અરવિંદ કેજરીવાલ : આંદોલનકારી નેતાથી મુખ્ય મંત્રી અને ચૂંટણીમાં હાર સુધીની કેજરીવાલની સફર

દિલ્હી વિધાનસભાનાં ચૂંટણી પરિણામોનાં વલણો જોતાં ભાજપ આગળ ચાલી રહ્યો છે અને કેજરીવાલે હાર સ્વીકારી લીધી છે.

અહીં આમ આદમી પાર્ટીના લગભગ 10 વર્ષના શાસનનો અંત આવતો જણાય છે. જોકે, પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓની હાર થઈ છે.

દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તેમની પરંપરાગત નવી દિલ્હી બેઠક પરથી હારી ગયા છે. પરિવર્તનની લહેરનું 12 વર્ષ બાદ પુનરાવર્તન થયું છે.

સમાજસેવક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા કેજરીવાલ ગણતરીનાં વર્ષોમાં દિલ્હીના મુખ્ય મંત્રી અને ભારતના મહત્ત્વના નેતાઓ પૈકી એક બની ગયા.

આ પરિણામોએ તેમની રાજકીય કારકિર્દી ઉપર પણ પ્રશ્નાર્થ ઊભો કર્યો છે.

સીએમપદેથી રાજીનામું, અંતની શરૂઆત?

અણ્ણા હજારેના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવ્યા હતા. એ પછી તેમણે આમ આદમી પાર્ટીની સ્થાપના કરી, જેમાં આંદોલન સમયના કેટલાક સાથીઓ પણ જોડાયા હતા.

વર્ષ 2013માં આપે રાજકીય પક્ષ તરીકે પહેલી વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી.

અરવિંદ કેજરીવાલે દિલ્હીનાં તત્કાલીન મુખ્ય મંત્રી શીલા દીક્ષિતને તેમના જ ગઢ નવી દિલ્હી બેઠક ઉપર પડકાર્યાં હતાં.

દીક્ષિત ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય મંત્રીપદે રહ્યાં હતાં અને વર્ષ 1998થી આ બેઠક (અગાઉની ગોલ માર્કેટ) પરથી ચૂંટાઈ આવતાં હતાં.

પોતાની પહેલી જ ચૂંટણીમાં અરવિંદ કજેરીવાલે દિલ્હીનાં તત્કાલીન મુખ્ય મંત્રી દીક્ષિતને હરાવ્યાં હતાં અને 'જાયન્ટ કિલર' બન્યા હતા.

12 વર્ષ 2025માં સમયનું ચક્ર પૂર્ણ થયું હતું. કેજરીવાલ તેમની પરંપરાગત નવી દિલ્હીની બેઠક પરથી હારી ગયા.

ભાજપના નેતા પ્રવેશ સાહિબસિંહ વર્માએ તેમને પરાજય આપ્યો હતો. પ્રવેશના પિતા સાહિબસિંહ દિલ્હીના મુખ્ય મંત્રીપદે રહ્યા હતા.

કેજરીવાલની સામે શીલા દીક્ષિતના દીકરા સંદીપ પણ ઉમેદવાર હતા. જોકે, તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને સપ્ટેમ્બર-2024માં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, એ પછી તેઓ બહાર આવ્યા.

તેમને ઈડી બાદ સીબીઆઈએ દાખલ કરેલા કેસમાં પણ જામીન મળ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટની શરતો મુજબ, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું.

જેલમાંથી છૂટ્યા બાદ તેમણે આજે પક્ષના કાર્યાલય પર કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. તેમણે આ સંબોધનમાં દિલ્હીના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

તેમના રાજીનામાની જાહેરાત સમયે દિલ્હીના લોકોને આમ આદમી પાર્ટીની પહેલી સરકારની યાદો તાજી થઈ ગઈ હતી.

ત્યારે કેજરીવાલના નેતૃત્વમાં પહેલીવાર જ્યારે દિલ્હીમાં આપે સરકાર બનાવી હતી અને તેમણે માત્ર 49 દિવસમાં રાજીનામું આપી દીધું હતું.

‘ભ્રષ્ટાચારવિરોધી આંદોલનથી તૈયાર કરી રાજકારણની જમીન’

બે ઑક્ટોબર, 2012ના રોજ અડધી બાંયનું ખમીસ, ઢીલું પૅન્ટ અને માથે ‘મૈં હુ આમ આદમી’ લખાણવાળી ટોપી પહેરીને કેજરીવાલ કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં મંચ પર આવ્યા.

તેમની પાછળ મનીષ સિસોદિયા, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર યાદવ, કુમાર વિશ્વાસ, ગોપાલ રાય અને ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં તેમની સાથે રહેલા અન્ય ઘણા લોકો બેઠા હતા.

રાજકારણમાં પદાર્પણની જાહેરાત કરતાં કેજરીવાલે કહ્યું, “આજે અમે આ મંચ પરથી એલાન કરવા માગીએ છીએ કે હા અમે હવે ચૂંટણી લડી બતાવશું. આજથી દેશની જનતા ચૂંટણીલક્ષી રાજકારણમાં ઝંપલાવી રહી છે અને તમે હવે તમારી ઊંધી ગણતરી ચાલુ કરી દો.”

તેમણે કહ્યું, “અમારી સ્થિતિ એ અર્જુનની માફક છે, જે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો છે અને તેની સામે બે દુવિધા છે, એક તો છે હારને લઈને મનમાં પ્રશ્ન અને બીજી એ કે સામે ઊભેલા લોકો મારા પોતાના છે. ત્યારે અર્જુનને કૃષ્ણે કહેલું કે, હાર અને જીતની ચિંતા છોડ અને લડ.”

ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનને રાજકીય પાર્ટીમાં તબદીલ કર્યા બાદ કેજરીવાલ ન માત્ર ચૂંટણી લડ્યા અને જીત્યા, પરંતુ ત્રીજી વખત દિલ્હીના મુખ્ય મંત્રી બનીને તેમણે દેખાડી દીધું હતું કે કેજરીવાલ એક એવા નેતા પૈકીના એક છે, જેમની પાસે ‘મોદી મૅજિક’નો તોડ છે.

ભારતીય રાજસ્વ સેવાના અધિકારી અને આઇઆઇટીના વિદ્યાર્થી રહેલા કેજરીવાલે પોતાની રાજકીય જમીન વર્ષ 2011ના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં તૈયાર કરી હતી. પરંતુ એક સામાજિક કાર્યકર્તા તરીકે તેઓ પોતાની અલગ ઓળખ એ પહેલાં જ બનાવી ચૂક્યા હતા.

વર્ષ 2002ના શરૂઆતના મહિનાઓમાં કેજરીવાલ ભારતીય રાજસ્વ સેવામાંથી રજા મેળવીને દિલ્હીના સુંદરનગરી વિસ્તારમાં સમાજસેવા કરવા લાગ્યા.

ત્યાં જ કેજરીવાલે એક બિનસરકારી સંગઠન સ્થાપિત કર્યું, જેને ‘પરિવર્તન’ નામ આપ્યું. કેજરીવાલ પોતાના અમુક મિત્રો સાથે મળીને આ વિસ્તારમાં પાયાનો ફેરફાર લાવવા માગતા હતા.

અમુક મહિના બાદ ડિસેમ્બર, 2002માં કેજરીવાલની સંસ્થાએ શહેરી ક્ષેત્રના વિકાસના મુદ્દે પ્રથમ જનસુનાવણી હાથ ધરી. એ સમયે પૅનલમાં જસ્ટિસ પી. બી. સાવંત, માનવાધિકાર કાર્યકર્તા હર્ષ મંદર, લેખિકા અરુંધતિ રૉય, માહિતીના અધિકાર માટેનાં કાર્યકર અરુણા રાય જેવાં લોકો સામેલ હતાં.

કેજરીવાલનું ‘પરિવર્તન’

આગામી અમુક વર્ષ સુધી કેજરીવાલ ઉત્તર પ્રદેશની સીમા સાથે જોડાયેલા પૂર્વ દિલ્હીના આ વિસ્તારમાં વીજળી, પાણી અને રૅશન જેવા મુદ્દા પર પાયાનું કામ કરતા રહ્યા.

તેમની સૌપ્રથમ વખત મોટી ઓળખ ત્યારે ઊભી થઈ જ્યારે વર્ષ 2006માં તેમને ‘ઊભરતા નેતૃત્વ’ માટે રેમન મૅગ્સેસે ઍવૉર્ડ એનાયત કરાયો.

એ સમયે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા અને તેમની સાથે કામ કરી ચૂકેલા અમિત મિશ્રાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “અરવિંદ ઘણા સ્ટ્રેટ ફૉરવર્ડ માણસ હતા. તેઓ સ્પષ્ટવક્તા હતા, કિંતુ-પરંતુની કોઈ શક્યતા નહોતી. હા, તેઓ લૉજિકલ તર્ક જરૂર સાંભળતા. એ સમયે અમે પરિવર્તન અંતર્ગત મોહલ્લા સભા કરતા. મોહલ્લા સભા દરમિયાન અમે લોકલ ગવર્નન્સ પર પણ ચર્ચા કરતા. અમે લોકોની સભામાં અધિકારીઓને બોલાવીને તેમનાથી સવાલ કરતા.”

અમિત યાદ કરતાં કહે છે કે, “અરવિંદ એ સમયે નાની નાની નીતિ ઘડતા અને અધિકારી અને નેતાઓને મળતા. ક્યારેક ઝઘડી પણ લેતા. તેઓ સમય માગીને નેતાઓને મળતા, તેમની કોશિશ રહેતી કે તેમના ઉઠાવેલા મુદ્દાને લઈને સંસદમાં સવાલ પૂછવામાં આવે.”

કેજરીવાલ આગામી ઘણાં વર્ષો સુધી સુંદરનગરીમાં પાયાના મુદ્દા પર કામ કરતા રહ્યા. માહિતીના અધિકાર માટે ચાલી રહેલા અભિયાનમાં પણ તેમની સક્રિય ભૂમિકા રહી હતી.

અમિત જણાવે છે કે, “સુંદરનગરી વિસ્તારના લોકો અને તેમની સમસ્યાઓ સમજવા માટે અરવિંદ કેજરીવાલ એક ઝૂંપડી ભાડે રાખીને રહ્યા. તેઓ લોકોની પાયાની જરૂરિયાતો સમજ્યા. તેમની કોશિશ એવી જ રહેતી કે તેઓ લોકોની જરૂરિયાતોને સરકારની નીતિમાં સામેલ કરી શકે.”

વર્ષ 2010માં દિલ્હીમાં થયેલી કૉમનવેલ્થ ગેમ્સના આયોજનમાં થયેલા કથિત ગોટાળાના સમાચાર મીડિયામાં આવ્યા બાદ લોકોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અભિયાન શરૂ થયું અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા. દિલ્હી અને દેશના ઘણા વિસ્તારોમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનસભા થવા લાગી.

‘ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના આર્કિટેક્ટ’

એપ્રિલ 2011માં ગાંધીવાદી સમાજસેવી અન્ના હજારેએ દિલ્હીના જંતરમંતર ખાતે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનલોકપાલની માગને લઈને ધરણાં શરૂ કર્યાં. મંચ પર અન્ના હતા તો પાછળ કેજરીવાલ. દેશના અલગઅલગ ભાગોથી આવેલા નવયુવકો આ આંદોલનમાં જોડાયા હતા. દરેક પસાર થતા દિવસ સાથે પ્રદર્શનમાં ભીડ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લોકોનો આક્રોશ વધતો જતો હતો.

9 એપ્રિલના રોજ અન્નાએ અચાનક પોતાના અનિશ્ચિતકાળના અનશનને ખતમ કરી દીધું. જુસ્સે ભરાયેલા યુવાનોની ભીડે અડધી બાંયના ખમીસ પહેરેલી એક નાના કદની વ્યક્તિને ઘેરી લીધી. એ કેજરીવાલ જ હતા. યુવા ભારત માતાની જય અને ઇંકલાબ જિંદાબાદ જેવા નારા લગાવી રહ્યા હતા. તેમને પૂછી રહ્યા હતા કે અન્નાએ કેમ અનશન સમાપ્ત કરી દીધું, કેજરીવાલ ખામોશ હતા.

કેજરીવાલ આ સમય સુધી ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના ‘આર્કિટેક્ટ’ બની ચૂક્યા હતા. આગામી અમુક મહિનામાં તેમણે ‘ટીમ અન્ના’નો વિસ્તાર કર્યો. સમાજના દરેક વર્ગના લોકોને તેમાં જોડ્યા, સૂચનો માગ્યાં અને એક મોટા જનાદોલનનની પરિકલ્પના ઘડી.

તે બાદ ઑગસ્ટ, 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં જનલોકપાલ માટે અન્ના હજારેનું મોટું આંદોલન શરૂ થયું. માથે ‘મૈં અન્ના હું’ની ટોપી પહેરીને ભીડ એકઠી થવા લાગી. મીડિયાએ આને અન્ના ક્રાંતિનું નામ આપેલું. કેજરીવાલ આ ક્રાંતિના ચહેરા બની ગયા. પત્રકાર તેમને ઘેરવા માંડ્યા, ટીવી પર તેમનાં ઇન્ટરવ્યૂ ચાલવા લાગ્યાં.

પરંતુ આંદોલનથી એ હાંસલ ન થયું, જે કેજરીવાલ ઇચ્છતા હતા. હવે કેજરીવાલે દિલ્હીના અલગઅલગ વિસ્તારોમાં મોટી સભા કરવાનું શરૂ કરી દીધું.

તેઓ મંચ પર આવીને નેતાઓ પર શાબ્દિક પ્રહાર કરતા. તેમના કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતા. તેમની છબિ એક ઍન્ગ્રી યંગ મૅનની બની ગઈ, જેઓ વ્યવસ્થાથી હતાશ હતા અને બદલાવ ઇચ્છતા હતા. દેશના હજારો યુવાનો પોતાની જાતને તેમની સાથે જોડી રહ્યા હતા.

‘કૉલેજમાં ક્યારેય રાજકારણ પર વાત સુધ્ધાં નહોતી કરી’

કેજરીવાલે પોતાનાં મોટાં ધરણાં જુલાઈ 2012માં ‘અન્ના હજારેના માર્ગદર્શન’ હેઠળ જંતરમંતર પર શરૂ કર્યાં. અત્યાર સુધી તેમના અને તેમના કાર્યકર્તાનાં માથે ‘મૈં અન્ના હું’ની ટોપી હતી અને મુદ્દો પણ ભ્રષ્ટાચાર અને જનલોકપાલનો જ હતો.

જનતાને સડક પર ઊતરવાનું આહ્વવાન કરતાં કેજરીવાલે કહ્યું, “જે દિવસે આ દેશની જનતા જાગી જશે અને રસ્તા પર ઊતરશે તો મોટી સત્તાને ઉઠાવીને ફેંકી શકે છે.”

આ ધરણામાં કેજરીવાલની હિંમત વધારવા માટે અન્ના હજારે પણ જંતરમંતર પહોંચ્યા હતા.

કેજરીવાલનું વજન ઘટતું ગયું અને દેશમાં તેમની ઓળખ વધતી ગઈ. જ્યારે કેજરીવાલનું આ અનશન ખતમ થયું તો એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે. એ અલગ વાત છે કે તેઓ વારંવાર કહેતા રહેતા કે તેઓ ક્યારેય ચૂંટણીલક્ષી રાજકારણમાં નહીં આવે.

અત્યાર સુધી રસ્તા પર સંઘર્ષ કરીને પોતાની ઓળખ બનાવી ચૂકેલા કેજરીવાલે દસ દિવસ ચાલનારું પોતાનું અનશન ખતમ કરતાં કહ્યું કે, “નાની લડાઈથી મોટી લડાઈ તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદનું શુદ્ધીકરણ કરવાનું છે. હવે આંદોલન સડક પર પણ થશે અને સંસદ પર પણ થશે. સત્તાને દિલ્હીથી ખતમ કરીને દેશનાં દરેક ગામડાં સુધી પહોંચાડવાની છે.”

કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે હવે તેઓ પાર્ટી બનાવશે અને ચૂંટણીલક્ષી રાજકારણમાં ઊતરશે. તેમણે દાવો કર્યો હતો કે, “એ પાર્ટી નહીં, એ આંદોલન હશે, એમાં કોઈ મોવડી મંડળ નહીં હોય.”

કેજરીવાલ રાજકારણમાં આવવાનો નિર્ણય જાહેર કરી રહ્યા હતા અને પ્રદર્શનમાં સામેલ ભ્રષ્ટાચારવિરોધી કાર્યકર્તાના ચહેરાના ભાવ બદલાઈ રહ્યા હતા. ઘણા કાર્યકરોએ જ્યાં આ નિર્ણયને સ્વીકાર્યો અને આગળની લડાઈ માટે પોતાની જાતને તૈયાર કરી તો બીજી તરફ અમુક એવા પણ હતા જેમણે તેમના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા.

કેજરીવાલના રાજકારણમા આવવાના નિર્ણયને યાદ કરતાં અમિત કહે છે કે, “શરૂઆતમાં અરવિંદ હંમેશાં કહેતા કે મારો રાજકારણમાં આવવાનો કોઈ ઇરાદો નથી. તેઓ કહેતા કે જો હૉસ્પિટલમાં ડૉક્ટર ઇલાજ ન કરે તો એનો અર્થ એ નથી કે આપણે જ ડૉક્ટર બની જવું. પરંતુ જ્યારે જનલોકપાલ આંદોલન દરમિયાન દરેક તરફથી નિરાશા પ્રાપ્ત થતા અરવિંદે નિર્ણય કર્યો કે તેઓ રાજકારણમાં આવશે.”

પરંતુ રાજકારણમાં ક્યારેય નહોતા જવા માગતા. આઇઆઇટીમાં તેમની સાથે રહેલા તેમના મિત્ર રાજીવ સરાફ કહે છે કે, “કૉલેજના ટાઇમે અમે ક્યારેય રાજકારણ પર વાત નહોતી કરી. મને યાદ નથી આવતું કે ચાર વર્ષ અમે ક્યારેય રાજકારણ પર કોઈ વાત કરી હોય. જ્યારે અરવિંદને અમે રાજકારણી તરીકે જોયો તો એ વાત ખૂબ જ આશ્ચર્યચકિત કરનારી હતી.”

સરાફ કહે છે કે, “પરંતુ તેમની પોતાની યાત્રા રહી છે. કૉલેજ બાદ તેઓ કોલકાતામાં નોકરી કરી રહ્યા હતા. જ્યાં તેઓ મધર ટેરેસાના સંપર્કરમાં આવ્યા. તે બાદ તેઓ આઇઆરએસમાં ગયા અને ત્યાં તેમણે જોયું કે ઘણો ભ્રષ્ટાચાર છે. મને લાગે છે કે રાજકારણમાં આવવું એ તાર્કિક ઉકેલ હતો, એવું નહોતું કે તેઓ પહેલાંથી નક્કી કરીને તેઓ રાજકારણમાં આવ્યા.”

સત્તામાં કેજરીવાલ

કેજરીવાલ ટૂંક સમયમાં લોકપાલ બિલ પસાર કરવા માગતા હતા, પરંતુ ગઠબંધન સરકારમાં ભાગીદાર કૉંગ્રેસ તૈયાર નહોતી. અંતે 14 ફેબ્રુઆરી, 2014ના રોજ કેજરીવાલે દિલ્હીના સીએમ પદેથી રાજીનામું આપી દીધું અને પછી રસ્તા પર ઊતરી ગયા.

કેજરીવાલે કહ્યું કે, “મને જો સત્તાનો લોભ હોત, તો મુખ્ય મંત્રીપદ ન છોડ્યું હોત. મેં સિદ્ધાંતોને કારણે એ પદ છોડ્યું છે.”

અમુક મહિના બાદ લોકસભા ચૂંટણી થવાની હતી. કેજરીવાલ બનારસ પહોંચી ગયા, નરેન્દ્ર મોદીને પડકારવા. પોતાના નામાંકન પહેલાં આપેલા ભાષણમાં તેમણે કહ્યું, “મિત્રો, મારી પાસે તો કંઈ નથી, હું તમારા પૈકી જ એક છું, આ મારી લડાઈ નથી, આ લડાઈ એ બધાની છે, જે ભ્રષ્ટાચારમુક્ત ભારતનું સ્વપ્ન જુએ છે.”

બનારસમાં કેજરીવાલ ત્રણ લાખ 70 હજાર કરતાં વધુ મતોથી હાર્યા. તેમને ખબર પડી ચૂકી હતી કે રાજકારણમાં લાંબી રેસ માટે પહેલાં નાના મેદાનમાં પ્રૅક્ટિસ કરવી પડશે અને પછી તેમણે દિલ્હીમાં જ મન લગાવ્યું.

નિરાશ પાર્ટી કાર્યકર્તાઓ માટે એક નિવેદન જાહેર કરીને કેજરીવાલે કહ્યું, “આપણી પાર્ટી હજુ નવી છે, ઘણા સ્ટ્રક્ચર ઢીલાં છે, આપણે બધાએ મળીને આ સંગઠન તૈયાર કરવાનું છે. આવનારા સમયમાં આપણે સાથે મળીને સંગઠનને મજબૂત કરીશું, મને આશા છે કે આ સંગઠન આ દેશને ફરી વાર આઝાદ કરાવવામાં મોટી ભૂમિકા ભજવશે.”

કેજરીવાલે એકદમ સામાન્ય માણસનું સ્વરૂપ ધારણ કરી લીધું. તેઓ સાદાં કપડાં પહેરીને વૅગનઆર કારમાં અવરજવર કરતા, ધરણાં દેતા, લોકો વચ્ચે પહોંચી જતા.

આ દરમિયાન એક વીડિયો જાહેર કરીને કેજરીવાલે કહ્યું, “હું તમારા પૈકી એક છું, હું અને મારો પરિવાર તમારી જેમ જ છીએ, તમારી માફક જ રહીએ છીએ, હું અને મારો પરિવાર તમારી માફક જ આ સિસ્ટમની અંદર રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.”

અને એ જ દરમિયાન ખાંસતાં કેજરીવાલનું મફલરમૅનવાળું સ્વરૂપ સામે આવ્યું. ગળામાં મફલર નાખીને ફરતા કેજરીવાલ જ્યાં જગ્યા મળે ત્યાં જનસભા કરી દેતા.

દિલ્હી માટે થયેલી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલે દિલ્હીની જનતાથી પૂર્ણ બહુમતની માગણી કરી અને જનતાએ પણ તેમને ઐતિહાસિક જીત આપી. 70માંથી 67 બેઠકો જીતીને કેજરીવાલે 14 ફેબ્રુઆરી 2015ના રોજ ફરી દિલ્હીના મુખ્ય મંત્રીપદના શપથગ્રહણ કર્યા.

આ વખત તેમની પાસે પૂર્ણ કરતાં પણ વધુ બહુમત હતો. વાયદા પૂર્ણ કરવા માટે પાંચ વર્ષનો સમય હતો.

પાંચ વર્ષ તેમણે દિલ્હીની સ્વાસ્થ્ય, શિક્ષણ અને અન્ય સાર્વજનિક સેવાઓ પર કામ કરવામાં લગાવ્યાં. વચ્ચે-વચ્ચે તેઓ કેન્દ્ર સરકાર પર સહયોગ ન કરવાના આરોપ કરતા રહેતા. વીજળી-પાણી મફત કરવા જેવી યોજનાઓ લાગુ કરી. વારંવાર તેઓ પોતાની જાતને ‘ઇમાનદારી’નું સર્ટિફિકેટ આપતા રહ્યા.

2020માં ફરીથી તેમણે દિલ્હીમાં 70માંથી 62 બેઠકો મેળવીને સરકાર રચી.

દિલ્હીની બહાર નીકળવા વર્ષોથી મહેનત કરી રહેલી આમ આદમી પાર્ટીએ 2022માં પંજાબમાં 117માંથી 92 બેઠકો મેળવી સરકાર રચી. એ જ વર્ષે ગોવા વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો અને ગુજરાતમાં 5 બેઠકો જીતી આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પણ મળી ગયો.

આપ આજે ભાજપ અને કૉંગ્રેસ સિવાય દેશની એકમાત્ર પાર્ટી છે જેની બે રાજ્યોમાં સરકાર છે. તેના કેટલાક રાજ્યસભા સાંસદો પણ છે.

પોતાની આ ત્રીજી ટર્મમાં પણ ઉપરોક્ત તમામ સેવાઓ વધુ ધારદાર બનાવવાનો તેઓ દાવો કરતા રહ્યા, પરંતુ પાછલાં થોડાં વર્ષોથી તેમના મંત્રીમંડળના કેટલાક લોકો સહિત તેમના પર પણ દિલ્હીની નવી શરાબનીતિ મામલે આરોપ લાગવા માંડ્યા. જેમાં હાલ તેમની ધરપકડ કરાઈ હતી.

તેમના સહિત પક્ષના તમામ મોટા નેતાઓ જેલમાં જઈ આવ્યા અને હાલમાં તેમને જામીન પણ મળી ચૂક્યા છે.

જોકે, કેજરીવાલ આ તમામ આરોપોને ‘રાજકારણપ્રેરિત’ ગણાવતા રહ્યા છે.

આ સિવાય જે કેજરીવાલે નક્કી કરેલું કે તેઓ ક્યારેય લાલ બત્તીવાળી ગાડીનો ઉપયોગ નહીં કરે, સામાન્ય ઘરમાં રહેશે અને વૅગનઆર કારમાં ફરશે, તેઓ પર જ પાછળથી લક્ઝરી કાર રાખવાના અને આવાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાના આરોપ પણ લાગ્યા.

જે પાર્ટીનું ગઠન કરતાં તેમણે કહેલું કે તેમાં કોઈ મોવડી મંડળ નહીં હોય, હવે જાણકારો માને છે કે તેઓ એકલા જ આ પાર્ટીના હાઇકમાન બની ચૂક્યા છે. તેમના પર આરોપ લાગતા રહ્યા છે કે પાર્ટીમાં જે નેતાઓનું કદ તેમના સમાન થઈ શકવાની સંભાવના હતી, એ તમામને કાં તો એક-એક કરીને કાઢી નખાય અથવા તો તેઓ જાતે જતા રહ્યા.