનો જીવ લેવાનો પ્રયાસ થયો, પરંતુ દરેક વખતે તેમણે મોતને થાપ આપી હતી.

મૂળ નાગાલૅન્ડના જમીરે તેમના રાજ્યની સ્થાપના થઈ, ત્યારથી જ ત્યાંના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની રાજકીય વિચારધારાને કારણે તેમના કેટલાક વિરોધી પણ ઊભા થયા.

વર્ષ 2014માં કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની, ત્યારે કૉંગ્રેસ દ્વારા નિયુક્ત અનેક રાજ્યપાલોએ રાજીનામાં આપી દીધાં અથવા તેમને હઠાવી દેવાયા. આમ છતાં મૂળ કૉંગ્રેસી એસ.સી. જમીરને તેમના સ્થાને યથાવત્ રાખવામાં આવ્યા હતા.

એટલું જ નહીં, બાદમાં કેન્દ્રની મોદી સરકારે તેમને દેશનો ત્રીજાક્રમાંકનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણનો પુરસ્કાર પણ એનાયત કર્યો.

એક માણસ, છ બૉમ્બ

જમીર ઉપર છેલ્લો નોંધપાત્ર હુમલો તા. 25 નવેમ્બર, 2007ના રોજ થયો હતો. એ સમયે તેઓ ગોવાના રાજ્યપાલ હતા. ન્યૂઝ એજન્સી આઈએએનએસના રિપોર્ટ પ્રમાણે, જમીરનો 30 વાહનનો કાફલો તેમના વતન મોકોકચૂંગ, દીમાપુર જઈ રહ્યો હતો ત્યારે સવારે છ વાગ્યા આસપાસ ચાંગકી ગામ પાસે આ હુમલો થયો હતો.

જમીરના કાફલાને ટાર્ગેટ કરીને એક પછી એક છ આઈઈડી (ઇમ્પ્રૂવાઇઝ્ડ ઍક્સ્પ્લૉસિવ ડિવાઇસ) બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ કાફલો એક નિર્માણાધીન રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાસેની ગટરમાં ગોઠવવામાં આવેલા બૉમ્બ ફૂટ્યા હતા.

આ હુમલામાં જમીરનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમના સુરક્ષાકાફલાના બે જવાન ઘાયલ થયા હતા.

એ સમયે જમીરને ઝેડ-પ્લસ સિક્યૉરિટી મળેલી હતી. પ્રૉટોકૉલ મુજબ જમીર જે ગાડીમાં હતા, એવી જ વધુ બે ગાડીઓ તેમના કાફલામાં હતી, પરંતુ ખબરીઓના નૅટવર્કને કારણે હુમલાખોરોને ચોક્કસથી ખબર હતી કે જમીર કઈ ગાડીમાં છે અને તેને જ તેમણે નિશાન બનાવી હતી.

હુમલા પછી ઘટનાસ્થળની તપાસ દરમિયાન સુરક્ષાબળોને વધુ પાંચ બૉમ્બ અને એક રાયફલ મળી આવ્યા હતા. કોઈપણ ઉગ્રવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી. સુરક્ષાબળો જમીરને સલામત રીતે દીમાપુર લઈ ગયા અને ત્યાંથી તેમને દિલ્હી લઈ જવાયા હતા.

એસસી જમીરે આ શંકા વ્યક્ત કરી હતી કે ધ નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડ-આઈએમ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે.

સંગઠન દ્વારા જમીરને 'દેશ અને લોકોના દ્રોહી' ગણાવવામાં આવે છે. ઉગ્રવાદી સંગઠને આ આરોપોને નકાર્યા હતા અને આરોપ મૂક્યો હતો કે લોકોની સહાનુભૂતિ મેળવવા માટે જમીર દ્વારા જ આ હુમલો આયોજિત કરવામાં આવ્યો હતો.

એ સમયે 76 વર્ષીય જમીરે તત્કાલીન યુપીએ સરકારની પ્રતિક્રિયા પ્રત્યે આઘાત વ્યક્ત કર્યો હતો, કારણ કે તેમના પૂર્વોત્તર પ્રવેશ ઉપર બંધી જાહેર કરવામાં આવી હતી. છતાં કેન્દ્ર સરકારે તેને વખોડી ન હતી.

જમીરનું ‘ભારતતરફી વલણ’

એસસી જમીરનું વલણ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતથી જ ભારતતરફી રહ્યું છે તેવું મોટા ભાગના લોકો માને છે. આ કારણથી ત્યાંના ભાગલાવાદી તત્ત્વોની આંખમાં તેઓ કણીની જેમ ખૂંચે છે. એસસી જમીરે 'બૅડરોક ઑફ નાગા સોસાયટી' નામની પુસ્તિકા લખી છે, જેમાં તેમણે આઝાદી પહેલાં નાગા સ્વતંત્ર હોવાની વાતને પણ નકારી છે.

સ્વતંત્રતા સમયે વર્તમાન નાગાલૅન્ડનો ભૂભાગ આસામ હેઠળ આવતો હતો. નાગા સમાજના અમુક લોકોને લાગતું હતું કે જેમ અન્ય રજવાડાંને ભારત સાથે ભળવું, પાકિસ્તાન સાથે જવું કે સ્વતંત્ર રહેવું એવા વિકલ્પ મળ્યા હતા. એવી જ રીતે તેમને પણ આ અધિકાર મળવો જોઇતો હતો.

સ્વતંત્રતા પછી નાગા સમુદાયના લોકો અને ભારતીય સુરક્ષાબળો વચ્ચે હિંસક અથડામણ થતી રહી. જેમાં સેંકડો લોકોના જીવ ગયા. લાંબી ચર્ચાઓ અને બેઠકોના અંતે નાગાઓના અલગ-અલગ સમુદાયોનું સંયુક્ત પ્રતિનિધિત્વ કરતી પીપલ્સ કન્વેન્શન (એનપીસી) અને ભારત સરકાર વચ્ચે 16-સૂત્રીય કાર્યક્રમ ઉપર સહમતિ થઈ.

જેની એક ફલશ્રુતિ સ્વરૂપે પહેલી ડિસેમ્બર, 1963 ના દિવસે નાગાલૅન્ડ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આજે આસામ તથા મણિપુરમાં પણ અમુક વિસ્તારોમાં નાગા સમુદાયના લોકો વસે છે.

જમીરનું કહેવું છે કે નાગાઓના કોઈ રાજા ન હતા કે તેમની કોઈ રાજધાની ન હતી. અલગ-અલગ ગામો વચ્ચે 'માથા વાઢી લાવવા'ની પરંપરાત એકમાત્ર સંપૂર્કસૂત્ર હતું. ગામની બહારની દુનિયા તેમણે જોઈ ન હતી કે તેમની સાથે સંપર્ક પણ ન હતો. આ ગામોની વસતિ 100થી ત્રણ હજાર જેટલી હતી. તેમને રાષ્ટ્ર કે સ્વતંત્રતા જેવા શબ્દોની વિભાવના પણ ખબર ન હતી.

આગળ જતાં અલગ-અલગ જૂથો અસ્તિત્વમાં આવ્યા, જેઓ નાગાલૅન્ડ, આસામ, મણિપુર અને ત્રિપુરામાં નાગા સમુદાયના વિસ્તારોને એક કરીને અલગ નાગા રાષ્ટ્રની માગ કરે છે. તેમના મતે જમીર 'દેશવિરોધી' તથા 'લોકોવિરોધી' છે.

જમીરની રાજકીય કારકિર્દી

કરાર પછી લોકસભામાં એનપીસીના પ્રતિનિધિ તરીકે એક વ્યક્તિને મોકલવા પર સહમતિ સધાઈ. ત્યારે જમીરની ચૂંટણી થઈ. આમ 1961માં 30 વર્ષની ઉંમરે તેઓ નાગાલૅન્ડના પ્રથમ સંસદસભ્ય બન્યા.

જમીરે પોતાના વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ પછી કલકત્તાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાં ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કર્યો. એ પછી તેમણે અલ્લાહબાદ યુનિવર્સિટીમાંથી બીએ અને એલએલબીનો પણ અભ્યાસ કર્યો. તેઓ એનસીપીના સંયુક્ત સચીવ પણ હતા.

તેઓ જવાહરલાલ નહેરુના સંસદીય સચિવ પણ રહ્યા. ઇંદિરા ગાંધીની સરકારમાં રેલવે, શ્રમ, રોજગાર, ખાદ્યાન્ન સુરક્ષા અને કૃષિ સહિતના મંત્રાલયોમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા.

વર્ષ 1971માં તેઓ ફરી એક વખત નાગાલૅન્ડના સ્થાનિક રાજકારણમાં સક્રિય બન્યા. એ પછી તેઓ નાગાલૅન્ડમાં ધારાસભ્ય,મંત્રી અને પાંચ-પાંચ વખત મુખ્ય મંત્રી બન્યા. લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન જમીરની ઉપર લૉટરી કૌભાંડમાં સંડોવણી તથા ઉગ્રવાદી સંગઠનોને પૈસા આપવાના આરોપ લાગ્યા, આમ છતાં તેમની પ્રગતિ થતી રહી.

વર્ષ 1998ની વિધાનસભા ચૂંટણીનો ભાજપ સહિત તમામ રાજકીયપક્ષોએ બહિષ્કાર કર્યો હતો, જેના કારણે જમીર સરકારની નિર્વિરોધ સ્થાપના થઈ. માત્ર અમુક અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા હતા. પાંચ વર્ષ જમીરે તેમને વિપક્ષ તરીકે સન્માન આપ્યું અને સાંભળ્યા.

જમીર નાગાલૅન્ડ પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષપદે પણ રહ્યા. સક્રિય રાજકારણ પછી જમીર ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશાના રાજ્યપાલ પદે પણ રહ્યા. નાગાલૅન્ડના રાજકારણમાં તેમના પ્રદાન અને વિચારસરણીને કારણે તેમના અનેક વિરોધી પણ ઊભા થયા.

કહેવાય છે કે જમીરના કહેવાથી જ તેમની સિક્યૉરિટીમાં નાગાલૅન્ડ પોલીસના બે અધિકારીઓને રાખવામાં આવતા હતા, જેથી કરીને તેઓ આસપાસમાં જમીરના વિરોધીઓને ઓળખી શકે અને જરૂરી સતર્કતા વર્તી શકે.

વર્ષ 2015માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને નાગાના ભાગલાવાદી સંગઠન વચ્ચે સંઘર્ષવિરામના કરાર થયા, પરંતુ તેમાં શું વિગતો છે, તે સાર્વજનિક નથી થઈ.

ચૌદ શ્રેણીબદ્ધ બૉમ્બવિસ્ફોટ

વર્ષ 1999માં જમીર નાગાલૅન્ડના મુખ્ય મંત્રી હતા અને તા. 29 નવેમ્બરે તેઓ દીમાપુરથી નાગાલૅન્ડના પાટનગર કોહિમા પરત ફરી રહ્યા હતા, ત્યારે સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 139 ઉપર પીપહિમા અને ફેરેમાની વચ્ચે દોઢસો મીટરના અંતરમાં ગોઠવવામાં આવેલા 14 આઈઈડી ફૂટ્યા હતા.

ન્યૂઝ એજન્સી યુએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ હુમલાને કારણે નાગાલૅન્ડ આર્મ્ડ પોલીસના બે જવાન મૃત્યુ પામ્યા હતા અને કાફલાની બે ગાડી ક્ષતિગ્રસ્ત થઈ હતી.

એ પછી કાફલા ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સુરક્ષાબળોએ વળતો ગોળીબાર કર્યો હતો. લગભગ અડધી કલાકની અથડામણ બાદ સુરક્ષાકર્મીઓએ મુખ્ય મંત્રી જમીરને સલામતસ્થળે ખસેડ્યા હતા. તેમને આસામ રાયફલ્સના નજીકના સુરક્ષામથકે લઈ જવામાં આવ્યા હતા. અહીંથી તેમને હૅલિકૉપ્ટર મારફત કોહિમા લઈ જવાયા હતા.

એ સમયે સંસદનું શિયાળુસત્ર ચાલી રહ્યું હતું. નાગાલૅન્ડમાંથી કૉંગ્રેસના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ આ મુદ્દે લોકસભામાં નિવેદન આપ્યું હતું.

પાંચ ગોળી, એક છાતી

1999ના હુમલા સમયે રાજ્યસભામાં પણ કૉંગ્રેસના સાંસદે આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યસભામાં જણાવવામાં આવ્યું હતું કે આ પહેલાં પણ બે વખત મુખ્ય મંત્રી એસ.સી. જમીર ઉપર હુમલા થયા છે. તા. 19 માર્ચ 1990ના દિવસે સાંજે સાડા ચાર વાગ્યા આસપાસ કોહિમા ખાતે મુખ્ય મંત્રીના ખાનગી નિવાસસ્થાન પાસે ઉગ્રવાહીઓએ જમીરની કાર ઉપર ઑટોમેટિક હથિયારોથી હુમલો કર્યો હતો.

આ હુમલા સમયે જમીરની ઉંમર 59 વર્ષ હતી. અથડામણમાં જમીરના અંગરક્ષક તથા ડ્રાઇવર મૃત્યુ પામ્યા હતા, જ્યારે તેમનાં પત્નીને ઈજા પહોંચી હતી.

એ ઘટનાના લગભગ અઢી વર્ષ બાદ તા. 19 નવેમ્બર, 1992ના દિવસે એસસી જમીર દિલ્હીમાં હતા અને નાગાલૅન્ડના રાજ્યપાલ પણ ત્યાં જ હતા. તેઓ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને 29, ઔરંગઝેબ રોડ (હાલનો એપી.જે. કલામ માર્ગ) ખાતે આવેલા 'નાગાલૅન્ડ ભવન' પરત ફર્યા હતા.

નાગાલૅન્ડ ભવનના રૂમ નંબર 10માં એસ.સી. જમીર પોતાનું કામકાજ કરી રહ્યા હતા, ત્યારે ચાર યુવક તેમના રૂમમાં ઘૂસી ગયા હતા અને પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો હતો. તેમની છાતીમાં પાંચ ગોળીઓ ઘૂસી ગઈ હતી.

સમગ્ર ઘટનાક્રમને કારણે નાગાલૅન્ડ ભવનમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. દિલ્હી પોલીસની ટુકડીઓ ત્યાં ધસી ગઈ હતી. જમીરને સારવાર અર્થે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (ઍઇમ્સ) ખસેડવામાં આવ્યા. જ્યાં લગભગ એક મહિનાની સારવાર બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

રાજ્યસભામાં નાગાલૅન્ડના મુખ્ય મંત્રી ઉપરના હુમલાની ચર્ચા કરનારા અને અગાઉના હુમલાની માહિતી આપનારા સાંસદ હતા સી. અપોક જમીર. તેઓ મુખ્ય મંત્રી એસ.સી. જમીરના પુત્ર હતા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)