You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાના જાડેજા : કુતિયાણા ચૂંટણીમાં ભાજપને હરાવનાર સરમણ મુંજા અને સંતોકબહેનના સૌથી નાના દીકરાની કહાણી
કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના સિમ્બોલ પર પહેલી વાર ચૂંટણી લડતા કાના જાડેજાની જીત થઈ છે. સરમણ મુંજાના આ દીકરા કોણ છે અને તેમના પરિવારનું કેમ આટલું વર્ચસ્વ છે?
તેમની કહાણી વાંચો આ અહેવાલમાં...
વર્ષ 1992માં પોરબંદર ખાતે એક લગ્નસમારંભ યોજાયો હતો. મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલ સહિત અડધો ડઝન જેટલા મંત્રીઓ, પોલીસ તથા તંત્રના ઉચ્ચઅધિકારીઓ છેક ગાંધીનગરથી ગુજરાતના છેવાડાના આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
કથિત રીતે પોરબંદરના પોલીસકર્મીઓએ લગ્નની વ્યવસ્થા પણ સંભાળી હતી. આ લગ્ન હતાં કાંધલ જાડેજાનાં, જેઓ કુતિયાણાની બેઠક પરથી તત્કાલીન ધારાસભ્ય અને ગૉડમધર સંતોક બહેનના મોટા દીકરા હતા.
આગળ જતાં કાંધલ જાડેજા પણ માતા અને કાકાની બેઠક પરથી ધારાસભ્ય બન્યા. હવે સંતોકબહેનના સૌથી નાના દીકરા કાના જાડેજાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકામાંથી ઉમેદવારી કરી હતી. તેમણે જીત મેળવી છે અને સાથે સાથે સમાજવાદી પાર્ટીએ કુતિયાણા અને રાણાવાવ બંને નગરપાલિકામાં સત્તા મેળવી છે.
વાસ્તવમાં આ લડાઈ 'ભાજપ વિ. સપા'ની નહીં, પરંતુ 'જાડેજા વિ. ઓડેદેરા' પરિવારની લડાઈનો નવો અધ્યાય છે, જેના બે પ્રકરણ અગાઉ લખાઈ ચૂક્યા છે. જેમાં અત્યારે તો જાડેજા પરિવારનું વર્ચસ્વ વધ્યું હોવાનું જણાય છે.
'ગૉડફાધર' અને 'ગૉડમધર'નું સંતાન
વર્ષ 1969માં અમેરિકાના લેખક મારિયો પુઝોએ 'ધ ગૉડફાધર' નામની નવલકથા લખી, જેનું મુખ્યપાત્ર ઇટાલિયન મૂળનો ડૉન વિટૉ કાર્લિવન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે ગેરકાયદેસર કામો કરે છે સાથે જ લોકો તેની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવે છે. ડૉન તેને દૂર કરે છે, જેના કારણે તેને 'ગૉડફાધર' એવું ઉપનામ મળે છે.
ઉપરોક્ત નવલકથા પ્રકાશિત થઈ, એ અરસામાં પોરબંદરમાં સરમણ જાડેજાના નામનો ડંકો વાગતો હતો. જેના ઉપર એકસમયે હત્યાના 46 આરોપ હતા, પરંતુ સ્થાનિકોમાં તેની છાપ 'ગૉડફાધર' કે 'રૉબિનહૂડ'ની હતી.
કહેવાય છે કે સરમણ મુંજા જમણા હાથમાં વીટીં રહેતી અને તેનાથી કાગળ ઉપર છાપ લાગતી. વ્યક્તિ એ ચિઠ્ઠી લઈને પોરબંદરના કોઈપણ કરિયાણાની દુકાનમાંથી રાશન મેળવી શકતી, જેનું ચૂકવણું બાદમાં સરમણ મુંજા દ્વારા કરવામાં આવતું.
તા. 20 ડિસેમ્બર, 1986ના દિવસે મેર સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હુમલાખોરે પીઠ પાછળથી રિવૉલ્વરની તમામ છ ગોળી સરમણને ધરબી દીધી હતી.
આ ઘટનાને ત્રણેક મહિના થયા હશે કે તા. 11 માર્ચ 1987ના જાડેજા પરિવારના આધારસ્તંભ સમાન અરજણભાઈનું અવસાન થયું.
સરમણ જાડેજાની મદદથી અનેક લોકો કામધંધે વળગ્યા હતા કે વિદેશમાં સ્થાયી થયા હતા. જેમાં તેમના નાનાભાઈ ભૂરાનો પણ સમાવેશ થતો હતો. જેણે પોતાના નામની સાથે પૈત્તૃક ગામ 'કડછ'ના આધારે 'કડછા'ને અટક તરીકે સ્વીકારી હતી.
પહેલાં તો સરમણનાં પત્ની સંતોકબહેને પોતાનાં સંતાનો સાથે દિયર ભૂરા મુંજા પાસે લંડન જવાનું વિચાર્યું, પરંતુ બંને કુટુંબનાં નાનાં બાળકોને લઈ જવાનું શક્ય ન હતું. એટલે ગૅંગનો ભાર ઉપાડી લીધો.
14 શખ્સ પર સરમણ મુંજાની હત્યામાં સંડોવણીની આશંકા હતી. એક પછી એક એ તમામની હત્યા થઈ, પરંતુ એકેય કેસમાં સંતોકબહેનનું નામ પોલીસના ચોપડે ચડ્યું ન હતું.
અત્યારસુધી 'ભાભી' તરીકે ઓળખાતાં સંતોક જાડેજા હવે 'બહેન' તરીકે ઓળખાવાં લાગ્યાં હતાં.
વર્ષો પછી આના વિશે સંતોકબહેને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું મા છું. પિતાની હત્યા પછી હું છોકરાઓની સલામતી ઇચ્છતી હતી. તેઓ અમને કનડતા હતા ; અમારી જિંદગી બચાવવા માટે અમારે જે કંઈ કરવું જોઈએ, તે કર્યું."
શબાના આઝમી અભિનીત ફિલ્મ 'ગૉડમધર' તેમની 'અનધિકૃત અર્ધઆત્મકથાનક' ફિલ્મ છે. આ ફિલ્મે સંતોકબહેનના નામની સાથે 'ગૉડમધર' નામ જોડી દીધું.
જોકે, ફિલ્મના પ્રદર્શનની સાથે દર્શાવવામાં આવેલા 'અસ્વીકરણ' મુજબ ફિલ્મ મહેન્દ્રભાઈ દેસાઈની નવલકથા 'વલોપાત' પર આધારિત છે. કોઈપણ સ્થળ, પાત્ર કે ઘટના સાથેની સમાનતા 'સંયોગમાત્ર' છે.
સરમણ મુંજાના જીવન ઉપર 'શેર' નામની ફિલ્મ બનવાની ચર્ચા હતી, જેમાં સંજય દત્ત શીર્ષક ભૂમિકા ભજવવાના હતા, પરંતુ આ દિશામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું સાર્વજનિક નથી થયું.
કોણ છે કાના જાડેજા?
કાના જાડેજા સરમણ મુંજા અને સંતોકબહેન જાડેજાના સૌથી નાના દીકરા છે. તેમના મોટાભાઈ કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય છે.
સ્થાનિક પત્રકાર હિતેશ ઠકરાર જણાવે છે, "કાના જાડેજા જમીન-મકાન કન્સ્ટ્રક્શન તથા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનું લગ્ન ઢેલીબહેન ઓડેદરાના દિયર પુંજા રામાનાં પુત્રી સાથે થયું હતું, પરંતુ મનમેળ ન હોવાને કારણે છૂટાછેડા થયેલા છે. એટલે એમ કહી શકાય કે કાના જાડેજા સામે તેમનાં પૂર્વ મોટાંસાસુ ચૂંટણીજંગમાં છે."
ઢેલીબહેન કાંધલ જાડેજાનાં ફોઈનાં પુત્રવધૂ પણ છે. અગાઉની નગરપાલિકાની ચૂંટણી સમયે પણ કાંધલ જાડેજાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસની પેનલ ઉતારી હતી, પરંતુ ઢેલીબહેનનાં નેતૃત્વમાં ભાજપે 24માંથી 19 બેઠક જીતી હતી.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે ઢેલીબહેનને ઉમેદવાર બનાવ્યાં હતાં, તેમની સામે કાંધલ જાડેજા ઉમેદવાર હતા.
એ સમયે ઢેલીબહેને કહ્યું હતું, 'સામે ભલે ને દબંગ નેતા હોય, એ કોઈ સિંહ નથી કે અમને ફાડી ખાય. હું પણ મેર છું.'
એ ચૂંટણીમાં ઢેલીબહેનને 34 હજાર 32 મત તથા કાંધલ જાડેજાને 60 હજાર 744 મત મળ્યા હતા. આમ ઢેલીબહેનનો 26 હજાર 712 મતે પરાજય થયો હતો.
વર્ષ 1995થી કુતિયાણા નગરપાલિકા પર ઢેલીબહેન ઓડેદરાનું પ્રભુત્વ છે. લગભગ બારેક વર્ષ પહેલાં ભાજપમાં જોડાયાં, તે પહેલાં લગભગ એક દાયકા સુધી તેઓ કૉંગ્રેસના સભ્ય રહ્યાં હતાં.
અનેક કાર, એક નંબર
47 વર્ષીય કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકાના વૉર્ડ નંબર પાંચ પરથી ઉમેદવારી કરી હતી.
કાના જાડેજાએ દાખલ કરેલી ચૂંટણી ઍફિડેવિટ પ્રમાણે, તેમણે લગ્નસાથીની વિગતોની કૉલમમાં 'લાગુ નથી' લખ્યું છે.
કાના જાડેજાની સાથે કાંધલ જાડેજાનું નામ છે, ત્યારે ઢેલીબહેન અને કાંધલ જાડેજા વચ્ચેની રાજકીય ટક્કરનું ત્રીજું પ્રકરણ લખાશે.
કાના જાડેજાએ તેઓ ધો. 12 પાસ હોવાનું અને નાણાકીય વર્ષ 2023-'24 દરમિયાન રૂ. 15 લાખ 40 હજાર જેટલી આવક હોવાનું જણાવ્યું છે.
કાના જાડેજા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 143,147, 149, 332, 294 (ખ), 427 અને 504 હેઠળ કેસ દાખલ થયો હતો, જેમાં રાણાવાવની કોર્ટમાં તેમનો નિર્દોષ છૂટકારો થયો હતો. હાલમાં આ કેસ પોરબંદરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.
આ કેસ પોરબંદર નગરપાલિકાના નગરસેવક કેશુ નેભા ઓડેદરાની હત્યા સંબંધનો હતો. તેઓ પોરબંદરના કડિયા પ્લૉટ વિસ્તારમાં પાનની દુકાને ઊભા હતા, ત્યારે ગોળીમારી તેમની હત્યા કરી દેવામાં આવી હતી. જેનો આરોપ કાંધલ અને કાના જાડેજા ઉપર લાગ્યો હતો.
આ કેસમાં ચારેય ભાઈઓ ઉપરાંત તેમનાં માતાને પણ આરોપી બનાવવામાં આવ્યાં હતાં. આ કેસમાં લગભગ પાંચ વર્ષ સુધી તેઓ ફરાર રહ્યા હતા. આ દરમિયાન તેમણે અમદાવાદ, સુરત, મહાબળેશ્વર ઉપરાંત મુંબઈમાં આશરો લીધો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.
જાડેજા પરિવારને નજીકથી જાણનારા લોકોના જણાવ્યા પ્રમાણે, તેઓ કારના રજિસ્ટ્રેશન નંબર માટે '50' નંબર પ્રત્યે વિશેષ આકર્ષણ ધરાવે છે. સરમણ મુંજા આસમાની રંગની ઍમ્બેસેડર કાર ચલાવતા, જેનો નંબર 'MRF 50' હતો.
જાડેજા પરિવાર ઘરના નામ માટે પણ વિશેષ લગાવ ધરાવે છે. તેમના પોરબંદર, કુતિયાણા, રાજકોટ કે તેમના પૈત્તૃક ગામમાં ઘરનું નામ 'શ્રવણ' છે.
જાડેજા પરિવાર અને રાજકારણ
1970ના દાયકાનો સમય એવો હતો કે જ્યારે ગુનાહિત કે સંદિગ્ધ પૃષ્ઠભૂમિવાળા લોકો સીધા રાજકારણમાં ન ઊતરતા. છતાં ચૂંટણી જીતવા માટે તેમના ધનબળ, બાહુબળ અને સામાજિક સપૉર્ટની જરૂર રાજનેતાઓને રહેતી.
એ સમયે રાજકીયપક્ષો અને રાજનેતાઓને કુતિયાણા કે પોરબંદરની બેઠક જીતવા માટે સરમણ જાડેજાની જરૂર રહેતી.
રાજકોટસ્થિત પત્રકાર જગદીશ આચાર્ય ત્રણ દાયકાથી પોરબંદર સહિત સૌરાષ્ટ્રના રાજકારણ ઉપર નજર રાખી રહ્યા છે. તેમના મતે,"પોરબંદર, કુતિયાણા તથા આસપાસના વિસ્તારમાં જાડેજા પરિવાર બાહુબલિની છાપ ધરાવે છે. પરિવારના મોટાભાઈ કાંધલ જાડેજા રાજકારણમાં સક્રિય છે."
"કાંધલ જાડેજા એનસીપી તથા સપાની ટિકિટ ઉપર ધારાસભ્ય બન્યા છે, પરંતુ તેના માટે પક્ષ કરતાં તેમની વ્યક્તિગત ક્ષમતા અને પહોંચએ વધુ ભાગ ભજવ્યો છે."
"હવે નાના ભાઈ કાના જાડેજાને રાજકારણમાં ઉતારીને જાડેજા પરિવાર પોતાની રાજકીય તાકત વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેમ જણાય છે. કાના જાડેજા પહેલી વખત ચૂંટણીજંગમાં ઊતરી રહ્યા છે. એટલે સ્વાભાવિક રીતે કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે."
વર્ષ 1990ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ચીમનભાઈ પટેલ જનતાદળ સાથે જોડાયેલા હતા, જેમણે કુતિયાણાની બેઠક પરથી સંતોકબહેનને ટિકિટ આપી હતી.
સંતોકબહેન માન્ય મતના 75 ટકાની લીડ સાથે વિધાનસભામાં પહોંચ્યાં હતાં. તેમને 41 હજાર 909 મત મળ્યા હતા, જ્યારે બીજા ક્રમે રહેલાં કૉંગ્રેસના ઉમેદવારને માત્ર પાંચ હજાર 359 મત મળ્યા હતા. 475 મત સાથે ભાજપના ઉમેદવાર ચોથા ક્રમે રહ્યા હતા, જ્યારે ત્રીજા ક્રમે એક અપક્ષ હતા.
વર્ષ 1994માં ચીમનભાઈનું અકાળે અવસાન થયું અને તેમના સ્થાને ગાંધીવાદી નેતા છબીલદાસ મહેતા બાકી રહેતી ટર્મ માટે મુખ્ય મંત્રી બન્યા. જાણકારો કહે છે કે તેમણે અમદાવાદમાં અબ્દુલ લતીફ, પોરબંદરની ગૅંગો અને જામનગર (હાલના દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત) જિલ્લામાં પ્રવર્તમાન દાણચોરી સામે છૂટો દોર આપ્યો હતો.
1995ની વિધાનસભા ચૂંટણીમાં સંતોકબહેનના દિયર ભૂરા મુંજા કડછા ચૂંટણીજંગમાં ઊતર્યા અને તેઓ જીત્યા પણ. જાડેજા પરિવારમાં ફાટ પડી હતી. સંતોકબહેન તથા ભૂરા મુંજા વચ્ચેના મતભેદ મનભેદ સુધી પહોંચી ગયા હતા.
રાજકીય અસ્થિરતા વચ્ચે 1998માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપને બહુમતી આપી. ભાજપના ઉમેદવાર કરસનભાઈ ઓડેદરાનો આ બેઠક પરથી વિજય થયો હતો. તેમણે ભૂરા મુંજાનાં પત્ની હીરલબાને પરાજય આપ્યો હતો.
એ પછી વર્ષ 2012, 2017 અને 2022માં કાંધલ જાડેજા આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા. તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રસ પાર્ટીની ટિકિટ ઉપર બે વખત ધારાસભ્ય બન્યા. હાલમાં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ ઉપર ચૂંટાઈ આવ્યા છે.
જ્યારે-જ્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપને ભીંસ પડી, વિશેષ કરીને વર્ષ 2017-'22 દરમિયાન, ત્યારે કાંધલ જાડેજાએ ભાજપને 'વ્યૂહાત્મક મદદ' કરી છે.
હિતેશ ઠકરારના જણાવ્યા પ્રમાણે, "કરણ જાડેજા હાલ રાજકારણમાં સક્રિય નથી, જ્યારે ભોજા જાડેજાનો ઝુકાવ સ્પૉર્ટ્સ વગેરે તરફ વધારે છે. છતાં તેઓ સમય આવ્યે તેમના ભાઈઓને રાજકીયપ્રવૃત્તિઓમાં મદદ કરે છે."
કાના જાડેજાએ તાલુકા પંચાયત માટે ઉમેદવારી કરી એ પછી કહ્યું હતું, 'માતા અને ભાઈના પગલે રાજકારણમાં આવ્યો છું. મને સરકાર સામે કોઈ વાંધો નથી, હું કુતિયાણાનો વિકાસ કરવા માગું છું એટલે રાજકારણમાં આવ્યો છું.'
કાના જાડેજા પહેલાં તેમનાં માતા સંતોકબહેન તથા મોટાભાઈ કાંધલ પણ રાજકારણમાં પોતાની છાપ છોડી ચૂક્યાં છે, ત્યારે કાના જાડેજા રાજકારણમાં કેટલી અને કેવી છાપ છોડે છે, તેના ઉપર રાજકીય વિશ્લેષકોની નજર રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન