દિલ્હી ચૂંટણી : એ ત્રણ કારણો, જેના લીધે કેજરીવાલ અને 'આપ'ની હાર થઈ

દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે હાર સ્વીકારી લીધી છે અને ભાજપે બહુમતીનો આંકડો પાર કરી લીધે છે અને સત્તા તરફ આગળ વધી રહ્યો છે.

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીનાં પરિણામો પછી પ્રતિક્રિયા આપતાં હાર સ્વીકારતા કહ્યું હતું કે, "પ્રજાના નિર્ણયને અમે સંપૂર્ણ વિનમ્રતાથી સ્વીકાર કરીએ છીએ. પ્રજાનો નિર્ણય માથે ચઢાવીએ છીએ."

દિલ્હીમાં ગત 5 ફેબ્રુઆરીના રોજ એક તબક્કામાં રાજ્યની તમામ 70 બેઠકો પર મતદાન યોજાયું હતું.

મતદાન પૂરું થતાંની સાથે જ ઍક્ઝિટ પોલનાં અનુમાનો આવવાની શરૂઆત થઈ ગઈ હતી. જે પૈકી મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી અને રાજ્યમાં સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટી બીજા નંબરે રહેવાનાં અનુમાન વ્યક્ત કરાયાં હતાં. જે મહદ્અંશે સાચાં પણ ઠર્યાં.

વિધાનસભાની ચૂંટણી પહેલાંથી જ રાજકીય નિષ્ણાતો આ વખત આપ માટે દિલ્હીમાં 'કપરાં ચઢાણ' હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા. જોકે, આમ આદમી પાર્ટી ઘણી વખત આ આશંકાઓને રદિયો આપી જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂકી હતી.

દિલ્હીમાં આખરે સતત બે ટર્મ અને એ અગાઉ 49 દિવસની સરકાર ચલાવનાર આમ આદમી પાર્ટીએ કેમ હારનો સામનો કરવો પડ્યો અને ભાજપની જીતમાં કયાં પરિબળો કામ કરી ગયાં એ વિગતવાર સમજવા માટે બીબીસી ગુજરાતીએ રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

આમ આદમી પાર્ટીને શું નડ્યું?

દિલ્હીના સત્તાધારી પક્ષ આમ આદમી પાર્ટીની હાર અને ભાજપની જીતનાં કારણો અંગે વાત કરતાં દિલ્હીસ્થિત વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક આશિષ મહેતા કહે છે કે :

"આમ આદમી પાર્ટીએ 'એક નવા પ્રકારના રાજકારણ કરવાના' વાયદા સાથે રાજકારણની શરૂઆત કરી હતી. એ એનજીઓમાંથી બનેલો પક્ષ હતો. શરૂઆતમાં પાર્ટી માટે આ પાર્ટી સમાજસેવા કરવા નીકળેલા લોકો હોવાની અને તેમાં સામાન્ય પ્રકારનું રાજકારણ કરતાં લોકો ન હોવાની વાત ભારપૂર્વક કહેવાતી. જોકે, પાછલાં દસ વર્ષમાં આ મૅસેજ ઘણો ફીકો પડી ગયો."

તેઓ કહે છે કે પાછલાં પાંચ-સાત વર્ષમાં પાર્ટીના કૉમ્યુનિકેશનમાં ફોકસ નહોતું.

આશિષ મહેતા આગળ આ અંગે વાત કરતાં કહે છે કે, "લોકો માટે આપ દ્વારા જુદી જુદી યોજનાઓ ચલાવી દર મહિને બે-ત્રણ હજાર રૂપિયાની રાહતો જરૂર આપવામાં આવી રહી હતી, પરંતુ પાર્ટી પાસે આ સિવાયના બીજા રચનાત્મક કાર્યક્રમ અને દિલ્હીની બીજી સમસ્યાઓના નિવારણ માટે પાર્ટીના કૉમ્યુનિકેશનમાં એક ફોકસ જોવા ન મળ્યું. પાર્ટીમાં અલગ-અલગ જગ્યાએથી અલગ-અલગ પ્રકારના મૅસેજ જતા હતા."

દિલ્હીની જનતાને મનાવવામાં પાર્ટી 'નિષ્ફળ' ગઈ હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, "દિલ્હીમાં એક મોટો વર્ગ લોકસભા ભાજપને મત આપવા છતાં દિલ્હીમાં આપને મત આપી રહ્યો હતો, આ હારથી એટલું સ્પષ્ટ છે કે આ વખત આપ આ લોકોને પોતે તેમના માટે વિકાસનાં કામો કરશે એવો મૅસેજ આપવામાં નિષ્ફળ ગઈ છે."

આપ સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો

આશિષ મહેતાનું માનવું છે કે પાછલાં બે-ત્રણ વર્ષથી પાર્ટીના ટોચના નેતાઓ 'ભ્રષ્ટાચાર' સહિતના આક્ષેપોનો સામનો કરી રહ્યા હોવાની વાત અને તેમની સામે થયેલી 'કાયદાકીય કાર્યવાહી'ની પણ આ ચૂંટણીમાં તેમના માટે નકારાત્મક અસર થઈ હોઈ શકે.

તેઓ ભાજપના વાયદાઓ લોકોને અસર કરી ગયા હોવાની વાત કરતાં કહે છે કે, "લોકોના મનમાં સવાલ હતો કે આપ વસ્તુ-સેવાઓ મફતમાં આપ્યા સિવાય બીજાં શું કામ કરશે. દિલ્હીમાં વધુ આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાની જરૂર હોવાની વાત પર ભાજપે તેના ચૂંટણીપ્રચારમાં ભાર મૂક્યો હતો. જેમાં ગરીબોને પરવડે એવા ઘર સહિતની વાત પણ સામેલ હતી."

"દિલ્હીમાં પાછલા ઘણા સમયથી આંતરમાળખાકીય વિકાસ થયો ન હોવાનું દેખાય છે, જો આપ એ દિશામાં કામ કરી રહી હોય તો પણ એ વાત તેમના પ્રચારમાં ઝાઝી જોવા નહોતી મળી. જોકે, સામેની બાજુએ ભાજપે પોતાના પ્રચારમાં મફત સેવાઓ આપવાની યોજનાઓ ચાલુ રાખવાની સાથોસાથ દિલ્હીમાં આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવાનો પણ વાયદો કર્યો, જે કામ કરી ગયું."

સત્તાવિરોધી લહેર

શું દિલ્હીમાં આ વખત 'નરેન્દ્ર મોદીની છબિ' કામ કરી ગઈ?

આ સવાલનો જવાબ નકારમાં આપતાં આશિષ મહેતા કહે છે કે, "નરેન્દ્ર મોદીની છબિની અસર થવાની હોત તો તેની સૌથી મોટી અસર તો વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં થવી જોઈતી હતી. જોકે, એ સમયે તો આપને 67 બેઠકો મળી હતી."

તેઓ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રાદેશિક એકમમાં 'નવી ઊર્જા' જોવા મળ્યાની વાત કરે છે. "આ વખત એવું લાગી રહ્યું કે ભાજપનો પ્રાદેશિક એકમ સક્રિય થયો છે. જે પહેલાં નહોતું લાગતું. શેરી-મોહલ્લામાં જઈ જઈને તેઓ આ વખત સઘન સંપર્ક કરતા જોવા મળ્યા છે."

આ સિવાય પાટનગરમાં 'સત્તાવિરોધી લહેર'ને કારણે આપને આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો હોવાનું પણ તેઓ માને છે.

આશિષ મહેતા કહે છે કે, "દિલ્હીમાં વિકાસનાં ઘણાં બધાં કામો માટે ઉપરાજ્યપાલની મંજૂરીની આવશ્યકતા રહે છે, અને આ સરકારમાં બધાને ખ્યાલ છે કે કેન્દ્ર અને રાજ્યની સરકારોના ઘર્ષણને કારણે આ કામો પર અસર પડી રહી હતી. જોકે, સામાન્ય લોકો પોતાને ત્યાં દેશના અન્ય ભાગો કરતાં ધીમો વિકાસ થતો હોય તો તેના માટે સીધી રીતે રાજ્યના સત્તા પક્ષને જ સ્વાભાવિકપણે જવાબદાર ઠેરવે છે. આ પ્રકારની લહેરને કારણે પણ આપને નુકસાન થયું છે."

આપને 'અતિ આત્મવિશ્વાસ' ભારે પડ્યો?

દિલ્હીના રાજકારણ પર બારીક નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રાજ ગોસ્વામીએ દિલ્હીમાં આપની હારનાં કારણો અંગે વાત કરતાં કહ્યું હતું કે, "કેજરીવાલ અને આમ આદમી પાર્ટી જે પ્રકારની સરકાર આપવાનાં વચન સાથે સત્તા પર આવ્યાં હતાં, એ બધું સમય સાથે જાણે ભુલાતું ગયું. આ સિવાય દિલ્હીમાં સારી સરકાર અને સારું શાસન આપવાને બદલે કેજરીવાલે ડ્રામા ખૂબ કર્યા. કામ કરવાને સ્થાને કરાયેલા આ બધા ડ્રામાને કારણે લોકોમાં આ બધું તેઓ સત્તા માટે, પાવર માટે કરતા હોવાનો મૅસેજ ગયો. જેના કારણે છબિને નુકસાન થયું."

ગોસ્વામી પણ આશિષ મહેતાની માફક જ પાર્ટીના ટોચના નેતાઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો આપને આ ચૂંટણીમાં નડ્યા હોવાની વાત કરતા કહે છે કે, "દિલ્હીમાં આટલાં વર્ષ સુધી સત્તામાં રહ્યા બાદ આપ પર થોડાં વર્ષ પહેલાં લાગેલા ભ્રષ્ટાચારના આરોપોને પણ લોકોએ સાચા માની લીધા હોવાનું આ પરિણામો પરથી લાગી રહ્યું છે. લોકોમાં એક છબિ ઊભી થઈ કે જે લોકો પોતે ભ્રષ્ટાચારવિરોધી રાજકારણનો વાયદો કરીને સત્તા પર આવ્યા, એ જ લોકો ભ્રષ્ટાચાર કરવા લાગ્યા. જેનું નુકસાન થયું એવું લાગે છે."

તેઓ દિલ્હીમાં આપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો એ પાછળ 'અરવિંદ કેજરીવાલ અને આપના અતિ આત્મવિશ્વાસને પણ કારણભૂત' માને છે.

તેઓ કહે છે કે, "દિલ્હીમાં આપે કૉંગ્રેસ સાથે ગઠબંધન ન કર્યું એના કારણે ભાજપને ફાયદો થયો હોઈ શકે. દિલ્હીમાં કૉંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય કેજરીવાલ અને આપમાં અતિ આત્મવિશ્વાસ હતો એ બતાવે છે. આના ભાજપને ન મળનારા મત વિભાજિત થયા."

દિલ્હીની પાછલી વિધાનસભા ચૂંટણીમાં શું થયું હતું?

વર્ષ 2011માં કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીમાં આંદોલન થયું હતું અને તેનો મુખ્ય ચહેરો અન્ના હજાર હતા. અન્ના હજાર સાથે તેમાં અરવિંદ કેજરીવાલ પણ સામેલ હતા અને તેઓ સરાજાહેર કૉંગ્રેસની ટીકા કરતા હતા.

પરંતુ જેમ કહેવાય છે ને કે રાજકારણમાં કોઈ સ્થાયી દુશ્મન કે દોસ્ત નથી હોતું, એવી રીતે વર્ષ 2013માં અરવિંદ કેજરીવાલની આપે વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પોતાની પ્રથમ ચૂંટણીમાં જ પાર્ટીએ 70માંથી 28 બેઠકો મેળવી લીધી. કૉંગ્રેસે આપને સાથ આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા અને આ રીતે અરવિંદ કેજરીવાલ પ્રથમ વખત દિલ્હીના મુખ્ય મંત્રી બની ગયા.

વર્ષ 2013ની ચૂંટણીમાં ભાજપને 70માંથી 30 કરતાં વધુ બેઠકો મળી હતી. જોકે, એ બાદની ચૂંટણીઓમાં પાર્ટીની બેઠકો બે આંકડામાં પણ નહોતી પહોંચી શકી.

2013ની વિધાનસભાની ચૂંટણી બાદ આપને પાછા વળીને નહોતું જોવું પડ્યું, પાર્ટીએ વર્ષ 2015 અને 2020માં એકલા હાથે દિલ્હીમાં બહુમતીની સરકાર બનાવી.

વર્ષ 2013માં આપને 28 બેઠકો મળી હતી અને તેની મત ટકાવારી 29 ટકા હતી. જ્યારે કૉંગ્રેસનો વોટ શૅર લગભગ 25 ટકા ઘટ્યો હતો અને તેમને માત્ર આઠ બેઠકો જ મળી હતી. આ સિવાય ભાજપના ખાતામાં 30 ટકા કરતાં વધુ મત મળ્યા અને તેને 31 બેઠકો મળી હતી.

જોકે, વર્ષ 2013ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને વર્ષ 2015ની ચૂંટણીમાં માત્ર ત્રણ બેઠકો જ મળી. જોકે, ત્યારે પણ તેનો વોટ શૅર 30 ટકા કરતાં વધુ જ રહેવા પામ્યો હતો. સામેની બાજુએ આપને 67 બેઠકો મળી અને 50 ટકા કરતાં વધુ મત મળ્યા. કૉંગ્રેસ મત ટકાવારી માલે દસ ટકાનો આંકડો પણ નહોતી અડકી શકી.

વર્ષ 2020માં પણ આપે 60 કરતાં વધુ બેઠકો અને 50 ટકા કરતાં વધુ મત મેળવ્યા. ભાજપના ખાતામાં આઠ બેઠકો આવી, પરંતુ તેનો વોટ શૅર 30 ટકા કરતાં વધુ જળવાઈ રહ્યો હતો.

વર્ષ 2015 અને 2020ની ચૂંટણીમાં કૉંગ્રેસનું ખાતું પણ નહોતું ખૂલી શક્યું.

લોકસભાની ચૂંટણીમાં શું થયું?

વર્ષ 2014, 2019 અને 2024ની ત્રણેય લોકસબા ચૂંટણીમાં દિલ્હીની સાતેય લોકસભા બેઠકો ભાજપના ખાતામાં ગઈ હતી. જોકે, ભાજપ વિરુદ્ધ એકસંપ થયેલા વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'માં સામેલ કૉંગ્રેસ અને આપ 2024ની લોકસભા ચૂંટણી એક સાથે લડ્યાં, છતાં ભાજપને તમામ સાત સીટો પર જીત મળી હતી.

વર્ષ 2013ની દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવા માટે આપનો સાથ આપનારી કૉંગ્રેસ ફરી એક વાર 2024 લોકસભા ચૂંટણીમાં સાથે તેની સાથે આવી, પરંતુ અમુક મહિના બાદ જ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું કે તેઓ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકલા જ ચૂંટણીમેદાને ઊતરશે.

આ વખતની ચૂંટણીમાં ખૂબ ઓછું મતદાન નોંધાયું

દિલ્હીમાં મતદાનની ટકાવારીમાં ભારે ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2013માં મતદાન 66 ટકા હતું, વર્ષ 2015માં 67 ટકા, 2020માં 63 ટકા અને આ વખત મતદાનની ટકાવારી 60.4 ટકા રહેવા પામી હતી.

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પૈકી 12 અનામત છે અને બાકી 58 બેઠકો સામાન્ય છે.

દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાર છે. તેમાંથી 83.49 લાખ પુરુષ અને 71.74 લાખ મહિલા વોટર છે. દિલ્હીમાં પ્રથમ વખત વોટ કરનાર મતદારોની સંખ્યા બે લાખ છે.

ચૂંટણી ઠીક પહેલાં આતિશીને દિલ્હીનાં મુખ્ય મંત્રી બનાવાયાં હતાં અને કેજરીવાલ પોતાની ઉપર લાગેલા 'ભ્રષ્ટાચારના આરોપોને ખોટા સાબિત કરવા' જનતા વચ્ચે ગયા હતા.

જોકે, તેમની આ વ્યૂહરચના પણ દિલ્હીમાં સત્તા ટકાવી રાખવામાં કામ લાગી શકી નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.