ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર 'ગેરકાયદે બાંધકામ' મુદ્દે સામસામે કેમ આવી ગયા?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના પૂર્વ સાંસદ દીનુ સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહે 'ગેરકાયદે બાંધકામ' મુદ્દે સામસામે આરોપ લગાવતા વિવાદ થયો છે.

ગુજરાતના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમણે દિગ્વિજયસિંહના રાજકોટમાં આવેલાં ફાર્મહાઉસમાં 'બાંધકામના નિયમો'નું પાલન કરવામાં આવતું ન હોવાના પણ આક્ષેપ કર્યા છે.

દીનુ સોલંકીએ આ આક્ષેપ સાથે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે.

જોકે કલેક્ટર દિગ્વિજયસિંહે પૂર્વ સંસદસભ્ય દીનુ સોલંકીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. કલેકટરનો આક્ષેપ છે કે દીનુ સોલંકી તેમને 'દબાવવા' માટે તેમની સામે આક્ષેપ કરી રહ્યા છે.

આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે શુક્રવારે કલેક્ટરના આદેશથી કોડીનાર હાઇવે પર દીનુ સોલંકીએ કરેલા "બાંધકામને ગેરકાયેદસર" ગણીને તોડવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ જીતના સરઘસમાં પણ દીનુ સોલંકીએ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

દીનુ સોલંકીએ રાજકોટ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે રાજકોટમાં ન્યારી કૅનાલ પાસે આવેલા દિગ્વિજયસિંહનું ફાર્મહાઉસ 'ગેરકાયદેસર છે' અને તેની તપાસની પણ માગ કરી હતી.

દીનુ સોલંકી અને કલેક્ટરે કેવા સામસામે આક્ષેપો કર્યા?

દીનુ સોલંકીએ ગુરુવારે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન દીનુ સોલંકીએ કલેક્ટર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું, "ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ પોતાની 'સત્તાનો દુરુપયોગ' કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગરીબોનાં મકાનો, ઝૂંપડાં તોડી રહ્યા છે અને ગરીબોનાં ખેતરો ઉજાડી રહ્યાં છે."

"દિગ્વિજયસિંહ ભ્રષ્ટાચાર કરીને ગીર સોમનાથની પ્રજાને લૂંટી રહ્યા છે. અમે ઇતિહાસમાં ભણ્યા છીએ છે કે મહમદ ગઝનવી અમારા સોમનાથને લૂંટવા આવતો હતો. આ આધુનિક લાઇસન્સદાર લૂંટારા અમારા સોમનાથને લૂંટી રહ્યા છે."

તો ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહે જાડેજાએ દીનુ સોલંકીના આક્ષેપ પાયાવિહોણા ગણાવ્યા હતા.

દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું હતું, "દીનુ સોલંકી સામે ગેરકાયદેસરના બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવે છે. આથી, તેઓ તેમની સામે થતી કાર્યવાહી અટકાવવા માટે દબાણ લાવવા માટે મારી પણ પાયાવિહોણા આક્ષેપ કરી રહ્યા છે."

દીનુ સોલંકીએ આવેદનપત્રમાં શું આક્ષેપ કર્યા?

દીનુ સોલંકીએ દિગ્વિજયસિંહ વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું, "રાજકોટમાં ન્યારી ડૅમના કિનારા પર આવેલું આદિનાથ ફાર્મ, જેની માલિકી કલેક્ટર દિગ્વિજયસિંહની છે. હાલની બજારકિંમત પ્રમાણે આ ફાર્મની કિંમત 20 કરોડ છે. આ ફાર્મહાઉસના 'બાંધકામમાં નિયમો'નું પાલન કરવામાં આવ્યું નથી."

"તે અંગે તપાસ કરી કાર્યવાહીની માગ કરી છે. આ અંગે સરકારમાં પણ અમે રજૂઆત કરવાના છીએ. કલેક્ટર અને તેમના પરિવારના નામે 'અપ્રમાણસર મિલકત' છે જે અંગે પણ તપાસ થવી જોઈએ."

ગીર સોમનાથના કલેક્ટરે પૂર્વ સંસદસભ્ય દીનુ સોલંકીના આરોપો અંગે પ્રતિક્રિયા આપી હતી, દિગ્વિજયસિંહે જણાવ્યું:

"હું આ દેશનો નાગરિક છું. હું કોઈ કાયદાથી પર નથી. જો મેં કંઈ ખોટું કર્યું હોય, તો મારી સામે પણ કાર્યવાહી થાય."

વેરાવળમાં થયેલા ડિમોલિશન અંગે શું વિવાદ છે?

ઉલ્લેખનીય છે કે દિગ્વિજયસિંહ મૂળ જામનગરના છે અને તેમણે કૅમેસ્ટ્રીમાં બી.એસસી. કર્યું છે. તેઓ વર્ષ 2012ના 'એસસીએસ' શ્રેણીના અધિકારી છે. ઑક્ટોબર-2020માં તેમને આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીઝ) અધિકારી તરીકે પ્રમૉશન મળ્યું હતું.

આ તમામ આરોપો અંગે દિગ્વિજયસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતીએ સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પૂર્વ સાંસદ દીનુ સોલંકી દ્વારા કરવામાં આવેલા આક્ષેપ પાયાવિહોણા છે. વેરાવળમાં જે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું છે તે નિયમ મુજબનું જ છે. કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે."

દિગ્વિજયસિંહ સાથે દીનુ સોલંકીને શું વાંધો પડ્યો તે અંગેના મીડિયાએ કરેલા સવાલનો જવાબ આપતા દીનુ સોલંકીએ જણાવ્યું હતું, "હું જાહેરજીવનનો માણસ છું. મારે કોઈની સાથે કોઈ વાંધો પડે નહીં."

"તાજેતરમાં યોજાયેલી કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં દિગ્વિજયસિંહે કૉંગ્રેસને ખુશ કરવા માટે અમારા ગામનાં બધાં જ બૂથોને સંવેદનશીલ જાહેર કરાવ્યાં હતાં. કલેક્ટરે વેરાવળમાં બાંધકામ ડિમોલિશન કર્યાં છે તે નિયમ વિરુદ્ધ છે."

"કલેક્ટરે વેરાવળમાં મુસ્લિમોનાં બાંધકામ દૂર કર્યાં તે નિયમ વિરુદ્ધ છે. આ અંગે મુસ્લિમ નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ પિટિશનની કાર્યવાહીથી બચવા માટે તેઓ મુસ્લિમ કૉંગ્રેસ નેતાઓને ખુશ કરવા માગે છે."

વેરાવળ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ કરસન બારડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં 28 ઉમેદવારોમાંથી કૉંગ્રેસના 15 જ ઉમેદવાર વધ્યા હતા. બાકીના ઉમેદવાર ચૂંટણી પહેલાં જ ભાજપમાં જતા રહ્યા હતા. ત્યાં કૉંગ્રેસને ખુશ કરવાની વાત કેવી રીતે આવે?"

કરસન બારડે વધુમાં જણાવ્યું હતું કે "ચૂંટણીના ઉમેદવારીપત્ર ભરાઈ રહ્યા હતા, ત્યારે કોડીનારનાં બે જૂથ વચ્ચે થોડી બોલાચાલી થઈ ગઈ હતી. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોડીનારના બૂથને સંવેદનશીલ જાહેર કરવા માટે મેં ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હતો. શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા બૂથ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં હતાં."

તો કલેકટરે આ સમગ્ર કામગીરી કાયદાનુસાર થઈ હોવાનું જણાવ્યું હતું.

'ભૂતિયા આંગણવાડી'નું ડિમોલિશન કેમ કરવામાં આવ્યું હતું?

દિગ્વિજયસિંહે જણાવ્યું હતું કે "આજે નૅશનલ હાઈવે પર દીનુ સોલંકી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે."

કલેકટર કચેરી દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસરિલીઝમાં આપેલી માહિતી અનુસાર, 'કોડિનારના કડવાસણ ગામે નૅશનલ હાઇવે પર સરકારી સર્વે નંબર-26માં ખાનગી ટ્રાન્સપૉર્ટ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની ફરિયાદ બાબતે રૅવન્યૂ વિભાગની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી હતી.'

'જે બાદ સવાલવાલી સરકારી જમીન તારીખ 06/02/2015ના રોજ નૅશનલ હાઇવે ચાર માર્ગીય કરવાના હેતુસર સંપાદન કરવામાં આવી હતી.'

'સંપાદન થયેલી જમીન પર આવેલી ભૂતિયા આંગણવાડીનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. અનધિકૃત બાંધકામથી નૅશનલ હાઈવે પર બ્લૅક સ્પૉટ ઊભો થતો હોવાથી રસ્તા પર અકસ્માતનો પણ ભય રહેતો હતો.'

પ્રેસરિલીઝ અનુસાર, 'આ બાંધકામ દૂર કરીને જમીન કબજો આપવા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં નૅશનલ હાઈવેના અધિકારી દ્વારા ભૂતકાળમાં ચાર વખત રજૂઆત કરાઈ હતી. આ સરકારી જમીન પર કરેલાં ગેરકાયદે બાંધકામોને એડહોક વળતર ચૂકવવા બાબતે વર્ષ-2023માં થયેલી તપાસ અને તજવીજના આકારણીપત્રકના કૉલમ-4માં ગેરકાયદેસર બાંધકામ કરનાર દીનુભાઈ બોઘાભાઈ સોલંકી તથા દિલીપ લખમણ બારડનું હોવાનો રિપૉર્ટ થયો હતો.'

'હાલમાં, નૅશનલ હાઈવે પરનો ટૉલ લેવાની કામગીરી શરૂ હોવાથી રોડની કામગીરી સંપૂર્ણ ન થતાં લોકો દ્વારા પણ અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હતી. આથી આ અનધિકૃત બાંધકામને દૂર કરીને નૅશનલ હાઈવેને સોંપવાની કામગીરી હાથ ધરાઈ હતી.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.