દિલ્હી ચૂંટણી : પરવેશ વર્મા કોણ છે, જેમણે ત્રણ વારના મુખ્ય મંત્રી કેજરીવાલને હરાવ્યા

વર્ષ 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ, ત્યારે સત્તારૂઢ મુખ્ય મંત્રી શીલા દીક્ષિત નવી દિલ્હીની બેઠકનાં ઉમેદવાર હતાં. વર્ષ 1998થી તેઓ આ બેઠક પરથી જનતાનું પ્રતિનિધિત્વ કરતાં હતાં.

તેમની સામે અરવિંદ કેજરીવાલ ઉમેદવાર હતા. તેઓ પહેલાં અણ્ણા હજારેએ હાથ ધરેલા ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના તેઓ સભ્ય હતા.

કેજરીવાલ તથા અન્ય કેટલાક આંદોલનકારીઓએ આમ આદમી પાર્ટીની સ્થાપના કરી હતી અને તેઓ આપના ઉમેદવાર હતા.

વર્ષ 2013ની એ ચૂંટણીમાં અપસેટ સર્જાયો અને શીલા દીક્ષિતનો તેમની પરંપરાગત નવી દિલ્હી (અગાઉની ગોલ માર્કેટ) બેઠક પરથી પરાજય થયો હતો.

12 વર્ષ બાદ હવે ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ ત્રણ વખત દિલ્હીના મુખ્ય મંત્રીપદે રહેલા કેજરીવાલને પરાજય આપ્યો છે.

તેમની જીત બાદ પરવેશ વર્મા 'જાયન્ટ કિલર' તરીકે ચર્ચાઈ રહ્યા છે. તેમને ભાજપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે પણ જોવામાં આવે છે.

ત્યારે કોણ છે પરવેશ વર્મા? ભાજપ સાથે કેવી રીતે જોડાયા અને શું છે તેમની રાજકીય પૃષ્ઠભૂમિ?

પરવેશ વર્મા કોણ છે?

વર્ષ 1993માં દિલ્હી વિધાનસભામાં ભાજપને સત્તા હાંસલ થઈ. લગભગ બે વર્ષ અને બે મહિના બાદ ભાજપે તેના મુખ્ય મંત્રી બદલ્યા હતા.

ત્યારે મદનલાલ ખુરાનાના સ્થાને સાહિબસિંહ વર્માને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરવેશ વર્મા તેમના પુત્ર છે. તેઓ દિલ્હી ભાજપનો 'જાટ ચહેરો' છે.

કૉંગ્રેસે આ ચૂંટણીમાં આ બેઠક પરથી સંદીપ દીક્ષિતને ઉતાર્યા હતા, જેઓ પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતના પુત્ર છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રવેશ વર્માને ત્રીસ હજાર 88 મત મળ્યા હતા, જ્યારે અરવિંદ કેજરીવાલને 25 હજાર 999 મત મળ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવારને ચાર હજાર 568 મત મળ્યા હતા.

વિજેતા અને બીજાક્રમે રહેલા ઉમેવદાર વચ્ચે ચાર હજાર 89 મતનો તફાવત રહ્યો હતો.

વિજેતાની રાજકીય પૃષ્ઠભૂમિ

પરવેશ વર્માના મોટા બાપુ માસ્ટર આઝાદસિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયર રહ્યા છે. પરવેશ વર્મા વર્ષ 2013માં ધારાસભ્ય બન્યા હતા.

પરવેશ વર્માનો શાળાકીય અભ્યાસ દિલ્હીમાં થયા પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કૉલેજમાંથી બીએની ડિગ્રી મેળવી હતી. તેમણે એમબીએનો અભ્યાસ કર્યો છે.

પરવેશ વર્માનાં પત્નીનું નામ સ્વાતિસિંહ છે. તેઓ મધ્ય પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા વિક્રમ વર્માનાં પુત્રી છે.

વર્મા બે પુત્રી તથા એક પુત્રના પિતા છે. પરવેશ વર્મા 'રાષ્ટ્રીય સ્વયં' નામની સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે.

કૉલેજના દિવસોથી જ પરવેશ વર્મા રાજકારણમાં સક્રિય હતા. વર્ષ 2013માં ભાજપે તેમને મહરોલીની બેઠક પરથી ટિકિટ આપી હતી, પરંપરાગત રીતે આ બેઠક ભાજપ માટે મુશ્કેલ હતી, પરંતુ વર્માએ તે જીતી દેખાડી હતી.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટીએ તેમને પશ્ચિમ દિલ્હી બેઠકની ટિકિટ આપી, જેને પરવેશ વર્માએ જીતી દેખાડી.

ચૂંટણીપંચ પ્રમાણે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણી સમયે તેમનો પાંચ લાખ 78 હજાર મતની જંગી લીડથી વિજય થયો હતો.

લોકસભાના સંસદસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન પરવેશ વર્મા સંસદસભ્યોના પગાર તથા લાભોની સંયુક્ત સંસદીય સમિતિના સભ્ય હતા. આ સિવાય તેઓ શહેરી વિકાસ અંગેની સંસદની સ્ટેન્ડિટ કમિટીના સભ્ય હતા.

જોકે, 2024ની લોકસભા ચૂંટણી વખતે પાર્ટીએ પરવેશ વર્માને ટિકિટ નહોતી આપી, ત્યારથી જ એવી અટકળો ચાલી રહી હતી કે તેમને વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવશે.

પરવેશ વર્માનાં વિવાદાસ્પદ વિધાનો

પરવેશ વર્મા તેમનાં ઉગ્ર નિવેદનોને કારણે વિવાદમાં રહે છે. વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પરવેશ વર્માએ દિલ્હીના તત્કાલીન મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને "આતંકવાદી" કહ્યા હતા.

ચૂંટણીપંચે આ નિવેદનની નોંધ લીધી હતી અને 24 કલાક માટે પરવેશ વર્મા ચૂંટણીપ્રચાર નહીં કરી શકે તેવો આદેશ આપ્યો હતો.

પરવેશ વર્માએ તાજેતરની ચૂંટણી દરમિયાન તેમના મતક્ષેત્રમાં પંજાબની નંબરપ્લૅટવાળી ગાડીઓની મોટા પાયે હરફર ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ તથા પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને વર્માના નિવેદનને પંજાબીઓનું અપમાન ગણાવ્યું હતું. તેમણે માગ કરી હતી કે પ્રવેશ વર્મા પંજાબીઓની માફી માગે.

તાજેતરની ચૂંટણી દરમિયાન પરવેશ વર્મા પર મહિલાઓને પગરખાં વહેંચવાનો આરોપ લાગ્યા હતા. વર્માએ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ઘડવામાં આવેલી આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો હોવાના આરોપ લાગ્યા હતા.

કેન્દ્રીય ચૂંટણીપંચની માહિતી પ્રમાણે, રજનીશ ભાસ્કર નામના વકીલે બે વીડિયો જમા કરાવીને પ્રવેશ વર્મા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે ઇલેક્શન કમિશને કેસ નોંધ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.