ગુજરાત સરકાર ખેડૂતોને પાકવીમો કેમ આપતી નથી, યોજના લાગુ થાય તો ખેડૂતોને કેવા લાભ થાય?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY)ને 2025-26 સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને આ યોજનાના 2021-22થી 2025-26ના ગાળા માટે નાણાકીય ફાળવણીમાં વધારો કરીને રૂપિયા 69,515 કરોડ કરી છે.

જોકે, કેન્દ્ર સરકારની આ યોજના હાલમાં ગુજરાતમાં હાલમાં લાગુ ન હોવાને કારણે ગુજરાતના ખેડૂતોને તેનો લાભ મળી રહ્યો નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ખેડૂતોને વડા પ્રધાન તરીકેના તેના પહેલા કાર્યકાળમાં 2016ની સાલમાં રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના અને સુધારેલી રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાની જગ્યાએ PMFBY એટલે કે પ્રધાનમંત્રી પાકવીમા યોજનાની શરૂઆત કરી કરી હતી.

તેમાં દેશનાં લગભગ મોટાં ભાગનાં રાજ્યો જોડાયાં હતાં. પરંતુ 2020ના ઑગસ્ટ મહિનામાં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આ યોજનામાં ગુજરાત ભાગ નહીં લે તેવી જાહેરાત કરતાં રાજકીય અને ખેડૂત વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું હતું. કારણ કે તે વખતે પણ દિલ્હીમાં અને ગાંધીનગરમાં ભાજપની જ સરકાર હતી અને નરેન્દ્ર મોદી જેનો પ્રચાર કરી રહ્યા હતા તેવી યોજનામાંથી તેમનું પોતાનું રાજ્ય જ ખસી ગયું હતું.

ગુજરાત સરકારના આ નિર્ણયને પાંચ વર્ષ વીતી ગયાં છે અને રાજ્યના ખેડૂતો હજુ પણ પાકવીમાની સુવિધાથી વંચિત છે.

જોકે, સ્થાનિક અગ્રણી અખબારોના સમાચારોમાં એ વાત છવાયેલી છે કે ગુજરાત સરકાર આ યોજનામાં ફરીથી જોડાઈ શકે છે.

કેવા સંજોગોમાં ગુજરાત સરકાર PMFBYમાંથી ખસી ગઈ?

PMFBYમાં રાજ્ય સરકાર જિલ્લા દીઠ આગળનાં વર્ષોમાં નોંધાયેલા ઉત્પાદનના આધારે ચાલુ વર્ષના ઉત્પાદનનો અંદાજ બાંધતી હતી.

આવા અંદાજિત ઉત્પાદનને જે-તે વર્ષના લઘુતમ ટેકાના ભાવ કે ટેકાના ભાવ જાહેર ન કરાયા હોય તેવા પાકોના કિસ્સામાં ખેતરમાંથી સીધું જ વેચાણ કરતા કેટલી કિંમત મળે તે ફાર્મગેટ પ્રાઇસ ધ્યાને લઈ હેક્ટર દીઠ પાકના મૂલ્યની ગણતરી કરતી હતી.

આવા પાકના મૂલ્યની ગણતરીને આધારે કેટલી રકમનો વીમો ઉતરાવવાનો છે તે નક્કી કરતી હતી. આટલું નક્કી થઈ ગયા પછી સરકાર ટેન્ડરના માધ્યમથી એમ્પેનલ કરેલ વીમા કંપનીઓ પાસેથી જે-તે વિસ્તારના ખેડૂતોને પાકવીમાની સેવા પૂરી પાડવા વીમાના પ્રીમિયમના દર મંગાવતી હતી અને આ રીતે ટેન્ડરથી નક્કી થયેલા પ્રીમિયમની રકમ ખેડૂતો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ ત્રણેય મળીને સંયુક્ત રીતે ભરતા હતા.

આ યોજનામાં ચોમાસાની ઋતુ એટલે કે ખરીફ સિઝનમાં વવાતાં બાજરા જેવા ધાન્ય પાકો અને મગફળી જેવા તેલીબિયાં પાકો માટે વીમો ઉતરાવવાનું નક્કી થયેલું. આ રકમના દોઢ ટકા રકમ ખેડૂતો પ્રીમિયમ તરીકે ભરતા. કપાસ જેવા રોકડિયા પાકોમાં ખેડૂતોના ભાગે પાંચ ટકા પ્રીમિયમ આવતું.

શિયાળુ ઋતુ એટલે કે રવી સિઝનમાં વવાતાં ધાન્ય પાકો માટે વીમો ઉતરાવેલી રકમના બે ટકા રકમ ખેડૂતોએ પ્રીમિયમ તરીકે ભરવાની થતી. બાકી રહેતી પ્રીમિયમની રકમના બે સરખા ભાગ પડી કેન્દ્ર અને રાજ્ય સરકાર એક એક ભાગ ભરી દેતી અને આ રીતે ખેડૂતોને વીમા પ્રીમિયમમાં 95 ટકાથી માંડીને 98.5 ટકા સુધી સબસિડી આપવામાં આવતી.

ખેડૂતોએ ભરવાની થતી પ્રીમિયમની રકમ સહકારી બૅન્કો ખેડૂતોને પાકધિરાણ આપતી વખતે તે ધિરાણની રકમમાંથી જ કાપી લેતી અને વીમા કંપનીઓને પહોંચાડવાની વ્યવસ્થા કરતી હતી.

સિઝનના અંતે ગામ દીઠ કે તાલુકા દીઠ અમુક ખેતર પસંદ કરી વીમો ઉતરાવેલ હોય તેવા પાકના ખેતરમાં પચ્ચીસ કે પચાસ ચોરસવાર વિસ્તારને સૅમ્પલ ગણી તે વિસ્તારમાંથી પાકની લણણી કરી તેનું ઉત્પાદન નક્કી કરવામાં આવતું.

જો જિલ્લા સ્તરે અગાઉથી જ નક્કી કરાયેલા ઉત્પાદનથી ગામ કે તાલુકા લેવેલે કરાયેલા સૅમ્પલ ક્રૉપ કટિંગમાં ઉત્પાદન ઓછું આવે તો વીમા કંપનીએ ખેડૂતોને વીમો ચૂકવવો પડે.

આવી ચુકવણીની ટકાવારી ઉત્પાદનમાં થયેલા ઘટાડાની ટકાવારી જેટલી રાખવી તેવી જોગવાઈ છે.

ઉદાહરણ તરીકે ક્રૉપ કટિંગમાં ઉત્પાદનમાં બે ટકાનો ઘટાડો આવે તો ખેડૂતે જેટલી રકમનો વીમો ઉતરાવ્યો હોય તે રકમના બે ટકા તેને વીમો મળવાપાત્ર થાય.

જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય તો તેવા કિસ્સામાં ખેડૂતો વીમા કંપનીને ફોનથી જાણ કરે અથવા જિલ્લાના ખેતીવાડી અધિકારીને જાણ કરે તો આવા ખેતર કે ગામમાં થયેલા નુકસાનના અંદાજ માટે જિલ્લા લેવલે એક સમિતિની રચના કરવામાં આવતી.

આવી સમિતિ નુકસાનનો સર્વે કરી કેટલા ટકા પાક નાશ પામ્યો છે તેનું તારણ આપે તેના આધારે વીમા કંપનીએ ખેડૂતોને વીમાની રકમ ચૂકવવી એવી જોગવાઈ હતી.

ભાજપની વિજય રૂપાણી સરકારે તે વખતે શું કહ્યું હતું?

PMFBYમાંથી ખસી જવાની જાહેરાત કરતા તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, "વીમા કંપનીઓ ખૂબ ઊંચા પ્રીમિયમની માગણી કરી રહી હતી તેથી રાજ્ય સરકારે 2020-21ના વર્ષ માટે તે વીમા યોજનાનો લાભ ન લેવાનો નિર્ણય કર્યો છે."

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે 2020-21 માટેના ટેન્ડરમાં વીમા કંપનીઓએ 4500 કરોડ જેટલા પ્રીમિયમની માગણી કરી હતી.

PMFBYની જગ્યાએ રૂપાણી સરકારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનામાં ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ભરવાનું ન હતું અને સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને પાક ઉત્પાદનમાં 33થી 60 ટકા સુધીનું નુકસાન થાય તો હૅક્ટર દીઠ 20 હજાર રૂપિયાની સહાય કરશે અને જો 60 ટકાથી વધારે નુકસાન થાય તો હૅક્ટર દીઠ 25 હજારની સહાય કરશે અને આવી સહાય મહત્તમ ચાર હૅક્ટર માટે મળશે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, "PMFBYમાં રાજ્યના પંદરથી સત્તર લાખ ખેડૂતો જ જોડાતા હતા જ્યારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજનાનો લાભ રાજ્યના 56 લાખ જેટલા ખેડૂતોમાંથી દરેકને મળશે."

PMFBYમાંથી નીકળી ગયા બાદ સરકારે ખેડૂતોને કેટલું આપ્યું?

બીબીસી ગુજરાતીએ મેળવેલા સત્તાવાર આંકડા અનુસાર, રાજ્ય સરકારે 2020-21થી 2024-25ના પાંચ વર્ષમાં 6236 કરોડ રૂપિયા સહાય પેટે ચૂકવ્યા છે. પરંતુ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના 2021-22 સુધી જ ચાલી હતી.

ત્યાર પછી ખેડૂતોને પાક ઉત્પાદનમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે રોગચાળાના ઉપદ્રવના કારણે થતા નુકસાન સામે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (રાજ્ય આપત્તિ રાહતભંડોળ)માંથી સહાય ચૂકવવામાં આવે છે અને ઉપરાંત ખાસ રાહતપૅકેજની જાહેરાત કરી રાજ્યના બજેટમાંથી પણ સહાયની ચુકવણી કરે છે.

સરકારે 2020-21માં 19 લાખ ખેડૂતોને 2,906 કરોડની સહાય, 2021-22માં 7.67 લાખ ખેડૂતોને 1240 કરોડ, 2022-23માં 1.93 લાખ ખેડૂતોને 197 કરોડ, 2023-24માં 2.55 લાખ ખેડૂતોને 409 કરોડ અને 2024-25માં જાન્યુઆરી 2025 સુધીમાં 7.94 લાખ ખેડૂતોને 1482 કરોડ સહાય પેટે ચૂકવ્યા છે. પરંતુ 2015-16થી 2019-20 સુધીનાં પાંચ વર્ષ દરમિયાન પણ સરકારે ખેડૂતોને વીમા ઉપરાંત 6153 કરોડની સહાય ચૂકવી હતી.

રાજ્ય સરકારના એક અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "છેલ્લાં નવ વર્ષમાં રાજ્ય સરકારે પાકોમાં નુકસાનની સામે રૂપિયા 12389 કરોડ સીધા ખેડૂતોના ખાતામાં જ જમા કર્યા છે. આ વાર્ષિક સરેરાશ 1376 કરોડ રૂપિયા જેટલી ચુકવણી થાય. જો વીમા કંપનીઓ પણ આ વાર્ષિક ચુકવણી જેવી જ રકમ વીમા તરીકે ખેડૂતોને આપતી હોય તો રાજ્ય સરકાર પ્રતિ વર્ષ 4500 કરોડ રૂપિયા વીમા કંપનીઓને પ્રીમિયમ પેટે શા ચૂકવે?"

ગુજરાત કૉંગ્રેસના કિસાન સેલના નેતા પાલ આંબલિયા કહે છે, "વીમા કંપનીઓએ કેટલાક જિલ્લાઓમાં વીમો ઉતરાવેલ રકમના 59 ટકા સુધીના ઊંચા દરે પ્રીમિયમ વસૂલ્યા અને જ્યારે ખેડૂતોને વીમાની રકમ ચૂકવવાનો વખત આવ્યો ત્યારે એક અથવા બીજા કારણસર તેની ચુકવણી કરી નહીં. તેમાં હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો. અમે એની સામે અવાજ ઉઠાવતા કંપનીઓને લાગ્યું કે હવે તેમનો ભ્રષ્ટાચાર ચાલશે નહીં. આથી, તેમણે ટેન્ડર ભરવાનું બંધ કર્યું કે ખૂબ ઊંચા પ્રીમિયમ માગવાનું ચાલુ કર્યું."

શું ગુજરાત ફરી વાર પાકવીમા યોજનામાં જોડાશે?

આ બાબતે સરકારનો પક્ષ જાણવા બીબીસીએ ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

પરંતુ રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ મીડિયા અહેવાલોનું ખંડન કરતા જણાવ્યું છે કે, "અમારી જાણમાં તો આ યોજના ફરી શરૂ થવાની છે એવું કંઈ નથી."

અન્ય એક અધિકારીએ પણ રાજ્ય સરકારની આવી કોઈ વિચારણા ન હોવાનું જણાવ્યું.

તેમણે કહ્યું હતું કે, "હાલ આવી કોઈ વિચારણા સરકારમાં ચાલી રહી નથી. હા, એ વાત સાચી કે એક-બે વીમા કંપનીના પ્રતિનિધિઓ અમારી પાસે આવીને રાજ્યમાં પાકવીમાની યોજના ફરી ચાલુ થાય તો તેઓ તેમાં ભાગ લેવા તૈયાર છે તેવી જાણકારી આપી ગયેલ છે. પરંતુ, પ્રીમિયમમાં ઘટાડો થાય અને ખેડૂતોના વીમાના દવાઓનો સંતોષકારક નિકાલ થાય તેવી વ્યવસ્થા થાય તો જ રાજ્ય સરકાર આ બાબતે ફેરવિચારણા કરવાનું વિચારે."

પાકવીમો કેમ જરૂરી છે અને ખેડૂતોને કેમ આ યોજનાની સહાય મળવી જોઈએ?

પાલ આંબલિયા કહે છે કે, "ખેડૂતોને પાકવીમાનો વિકલ્પ મળવો જોઈએ. રાજ્ય સરકાર એસડીઆરએફમાંથી જે રકમ ખેડૂતોને ચૂકવે છે તે સહાય છે. તે વીમો નથી. પાકવીમો ખેડૂતોએ પ્રીમિયમ ભરીને ઉતરાવેલ હોવાથી વીમાની પાકતી રકમ મેળવવો તેનો કાયદાકીય હક્ક બને છે જ્યારે રાજ્ય સરકાર દ્વારા ચૂકવાતી સહાય એ કાયદાકીય અધિકાર નથી. તેથી, ગુજરાતના ખેડૂતો પાસે છેલ્લાં પાંચ વર્ષથી વીમાક્વચનો કોઈ વિકલ્પ નથી રહ્યો. પાકવીમો એ જરૂરી છે."

ભાજપના કિસાન સેલના પ્રમુખ હિતેશ પટેલ પણ કહે છે કે પાકવીમા યોજના ખૂબ સારી હતી.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "જો ખેડૂતોએ થોડી વધારે જાગૃતિ દાખવી હોત તો યોજના ખૂબ સારી હતી. પરંતુ વળતરની ચુકવણીમાં કે ખેડૂતો દ્વારા ક્લેઇમ કરવામાં મોડું થવાને કારણે વીમાની રકમ ન મળવાની ફરિયાદો ઊઠી અને તેથી રાજ્ય સરકારે તેમાંથી ખસી જવાનો નિર્ણય લીધો."

તેમણે ઉમેર્યું કે, "સરકાર દરેક આપત્તિ વખતે ખેડૂતોની પડખે ઊભી રહી છે. વીમા યોજનામાંથી નીકળી ગયા બાદ સરકારે તૌકતે વાવાઝોડા વખતે ખેડૂતોને સહાય કરી. ત્યાર પછી ખૂબ વધારે વરસાદ કે ઓછો વરસાદ પડ્યો ત્યારે પણ સરકારે એસડીઆરએફનાં ધારાધોરણો ઉપરાંત સહાય કરી છે. આ વર્ષે પણ ઑગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ થતા સરકારે પહેલાં 350 કરોડ અને પછી 1419 કરોડ રૂપિયાનું રાહતપૅકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.