You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં ગળું કપાયેલી હાલતમાં યુવક-યુવતી મળ્યાં, લોકો આ ઘટનાને 'ગ્રીષ્મા કેસનું પુનરાવર્તન' કેમ ગણી રહ્યા છે?
- લેેખક, શીતલ પટેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
તાજેતરમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે એક યુવકે એક યુવતીની કથિત હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે.
આ ઘટના બહાર આવતાં કેટલાક લોકો તેને અગાઉ સુરતમાં જ બનેલી 'ગ્રીષ્મા હત્યાકાંડ' જેવી ઘટના ગણાવી રહ્યા છે.
મંગળવારે વાંકલ ગામ નજીક ખેતરમાં એક્ટિવા પાસે યુવક-યુવતી ગળા કપાયેલી અવસ્થામાં લોહીના ખાબોચિયામાં મળી આવતાં ગામલોકોએ ઍમ્બુલન્સ અને પોલીસને જાણ કરી હતી.
ગળામાં જબરદસ્ત ઘા વાગ્યો હોવાને કારણે યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે યુવક ગળામાં ઘા વાગ્યા છતાં જીવિત અવસ્થામાં મળી આવતાં તેમને સુરત સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં સુરત જિલ્લા એસપી સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓ હૉસ્પિટલ પહોચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ સમગ્ર પ્રકરણમાં હાલ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 બી અને 135 અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યું હતું કે આ યુવક સુરેશ જોગી અને યુવતી તેજસ્વિની ચૌધરી 'પ્રેમસંબંધમાં હતાં' પરંતુ આખરે કેવી રીતે આ 'પ્રેમસંબંધ'નો આ અંજામ થયો એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.
સુરતની સમગ્ર ઘટના શું છે?
ઘટના અંગે સુરત ગ્રામ્ય પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ હિતેશ જોયસરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીત જણાવ્યું હતું કે, "યુવક-યુવતી વચ્ચે પ્રેમસંબંધ હતો અને યુવતી આ સંબંધ રાખવા ઇચ્છતી નહોતી, તેથી આવેશમાં આવી યુવકે જ આ કૃત્ય કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટના અંગેની જાણકારી આપતાં તેમણે જણાવ્યું હતું કે, "મંગળવારે સવારે નવ વાગ્યાની આસપાસ માંગરોળ પોલીસ સ્ટેશનના વાંકલ ગામમાં હાઇવેથી 500 મીટર અંદર એક 20-25 વર્ષનાં યુવક અને યુવતીને ગળાના ભાગે ઈજા થઈ હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસની ટીમ ત્યાં ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યાં જઈને જોયું તો યુવતીનું મોત થઈ ચૂક્યું હતું અને યુવકને તાત્કાલિક સારવારાર્થે સુરત સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, હાલ યુવકની સારવાર ચાલી રહી છે."
હિતેશ જોયસરે વધુમાં જણાવ્યું કે પ્રાથમિક માહિતી અનુસાર યુવક-યુવતી મિત્ર હતાં અને સવારે બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થઈ હતી અને વાતચીત થયાના 15 મિનિટ બાદ આ બનાવ બન્યો છે.
"આ ઘટના અંગે વધુ તપાસ હાલ ચાલી રહી છે. યુવકની સારવાર હેઠળ છે અને ડૉક્ટર પરવાનગી આપશે ત્યાર બાદ તેની પૂછપરછ કરાશે."
માંગરોળ પોલીસ સ્ટેશનના પીઆઇ એમએચ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "હાલ યુવકને ગળાના ભાગે વધારે ઈજા હોઈ તેની કોઈ પૂછપરછ નથી કરાઈ, પરંતુ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બંને વચ્ચે પ્રેમસંબંધ હતો અને બ્રેકઅપ થયું હોવાને કારણે યુવકે આવેશમાં આવી આ કૃત્ય કર્યું હશે. પરંતુ આ વિશે તપાસ ચાલી રહી છે અને ચોક્કસ કારણ યુવકની પૂછપરછ બાદ જ જાણી શકાશે."
'યુવક-યુવતી સ્કૂલ સમયથી મિત્રો હતાં'
માંગરોળના ડીવાયએસપી બીકે વનારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "આ ઘટનામાં મૃત હાલતમાં મળી આવેલી યુવતી વાંકલ ગામની રહેવાસી છે અને એ કૉલેજમાં અભ્યાસ કરતી હતી. યુવક સુરેશ જોગી પલસાણાનો રહેવાસી હતો."
હત્યા બાદ ઘટનાની તપાસમાં બંને વચ્ચે સ્કૂલ સમયથી મિત્રતા હોવાનું સામે આવ્યું છે.
બીકે વનારે વધુમાં જણાવ્યું કે, "બંને વચ્ચે મિત્રતા કે પ્રેમસંબંધ હતો. તે અંગે પરિવારની પૂછપરછ કરતાં તેઓ આ બાબતે કશું જ જાણતા ન હોવાનું સામે આવ્યું છે, પરંતુ યુવતીની કૉલેજના મિત્રો પાસેથી ખબર પડી છે કે બંને વચ્ચે પ્રેમ હતો અને યુવતી હવે તે આગળ વધારવા ઇચ્છતી ન હતી."
વાંકલ ગામ પાસે જ્યાં આ સમગ્ર ઘટના બની હતા ત્યાં લોહીનાં ખાબોચિયાંમાં તેજસ્વિની અને સુરેશ જોગી મળી આવ્યાં હતાં. અહીં યુવતીના ચંપલ અને એક્ટિવા પણ મળી આવ્યાં હતાં, તેમજ સ્થળ તપાસમાં પોલીસને પુરાવારૂપે ચપ્પુ અને બ્લૅડ મળ્યાં હતાં.
બીકે વનારે જણાવ્યું કે, "સ્થળ પરથી મળેલા મેડિકલ પુરાવા અને અન્ય પુરાવાના આધારે આ યુવક આગોતરા આયોજન સાથે જ આવ્યો હોય તેવું જણાય છે. એ વાતને સાબિતી આપતા કેટલાક પુરાવા પણ હાથે લાગ્યા છે. આ ઉપરાંત સ્થળ નજીક વળી ગયેલું ચપ્પુ અને એક બ્લૅડ મળી આવ્યાં હતાં. પોલીસે ઘટનાસ્થળેથી વળી ગયેલું ચપ્પુ કબજે લીધું છે, તે પણ લોહીથી ખરડાયેલું છે. તેજસ્વિનીની હત્યા કરીને પછી સુરેશ જોગીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો."
યુવતીના ગળાથી શ્વાસનળી અને કમર સહિતના ભાગોમાં ગંભીર ઈજા
સમગ્ર પ્રકરણમાં કેટલાંક સમાચાર માધ્યમોમાં યુવક-યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની વાત કરાઈ રહી હતી, જેને ડીવાયએસપી બીકે વનારે નકારી હતી.
ઘટના બાદ સુરત સિવિલ હૉસ્પિટલમાં યુવતીનું ફોરેન્સિક પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું હતું, જ્યાં પ્રાથમિક રિપોર્ટમાં તેમના ગળામાં શ્વાસનળી, જમણું ફેફસું, કિડની, બંને હાથ અને પીઠના ભાગે ઈજા પહોંચી હોવાની ખબર પડી હતી. શરીર પર ઘણી બધી ઈજાના કારણે તેમનું મોત થયું હતું.
બીકે વનારના જણાવ્યાનુસાર, "યુવકે યુવતીના કમરના ભાગેથી છરીના બે ઘા માર્યા છે, આ બાદ છોકરીએ આત્મહત્યાની કોશિશ ન કરી હોય તેવું જણાઈ આવે છે, તેમજ પોતાના બચાવ કરવા જતા યુવતીના હાથ અને અન્ય ભાગો પર પણ ઈજાનાં નિશાન મળી આવ્યાં છે. આ ઉપરાંત યુવતીના ગળા સહિતના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાનાં નિશાન જોવા મળ્યાં છે, જેથી એમ કહી શકાય કે એક કરતાં વધુ ઘાને કારણે યુવતીનું મોત નીપજ્યું છે."
તેમણે વધુ કહ્યું કે, "યુવકના ગળાના ભાગે એક જ ઘા વાગ્યો છે. આ બધા પુરાવાઓ અને શક્યતા જોતાં યુવતીએ કોઈ ઘા કર્યો હોય એવું જણાઈ નથી આવતું, પરંતુ યુવતીએ પોતાનો બચાવ કર્યો હોય અને યુવકે તેની હત્યા કરી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે."
યુવકના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની સ્વરપેટી કપાઈ ગઈ હતી.
યુવકને કડક સજાની સ્થાનિક લોકો દ્વારા માગ કરાઈ
ઘટના બાદ મીડિયા દ્વારા સમગ્ર પ્રકરણ સંદર્ભે યુવતીના અને યુવકના પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાલ આ મામલે તેઓ કશું બોલવા તૈયાર નથી.
જોકે મૃતકના દીકરીના પિતા સાથે બીબીસીએ વાત કરી હતી. તેમણે માત્ર એટલું જ જણાવ્યું કે આરોપીને કડકમાં કડક સજા થવી જોઈએ.
જ્યારે બીજી તરફ આજ રોજ માંગરોળના બોરિયા ગામે મુક્તિધામ ખાતે મૃતક તેજસ્વિનીના અંતિમ સંસ્કાર કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા. તેમજ વાંકલ ગામના લોકોએ ધંધા-રોજગાર બંધ કરી ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
અંતિમયાત્રામાં હાજર લોકો અને આગેવાનોએ આ સમગ્ર ઘટનામાં યુવતીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી યુવકને કડકમાં કડક સજા થાય તેવો માગ કરી હતી.
આદિવાસી સમાજના આગેવાન અનિલ ચૌધરી કહ્યું કે, "યુવક દ્વારા જે રીતે યુવતીની હત્યા કરવામાં આવી છે તે બનાવને સરકાર, પોલીસ અને કોર્ટ ગંભીરતાથી લે અને ઝડપથી તેની તપાસ કરી, પુરાવા એકત્ર કરી હત્યા કરનાર યુવકને ફાંસીની સજા થાય તેવી આશા અમે રાખી રહ્યા છીએ."
તેમણે વધુમાં કહ્યું કે, "છેલ્લા એક વર્ષમાં આ પ્રકારના કિસ્સાઓમાં કોર્ટ દ્વારા જે પ્રકારે ઝડપી નિર્ણય લઇ આરોપીને સજા ફટકારવામાં આવી છે તે જ રીતે આ કેસમાં પણ ઝડપથી તપાસ પૂર્ણ કરી આરોપીને સજા કરવામાં આવે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન