એક સાથે 100 સાપ મળ્યા, જે ઈંડાં નથી મૂકતા પણ બચ્ચાંને જન્મ આપે છે

    • લેેખક, આઈરિસ ઝેંગ
    • પદ, બીબીસી ન્યૂઝ, સિડની

ઑસ્ટ્રેલિયામાં સરીસૃપના નિષ્ણાતોએ કહ્યું છે કે સિડનીમાં એક ઘરની પાછળના ભાગેથી ઘાસના ભીના ઢગલામાંથી ઝેરી સાપનાં 102 બચ્ચાં મળી આવ્યાં છે.

આ સાપની ખાસિયત એ છે કે તેઓ ઈંડાં નથી મૂકતા, પરંતુ બચ્ચાંને જન્મ આપે છે.

કોરી કેરેવારોએ કહ્યું કે તેમને સાપનાં બચ્ચાંના એક જૂથને બચાવવા માટે ફોન આવ્યો હતો. સાપે એક જગ્યાએ એક કૂતરાને ડંખ માર્યો હતો.

તેઓ પોતાના સાથીદારોને લઈને પહોંચ્યા ત્યારે તેમને લાલ પેટવાળા 40 સાપ મળ્યા હતા. તેમાંથી ચાર સાપને રિમુવલ બેગમાં રાખવામાં આવ્યા પછી તેણે વધુ બચ્ચાંને જન્મ આપ્યો હતો.

લાલ પેટવાળા સાપ ઑસ્ટ્રેલિયામાં સૌથી વધુ જોવા મળતા ઝેરી સાપની પ્રજાતિમાં ગણાય છે, પરંતુ અત્યાર સુધીમાં તેમના દંશથી કોઈ માનવીનું મોત થયું હોય તેવું નોંધાયું નથી.

પાંચ પુખ્ત વયના સાપ અને 97 બચ્ચાંને હાલમાં અલગ રાખવામાં આવ્યાં છે. હવામાન ઠંડું થશે ત્યારે તેમને નૅશનલ પાર્કમાં છોડી મૂકવામાં આવશે.

કેરેવારોએ જણાવ્યું કે આટલા બધા સાપ એક જથ્થામાં પકડાયા હોય તેવો આ એક રેકૉર્ડ છે. સામાન્ય રીતે તેઓ દરરોજ પાંચથી 15 સાપને પકડે છે.

તેમણે કહ્યું કે તેમને યાદ છે કે તેમના સહકર્મી ડાયલન કૂપરે તેમને 15 મિનિટની અંદર ફોન કરીને કહ્યું હતું, "દોસ્ત, હું થોડી વારમાં અહીં આવવાનો છું. અહીં બહુ મોટો જથ્થો છે. મારી પાસે પહેલેથી 15 કરતાં વધુ સાપ છે."

"મને લાગ્યું કે તેઓ મને ખોટી વાતમાં ફસાવી રહ્યા છે."

તેમણે કહ્યું કે બૉક્સિંગ ડે પર થયેલી ઘટના પછી કૂતરો જીવિત અને તંદુરસ્ત હતો.

કેરેવારો મુજબ લાલ પેટવાળા માદા સાપ જ્યારે બચ્ચાંને જન્મ આપવાના હોય ત્યારે શિકારીથી બચવા માટે મોટા ભાગે નાના જૂથમાં એકઠા થાય છે.

ઑસ્ટ્રેલિયન મ્યુઝિયમે પોતાની વેબસાઇટ પર કહ્યું છે કે જીવતાં બચ્ચાંને જન્મ આપનાર આ પ્રકારના એકમાત્ર સાપ છે.

આ પ્રજાતિના સાપને શરમાળ ગણવામાં આવે છે. તેઓ દંશ મારે ત્યારે અસામાન્ય સોજો, ઊબકાં અથવા ઝાડા થઈ શકે છે.

ઑસ્ટ્રેલિયામાં કાયદા મુજબ સાપ પકડનારાઓએ તેમને સાપ જ્યાંથી પકડાયા હોય તે જગ્યાની નજીક જ મુક્ત કરવા પડે છે. પરંતુ આ વખતે મોટી સંખ્યામાં સાપ પકડાયા હોવાથી માનવ વસતીથી દૂર નૅશનલ પાર્કમાં સાપને છોડવા માટે છૂટ આપવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.