દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયા જાહેર, ગિલનું પુનરાગમન – ન્યૂઝ અપડેટ

ટી-20 સિરીઝ, દક્ષિણ આફ્રિકા સામે ભારતીય ક્રિકેટ ટીમ, શુભમન ગિલ, બીબીસી ગુજરાતી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મૅચની ટી20 ઇન્ટરનૅશનલ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.

આ સિરીઝમાં સૂર્યકુમાર યાદવ કૅપ્ટન તથા ઉપ-કપ્તાન શુભમન ગિલ હશે. જોકે, ગિલે હજુ સુધી ફિટનેસ ક્લિયરન્સ નથી મેળવ્યું.

ટીમ ઇન્ડિયા : સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ્ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપસિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વૉશિંગટન સુંદર.

પાંચ મૅચોની ટી20 સિરીઝની શરૂઆત 9 ડિસેમ્બરે થશે. જેની પહેલી મૅચ કટકમાં, બીજી ચંદીગઢમાં, ત્રીજી ધર્મશાલા ખાતે અને ચોથી લખનઉમાં રમાશે. પાંચમી અને છેલ્લી ટી20 મૅચ ગુજરાતના અમદાવાદ ખાતે રમાશે.

રાયપુર વનડે મૅચ – ભારતે દક્ષિણ આફ્રિકાને 359 રનનો ટાર્ગેટ આપ્યો

દક્ષિણ આફ્રિકા ટી20, બીજી ટીમ

ઇમેજ સ્રોત, Noah SEELAM / AFP via Getty Images

રાયપુર ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મૅચો સિરીઝની બીજી મૅચ રમાઈ રહી છે, જેમાં ભારતે મહેમાન ટીમને વિજય માટે 359 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ભારતીય ટીમ પહેલાં બેટિંગ કશરવા માટે ઊતરી હતી અને પાંચ વિકેટના ભોગે 358 રન ફટકાર્યા હતા, ટીમ ઇન્ડિયા તરફથી સૌથી વધુ 105 રન ઋતુરાજ ગાયકવાડે બનાવ્યા હતા.

બીજી બાજુ, વિરાટ કોહલીએ સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. કોહલી અને ગાયકવાડની જોડીએ ત્રીજી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી હતી.

રાંચી ખાતેની મૅચ જીતીને ભારત આ સિરીઝમાં 1-0થી આગળ છે. જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રને પરાજય આપ્યો હતો. એ મૅચમાં વિરાટ કોહલીએ 135 રન બનાવ્યા હતા.

સિરીઝનો ત્રીજી અને છેલ્લી મૅચ છઠ્ઠી ડિસેમ્બરે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.

જાતિઆધારિત વસતિગણતરી અંગે રાહુલ ગાંધીએ પૂછેલા સવાલોનો ગૃહ મંત્રાલયે આ જવાબ આપ્યો

રાહુલ ગાંધી, જાતિઆધારિત વસતિ ગણતરી,કેન્દ્રીય ગૃહ મંત્રાલય, નિત્યાનંદ રાય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશમાં જાતિઆધારિત વસતિગણતરી કરવા વિશે સવાલ પૂછ્યા હતા, જેના વિશે રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે જવાબ આપ્યા હતા. જેને રાહુલ ગાંધીએ ચોંકાવનારા ગણાવ્યા હતા.

રાહુલ ગાંધીએ વસતિગણતરી માટે હાથ ધરવામાં આવેલી તૈયારી તથા કાર્યક્રમ વિશે સવાલ પૂછ્યા હતા.

સંસદમાં જવાબ આપતી વેળાએ નિત્યાનંદ રાયે કહ્યું કહ્યું, "વસતિગણતરી-2027 બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. એપ્રિલથી સપ્ટેમ્બર-2026 દરમિયાન રાજ્ય સરકારો /કેન્દ્રશાસિત પ્રદેશોની સવલત પ્રમાણે, 30 દિવસના ગાળામાં મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે."

"બીજા તબક્કામાં વસતિગણતરી થશે. જે ફેબ્રુઆરી-2027 દરમિયાન હાથ ધરવામાં આવશે તથા તેની સંદર્ભ તારીખ પહેલી માર્ચ 2027 હશે. બીજી બાજુ, લદ્દાખ, જમ્મુ-કાશઅમીર, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડના ઠંડા વિસ્તારોમાં સપ્ટેમ્બર-2026 દરમિયાન થશે અને તેની સંદર્ભ તારીખ ઑક્ટોબર-26 રહેશે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાહુલ ગાંધીએ વધુ એક સવાલ પૂછ્યો હતો કે શું સરકાર વસતિગણતરીના સવાલોનો મુસદ્દો બહાર પાડશે ? શું આ અંગે જનતા કે લોકપ્રતિનિધિઓના ઇનપુટ લેવાનો કોઈ પ્રસ્તાવ છે?

જેના જવાબમાં ગૃહમંત્રાલયે જણાવ્યું, "અલગ-અલગ મંત્રાલય, સંગઠનો તથા વસતિગણતરીના ડેટાનો વપરાશ કરનારાઓ પાસેથી મળેલાં સૂચનો કે ઇનપુટને આધારે વસતિગણતરી પહેલાં સવાલોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે."

રાહુલ ગાંધીનો વધુ એક સવાલ હતો કે શું સરકાર અલગ-અલગ રાજ્યોમાં હાથ ધરાયેલા જાતિઆધારિત સર્વેક્ષણ સહિત અગાઉના અનુભવો ઉપર વિચાર કરી રહી છે?

ગૃહમંત્રાલયે તેના જવાબમાં જણાવ્યું, "વસતિગણતરીનો 150 વર્ષનો ઇતિહાસ છે. હંમેશાં ભાવિ વસતિગણતરી હાથ ધરતાં પહેલાં અગાઉના અનુભવોને ધ્યાનમાં લેવામાં આવે છે. દરેક વસતિગણતરી પહેલાં સંબંધિત હિતધારકોનાં સૂચનો પણ લેવામાં આવે છે."

ગૃહ મંત્રાલયના આ જવાબો ઉપર રાહુલ ગાંધીએ નિશાન સાધ્યું હતું, તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટમાં લખ્યું, "મેં સંસદમાં સરકારને જાતિઆધારિત વસતિગણતરી અંગે સવાલ પૂછ્યો- તેમનો જવાબ ચોંકાવનારો હતો. ન તો નક્કર રૂપરેખા, ન સમયબદ્ધ યોજના, ન સંસદમાં ચર્ચા કે ન તો જનતા સાથે સંવાદ."

"અન્ય રાજ્યોની સફળ વસતિગણતરીની રણનીતિમાંથી શીખવાની પણ કોઈ ઇચ્છા નથી. મોદી સરકારની આ જાતિઆધારિત વસતિગણતરી બહુજનો સાથે ખુલ્લો વિશ્વાસઘાત છે."

ભાવનગરની ખાનગી હૉસ્પિટલમાં આગ, 19 લોકોનું રૅસ્ક્યૂ, શું થયું હતું?

ભાવનગરની ખાનગી હૉસ્પિટલમાં આગ, 19 લોકોનું રૅસ્ક્યૂ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ALPESH DABHI

ભાવનગરના કાળુભા રોડ પાસે આવેલા સમીપ કૉમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.

આ વિશે વધુ માહિતી આપતાં બીબીસી ગુજરાતીના ભાવનગર ખાતેના સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે આ કૉમ્પ્લેક્સમાં જ એક ખાનગી હૉસ્પિટલ, એક પેથૉલૉજિકલ લૅબોરેટરી તથા બાળકોની હૉસ્પિટલ આવેલી હતી.

આગ લાગતાં અહીં દાખલ દર્દીઓનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

અલ્પેશ ડાભી આ વિશે વધુમાં ઉમેરે છે, "કુલ 19 જેટલા લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેવી આગ લાગી કે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાંચ ફાયરફાઇટર્સ અને 50 જેટલા ફાયરકર્મીઓએ ચાર કલાકની જહેમત બાદ આગ કાબૂ મેળવ્યો હતો."

આગ લાગતાં અહીં દાખલ દર્દીઓનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

ઇમેજ સ્રોત, ALPESH DABHI

ઇમેજ કૅપ્શન, આગ લાગતાં અહીં દાખલ દર્દીઓનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આ કૉમ્પ્લેક્સના બેઝમેન્ટના કચરામાં તથા વાહનોમાં આગ લાગી હતી અને પછી આખા કૉમ્પ્લેક્સમાં પ્રસરી હતી. જોકે, તેનાથી કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ આગનાં કારણો કે નુકસાનની કોઈ જાણકારી નથી.

લાલો : રાજકોટમાં ફિલ્મના પ્રમોશન સમયે મચેલી અફરાતફરી મામલે પોલીસ ફરિયાદ દાખલ

રાજકોટમાં મંગળવારે ગુજરાતી ફિલ્મ 'લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન સમયે ભીડ બેકાબૂ થઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે રાજકોટના ક્રિસ્ટલ મૉલના મૅનેજર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીબીસી ગુજરાતી ગુજરાત રાજકોટ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA/BBC

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં મંગળવારે ગુજરાતી ફિલ્મ 'લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન સમયે ભીડ બેકાબૂ થઈ હતી

રાજકોટમાં મંગળવારે ગુજરાતી ફિલ્મ 'લાલો : શ્રી કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન સમયે ભીડ બેકાબૂ થઈ હતી અને અફરાતફરી મચી ગઈ હતી. આ મામલે રાજકોટના ક્રિસ્ટલ મૉલના મૅનેજર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતીના રાજકોટ ખાતેના સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે ક્રિસ્ટલ મૉલના મૅનેજર સમીર રામજીભાઈ બારોટની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે "તારીખ 2જી ડિસેમ્બર, 2025ના રોજ સાંજે રાજકોટના ક્રિસ્ટલ મૉલમાં પોલીસની પૂર્વ મંજૂરી વગર જાહેર જગ્યાએ ફિલ્મના પ્રમોશન માટે ફિલ્મસ્ટારોને બોલાવીને જાહેર ભીડ ભેગી કરી હતી. આ મામલે પોલીસ જાહેરનામાનો ભંગ કરીને ગુનો થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે."

બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે મંગળવારે ફિલ્મના પ્રમોશન સમયે ભીડ ભેગી થઈ હતી અને અવ્યવસ્થા સર્જાઈ હતી. ભીડ વધી જતાં ફિલ્મના કલાકારો કાર્યક્રમને અધવચ્ચે છોડીને જતા રહ્યા હતા. જોકે, આ અફરાતફરી બાદ કોઈ જાનહાનિ નહોતી થઈ.

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. વી. ચાવડાએ બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું કે ક્રિસ્ટલ મૉલના મૅનેજર સમીર રામજીભાઈ વીસાણીની ધરપકડ કરી છે.

'રફાલ વિમાનની ક્ષમતા પાકિસ્તાન સામે શૂન્ય સાબિત થઈ' – ભારતને લઈને પાકિસ્તાનનો દાવો

'રફાલ વિમાનની ક્ષમતા પાકિસ્તાન સામે શૂન્ય સાબિત થઈ' – ભારતને લઈને પાકિસ્તાનનો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રફાલનો ફાઇલ ફોટો

પાકિસ્તાની વાયુસેના પ્રમુખ જહીર હેમદ બાબર સિદ્ધુએ દાવો કર્યો છે કે 6 અને 7 મેની રાત્રે પાકિસ્તાને ભારતના રફાલ સહિતનાં ઘણાં વિમાનોને તોડી પાડ્યાં હતાં.

બીબીસી ઉર્દૂ પ્રમાણે, રિસાલપુર શહેરમાં પીએએફની અસગર ખાન ઍકેડેમીમાં સ્નાતક પરેડને સંબોધિત કરતાં તેમણે આ વાત કરી હતી.

જોકે, પાકિસ્તાનના આ દાવાને ભારત હંમેશાં ફગાવતું આવે છે. સાથે જ ભારત પણ સતત દાવો કરે છે કે તેણે સૈન્ય સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનનાં પાંચ વિમાનો અને એક મોટું વિમાન તોડી પાડ્યું હતું.

જહીર હેમદ બાબરે કહ્યું, "6 અને 7 મેની રાત્રે પાકિસ્તાનની સંપ્રભુતાને પડકાર આપવામાં આવ્યો. તો પાકિસ્તાની વાયુસેનાએ ભારતને જડબાતોડ જવાબ આપ્યો. રફાલ સહિત તેમનાં સૌથી વિકસિત ફાઇટર પ્લેન તોડી પાડવામાં આવ્યાં."

"રફાલ વિમાનની ક્ષમતા પાકિસ્તાન વાયુસેના સામે શૂન્ય સાબિત થઈ. દુનિયાને તેની આશા નહોતી. પરંતુ પાકિસ્તાનના કાર્યવાહી બાદ દુનિયા દંગ રહી ગઈ."

વાયુસેના પ્રમુખે કહ્યું, "અમે ભારતને વધુ નુકસાન પહોંચાડી શકતા હતા. પરંતુ અમે એક વ્યવસાયિક ફોર્સ છે. અમારી કાર્યવાહી સમજી-વિચારીને કરવામાં આવેલી, સંતુલિત અને પ્રભાવી કાર્યવાહી છે. તેનો ઉદ્દેશ સન્માન અને શાંતિ સ્થાપિત કરવાનો છે."

પહેલગામ હુમલા બાદ છ અને સાત મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ચરમપંથી કૅમ્પો'ને ભારતીય સેનાએ નિશાન બનાવ્યાં હતાં.

આ અભિયાનને 'ઑપરેશન સિંદૂર' નામ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો. 10મી મેના રોજ સંઘર્ષવિરામ પર સહમતિની ઘોષણા બાદ સંઘર્ષ રોકવામાં આવ્યો. તે વખતે પાકિસ્તાને 'ભારતનાં પાંચ ફાઇટર પ્લેન મારવાનો દાવો' કર્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો.

યુક્રેન મામલે પુતિન અને વિટકૉફની વાતચીતનું શું પરિણામ આવ્યું?

બીબીસી ગુજરાતી રશિયા અમેરિકા યુક્રેન વ્લાતિમીર પુતિન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાના વિશેષ દૂત સાથે મુલાકાત કરી હતી

યુક્રેનના યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટ્કૉફ વચ્ચે વાતચીત થઈ છે.

બેઠકમાં હાજર પુતિનના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉશાકોવે જણાવ્યું કે 'વાતચીત રચનાત્મક રહી હતી'. પરંતુ 'હજુ પણ કામ કરવાની જરૂર છે'.

ઉથાકોવે એમ પણ જણાવ્યું કે યુક્રેન જે વિસ્તારો પાછા માંગે છે, તેના પર 'કોઈ સમજૂતી' નથી થઈ.

પુતિન, સ્ટીવ વિટ્કૉફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જારેડ કુશનર વચ્ચે રશિયામાં થયેલી આ બેઠક લગભગ પાંચ કલાક ચાલી હતી.

અગાઉ પુતિને કહ્યું હતું કે યુરોપની શાંતિ સાથે જોડાયેલી માંગો રશિયાને કબૂલ નથી.

સાથે સાથે તેમણે કહ્યું હતું કે રશિયા યુરોપની સાથે યુદ્ધ નથી ઈચ્છતું. પરંતુ તે લડવા માગતું હોય તો અમે તૈયાર છીએ.

બીબીસીના રશિયા ખાતેના સંપાદક સ્ટીવ રોઝનબર્ગ લખે છે કે પુતિન હજુ પણ સમજૂતી કરવાની તરફેણમાં નથી, કારણ કે તેમને લાગે છે કે યુદ્ધના મેદાનમાં રશિયાનો હાથ ઉપર છે.

ઇન્ડોનેશિયામાં પૂરના કારણે 700થી વધુ લોકોનાં મોત

બીબીસી ગુજરાતી ઇન્ડોનેશિયા પૂર ભૂસ્ખલન

ઇમેજ સ્રોત, YT HARIONO / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇન્ડોનેશિયામાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે નુકસાન થયું છે

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવેલા ભયંકર પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારાંઓની સંખ્યા 700થી વધી ગઈ છે. 500 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાય છે.

કેટલાય લોકો માટીમાં દટાયેલા હોવાની આશંકા છે. લગભગ 10 લાખ લોકોને તેમનાં ઘરોમાંથી રૅસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગંભીર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ મદદ પહોંચાડવાની બાકી છે.

પૂરગ્રસ્ત વિસ્તારના લોકોએ બીબીસીને જણાવ્યું કે તેમણે પીવાનાં સ્વચ્છ પાણી, ચોખા અથવા ફોનના સિગ્નલ મેળવવાં માટે કેટલાય કલાકો સુધી ચાલવું પડે છે.

પૂરનાં પાણી અને કાટમાળના કારણે મોટા ભાગના રસ્તા પર આવનજાવન મુશ્કેલ બની ગયું છે. રાહત કર્મચારીઓ પગપાળા ચાલીને અથવા મોટર સાઇકલ પર લોકો સુધી પહોંચવા પ્રયાસ કરે છે.

સરફરાઝ ખાને ટી20 કારકિર્દીમાં પહેલી સદી ફટકારી

બીબીસી ગુજરાતી ભારત ક્રિકેટ સરફરાઝ ખાન ટી20

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સરફરાઝ ખાન હાલમાં ડૉમેસ્ટિક ક્રિકેટ રમે છે

ભારતીય ક્રિકેટ ટીમના બૅટ્સમૅન સરફરાઝ ખાને મંગળવારે સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીમાં પોતાની ટી20 કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી.

આ ઇનિંગને પસંદગીકારો માટે એક મજબૂત સંદેશ ગણવામાં આવે છે.

જમણેરી બૅટ્સમૅન સરફરાઝ ખાને 47 બૉલમાં અણનમ 100 રન બનાવ્યા હતા. લખનઉમાં રમાયેલી મૅચમાં મુંબઈએ આસામ વિરુદ્ધ 98 રનથી જીત મેળવી હતી. આ જીતમાં સરફરાઝની ઇનિંગનું ભારે યોગદાન રહ્યું હતું.

તેમની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 210 રનથી ઉપર હતો.

સરફરાઝ છેલ્લે 2024માં ટેસ્ટમૅચ રમ્યા હતા. ઑસ્ટ્રેલિયાની ટુર પછી તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. સારા ફૉર્મમાં હોવા છતાં ટીમમાં પસંદ ન થવાના કારણે તેના વિશે સોશિયલ મીડિયામાં ઘણી વખત ચર્ચા થતી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન