You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : કુતિયાણામાં કાના જાડેજાની જીત, કાંધલ જાડેજા પરિવારનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે?
મંગળવારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યાં, જેમાં 95 ટકા કરતાં વધુ સ્ટ્રાઇક રેટ સાથે રાજ્યભરમાં ભાજપે જીત મેળવી છે. જોકે, પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીની પેનલનો વિજય થયો છે.
ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું પ્રદર્શન કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતાં પણ સારું રહ્યું હતું.
સપાના વિજયનું શ્રેય કુતિયાણા-રાણાવાવ બેઠક પરથી પાર્ટીના ધારાસભ્ય કાંધલ જાડેજાને આપવામાં આવે છે, જેમના નાના ભાઈ ચૂંટણીજંગમાં ઊતર્યા હતા અને તેમની વ્યક્તિગત પ્રતિષ્ઠા દાવ પર હતી.
જાડેજાભાઈઓએ મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી.
કાંધલ અને કાના જાડેજા પોરબંદર પંથકમાં 'ગોડફાધર'ની છાપ ધરાવતા સરમણ મુંજા અને 'ગોડમધર'ની છાપ ધરાવતાં સંતોકબહેન જાડેજાના પુત્રો છે.
કુતિયાણામાં કાંધલ જાડેજા અને ઓડેદરા પરિવારનો ચૂંટણીજંગ
વર્ષ 1995થી કુતિયાણા નગરપાલિકા પર ઢેલીબહેન ઓડેદરાનું વર્ચસ્વ હતું. ઢેલીબહેન દસેક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયાં હતાં અને પાર્ટીને આ નગરપાલિકા અપાવી હતી. એ પહેલાં તેઓ કૉંગ્રેસમાં હતાં અને અપક્ષ તરીકે પણ નગરપાલિકા સંભાળી છે.
ગત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન કાંધલ જાડેજા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં હતા. તેમણે પોતાની પેનલ ઉતારી હતી. જોકે ઢેલીબહેન પોતાનું વર્ચસ્વ જાળવી રાખવામાં સફળ રહ્યાં હતાં અને પાર્ટીને 24માંથી 19 બેઠક અપાવી હતી.
વર્ષ 2022માં ગુજરાતમાં ભાજપને 154 બેઠક મળી હતી, ત્યારે કુતિયાણાની બેઠક પર સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજાનો વિજય થયો હતો. ભાજપે આ બેઠક પરથી ઢેલીબહેન ઓડેદરાને ઉમેદવાર બનાવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઢેલીબહેન ઓડેદરા કાંધલ જાડેજાનાં ફોઈનાં પુત્રવધૂ છે, જેથી આ બે પરિવાર વચ્ચે વર્ચસ્વની લડાઈ પણ હતી.
પોરબંદરસ્થિત પત્રકાર હિતેશ ઠકરારના જણાવ્યા પ્રમાણે, "કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી જાડેજા અને ઓડેદરા પરિવાર માટે આ ચૂંટણીજંગ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો, એટલે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ પણ આ બેઠક સંવેદનશીલ બની રહી હતી."
"આ વાતનો અંદાજ એ તથ્ય પરથી લગાવી શકાય કે ચૂંટણી પહેલાં પોરબંદરના પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના નેતૃત્વમાં પોલીસે કુતિયાણામાં માર્ચ કરી હતી."
ઠકરાર ઉમેરે છે, "કુતિયાણા અને રાણાવાવમાં કૉંગ્રેસે ધારાસભ્ય કાંધલ જાડેજાને વ્યૂહાત્મક સપોર્ટ આપ્યો હતો. પાર્ટીએ કુતિયાણામાં એક પણ ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો અને રાણાવાવમાં 10 ઉમેદવારને પાછા ખેંચી લીધા હતા."
ઠકરાર ઉમેરે છે કે ઢેલીબહેન ઓડેદરા સપાના નેતા કાના જાડેજાનાં પૂર્વ 'મોટાં સાસુ' થાય છે. ઢેલીબહેનના દિયરનાં પુત્રી સાથે કાનાભાઈનું લગ્ન થયું હતું, પરંતુ બાદમાં બંનેના છૂટાછેડા થયા હતા.
ઠકરાર જણાવે છે, "24માંથી 14 બેઠક પર સમાજવાદી પાર્ટીના તથા 10 બેઠક પર ભાજપના કાઉન્સિલર ચૂંટાઈ આવ્યા છે. જ્યારે રાણાવાવમાં 28માંથી 20 બેઠક ઉપર એસપીની પેનલનો વિજય થયો હતો, જ્યારે આઠ પર ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હતા."
નગરપાલિકામાં વિજય પછી કાંધલ જાડેજા અને કાના જાડેજાએ શું કહ્યું?
કુતિયાણા નગરપાલિકામાં ભાજપનો પરાજય એ ઢેલીબહેન માટે વ્યક્તિગત પરાજય પણ હતો. તેમણે પરિણામો અંગે કોઈ પ્રતિક્રિય આપવાનું ટાળ્યું હતું.
જોકે, ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સી.આર. પાટીલે ગાંધીનગર ખાતે પત્રકારપરિષદ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું, "જે અમારી ધારણા હતી તેમાં થોડી કચાશ રહી ગઈ છે. અમારે 68માંથી 68 નગરપાલિકા જીતવી હતી. પરંતુ અમે 68માંથી લગભગ 62 નગરપાલિકામાં સત્તા પર આવ્યા છીએ."
પાટીલનો ઇશારો કુતિયાણા, રાણાવાવ અને સલાયા જેવી નગરપાલિકાઓ તરફ હતો, જેના કારણે પાર્ટીનો સ્ટ્રાઇક રેટ 96 ટકા આસપાસ રહેવા પામ્યો હતો.
ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કાના જાડેજાએ કહ્યું હતું, "કાંધલભાઈનાં કામો અને મારા પર જનતાના વિશ્વાસને કારણે વિજય થયો છે અને જનતાના વિશ્વાસને અડીખમ જાળવી રાખીશ."
ચૂંટણી પરિણામો બાદ પોરબંદરસ્થિત કાંધલ અને કાના જાડેજાના નિવાસસ્થાને ઉજવણી થઈ હતી.
કુતિયાણા-રાણાવાવ બેઠક પરથી ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂંટણી પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, 'આ (પરિણામો) જનતાના આશીર્વાદ છે. હજુ અમે ધાર્યા કરતા ઓછી સીટો આવી છે. જે વચન આવ્યાં છે તે પૂરાં કરીશ. કુતિયાણામાં કામો થયાં ન હતાં એટલે ગઢમાં ગાબડાં પડવાનાં જ હતા.'
આ ચૂંટણી પરિણામોને પગલે ગુજરાતમાં ઉત્તર પ્રદેશસ્થિત પ્રાદેશિક પક્ષ સમાજવાદી પાર્ટીનો બે નગરપાલિકામાં વિજય થયો છે. જે રાષ્ટ્રીય પક્ષ કૉંગ્રેસ કરતાં એક વધુ છે.
કુતિયાણા-રાણાવવામાં કાંધલ જાડેજા પરિવારનો દબદબો વધતો જાય છે?
ચૂંટણી પરિણામો બાદ જાડેજા પરિવારનો દબદબો પોરબંદર સુધી મર્યાદિત રહેશે કે વિસ્તરશે તેના વિશે પણ ચર્ચાઓ જાગી છે. કુતિયાણામાં કાના જાડેજાના નેતૃત્વમાં સપાની પેનલના વિજયનું શ્રેય કાંધલ જાડેજાને આપવામાં આવે છે.
રાજકીય વિશ્લેષક મનીષ મહેતાના જણાવ્યા પ્રમાણે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી કુતિયાણા, રાણાવાવ અને આસપાસના વિસ્તારોમાં કાંધલ જાડેજાનું વ્યક્તિગત પ્રભુત્વ રહ્યું છે, જેની સામે પક્ષ ગૌણ બની રહે છે."
"પક્ષનું નામ અને ચૂંટણીચિહ્ન બદલાઈ જાય તો પણ કાંધલ જાડેજા ચૂંટાઈ આવે છે. વર્ષ 2022 બાદ આ વખતે પણ ભાજપના પ્રચંડ જુવાળની વચ્ચે કાંધલ જાડેજાએ કુતિયાણા-રાણાવાવમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે."
"કદાચ ભાજપે પણ આ વાત સ્વીકારી લીધી છે. સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં અમુક વિસ્તારો છે, જ્યાં નેતાઓ પોતાની વ્યક્તિગત લોકપ્રિયતાના આધારે ચૂંટાઈ આવે છે. કુતિયાણાની બેઠક આવી જ એક બેઠક છે."
શું આ પરિણામોથી કાંધલ જાડેજાની રાજકીય મહત્ત્વકાંક્ષા વિસ્તરશે? એવા સવાલના જવાબમાં મનીષ મહેતા જણાવે છે, "એક સમય હતો કે જ્યારે જાડેજા પરિવારે તેના વેપારી હિતોને રાજકોટ સુધી વિસ્તારવાના પ્રયાસ કર્યા હતા. એ પછી પરિવારમાં આંતરિક કલહ થયો હતો, જેના કારણે જાડેજા પરિવારનું રાજકીય વર્ચસ્વ ઘટ્યું હતું."
"જેને કાંધલ જાડેજાએ પુનઃસ્થાપિત કર્યું છે, પરંતુ આ પરિણામો બાદ સૌરાષ્ટ્રના અન્ય કોઈ વિસ્તારમાં રાજકીય વ્યાપ વધારવાનો પ્રયાસ કરશે એમ નથી જણાતું. તે પોતાના વિસ્તાર પૂરતા જ સીમિત રહેવા માગશે."
ઉલ્લેખનીય છે કે વર્ષ 2017થી 2022 દરમિયાન ગુજરાત વિધાનસભામાં ભાજપ પાસે પાંખી બહુમતી હતી, ત્યારે પક્ષના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપને "વ્યૂહાત્મક મદદ" પણ કરી હતી.
કોણ છે પોરબંદરના કાના જાડેજા?
47 વર્ષીય કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ પરથી ઉમેદવારી કરી હતી.
કાના જાડેજાએ દાખલ કરેલી ચૂંટણી ઍફિડેવિટ પ્રમાણે, તેમણે લગ્નસાથીની વિગતોની કૉલમમાં 'લાગુ નથી' લખ્યું હતું.
કાના જાડેજાએ તેઓ ધો. 12 પાસ હોવાનું અને નાણાકીય વર્ષ 2023-'24 દરમિયાન રૂ. 15 લાખ 40 હજાર જેટલી આવક હોવાનું જણાવ્યું છે.
કાના જાડેજા સામે ભારતીય દંડ સંહિતાની (આઈપીસી) કલમ 143,147, 149, 332, 294 (ખ), 427 અને 504 હેઠળ કેસ દાખલ થયો હતો, જેમાં રાણાવાવની કોર્ટમાં તેમનો નિર્દોષ છુટકારો થયો હતો. હાલમાં આ કેસ પોરબંદરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ કેસ પોરબંદર નગરપાલિકાના નગરસેવક કેશુ નેભા ઓડેદરાની હત્યા સંબંધનો હતો. તેઓ પોરબંદરના કડિયા પ્લૉટ વિસ્તારમાં પાનની દુકાને ઊભા હતા, ત્યારે ગોળીમારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જેનો આરોપ કાંધલ અને કાના જાડેજા પર લાગ્યો હતો.
આ કેસમાં ચારેય ભાઈઓ ઉપરાંત તેમનાં માતાને પણ આરોપી બનાવાયાં હતાં. આ કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી તેઓ ફરાર રહ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ, સુરત, મહાબળેશ્વર ઉપરાંત મુંબઈમાં આશરો લીધો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
કાના જાડેજાએ તાલુકા પંચાયત માટે ઉમેદવારી કરી એ પછી કહ્યું હતું, 'માતા અને ભાઈના પગલે રાજકારણમાં આવ્યો છું. મને સરકાર સામે કોઈ વાંધો નથી, હું કુતિયાણાનો વિકાસ કરવા માગું છું એટલે રાજકારણમાં આવ્યો છું.'
ત્યારે તેઓ પોતાના વચનમાં કેટલા ખરા ઊતરે છે, તેને સમયની એરણ પર ચકાસવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન